ભાસ્કર એક્સપ્લેનરએ ઐતિહાસિક ભાષણ, જેણે પાકિસ્તાનના બે ટુકડા કર્યા:ભારત-પાકનું યુદ્ધ થયું, 13 દિવસમાં 90 હજાર સૈનિકે સરેન્ડર કર્યું ને બાંગ્લાદેશનો ઉદય થયો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

52 વર્ષ પહેલાંની વાત છે. સ્થળ હતું ઢાકાનું રેસકોર્સ મેદાન. 10 લાખ લોકોની ભીડ એકઠી થઈ હતી. દરેકના હાથમાં વાંસની લાકડીઓ હતી, જે પાક સેના સામે રક્ષણ માટે નહોતી, પરંતુ પ્રતિકારનું પ્રતીક હતી. ભીડ આઝાદીની તરફેણમાં નારા લગાવી રહી હતી.

પાકિસ્તાની સેનાના હેલિકોપ્ટર ભીડનો તાગ મેળવવા માટે ચક્કર લગાવી રહ્યાં હતાં. ત્યારે અવામી લીગના નેતા શેખ મુજીબ-ઉર-રહેમાન મંચ પર આવે છે. પોતાના ભાષણમાં તેઓ પાકિસ્તાનથી આઝાદીની હાકલ કરે છે.

આ ઐતિહાસિક ભાષણ આ દિવસે એટલે કે 7 માર્ચ, 1971ના રોજ આપવામાં આવ્યું હતું. આ ભાષણ સાથે જ ભારત સાથે પાકિસ્તાનના બે ટુકડા થવાનો પાયો નખાઈ ચૂક્યો હતો.

આજે અમે જણાવીશું કે એ વખતે પાકિસ્તાનમાં કેવો માહોલ હતો અને કેવી રીતે બાંગ્લાદેશ આઝાદ થયો?
વર્ષ 1947માં પાકિસ્તાન ભારતથી અલગ થઈ ગયું હતું. એ સમયે પાકિસ્તાનમાં બે મુખ્ય પ્રદેશ હતા - પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન. પૂર્વ પાકિસ્તાન દેશની 56% વસતિનું ઘર હતું, જે બંગાળી ભાષા બોલતા હતા.

પશ્ચિમ પાકિસ્તાનમાં પંજાબી, સિંધી, બલોચી, પશ્તો અને અન્ય સ્થાનિક ભાષાઓ બોલાતી હતી. ભારતમાંથી સ્થળાંતર કરીને આવેલા મુસ્લિમો પણ હતા, જેઓ ઉર્દૂ બોલતા હતા. પાકિસ્તાનની વસતિમાં તેમનો હિસ્સો માત્ર 3% હતો.

ફેબ્રુઆરી 1948માં એક બંગાળી સભ્ય પાકિસ્તાન એસેમ્બ્લીમાં ઠરાવ રજૂ કરે છે. તે કહે છે કે વિધાનસભામાં ઉર્દૂની સાથે બંગાળીનો ઉપયોગ થવો જોઈએ.

આ અંગે પીએમ લિયાકત અલી ખાને કહ્યું હતું કે ઉપમહાદ્વીપના કરોડો મુસ્લિમોની માગ પર પાકિસ્તાનની રચના થઈ હતી અને મુસ્લિમોની ભાષા ઉર્દૂ છે. બીજા જ મહિને એટલે કે માર્ચ 1948માં જ્યારે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા ઢાકાની મુલાકાતે ગયા ત્યારે તેમણે ત્યાં પણ બેફામપણે કહ્યું હતું કે હું સ્પષ્ટ કરવા માગું છું કે પાકિસ્તાનની સત્તાવાર ભાષા માત્ર ઉર્દૂ જ રહેશે.

મુદ્દો માત્ર ભાષાનો નહોતો, પશ્ચિમ પાકિસ્તાનમાં વર્તમાન સરકારે પૂર્વીય ભાગની દરેક રીતે અવગણના કરી, પછી એ આર્થિક બાબતો હોય કે તેમની રાજકીય માગણીઓ. પૂર્વ પાકિસ્તાનમાં આ નારાજગી વધતી રહી અને પછી એક નેતા શેખ મુજીબ-ઉર-રહેમાને અવામી લીગ નામની પાર્ટી બનાવી અને પાકિસ્તાનની અંદર સ્વાયત્તતાની માગણી કરી.

