ભાસ્કર એક્સપ્લેનર:ભારત સૌથી મોટા એશિયન નેવી મથકથી બગાડશે ચીન-પાક.નો ખેલ, જાણો કેમ આ નેવી બેઝને ભેદવું મુશ્કેલ છે

એક મહિનો પહેલાલેખક: અભિષેક પાંડે
  • કૉપી લિંક

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની તાજેતરની મુલાકાત બાદ કર્ણાટકમાં કારવાર નેવલ બેઝ ફરી ચર્ચામાં છે. ભારત કારવારમાં જે નેવલ બેઝ બનાવી રહ્યું છે એ એશિયાનું સૌથી મોટું નેવલ બેઝ હશે. કારવાર નેવલ બેઝ એ તાજેતરનાં વર્ષોમાં ભારતની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં ચીનની વધતી હાજરી અને પાકિસ્તાનનો સમાવેશ કરીને ભારતને ઘેરી લેવાના પ્રયાસોનો પ્રતિભાવ માનવામાં આવે છે. ચીન વેપારના બહાને ભારતની આસપાસ હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સતત પોતાની હાજરી વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આવી સ્થિતિમાં ચાલો... જાણીએ કે ભારતનું કારવાર નેવલ બેઝ શું છે? આનાથી ભારત ચીન અને પાકિસ્તાનનો મુકાબલો કેવી રીતે કરી શકે? ચીન-પાકિસ્તાનને રોકવા માટે ભારતનો શું પ્લાન છે?

ભારત કારવારમાં બનાવી રહ્યું છે એશિયાનું સૌથી મોટું નેવલ બેઝ
હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચીનના વધતા જતા દબદબોને પહોંચી વળવા ભારતે છેલ્લા એક દાયકા દરમિયાન તેની દરિયાઈ શક્તિ અને દેખરેખ વધારવા માટે ઘણાં પગલાં લીધા છે. કારવાર નેવલ બેઝ પણ એ પગલાનો એક ભાગ છે.

કારવાર કર્ણાટકમાં આવેલું છે. કારવાર નેવલ બેઝ અરબી સમુદ્ર અને પશ્ચિમ ઘાટની વચ્ચે આવેલું છે. ભારત 'પ્રોજેક્ટ સીબર્ડ' નામથી કારવાર નેવલ બેઝનું નિર્માણ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ કારવારમાં 11 હજાર એકરમાં ફેલાયેલા નેવલ બેઝનું નિર્માણ 3 બિલિયન ડોલર એટલે કે લગભગ 23 હજાર કરોડ રૂપિયાના ખર્ચે થવાનું છે.

પ્રોજેક્ટ સીબર્ડ 1999માં મંજૂર કરવામાં આવ્યો હતો અને પ્રથમ તબક્કાનું કામ 2005માં પૂર્ણ થયું હતું. આ અંતર્ગત કારવારમાં INS કદંબા નામનું નેવલ બેઝ બનાવવામાં આવ્યું હતું, જે હાલમાં દેશનું ત્રીજું સૌથી મોટું નેવલ બેઝ છે. તેનો બીજો તબક્કો 2025 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે, ત્યાર બાદ કારવારમાં સ્થિત INS કદમ્બા માત્ર દેશમાં જ નહીં, પરંતુ એશિયાનું સૌથી મોટું નેવલ બેઝ બની જશે.

પ્રથમ તબક્કામાં ડીપ સી પોર્ટનું બાંધકામ, બ્રેક વોટર ડ્રેજિંગ, ટાઉનશિપ, નેવલ હોસ્પિટલ, ડોકયાર્ડ ઉત્થાન કેન્દ્ર અને શિપ લિફ્ટનો સમાવેશ થાય છે.

