ભાસ્કર એક્સપ્લેનર:ભારતને મળવા લાગી રશિયન S-400 એર ડિફેન્સ સિસ્ટમ; શા માટે ભારત માટે આ છે ખાસ? અમેરિકા કેમ ઉઠાવે છે વાંધો?

18 દિવસ પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

ભારતને રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી શરૂ થઈ ગઈ છે. આ વર્ષના અંત સુધીમાં આ સિસ્ટમની પ્રથમ રેજિમેન્ટ સંપૂર્ણપણે ડિલિવર થઈ શકે છે. દુનિયાની સૌથી આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ મનાતી S-400થી હવામાં ભારતની તાકાત અભેદ્ય થઈ જશે. આ સિસ્ટમ 400 કિલોમીટરની રેન્જમાં દુશ્મનની મિસાઈલ, ડ્રોન અને એરક્રાફ્ટ પર હવામાં જ હુમલો કરી શકે છે.

ભારત માટે આ ડિફેન્સ સિસ્ટમ કેટલી અગત્યની છે એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે અમેરિકા પણ આ સોદા અંગે વાંધો ઉઠાવી ચૂક્યું છે.

સમજીએ S-400 ડિફેન્સ સિસ્ટમ શું છે? એની શી ખાસિયત છે? આ કામ કેવી રીતે કરે છે? ભારતને સંપૂર્ણપણે ક્યાં સુધીમાં મળી શકે છે? અને ભારત રશિયાની આ ડીલ પર અમેરિકા કેમ દર્શાવે છે વાંધો?...

સૌપ્રથમ સમજીએ S-400 સિસ્ટમ શું છે?
S-400 એક એર ડિફેન્સ સિસ્ટમ છે, એટલે કે એ હવા દ્વારા થઈ રહેલા એટેકને રોકે છે. એ દુશ્મન દેશોની મિસાઈલ, ડ્રોન, રોકેટ લોન્ચર અને ફાઈટર જેટ્સના હુમલાને રોકવામાં કારગત છે. એને રશિયાની એલમાઝ સેન્ટ્રલ ડિઝાઈન બ્યુરોએ બનાવી છે અને દુનિયાની અત્યંત આધુનિક એર ડિફેન્સ સિસ્ટમમાં એની ગણતરી થાય છે. ભારત અને રશિયા વચ્ચે S-400ના 5 યુનિટ માટે 2018માં લગભગ 40 હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ હતી.

આ સિસ્ટમની ખાસિયત શી છે?

  • S-400ની સૌથી મોટી ખાસિયત એનું મોબાઈલ હોવું એ છે, એટલે કે રોડ દ્વારા એને ક્યાંય પણ લઈ જઈ શકાય છે.
  • એમાં 92N6E ઈલેક્ટ્રોનિકલી સ્ટિયર્ડ ફેન્ડ એરો રડાર લાગેલું છે, જે લગભગ 600 કિલોમીટરનાં અંતરે જ મલ્ટીપલ ટાર્ગેટને ડિટેક્ટ કરી શકે છે.
  • ઓર્ડર મળવાની 5થી 10 મિનિટમાં જ એ ઓપરેશન માટે રેડી થઈ જાય છે.
  • S-400ના એક યુનિટથી એકસાથે 160 ઓબ્જેક્ટને ટ્રેક કરી શકાય છે. એક ટાર્ગેટ માટે 2 મિસાઈલ લોન્ચ કરી શકાય છે.
  • S-400માં 400 આ સિસ્ટમની રેન્જ દર્શાવે છે. ભારતને જે સિસ્ટમ મળી રહી છે એની રેન્જ 400 કિલોમીટર છે, એટલે કે એ 400 કિલોમીટર દૂરથી જ પોતાના ટાર્ગેટને ડિટેક્ટ કરીને કાઉન્ટર એટેક કરી શકે છે. આ સાથે જ એ 30 કિલોમીટરની ઊંચાઈ પર પણ પોતાના ટાર્ગેટ પર એટેક કરી શકે છે.

આ સિસ્ટમમાં શું-શું સામેલ છે?
ડિફેન્સ સિસ્ટમના દરેક યુનિટમાં એક કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ, એક સર્વેલન્સ રડાર, એક ગાઈડન્સ રડાર અને ટ્રાન્સપોર્ટ ઈરેક્ટર લોન્ચર સામેલ હોય છે.