1952માં ભાષા આંદોલન દરમિયાન પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ની યુવતીઓ.
1952માં ભાષા આંદોલન દરમિયાન પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ની યુવતીઓ.

1969માં જનરલ યાહ્યા ખાને ફિલ્ડ માર્શલ અયુબ ખાન પાસેથી પાકિસ્તાનની બાગડોર સંભાળી અને બીજા વર્ષે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી.

શેખ મુજીબ-ઉર-રહેમાનને પાકિસ્તાનના પ્રથમ લોકતાંત્રિક પ્રધાનમંત્રી બનવું હતું
પાકિસ્તાનની આઝાદીનાં 23 વર્ષ બાદ પ્રથમ વખત 1970માં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. અવામી લીગે કુલ 313 બેઠકમાંથી 167 બેઠક જીતી હતી. અવામી લીગનું વર્ચસ્વ પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બાંગ્લાદેશમાં હતું. શેખ મુજીબ-ઉર-રહેમાન પાકિસ્તાનના પ્રથમ લોકતાંત્રિક વડાપ્રધાન બનવાના હતા, પરંતુ સેનાએ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની મદદથી સત્તા સોંપવાનો ઇનકાર કર્યો હતો.

માર્ચ 1971 સુધી અવામી લીગના કાર્યકરો શેરીમાં ઊતરી આવ્યા. દેખાવો થઈ રહ્યા હતા, હડતાળ ચાલી રહી હતી. પાકિસ્તાનની સેના ખુલ્લેઆમ કહેર મચાવી રહી હતી. દરમિયાન 7 માર્ચ, 1971ના રોજ ઢાકાના રેસકોર્સ મેદાન પરથી શેખ મુજીબનું ઐતિહાસિક ભાષણ પાકિસ્તાનથી આઝાદીનું આહ્વાન કરે છે.

શેખ મુજીબ કહે છે કે આ વખતનો સંઘર્ષ આપણી આઝાદીનો સંગ્રામ છે. શેખ મુજીબના ભાષણનો પ્રત્યેક શબ્દ પાકિસ્તાનને લલકારતો હતો. આ ભાષણને પાછળથી ભારતીય ઉપખંડમાં આપવામાં આવેલાં તમામ રાજકીય ભાષણોમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું હતું.

2017માં યુનેસ્કોએ શેખ મુજીબના 7 માર્ચ 1971ના ભાષણને વિશ્વના દસ્તાવેજી વારસા તરીકે માન્યતા આપી હતી.
2017માં યુનેસ્કોએ શેખ મુજીબના 7 માર્ચ 1971ના ભાષણને વિશ્વના દસ્તાવેજી વારસા તરીકે માન્યતા આપી હતી.

પાકિસ્તાને ઓપરેશન સર્ચલાઇટ ચલાવીને શેખ મુજીબને જેલ મોકલી દીઘા
આ ભાષણ બાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ યાહ્યા ખાન ઢાકા પહોંચી ગયા. 23 માર્ચે જ્યારે શેખ તેમને મળવા ગયા ત્યારે તેમની કાર પર બાંગ્લાદેશનો ધ્વજ હતો. બે દિવસ પછી 25 માર્ચે એવું લાગ્યું કે આખા શહેર પર પાક આર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, એ ઓપરેશન સર્ચલાઇટ હતું.

'ફ્રોમ રિબેલ ટુ ફાઉન્ડિંગ ફાધર'માં સૈયદ બદરુલ અહસન લખે છે કે શેખની મોટી દીકરી હસીનાએ તેમને કહ્યું કે શેખ મુજીબે ગોળીબાર સાંભળતાં જ વાયરલેસ મેસેજ દ્વારા બાંગ્લાદેશની આઝાદીની ઘોષણા કરી દીધી.

