ભાસ્કર એક્સપ્લેનર:કોરોના વેક્સિન માટે રજિસ્ટ્રેશન કેવી રીતે થશે? વેક્સિન કેવી રીતે લગાવવામાં આવશે? AIIMS ડાયરેક્ટર પાસેથી જાણો જવાબ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રજિસ્ટ્રેશન, પાત્રતા, શિડ્યૂલ સંબંધિત તમામ સવાલો પર કેન્દ્રએ વિડિયો જારી કર્યો
  • ત્રણ ભાગમાં જારી વિડિયોમાં વેક્સિનેશનની સંપૂર્ણ પ્રોસેસને સમજાવવામાં આવી

ભારતમાં આવતા અઠવાડિયે વેક્સિનેશન શરૂ કરવાની તૈયારી છે. સરકારે એમ પણ કહ્યું છે કે 13-14 જાન્યુઆરીએ વેક્સિનેશન શરૂ થઈ શકે છે. આ અંગે 3 જાન્યુઆરીએ બે વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિનને મંજૂરી પણ આપવામાં આવી છે.

ત્યારે હવે એ સવાલ થાય છે કે કોને અને ક્યારે મળશે વેક્સિન? શું વેક્સિન બધાને એકસાથે લગાવવામાં આવશે? વેક્સિન લગાવ્યા બાદ શરીરમાં એન્ટિબોડી બનવામાં કેટલો સમય લાગશે? લગાવવા માટે વેક્સિનનું સિલેક્શન કેવી રીતે થશે? આવા કેટલાક સવાલોના જવાબ આપવા માટે સરકારે ત્રણ ભાગમાં વિડિયો જારી કર્યા છે. એમાં AIIMS દિલ્હીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જવાબ આપ્યો છે. અહીં કેટલાક પસંદગીના પ્રશ્નોના જવાબ ડૉ. ગુલેરિયાએ આપ્યા છે-

શું બધાને એકસાથે વેક્સિન લગાવવામાં આવશે?
ના. અત્યારે તો નહીં. એ વેક્સિનની ઉપલબ્ધતા પર આધાર રહેશે. સરકારે રિસ્ક ફેક્ટરને ધ્યાનમાં રાખતાં પ્રાયોરિટી ગ્રુપ્સ નક્કી કર્યાં છે. પહેલા ગ્રુપમાં હેલ્થકેરવર્કર્સ અને ફ્રન્ટલાઈનવર્કર્સ છે. બીજા ગ્રુપમાં 50 વર્ષથી વધુની ઉંમરના લોકો અને 50 વર્ષના એવા લોકો જે ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી બીમારીઓનો સામનો કરી રહ્યા છે. એ સાથે મળીને 30 કરોડ થાય છે.

શું વેક્સિન લગાવવી ફરજિયાત છે?
ના. સરકારે એ તમારી ઈચ્છા પર છોડ્યું છે. ત્યાર બાદ પણ મારી સલાહ તો એ જ છે કે તમારે અને તમારાં પ્રિયજનોની સુરક્ષા માટે વેક્સિન જરૂરથી લગાવવી જોઈએ.

વેક્સિનના કેટલા ડોઝ આપવામાં આવશે?
વેક્સિનના બે ડોઝ હશે. એને 28 દિવસના અંતરે આપવામાં આવશે. તમામને બે ડોઝ આપવામાં આવશે, ત્યારે વેક્સિન શિડ્યૂલ સંપૂર્ણ થશે.

એન્ટિબોડી બનવામાં કેટલો સમય લાગશે?
પહેલા ડોઝથી ઓછામાં ઓછો 42 દિવસમાં, એટલે કે બીજો ડોઝ આપ્યાનાં બે સપ્તાહ બાદ શરીરમાં કોરોનાથી બચવા માટે એન્ટિબોડી બની જશે.

શું સાઈડ ઈફેક્ટ હશે અને એ કેવી હશે?
સાઈડ ઈફેક્ટની અવગણના તો ના કરી શકાય. વેક્સિનમાં સામાન્ય સાઈડ ઈફેક્ટ એ નોર્મલ છે. ઝીણો તાવ, વેક્સિન મુકાવી હોય એ જગ્યા પર દુખાવો, શરીરમાં દુખાવો જેવી સાઈડ ઈફેક્ટ દેખાઈ શકે છે. વેક્સિન લગાવવાની પ્રક્રિયામાં સુરક્ષા માટે રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ દેખાય તો તેની સારવાર એ જ સાઈટ પર કરવામાં આવશે.

મને કેવી રીતે ખબર પડશે કે હું વેક્સિનેશન યોગ્ય છું?
શરૂઆતના સ્ટેજમાં વેક્સિન પ્રાયોરિટી ગ્રુપ્સને આપવામાં આવી રહી છે. આ લોકોને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સૂચના આપવામાં આવશે. જ્યાં વેક્સિન આપવામાં આવશે, ત્યાંથી પ્રાઈમરી સેન્ટરથી એક મેસેજ આવશે. એમાં વેક્સિન ક્યારે અને ક્યાં આપવામાં આવશે એની જાણકારી પણ હશે, જેથી લોકોને કોઈ તકલીફ નહિ પડે.