આ સાથે જ સિસ્ટમમાં અલગ-અલગ રેન્જની 4 મિસાઈલ પણ છે - શોર્ટ રેન્જ, મીડિયમ રેન્જ, લોંગ રેન્જ અને વેરી લોંગ રેન્જ. આ 40 કિલોમીટરથી લઈને 400 કિલોમીટરના અંતર સુધી કાઉન્ટર એટેક કરી શકે છે. ભારત રશિયા પાસેથી 400 કિલોમીટર રેન્જવાળી મિસાઈલ ખરીદી રહ્યું છે, જેને 40N6E કહેવામાં આવે છે. વેરી લોંગ રેન્જની મિસાઈલ 400 કિલોમીટરના અંતરની સાથે સાથે 180 કિલોમીટરની ઊંચાઈ સુધી પણ હુમલો કરી શકે છે.

આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે?
ડિફેન્સ સિસ્ટમમાં સર્વેલન્સ રડાર હોય છે, જે પોતાના ઓપરેશનલ એરિયાની આસપાસ એક સુરક્ષા ચક્ર બનાવી લે છે. જેવી કોઈ મિસાઈલ કે અન્ય વેપન આ સુરક્ષા ચક્રમાં પ્રવેશે છે તો રડાર એને ડિટેક્ટ કરી લે છે અને કમાન્ડ વ્હીકલને એલર્ટ મોકલે છે. એલર્ટ મળતાં જ ગાઈડન્સ રડાર ટાર્ગેટની પોઝિશન જાણીને કાઉન્ટર એટેક માટે મિસાઈલ લોન્ચ કરે છે.

ભારતને ક્યાં સુધીમાં મળી શકે છે સિસ્ટમ?
ભારતને S-400 સિસ્ટમ મળવાની શરૂ થઈ ચૂકી છે. મિલિટરી-ટેક્નિકલ કોઓપરેશન માટે રશિયન ફેડરલ એજન્સીના ડાયરેક્ટર દમિત્રી શુમૈવે દુબઈમાં કહ્યું હતું કે રશિયાએ ભારતને S-400 એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમની ડિલિવરી શરૂ કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રથમ રેજિમેન્ટ સેટની તમામ આઈટેમ 2021ના અંત સુધીમાં ભારત પહોંચાડી દેવાશે. નવા વર્ષની શરૂઆતના મહિનાઓમાં જ અમારા વિશેષજ્ઞો ભારત જશે અને ભારતને ડિફેન્સ સિસ્ટમ ટ્રાન્સફર કરશે.

ભારતે ઓક્ટોબર 2018માં 5 યુનિટ માટે ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર આપ્યાના 24 મહિનાની અંદર જ ડિલિવરી થવાની હતી, પરંતુ કોઈ કારણથી એમાં વિલંબ થયો. આશા છે કે એપ્રિલ 2023 સુધીમાં પાંચેય યુનિટ સંપૂર્ણપણે ડિલિવર થઈ જશે.

અમેરિકાની પેટ્રિએટ સિસ્ટમથી કેટલી ઉત્કૃષ્ટ?
અમેરિકા પાસે પેટ્રિએટ મિસાઈલ સિસ્ટમ છે, જેને અત્યંત તાકાતવર માનવામાં આવે છે, પરંતુ અનેક માપદંડોમાં S-400 એનાથી પણ ઉત્તમ છે. રિપોર્ટ્સ અનુસાર, પેટ્રિએટ સિસ્ટમને તહેનાત કરવામાં 25 મિનિટનો સમય લાગે છે, જ્યારે S-400ને 6 મિનિટની અંદર તહેનાત કરી શકાય છે. આ સાથે જ લોન્ચિંગ સ્પીડના હિસાબે પણ રશિયન S-400 અમેરિકન પેટ્રિએટથી ઉત્તમ છે. પેટ્રિએટની લોન્ચિંગ સ્પીડ 1.38 કિલોમીટર/સેકન્ડ છે, જ્યારે S-400ની 4.8 કિલોમીટર/સેકન્ડ છે. આ સાથે જ S-400 પેટ્રિએટ કરતાં સસ્તી પણ છે.

ભારત-રશિયાની આ ડીલથી અમેરિકા કેમ નારાજ?
રશિયા પાસેથી મિસાઈલ સિસ્ટમની ડિલિવરી શરૂ થવાના સમાચારો પછીથી જ ભારત પર અમેરિકાના પ્રતિબંધોનું જોખમ તોળાવા લાગ્યું છે. વાસ્તવમાં અમેરિકા S-400ની ખરીદીનો હંમેશાંથી વિરોધ કરતું આવ્યું છે અને આ સિસ્ટમ ખરીદનારા દેશો પર તે પ્રતિબંધ લગાવી દે છે. અમેરિકાએ ગત વર્ષે તુર્કી પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. તુર્કીએ પણ રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદી છે.

ચીન પાસે અગાઉથી જ 6 S-400 એર ડિફેન્સ સિસ્ટમ છે. એમાંથી બેની તહેનાતી વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પાસે કરી રાખી છે.