ભાસ્કર એક્સપ્લેનર:દિલ્હીમાં 2 સપ્તાહમાં 45 ગણા તો બિહારમાં 5 દિવસમાં 160% વધ્યા કેસ, બાકી રાજ્યોની સ્થિતિ પણ ડરામણી

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. 2 ડિસેમ્બરે ઓમિક્રોનનો પ્રથમ કેસ મળ્યા પછી 23 રાજ્યોમાં તેના લગભગ 1900 કેસ મળી ચૂક્યા છે. એવું મનાય છે કે નવા કેસોની પાછળ ઓમિક્રોન જ કારણ છે. ભારતમાં ગત 3 જાન્યુઆરીએ કોવિડ-19ના 37,379 નવા કેસ નોંધાયા છે. ભારતમાં છેલ્લા 6 દિવસમાં નવા દર્દીઓ 6 ગણા વધ્યા છે.

સમજીએ, સમગ્ર દેશ રાજ્યોમાં કોરોના કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે...

પ્રથમ દેશની સ્થિતિ સમજીએ
ભારતમાં છેલ્લા 7 દિવસમાં સતત કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ સામે આવ્યા છે. અગાઉના દિવસના મુકાબલે નવા કેસોમાં 10.75 ટકાનો ઉછાળો છે.

દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને હવે 3.24 ટકા થઈ ગયો છે અને એક્ટિવ કેસો 1.70 લાખથી વધુ થઈ ગયા છે.

ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં 1.29 લાખ નવા કેસો મળ્યા છે. જ્યારે તેના અગાઉના સપ્તાહમાં 47 હજાર નવા કેસો મળ્યા હતા. એટલે કે એક સપ્તાહમાં જ કેસ બમણાથી વધુ થઈ ગયા છે.

નવા વેરિએન્ટ ઓમિક્રોનના પણ દેશના 23 રાજ્યોમાં 1800થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. સૌથી વધુ 568 કેસ મહારાષ્ટ્રમાં નોઁધાયા છે. બીજા નંબરે દિલ્હી 382 કેસ સાથે છે. તેના પછી કેરળમાં 185, રાજસ્થાનમાં 174, ગુજરાતમાં 152, તમિલનાડુમાં 121 અને તેલંગણામાં 67 કેસ છે. તેના 766 દર્દી સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે.

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર લાંબા સમયથી કોરોનાનું હોટસ્પોટ બનેલું છે. પરંતુ ઓમિક્રોનની એન્ટ્રી પછી અહીં કેસોએ ઝડપથી ગતિ પકડી છે. 10 હજારથી વધુ એક્ટિવ કેસોની સાથે મહારાષ્ટ્ર દેશમાં ટોચ પર છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના પણ સૌથી વધુ કેસો છે. 3 જાન્યુઆરીએ મળેલા 12160 કેસોમાંથી 8 હજારથી વધુ માત્ર મુંબઈમાં છે.

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં 3 જાન્યુઆરીએ 308 કેસો મળ્યા છે. એક દિવસ અગાઉ જ પ્રદેશમાં 221 કેસ આવ્યા હતા. હવે એક્ટિવ કેસ વધીને 1029 થઈ ગયા છે. સંક્રમિતોમાં કલેક્ટર, એસડીએમ અને ડોક્ટર પણ સામેલ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના PA પણ પોઝિટિવ આવ્યા છે. પ્રદેશમાં હવે સંક્રમણ દર વધીને 1.85 થઈ ગયો છે.

દિલ્હી

દિલ્હીમાં 3 જાન્યુઆરીએ 4099 નવા કેસો મળ્યા છે. અહીં પોઝિટિવિટી રેટ 8.37ના ખતરનાક સ્તરે પહોંચ્યો છે. દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે શનિવારે-રવિવારે ટેસ્ટ કરાયેલા કુલ સેમ્પલ્સમાંથી 81%થી વધુ ઓમિક્રોનના કારણે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. કેજરીવાલે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.

રાજસ્થાન
રાજસ્થાનમાં પોઝિટિવિટી રેટ 4%ની નજીર પહોંચી ગયો છે. 3 જાન્યુઆરીએ રાજ્યમાં 550 કેસો મળ્યા છે. પ્રદેશમાં જેટલા પણ એક્ટિવ કેસ છે, તેના 76 ટકા માત્ર જયપુર અને જોધપુરમાં છે. જયપુરમાં સૌથી વધુ 1409 છે, કુલ કેસોના લગભગ 67.6 ટકા છે, જ્યારે જોધપુરમાં 179 જે કુલ કેસોના 8.6 ટકા છે.

બિહાર
બિહારમાં જાન્યુઆરીના પ્રારંભિક 3 દિવસમાં જ કોરોનાએ એક મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ડિસેમ્બરના 31 દિવસમાં 673 નવા કેસ આવ્યા હતા, તો જાન્યુઆરીના માત્ર 3 દિવસમાં જ 977 નવા કેસ આવ્યા છે. મુખ્યમંત્રી આવાસમાં કામ કરનાર એક રસોઈયો કોરોના સંક્રમિત થઈ ચૂક્યો છે. પટણાની નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના અનેક ડોક્ટરો પણ પોઝિટિવ મળ્યા છે.

છત્તીસગઢ
છત્તીસગઢમાં કોરોના સંક્રમણ બમણી ઝડપથી વધી રહ્યું છે. અહીં 3 જાન્યુઆરીએ કોરોનાના 698 નવા કેસ સામે આવ્યા છે. તેમાં એકલા રાયપુરમાં જ 222 કેસ સામેલ છે. આરોગ્ય મંત્રી ટી એસ સિંહદેવ પણ 2 જાન્યુઆરીએ કોરોના પોઝિટિવ આવ્યા છે. સોમવારે સુકમામાં કોબરા 202 કેમ્પમાં પણ 38 જવાનો પોઝિટિવ મળી આવ્યા. IIT ભિલાઈના રાયપુર કેમ્પસમાં 50 સ્ટુડન્ટ્સ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 4 દિવસમાં IIT ભિલાઈના રાયપુર કેમ્પસમાં 63 વિદ્યાર્થીઓ સંક્રમિત મળી આવ્યા છે.

ગુજરાત
ગુજરાતમાં 3 જાન્યુઆરીએ 1259 નવા કેસો મળ્યા છે. લગભગ 7 મહિના પછી પ્રથમવાર એક દિવસમાં આટલા કેસ મળ્યા છે. સૌથી વધુ 644 કેસ અમદાવાદમાં જ્યારે સુરત બીજા ક્રમે રહ્યું છે.

કેરળ
મહારાષ્ટ્રની જેમ કેરળ પણ છેલ્લા કેટલાક મહિનાઓથી હોટસ્પોટ બનેલું હતું પરંતુ રાહતની વાત એ છે કે હવે અહીં નવા કેસો ઓછા થવા લાગ્યા છે. ડિસેમ્બર દરમિયાન જ રોજ મળી રહેલા કુલ કેસો અડધાથી પણ ઓછા થઈ ગયા છે. 1 ડિસેમ્બરે કેરળમાં 5409 નવા કેસ મળ્યા હતા જે 31 ડિસેમ્બર સુધીમાં ઓછા થઈને 2676 થઈ ગયા છે.