શું રજિસ્ટ્રેશન વગર વેક્સિન લઈ શકાશે?
ના. આવું નહીં થાય. રજિસ્ટ્રેશન ફરજિયાત છે. વેક્સિન અંગેની માહિતી રજિસ્ટ્રેશન પછી જ મળશે. સરકારે કોવિન (Co-WIN)એપ અને પ્લેટફોર્મ બનાવ્યું છે, જે વેક્સિનના રિયલ ટાઈમ મોનિટરિંગમાં મદદ કરશે. આ પ્રોસેસ પછી જ વેક્સિનેશન કરી શકશો.

રજિસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટ જોઇશે?
ફોટોની સાથે આ ડોક્યુમેન્ટ લઇ જવા પડશે: ડ્રાઈવિંગ લાઈસન્સ, શ્રમ મંત્રાલય તરફથી જાહેર કરેલું હેલ્થ ઇન્શ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પેન કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસની પાસબુક, પાસપોર્ટ, પેન્શનના ડોક્યુમેન્ટ, કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્મચારીઓને આપેલા સર્વિસ ID અને વોટર ID કાર્ડ.

મારી પાસે ફોટો ID નથી તો શું થશે?
રજિસ્ટ્રેશન અને વેક્સિનેશન સમયે ફોટો ID દેખાડવું જરૂરી છે. એનાથી ખબર પડશે કે રસી યોગ્ય વ્યક્તિને આપી છે કે નહિ.

લોકોને વેક્સિનેશનની તારીખ વિશે જાણકારી કેવી રીતે મળશે?
ઓનલાઈન રજિસ્ટ્રેશન પછી રજિસ્ટ્રેશન કરાવી ચૂકેલા લોકોને SMS મળશે. એમાં તારીખ, જગ્યા અને સમય લખેલાં હશે.

શું વેક્સિનેશન થવા પર સ્ટેટસની જાણકારી મળશે?
હા. વેક્સિન લગાવ્યા બાદ વ્યક્તિના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS આવશે. તમામ ડોઝ લગાવ્યા બાદ QR-Code બેઝડ સર્ટિફિકેટ પણ મોકલવામાં આવશે.

જો કોઈ વ્યક્તિમાં કોરોનાનાં લક્ષણો છે અને તે પોઝિટિવ છે તો શું તેને પણ વેક્સિન અપાશે?
ના, આવા લોકો વેક્સિનેશન સાઈટ પર આવી ઈન્ફેક્શન ફેલાવી શકે છે. આપણને ખબર નથી કે આવી સ્થિતિમાં વેક્સિન કેટલી અસરકારક સાબિત થશે. મારું માનવું છે કે જેમને ઈન્ફેક્શન થયું છે તેમને લક્ષણ પૂરાં થયાના 14 દિવસ પછી વેક્સિનેશન કરાવવું જોઈએ.

શું કોરોનાથી રિકવર થઈ ચૂકેલી વ્યક્તિએ વેક્સિન લગાવવી જરૂરી છે?
હા, જે લોકોને કોરોના થઈ ચૂક્યો છે અથવા રિકવર થઈ ગયા છે તેમણે પણ વેક્સિન લગાવવાની સલાહ અપાઈ છે. તેવામાં આ ઈન્ફેક્શન પ્રત્યે સારો ઈમ્યુન રિસ્પોન્સ ડેવલપ કરી શકાય છે.

જો કોઈ વ્યક્તિ કેન્સર, ડાયાબિટીસ, હાઈપરટેન્શન જેવી બીમારીઓની દવા લઈ રહી છે તો તેણે પણ વેક્સિન લગાવવી જોઈએ?
હા, મને લાગે છે એ ખૂબ જરૂરી છે કે આ પ્રકારના લોકોનું વેક્સિનેશન થાય, કારણ કે તેઓ હાઈ રિસ્ક ગ્રુપમાં છે. તેમના માટે એ સમજવું જરૂરી છે કે દવાઓથી વેક્સિનની અસર પ્રભાવિત નહિ થાય.

વેક્સિન લગાવ્યા પછી કેવી સાવચેતી રાખવી પડશે?
મારી સલાહ છે કે વેક્સિન લગાવ્યા પછી મિનિમમ 30 મિનિટ આરામ કરવો જોઈએ. જો કોઈ લક્ષણો જણાય અને મુશ્કેલી થાય તો ત્યાં હાજર અધિકારીઓને સૂચના આપવી. તેથી જરૂરિયાત પ્રમાણે તમારી સારવાર થઈ શકે.

વેક્સિનને ઘણા ઓછા સમયમાં ડેવલપ કરાઈ છે? શું એ સુરક્ષિત છે?
હા, ભારતમાં જે વેક્સિનને મંજૂરી મળી છે એને રેગ્યુલેટરી સંસ્થાએ સેફ્ટી અને ઈફેક્ટિવનેસ જોયા બાદ અપ્રૂવ કરી છે. તમામ સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. વેક્સિન અપ્રૂવલ માટે પહેલાં જે સાવચેતી રાખવામાં આવતી હતી એ હાલ પણ લાગુ છે.

શું ભારતમાં આવનારી વેક્સિન પણ વિદેશી વેક્સિન જેટલી જ અસરકારક છે?
હા, ભારતમાં લાગવવામાં આવનારી વેક્સિન પણ કોઈ અન્ય દેશમાં ડેવલપ થયેલી વેક્સિન જેટલી જ અસરકારક હશે. વેક્સિનની સેફ્ટી અને અસરકારકતાની તપાસ કરવા માટે ટ્રાયલ્સની પ્રક્રિયા આખી દુનિયામાં એકસમાન જ છે.

અન્ય સમાચારો પણ છે...