પાકિસ્તાની સેના રાત્રે 1 વાગે શેખ મુજીબના ઘરે પહોંચી. લશ્કરનો એક અધિકારી લાઉડસ્પીકર દ્વારા શેખને આત્મસમર્પણ કરવા કહે છે. શેખ પોતે ઘરની બહાર આવે છે. આ પછી પાકિસ્તાની સૈનિકોએ બંદૂકના બટથી ધક્કો મારતાં મુજીબને જીપમાં બેસાડ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા.

આ પછી વાયરલેસ પર મેસેજ મોકલાયો, 'બિગ બર્ડ ઇન કેજ, સ્મોલ બર્ડ હેવ ફ્લોન.' મતલબ કે મોટું પક્ષી પીંજરામાં છે, નાનું પક્ષી ઊડી ગયું છે. પાકિસ્તાનમાં તેમને મિયાવલી જેલમાં અંધારી કોટડીમાં રાખવામાં આવ્યા.

પાકિસ્તાની સૈનિકના અત્યાચાર રોકવા બાંગ્લાદેશ મુક્તિ વાહિની સેના બનાવાઈ
સેનાના અત્યાચારથી સ્થાનિક લોકો ગુસ્સે થયા અને તેમણે બાંગ્લાદેશ મુક્તિ વાહિની નામની પોતાની સેના બનાવી. પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. મુક્તિ વાહિની વાસ્તવમાં પૂર્વ પાકિસ્તાનની સેના હતી, જેણે બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદ કરાવ્યું હતું. મુક્તિ વાહિનીમાં પૂર્વ પાકિસ્તાનના સૈનિકો અને હજારો નાગરિકોનો સમાવેશ થતો હતો.

ધરપકડ અને ત્રાસથી બચવા મોટી સંખ્યામાં અવામી લીગના સભ્યો ભારતમાં ભાગી ગયા. શરૂઆતમાં પાકિસ્તાન આર્મીની ચાર પાયદળ બ્રિગેડ આ ઓપરેશનમાં સામેલ હતી, પરંતુ બાદમાં તેમની સંખ્યા સતત વધતી રહી.

ભારતમાં શરણાર્થી સંકટ વધવા લાગ્યું. એક વર્ષથી ઓછા સમયમાં લગભગ એક કરોડ શરણાર્થીઓ બાંગ્લાદેશથી ભાગીને ભારતના પશ્ચિમ બંગાળમાં આવી ગયા. એને કારણે ભારત પર પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું. પાકિસ્તાની સેના દ્વારા લગભગ બે લાખ મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. લગભગ 20થી 30 લાખ લોકો માર્યા ગયા.

બાંગ્લાદેશ યુદ્ધમાં વિજયની ઉજવણી કરી રહેલા મુક્તિ વાહિનીના સૈનિકો.
બાંગ્લાદેશ યુદ્ધમાં વિજયની ઉજવણી કરી રહેલા મુક્તિ વાહિનીના સૈનિકો.

માર્ચ 1971માં ઇન્દિરા ગાંધીએ પૂર્વ બંગાળના લોકોને મદદની વાત કરી
એવું માનવામાં આવે છે કે માર્ચ 1971ના અંતમાં ભારત સરકારે મુક્તિ વાહિનીને મદદ કરવાનું નક્કી કર્યું. 31 માર્ચ, 1971ના રોજ ઈન્દિરા ગાંધીએ ભારતીય સંસદમાં ભાષણ આપતી વખતે પૂર્વ બંગાળના લોકોને મદદ કરવાની વાત કરી હતી.

29 જુલાઈ 1971ના રોજ ભારતીય સંસદમાં સાર્વજનિક રીતે પૂર્વ બંગાળના છોકરાઓને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય સેનાએ તેની તરફથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ તૈયારીમાં મુક્તિ વાહિનીના લડવૈયાઓને તાલીમ આપવાનું પણ સામેલ હતું.

