ભાસ્કર એક્સપ્લેનર:કોરોનાની વેક્સિન લીધા બાદ પણ ઇન્ફેક્શન થઈ રહ્યું છે; આ અંગે નિષ્ણાતો શું કહે છે એ જાણો

6 મહિનો પહેલાલેખક: રવિન્દ્ર ભજની
 • કૉપી લિંક

બિહારથી સમાચાર છે કે પટનામાં કોવિડ-19 વેક્સિનના બે ડોઝ લેનારા 187 હેલ્થવર્કર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ લોકોએ એક મહિના પહેલાં જ બીજો ડોઝ લીધો હતો. બીજા ડોઝના 14 દિવસ બાદ એન્ટિબોડી બની જવી જોઈતી હતી, તેમ છતાં આ લોકો પોઝિટિવ આવ્યા. આ અંગે બિહારના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે વેક્સિન લીધા પછી પણ ઈન્ફેક્શનનું જોખમ યથાવત્ રહે છે.

દેશમાં એક એપ્રિલથી તમામ 45+ને વેક્સિન લગાવવામાં આવી રહી છે. તેમ છતાં કોરોનાની બીજી લહેરમાં ઈન્ફેક્શનની સંખ્યા વધી રહી છે. બિહારમાં સામે આવેલા નવા કેસોએ ચિંતા વધારી દીધી છે. આવી સ્થિતિમાં અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, જેમ કે- શું ખરેખર વેક્સિન ઈન્ફેક્શન રોકવામાં અસરકારક નથી? વેક્સિન વાયરસથી પ્રોટેક્શન આખરે કેટલા દિવસો બાદ આપી રહી છે? શું વેક્સિન લેવાનો કોઈ ફાયદો છે? આ બધું જાણીએ નિષ્ણાતો પાસેથી...

શું વેક્સિનેશન બાદ કોરોના ઈન્ફેક્શન થવાની શક્યતા છે?

 • હા. દરેક વેક્સિનની પોતાની એક એફિકેસી હોય છે, જે હજારો લોકોની વચ્ચે હાથ ધરવામાં આવતી ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલ્સથી જાણવા મળે છે. એના આધારે નક્કી થાય છે કે વેક્સિન વાયરસને કેટલી હદ સુધી પ્રોટેક્શન આપી શકે છે. ભારતમાં ઉપયોગ થઈ રહેલી કોવેક્સિનની એફિકેસી 81% છે, એટલે જો કોઈએ આ વેક્સિન લીધી છે તો તેને ઈન્ફેક્શન થવાની સંભાવના 81% સુધી ઘટી જાય છે. એનો અર્થ એ થયો કે વેક્સિન લીધા બાદ ઈન્ફેક્શન થશે નહીં. એવી જ રીતે કોવિશીલ્ડની એફિકેસી 62%થી 80% સુધી છે. એ બે ડોઝ વચ્ચેના તફાવત પર નિર્ભર કરે છે.
 • વેક્સિન એક્સપર્ટ ડૉ. ચંદ્રકાંત લહારિયાના જણાવ્યા અનુસાર, વેક્સિન લીધા બાદ પણ વાયરસ ઈન્ફેક્ટ કરી શકે છે. એનાથી એ સાબિત નથી થતું કે વેક્સિન ખરાબ છે. સારી વાત એ છે કે જેણે વેક્સિન લીધી હોય, તેને ગંભીર લક્ષણો નહીં હોય. હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર નહીં પડે. ઈન્ફેક્શન સામાન્ય શરદી-તાવ જેવું હશે. જોકે બિહારના કિસ્સામાં એક જ શહેરમાં આટલા પોઝિટિવ કેસ સામે આવવા એ કોઈ સામાન્ય બાબત નથી. થઈ શકે છે કે વેક્સિનની કોલ્ડચેન બ્રેક થઈ હોય, જેનાથી એની અસર ઘટી ગઈ હોય. એની તપાસ કરવી પડશે, ત્યારે જ દાવાની સાથે કંઇક કહી શકાશે.
 • બેંગલુરુના એસ્ટર સીએમઆઈ હોસ્પિટલમાં ઈન્ટર્નલ મેડિસન કન્સલ્ટન્ટ ડૉ. વૃન્દાનું કહેવું છે કે શક્ય છે કે વેક્સિનેશન બાદ પણ કોઈ કોરોનાનો ભોગ બની જાય. આ જ કારણથી અમે મેડિકલ પ્રોફેશનલ વેક્સિન લગાવ્યા બાદ પણ લોકોને કોરોના સાથે સંબંધિત સાવચેતી રાખવા સલાહ આપી રહ્યા છીએ.

સામાન્ય રીતે વેક્સિનની અસર કેટલા દિવસમાં શરૂ થઈ જાય છે?

 • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના FAQsના અનુસાર, વેક્સિનની અસર બીજા ડોઝના 14 દિવસ બાદ અસરકારક હોય છે, એટલે કે તેના બાદ શરીરમાં એટલી એન્ટિબોડી હોય છે કે તે વાઈરસની સામે લડી શકે. કોવેક્સિનના બે ડોઝમાં 28 દિવસનું અંતર રાખવામાં આવે છે, જ્યારે કોવિશીલ્ડના બે ડોઝમાં 6થી 8 સપ્તાહ સુધીનું અંતર નક્કી કરવામાં આવ્યું છે.
 • તેથી સીધી વાત છે કે જો કોવેક્સિનના બે ડોઝ 28 દિવસના અંતર સાથે લેવામાં આવે છે તો 42મા દિવસ બાદ શરીરમાં વેક્સિનની અસર શરૂ થવાની અપેક્ષા રાખી શકાય છે. તેમજ કોવિશીલ્ડને 42થી 56 દિવસના અંતરથી લગાવવામાં આવે તો 56થી 70 દિવસ બાદ અસર થવા લાગે છે.
 • ડૉ. લહારિયાના અનુસાર, કોવિશીલ્ડના બે ડોઝમાં જો 12 સપ્તાહનું અંતર રાખવામાં આવે છે તો એની અસરકારકતા સૌથી વધુ એટલે કે 80% સુધી રહે છે. એને કારણે જ ગત મહિને સરકારે નક્કી કર્યું કે કોવિશીલ્ડના બે ડોઝની વચ્ચેનું અંતર વધારવામાં આવે, નહીં તો પહેલાં આ વેક્સિન પણ 28 દિવસના અંતર પછી આપવામાં આવી રહી હતી.
 • ડૉ. વૃન્દાના જણાવ્યા પ્રમાણે, પહેલો ડોઝ લગાવ્યા બાદ ઈમ્યુનિટી રિસ્પોન્સ શરૂ થાય છે અને 2-3 સપ્તાહમાં ઈમ્યુનિટી ડેવલપ થવાનું શરૂ થાય છે. કેટલાંક સપ્તાહ બાદ ઈમ્યુનિટી કમજોર થવા લાગે છે, જેને અમે બૂસ્ટર ડોઝ આપીને વધારીએ છીએ. ઈમ્યુનિટી દર્દીઓના સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. વેક્સિનની એફિકેસી 80% છે તો પણ 10માંથી 2 લોકોને ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે.

કેવી રીતે એ જાણવું કે વેક્સિનથી શરીરમાં એન્ટિબોડી બની છે કે નહીં?

 • હકીકતમાં એન્ટિબોડી એક પ્રકારનું પ્રોટીન છે, જે વાયરસને ઓળખે છે અને તેની સામે લડવા માટે શરીરને તૈયાર કરે છે. જો કોઈને કોરોનાનું ઈન્ફેક્શન થાય છે તો તેના શરીરમાં એન્ટિબોડી પણ હશે. એનો સ્તર વિવિધ વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે છે. ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ અનુસાર, 10-1000 IU (ઈન્ટરનેશનલ યુનિટ) એન્ટિબોડીને વાયરસની વિરુદ્ધ સારું પ્રોટેક્શન માનવામાં આવે છે.
 • એ જરૂરી નથી કે દરેક વેક્સિનની તમામ લોકો પર એક જેવી અસર દેખાય. જેવી રીતે પાંચ આંગળી એકસમાન નથી, એવી જ રીતે બધાનું શરીર પણ એક જેવું નથી હોતું. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, એવું નથી કે વેક્સિનનો ડોઝ લીધો અને શરીરમાં વાયરસની સામે લડવા માટે એન્ટિબોડી બની જાય, એમાં સમય લાગી શકે છે.
 • આમ તો કોરોના ઈન્ફેક્શનથી રિકવર થયા પછી અથવા વેક્સિન લીધા બાદ શરીરમાં એન્ટિબોડીનો સ્તર કેટલો છે એ તપાસ એન્ટિબોડી ટેસ્ટ દ્વારા થઈ શકે છે. આ તપાસ પેથોલોજી લેબ્સમાં થાય છે, પરંતુ એ ખર્ચાળ છે. આ ટેસ્ટથી ખબર પડે છે કે શરીરમાં પર્યાપ્ત એન્ટિબોડી બની છે કે નહીં.
 • કેટલાક લોકોમાં કોઈ જટિલતાને કારણે એન્ટિબોડી પ્રોડક્શનમાં અડચણ આવી શકે છે. કેટલાક લોકોમાં જિનેટિક અને ક્રોમોસોનલ મિસમેચને કારણે પણ એન્ટિબોડી પ્રોડક્શનને અસર થાય છે. એનો અર્થ એ નથી કે વેક્સિન તમારા શરીર પર કામ નહીં કરે.

... તો શું આ ટેસ્ટ બધાએ કરાવવો જોઈએ?

 • આમ જોવા જઈએ એન્ટિબોડી ટેસ્ટ કરાવવો સારો છે. એનાથી ખબર પડે છે કે વેક્સિનેશન બાદ શરીર પર ઈમ્યુન રિસ્પોન્સની કેટલી અસર થઈ છે, પરંતુ એને કરાવવાની જરૂર નથી. જો તમને તમારા ડૉક્ટર અથવા કોઈ સ્પેશિયાલિસ્ટે તપાસ માટે નથી કહ્યું તો એની જરૂર નથી.
 • ત્યાર બાદ પણ જો તમે તમારા સ્તર પર એન્ટિબોડી ટેસ્ટ કરાવો છો તો એ જાણવું જરૂરી છે કે આ ટેસ્ટ ફૂલપ્રૂફ નથી. કેટલાક નિષ્ણાતો ચિંતિત છે કે માર્કેટમાં ઉપલબ્ધ એન્ટિબોડી ટેસ્ટ યોગ્ય તસવીર સામે લાવવામાં સક્ષમ નથી. જો એનો ઉપયોગ મોટી વસતિ પર કરવાનો છે તો એ એક મોંઘું કાર્ય હશે.
 • તમારા માટે સારું એ રહેશે કે તમે નિર્ધારિત અંતરથી બે ડોઝ લઈ લો. જરૂરી સાવચેતી રાખવી અને સાફ-સફાઈ રાખવી. ઘાતક વાયરસની સામે તમને જરૂરી પ્રોટેક્શન મળી જશે