ભાસ્કર એક્સપ્લેનર:IPL ચેમ્પિયન ચેન્નઈને 20 કરોડ મળ્યા, જાણો કોના પર કેટલી થઈ ધનવર્ષા, સૌથી વધુ અવૉર્ડ કોણે જીત્યા?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરાટ કોહલીનો એક રન 4 લાખ 19 હજારનો!
  • ફાઈનલમાં પહોંચ્યા બાદ CSK અને KKRની બ્રાન્ડ વેલ્યુમાં વધારો થવાની સંભાવના

IPLની 14મી સીઝનના ચેમ્પિયન મળી ગયા છે. 9મી વખત ફાઈનલમાં પહોંચેલી ચેન્નઈ સુપરકિંગ્સે ચોથી વખત ટ્રોફી પોતાને નામ કરી છે. ચેમ્પિયન ચેન્નઈને ટ્રોફી સાથે 20 કરોડ અને રનર-અપ કોલકાતાને 12.50 કરોડ રુપિયા પ્રાઈઝ મની મળ્યા. ફાઈનલ મેચના મેન ઓફ ધ મેચ ડુપ્લેસિસને 5 લાખ રુપિયા મળ્યા. સૌથી વધુ વિકેટ ઝડપનારા RCBના હર્ષલ પટેલને પર્પલ કેપની સાથે 10 લાખ રુપિયા મળ્યા. પટેલે સીઝનની સૌથી વધુ વિકેટ ઝડપી. તેણે પર્પલ કેપ સાથે ગેમચેન્જર ઓફ ધ સીઝન અને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝનનો અવૉર્ડ જીત્યો. આ દરેક અવૉર્ડ માટે તેને 10-10 લાખ રુપિયા મળ્યા.

સૌથી વધુ રન બનાવનાર ચેન્નઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડને ઓરેન્જ કેપ મળી. ગાયકવાડે 16 મેચમાં 635 રન બનાવ્યા. ઓરેન્જ કેપની સાથે ગાયકવાડને 10 લાખ રુપિયા પણ મળ્યા. બીજા નંબરે તેનો ઓપનિંગ પાર્ટનર ફાફ ડુપ્લેસિસ રહ્યો. તેણે આ સીઝનમાં 633 રન બનાવ્યા.

IPLનો સૌથી મોંઘો ખેલાડી વિરાટ કોહલી છે. RCBના કેપ્ટન કોહલીને ફ્રેન્ચાઈઝી એક સીઝન માટે 17 કરોડ રુપિયા આપે છે. વિરાટે આ સીઝનમાં કુલ 405 રન બનાવ્યા, એટલે કે તેનો એક રન 4 લાખ 19 હજાર રૂપિયામાં પડ્યો.

2020માં BCCIએ પ્રાઈઝ મની અડધા કર્યા હતા, પરંતુ બાદમાં નિર્ણય બદલ્યો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2020ની શરુઆતમાં કોસ્ટ કટિંગને ધ્યાનમાં રાખીને કડક નિર્ણયો લીધા હતા. બોર્ડે માર્ચ 2020માં પ્રાઈઝ મની અડધા કરવાનો નિર્ણય લીધો. જોકે ફાઈનલ બાદ બોર્ડે પોતાનો આ નિર્ણય બદલી લીધો અને વિજેતાને 2019ની જેમ જ 20 કરોડ રુપિયા મળ્યા, જ્યારે રનર-અપને 12.5 કરોડ રુપિયા મળ્યા. પ્લે-ઓફમાં હારનારી ટીમને 8.75 કરોડ રુપિયા મળ્યા. આ વખતે ઈનામની રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સૌથી મોંઘા 8 ખેલાડીમાંથી માત્ર ધોની જ ફાઈનલનો ભાગ બન્યો
IPLના આ વખતે સૌથી મોંઘા 8 ખેલાડીમાંથી 7 ખેલાડી એવા હતા, જેમને 15 કરોડ રૂપિયા કે તેથી વધુ સેલરીની મળી હતી. આઠમા નંબરના ગ્લેન મેક્સવેલને RCBએ 14.25 કરોડમાં ખરીદ્યો હતો. આ 8 ખેલાડીમાં ચાર બેટ્સમેન, ત્રણ બોલિંગ ઓલરાઉન્ડર અને એક બેટિંગ ઓલરાઉન્ડરમાં સામેલ હતા.

ચાર બેટ્સમેનમાં 17 કરોડ સેલરીવાળા વિરાટ કોહલી અને 15 કરોડ સેલરીવાળા રિષભ પંતે 400થી વધુ રન બનાવ્યા. 15-15 કરોડની સેલરી ધરાવતા રોહિત શર્મા અને એમ.એસ.ધોનીએ બેટિંગમાં સારો દેખાવ કર્યો નથી. રોહિતે 300થી વધુ રન બનાવ્યા, જ્યારે ધોની 150નો આંકડો પણ સ્પર્શી શક્યો ન હતો.

બેટિંગ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ 500થી વધુ રન બનાવનારા બેટ્સમેનના લિસ્ટમાં સામેલ હતો. મેક્સવેલે 3 વિકેટ પણ લીધી છે. બોલિંગ ઓલરાઉન્ડરોમાં ક્રિસ મોરિસે 15 વિકેટ લીધી અને 63 રન પણ બનાવ્યા. જ્યારે RCBના કાઈલ જેમિસને 9 મેચમાં 9 વિકેટ લીધી. જેમિસનને RCBએ 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

KKRના પેન્ટ કમિન્સે IPLના સેકન્ડ ફેઝમાં ભાગ લીધો નહોતો. પહેલા લેગમાં તેણે 7 મેચમાં 7 વિકેટ લીધી હતી. 93 રન પણ બનાવ્યા હતા.

2020માં જે બે ફ્રેન્ચાઈઝીની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ ઘટી હતી એ આ વખતે ફાઈનલ રમી
2020માં કોરોનાના લીધે IPLની બ્રાન્ડ વેલ્યુ ઘટી ગઈ હતી. તેમાં પણ ચેન્નઈ અને KKRની બ્રાન્ડ વેલ્યુને સૌથી વધુ નુકસાન થયું. ચેન્નઈની બ્રાન્ડ વેલ્યુ અગાઉના વર્ષે 16.5% ઘટી અને KKRની બ્રાન્ડ વેલ્યુ 13.7% ઘટી. જોકે તેમાં કોરોનાથી વધુ આ ટીમોનું પ્રદર્શન કારણ રહ્યું. ચેન્નઈને જ્યાં IPLના ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું, જ્યારે કોલકાતાનું પ્રદર્શન પણ કઈ ખાસ નહોતું રહ્યું. કોલકાતાને મોટા પ્લેયર્સ ન હોવાથી નુકસાન થયું.

આ વખતે બન્ને ટીમો ફાઈનલમાં પહોંચી. એનાથી તેમની બ્રાન્ડ વેલ્યુમાં મોટો વધારો થઈ શકે છે. ફેબ્રુઆરી-માર્ચ સુધી જ્યારે 2021ની બ્રાન્ડ વેલ્યુ રિપોર્ટ આવશે ત્યારે આનો સટીક આંકડો સામે આવશે.

અન્ય સમાચારો પણ છે...