પૂર્વ પાકિસ્તાન કટોકટી સ્ફોટક સ્થિતિમાં પહોંચી હતી. પશ્ચિમ પાકિસ્તાનમાં વિશાળ કૂચ કરવામાં આવી હતી અને ભારત વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની હાકલ કરવામાં આવી હતી. બીજી તરફ ભારતીય સૈનિકો પૂર્વ પાકિસ્તાનની સરહદની સુરક્ષા કરી રહ્યા હતા. 23 નવેમ્બર, 1971ના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ યાહ્યા ખાને પાકિસ્તાનીઓને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું.

પાકિસ્તાનને ભારત પર હુમલો કરવાનું ભારે પડ્યું
3 ડિસેમ્બરની સાંજ હતી. પાકિસ્તાને અચાનક ભારતના અડધા ડઝનથી વધુ એરપોર્ટ પર બોમ્બમારો શરૂ કરી દીધો. ભારતીય સેનાએ પણ એકસાથે બે બાજુથી હુમલો કર્યો. પહેલા કરાચીના નેવી બેઝને ઉડાવીને બાંગ્લાદેશમાં પ્રવેશ કર્યો. યુદ્ધ થયું અને પાકિસ્તાનને ખ્યાલ નહોતો કે ભારતીય સૈનિકો 15 ડિસેમ્બર સુધી માત્ર 13 દિવસમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચી જશે, જોકે જ્યારે ભારતીય ટુકડી ઢાકા પહોંચી ત્યારે તેની પાસે માત્ર 3000 સૈનિક હતા. એ જ સમયે ઢાકાની આસપાસ ઊભેલા પાકિસ્તાની સૈનિકોની સંખ્યા 26,400 હતી.

એક રીતે જોઈએ તો સ્થિતિ થોડી ચિંતાજનક હતી, પરંતુ સેનાની સમજદારીને કારણે વિજય શક્ય બન્યો. ભારતે 13 દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું.

ભારત સામે પાકિસ્તાનના 90 હજાર સૈનિકે સરેન્ડર કર્યું એ દિવસ...

પાકિસ્તાની મેજર જનરલ ફરમાન અલી (ફ્રન્ટ લાઇનમાં પહેલો શખસ) અન્ય સૈન્ય અધિકારીઓ સાથે શસ્ત્રો મૂકે છે.
પાકિસ્તાની મેજર જનરલ ફરમાન અલી (ફ્રન્ટ લાઇનમાં પહેલો શખસ) અન્ય સૈન્ય અધિકારીઓ સાથે શસ્ત્રો મૂકે છે.

16 ડિસેમ્બર 1971. સવારે 9 વાગ્યે ને 15 મિનિટે જનરલ જેકબને દિલ્હીથી જનરલ માણેક શૉનો મેસેજ મળ્યો. મેસેજ હતો, આત્મસમર્પણની તૈયારી કરાવવા ઢાકા જાઓ.

16ની બપોર સુધીમાં મેજર જનરલ જેકબ શરણાગતિ કરારના ડ્રાફ્ટ સાથે ઢાકા પહોંચી ગયા. એરપોર્ટ પર યુએનના પ્રતિનિધિઓ હાજર હતા. જેકબ તેમની અવગણના કરીને આગળ વધ્યા. ​​​​​​​જેકબ પાકિસ્તાન આર્મીના લીડર જનરલ નિયાઝીની સામે પહોંચ્યા ત્યારે નિયાઝી કેટલાક અધિકારીઓ સાથે સોફા પર બેઠા હતા અને અશ્લીલ જોક્સ પર હાસ્ય ચાલી રહ્યું હતું. જનરલ જેકબ પ્રવેશતાંની સાથે જ માહોલ બદલાઈ ગયો. ત્યાં બેઠેલા અન્ય ભારતીય મેજર જનરલ નાગરાને ટેબલ અને બે ખુરસીઓની વ્યવસ્થા કરવા સૂચના આપતાં કહ્યું કે હવે સરેન્ડર કરવાનો સમય આવી ગયો છે. જનરલ જેકબે નિયાઝીની સામે સરેન્ડરનો એગ્રીમેન્ટ વાંચ્યો.