એ જ સમયે આ પ્રોજેક્ટના બીજા તબક્કામાં વધારાનાં યુદ્ધ જહાજો માટે જગ્યા બનાવવા માટે સુવિધાના વિસ્તરણની સાથે એક નવું નેવલ એર સ્ટેશન બનાવવામાં આવશે. કારવાર નેવલ બેઝ યુદ્ધ જહાજોના કાફલાને ટેકો આપવા અને જાળવવા માટે બનાવવામાં આવી રહ્યું છે.

કારવાર નેવલ બેઝની વિશેષતા શી છે?
કારવાર નેવલ બેઝની રચના પછી અહીં ઓછામાં ઓછા 30 યુદ્ધ જહાજ અને સબમરીન તહેનાત કરવામાં આવશે. ત્યાં નેવલ એર સ્ટેશન પણ હશે, જેના માટે 3 હજાર ફૂટ લાંબો રનવે બનાવવામાં આવશે. આ નેવલ એર સ્ટેશન પરથી ફાઈટર પ્લેન પણ ઉડાન ભરી શકશે.

આ સાથે ભારતીય એરક્રાફ્ટ કેરિયર્સ પણ અહીં તહેનાત રહેશે. દેશનું એકમાત્ર એરક્રાફ્ટ કેરિયર એટલે કે એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય કારવારમાં પહેલેથી જ તહેનાત છે. આ ઉપરાંત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પણ કારવાર નેવલ બેઝ પર તહેનાત રહેશે. 2007માં INS શાર્દૂલ કારવાર ખાતે તહેનાત થનારું પ્રથમ યુદ્ધ જહાજ બન્યું તેમજ દેશની પ્રથમ સીલિફ્ટ સુવિધા પણ આ નેવલ બેઝમાં છે. એ ટ્રાન્સફર સિસ્ટમ્સ અને જહાજો અને સબમરીનના ડોકિંગ તથા અનડૉકિંગ માટે એક વિશિષ્ટ શિપલિફ્ટ સુવિધા છે.

શા માટે ભારતે સૌથી મોટા નેવલ બેઝ માટે કારવારની જ પસંદગી કરી
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળના પશ્ચિમી ફ્લિટની સુરક્ષા સામે ખતરો હતો. એનું કારણ મુંબઈ બંદરમાં કોમર્શિયલ શિપિંગ ટ્રાફિક, ફિશિંગ અને ટૂરિસ્ટ બોટને કારણે શિપિંગ લેનમાં જહાજો અને બોટની ભીડ હતી. આ સમસ્યાનો સામનો કરવા માટે કારવારમાં પણ નેવલ બેઝ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કારવાર નેવલ બેઝની ભૌગોલિક સ્થિતિ એને સૈન્યથી લઈને વેપાર સુધીની દરેક બાબતમાં વિશેષ બનાવે છે. કારવાર એ પશ્ચિમ ઘાટની કઠોર ટેકરીઓ અને અરબી સમુદ્રની વચ્ચે આવેલું નૌકાદળ છે. એ મુંબઈ, ગોવા અને ઉત્તર કોચીની દક્ષિણે સ્થિત છે.

એ સ્થાનના કારણે કારવાર નેવલ બેઝ ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોના મોટા ભાગનાં ફાઈટર પ્લેનની રેન્જથી દૂર હશે. એ પર્શિયન ગલ્ફ અને પૂર્વ એશિયાના વિશ્વના સૌથી વ્યસ્ત શિપિંગ માર્ગોની ખૂબ નજીક પણ સ્થિત છે.

ખાસ વાત એ છે કે એના સ્થાનને કારણે ભારત કારવારથી અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર બંને પર નજર રાખી શકે છે. ચીન અને પાકિસ્તાન જેવી વધતી ગતિવિધિઓનો સામનો કરી શકે છે. કારવારથી ભારતીય નૌકાદળ માટે અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર બંને સુધી પહોંચવું સરળ બનશે.