આ સાંભળીને જનરલ નિયાઝીએ કહ્યું, 'કોણે કહ્યું કે હું સરેન્ડર કરી રહ્યો છું? તમે અહીં માત્ર યુદ્ધવિરામની શરતો અને સેનાની વાપસી વિશે વાત કરવા આવ્યા છો.

નિયાઝીએ સહી કરી, વર્દી પર લાગેલા બિલ્લા હટાવ્યા અને રિવોલ્વર કાઢીને જનરલ અરોરાને સોંપી દીધી

ઢાકામાં શરણાગતિના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરી રહેલા જનરલ એએ ખાન નિયાઝી.
ઢાકામાં શરણાગતિના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરી રહેલા જનરલ એએ ખાન નિયાઝી.

અરોરાએ પહેલા રેસકોર્સ મેદાનમાં ગાર્ડ ઓફ ઓનર લીધું, ત્યાર બાદ અરોરા અને નિયાઝી ટેબલ પર બેઠા અને સરેન્ડરના ડોક્યુમેન્ટની 5 નકલ પર સહી કરી. ​​​​​​​નવાઈની વાત એ છે કે નિયાઝી પાસે પેન પણ નહોતી. એક ભારતીય અધિકારીએ તેને પોતાની પેન આપી. નિયાઝીએ સહી કરી. યુનિફોર્મ પરના બેજ કાઢીને પોતાની રિવોલ્વર કાઢીને જનરલ અરોરાને આપી.

15 મિનિટમાં સમારોહ પૂરો થયો. આ સાથે પાકિસ્તાનના 93 હજાર સૈનિકે પોતાનાં હથિયારો નીચે મૂકી દીધા. એ સમયે ઘડિયાળમાં 4:55 મિનિટ બતાવી રહી હતી. આ પછી જનરલ અરોરાએ માહિતી મોકલી અને માણેક શૉએ દેશના તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને જાણ કરી. આ એ જ 'વિજય દિવસ'ની માહિતી હતી, જે ઈન્દિરા ગાંધીને એક ઈન્ટરવ્યૂ આપતાં વચ્ચે મળી હતી.

આ પછી જનરલ જેકબ નિયાઝીને સાઇડમાં લઈ ગયા અને સમજાવ્યા અને કહ્યું, જો તમે સરેન્ડર નહીં કરો તો હું તમારા પરિવારના સભ્યોની સુરક્ષાની જવાબદારી નહીં લઈ શકું. ફક્ત મારા હાથ નીચે રાખીને હું ખાતરી કરી શકીશ કે તેમને કોઈ નુકસાન ન પહોંચે. હું 30 મિનિટ આપું છું. જો તમે સંમત ન થાઓ તો હું ઢાકા પર બોમ્બમારો કરવાનો આદેશ આપીશ.

આજે પણ 16 ડિસેમ્બરને ભારતમાં વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. શેખ મુજીબ પાકિસ્તાનથી લંડન થઈને દિલ્હી આવ્યા હતા. તેઓ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મળ્યા. આ દરમિયાન ઈન્દિરા ગાંધીની સાથે રાષ્ટ્રપતિ વીવી ગિરિ, કેન્દ્રીય મંત્રીઓ, ત્રણેય સૈન્ય પાંખના વડાઓ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રાય દિલ્હી એરપોર્ટ પર હાજર હતા.

મુજીબે આર્મી કેન્ટોન્મેન્ટ મેદાનમાં એક જાહેર સભામાં બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મદદ કરવા બદલ ભારતના લોકોનો આભાર માન્યો હતો. ​​​​​​​દિલ્હીમાં બે કલાકના રોકાણ બાદ શેખ ઢાકા પહોંચ્યા ત્યારે ઢાકા એરપોર્ટ પર તેમના સ્વાગત માટે દસ લાખ લોકો હાજર હતા.

ઈન્દિરા ગાંધી સાથે શેખ મુજીબ-ઉર-રહેમાન.
ઈન્દિરા ગાંધી સાથે શેખ મુજીબ-ઉર-રહેમાન.
અન્ય સમાચારો પણ છે...