હિંદ મહાસાગરમાં ચીન કેવી રીતે પોતાની શક્તિ વધારી રહ્યું છે
છેલ્લા એક દાયકા દરમિયાન ચીને ભારતની આસપાસના દરિયાઈ વિસ્તારો પર પોતાનું વર્ચસ્વ વધારવાનો પ્રયાસ કર્યો છે. આમાં એનો સૌથી વધુ ભાર હિંદ મહાસાગરમાં તેની શક્તિ વધારવા પર રહ્યો છે. એ જ સમયે તે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ પોતાની તાકાત વધારવામાં વ્યસ્ત છે. વાસ્તવમાં હિંદ મહાસાગર ભારત અને ચીન સહિતની મોટી શક્તિઓ માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે. આ વિસ્તાર માત્ર ખનીજ, માછલી જેવાં સંસાધનોથી સમૃદ્ધ નથી, પરંતુ વિશ્વના વેપારનો મોટો હિસ્સો આ દરિયાઈ માર્ગ પરથી પસાર થાય છે.

ચીને 2008માં એડનની ખાડી નજીક ચાંચિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રથમ વખત તેનાં યુદ્ધ જહાજોને હિંદ મહાસાગરમાં ઉતાર્યા હતા, પરંતુ ત્યાર પછી ચીનનાં યુદ્ધ જહાજો ક્યારેય હિંદ મહાસાગરમાંથી બહાર નીકળ્યાં નથી. આ હેઠળ 2017માં તેણે પૂર્વ આફ્રિકન દેશ જીબુટીમાં નૌકાદળની સ્થાપના કરી. ચીન પશ્ચિમ આફ્રિકન દેશ સેનેગલની નૌકાદળ માટે પોર્ટ બનાવવાનું પણ કામ કરી રહ્યું છે. હિંદ મહાસાગર અને ભારતની આસપાસ પોતાની શક્તિ વધારવા માટે ચીન લાંબા સમયથી પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાનમારનાં બંદરોમાં રોકાણ કરી રહ્યું છે. તે આ ત્રણ દેશોમાં શસ્ત્રોની સૌથી મોટું નિકાસકાર પણ રહ્યું છે.

ચીને અરબી સમુદ્રમાં પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ પણ હસ્તગત કરી લીધું છે. ગ્વાદર પોર્ટને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્વાદર બંદર દ્વારા ભારતનો પશ્ચિમી તટ ચીની નૌકાદળના નિયંત્રણમાં રહેશે, સાથે જ તે વેપારની દૃષ્ટિએ પર્સિયન ગલ્ફ અને એડનની ખાડી પર પણ પ્રભુત્વ જમાવી શકશે.

આ સાથે ચીને ભારતની સરહદ પર હિંદ મહાસાગરમાં સ્થિત શ્રીલંકાના હમ્બનટોટા બંદરને 99 વર્ષની લીઝ પર પહેલેથી જ લઈ લીધું છે. આટલું જ નહીં, તે માલદિવ્સમાં મારાઓ પોર્ટ અને બાંગ્લાદેશના ચટગાંવ બંદરને પોતાના નિયંત્રણમાં લેવાની યોજના પર કામ કરી રહ્યો છે.

આ સિવાય ચીન મ્યાનમારમાં એક મોટો સબમરીન બેઝ પણ બનાવી રહ્યું છે. મ્યાનમારમાં તેના બેઝ દ્વારા તે બંગાળની ખાડીમાં પોતાની તાકાત વધારવા માગે છે. ચીન બંગાળની ખાડી દ્વારા સિંગાપોર સાથે વેપાર કરવા માગે છે અને તેથી તે મ્યાનમારમાં હાઈવે બનાવી રહ્યું છે. આમ કરીને તે મલેશિયા, ઇન્ડોનેશિયા અને સિંગાપોર વચ્ચે સ્થિત સ્ટ્રેટ ઓફ મલક્કા પર તેની નિર્ભરતા ઘટાડવા માગે છે, કારણ કે ત્યાં સ્થિત તેના નૌકાદળના બેઝને કારણે ભારત મજબૂત સ્થિતિમાં છે. ચીનની કુલ ઊર્જા જરૂરિયાતોના 80%નો વેપાર આ માર્ગ દ્વારા થાય છે. એટલા માટે મલક્કા જલડમરૂ મધ્ય ચીન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ભારતને ઘેરવા માટે ચીન પાકિસ્તાનને ઘાતક હથિયારો આપી રહ્યું છે
ચીને આફ્રિકન દેશ જિબુતીમાં વિશાળ નેવલ બેઝ બનાવ્યા બાદ હિંદ મહાસાગરથી દક્ષિણ ચીન સાગર સુધી પોતાની શક્તિ વિસ્તારવાની રમતમાં પાકિસ્તાનને પણ સામેલ કર્યું છે. એટલા માટે તે પાકિસ્તાની નેવીને એકથી વધુ ઘાતક હથિયારો સપ્લાય કરી રહ્યો છે, જેથી ભારતને ત્રણ બાજુથી ઘેરી શકાય.

ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ચીને ગયા વર્ષે પાકિસ્તાનને ટાઇપ-054 સ્ટીલ્થ યુદ્ધ જહાજ આપ્યું હતું. ટાઇપ-054 સ્ટીલ્થ યુદ્ધ જહાજ ચીનનું સૌથી અદ્યતન ફ્રિગેટ છે. આ યુદ્ધ જહાજ અદ્યતન સપાટી, સબ સર્ફેસ અને પાણીની અંદરનાં શસ્ત્રોથી સજ્જ છે. તે એરિયલ અને ગ્રાઉન્ડ સર્વેલન્સ માટે અત્યાધુનિક ઉપકરણો અને સેન્સરથી સજ્જ છે.

એ જ સમયે તેની નૌકાદળની તાકાત વધારવા માટે પાકિસ્તાને ચીન સાથે $ 7 બિલિયનની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત તે ચીન પાસેથી 039B યુઆન ક્લાસ કિલર સબમરીન ખરીદશે. ચીનની આ સબમરીનમાં એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલ છે. એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમને કારણે તે ખૂબ જ ઓછો અવાજ કરે છે. તેઓ ઘણા દિવસો સુધી પાણીની નીચે રહી શકે છે અને તેમના ઓછા અવાજને કારણે તેની ભાળ મેળવવી મુશ્કેલ છે.

આ ચાઈનીઝ હથિયારોના આવવાથી પાકિસ્તાની નેવીની તાકાત અનેકગણી વધી જશે. આ હથિયારોની સપ્લાય સાથે ચીન અરબી સમુદ્રના વિસ્તારમાં એટલે કે ભારતના પશ્ચિમ કિનારે ભારતને ઘેરી લેવા માટે સાથીદાર તૈયાર કરી રહ્યું છે.

ભારત જવાબી હુમલા માટે તૈયાર છે
ચીનની આક્રમકતાનો સામનો કરવા માટે ભારતે હિંદ મહાસાગરમાં પાંચ મહત્ત્વપૂર્ણ ચોક પોઈન્ટ પર તેના યુદ્ધ જહાજો તહેનાત કર્યા છે. આ પાંચ મેરીટાઇમ ચોક પોઈન્ટ પશ્ચિમમાં એડનના અખાતથી પૂર્વમાં મલક્કાની સામુદ્રધુની સુધીની શ્રેણી ધરાવે છે, જેના દ્વારા વિશ્વના કુલ તેલના લગભગ 40% ઉત્પાદન કરતા ગલ્ફ દેશોમાંથી ચીન, ભારત સહિતના મોટા એશિયન દેશોમાં નિકાસ થાય છે.

ચીન અને પાકિસ્તાનને દરિયાઈ રમતમાં હરાવવા માટે ભારતે ગયા વર્ષે યુએસ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અન્ય મિત્ર દેશોની નૌકાદળ સાથે રેકોર્ડ 50 સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યા હતા. હવે ભારતે એશિયાના સૌથી મોટા કારવાર નેવલ બેઝનું નિર્માણ કરીને આ રમતમાં આગેવાની લેવાનું શરૂ કરી દીધું છે.