સોનામાં ફરી એકવાર તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સોમવારે સોનું ઓલ ટાઇમ હાઈ પહોંચી ગયું. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 9 જાન્યુઆરીએ બુલિયન માર્કેટમાં સોનું રૂ.749 મોંઘું થઈને રૂ. 56, 336 પર પહોંચી ગયું હતું. અગાઉ ઓગસ્ટ 2020માં સોનું સૌથી મોંઘું બન્યું હતું. એ સમયે 10 ગ્રામ સોનાની કિંમત 56, 200 રૂપિયા હતી. નિષ્ણાતોના મતે આ વર્ષે સોનાનો ભાવ 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.
એક કહેવત છે કે 'પીળું એટલું સોનું નહીં', પરંતુ પીળું હોય અને એ સોનું હોવાનો દાવો થાય તો એની શુદ્ધતાની ખરાઈ કેવી રીતે કરવી? વિશ્વમાં સોનાના ભાવ નક્કી કોણ કરે છે? સોનું જોઈને ખ્યાલ કેવી રીતે આવે કે એ કેટલા કેરેટનું છે? મૂંઝવતા સવાલોના જવાબ આજે જાણી લો.
ઉત્તરાયણ સુધી કમૂરતાંને કારણે શુભકાર્યો પર વિરામ લાગ્યો છે. ઉત્તરાયણ પૂરી થતાં જ કમૂરતાં ઊતરશે અને લગ્નસરાની મોસમ શરૂ થઈ જશે. આપણા દેશમાં કોઈપણ વિસ્તાર, ધર્મ, જાતિમાં થતાં લગ્નમાં એક વાત સરખી હોય છે અને એ છે સોનું. લગ્નમાં ભેટ, સોગાદથી લઈને પોતે પહેરવા માટે લોકો સોના પાછળ લાખો રૂપિયા ખર્ચતા હોય છે. એ જ કારણ છે કે જે વર્ષ 1960માં 10 ગ્રામ સોનાની કિંમત 100 રૂપિયા કરતાં પણ ઓછી હતી, એ આજના સમયમાં 56 હજાર રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. હાલના સમયમાં સોનાની અઢળક માગ છે, એટલા માટે આ ધંધામાં છેતરપિંડીના કિસ્સા પણ વધ્યા છે. તો સોનાની ખરાઈ કરવાનો એક સરળ અને ભરોસા પાત્ર વિકલ્પ છે તેના પર લખવામાં આવતા આંકડા.
શુદ્ધ સોનું 24 કેરેટનું હોય, એ તો ઘણા બધાને ખબર હશે, પરંતુ એક એવી પણ વ્યવસ્થા છે, જેનાથી સોનું જોતાં જ ખ્યાલ આવી જાય કે એ કેટલા કેરેટનું છે. હોલમાર્ક કરેલાં ઘરેણાં પર ત્રણ આંકડાનો નંબર લખવામાં આવે છે, જે નીચે મુજબ હોય છે.
કયા સોનામાં કેટલી ભેળસેળ?
24 કેરેટનું સોનું એટલે એકદમ શુદ્ધ. ચળકાટ વધારે હોય, પરંતુ થોડું પોચું. શુદ્ધ સોનાની આ જ ખાસિયતને કારણે 24 કેરેટના સોનાનાં ઘરેણાં નથી બની શકતા, કારણ કે આવા સોના પર જરા પણ વજન આવે એટલે ઘાટ બગડી જવાની સંભાવના રહેતી હોય છે, એટલે શુદ્ધ સોનામાં અન્ય ધાતુની થોડી ભેળસેળ કરવામાં આવે છે, જેથી તેને વ્યવસ્થિત ઘાટ આપી શકાય. પરંતુ ભેળસેળની સાથે જ સોનાની ગુણવત્તા એટલે કેરેટ ઘટી જાય છે. સોનામાં અન્ય ધાતુનું મિશ્રણ કરવાથી એની શુદ્ધતા કેટલી ઘટે છે એ નીચેના આંકડાના આધારે સમજો.
ઘરેણાંનો ભાવ નક્કી કેવી રીતે થાય?
ઘણા જ્વેલર્સ ગ્રાહકો પર પકડ જમાવી રાખવા માટે તેમને બજાર ભાવથી સસ્તું સોનું આપવાના દાવા કરતા હોય છે, પરંતુ સોનાના લાખો-કરોડો રૂપિયાના વેપાર પાછળનું આ ગણિત સમજવા જેવું છે. સામાન્ય રીતે ઈન્ટરનેટ પર કે જાહેર માધ્યમોમાં સોનાના જે ભાવ દેખાય છે એ મોટા ભાગે 24 કેરેટના સોનાના હોય છે. જ્યારે બજારમાં મળતાં ઘરેણાં 22 કેરેટ કે એનાથી ઓછી શુદ્ધતાવાળા હોય છે. સોનું ખરીદતા પહેલાં ભાવની ગણતરીની રીત બે ઉદાહરણની મદદથી સમજો.
ઘરેણાંની કિંમતમાં શુદ્ધ સોનાના ભાવ ઉપરાંત મેકિંગ ચાર્જીસ મોટો ભાગ ભજવે છે. ઘરેણાંની ડિઝાઈન, કટિંગ અને ફિનિશિંગના આધારે મેકિંગ ચાર્જ દરેક જગ્યાએ અલગ હોય છે. મેકિંગ ચાર્જ બે રીતે નક્કી થાય. સોનાની કિંમતની ટકાવારી પર, બીજું હોય ફ્લેટ મેકિંગ ચાર્જ. એટલે ગ્રાહક પાસે મેકિંગ ચાર્જીસ પર ભાવતાલ કરાવવાનો વિકલ્પ તો રહે જ છે. ખાસ મહત્ત્વની વાત એ પણ છે કે ઘણા વેપારીઓ ઘરેણાં પર લાગતા સ્ટોન કે ડાયમંડને પણ ઘરેણાંના વજનની સાથે જ ગણી લે છે. એટલે એનો ભાવ પર સોના જેટલો જ ગણવામાં આવે છે. જોકે વ્યવહારિક રીતે એને અલગથી ગણવો જોઈએ.
વૈશ્વિક કક્ષાએ સોનાનો ભાવ કોણ નક્કી કરે?
સોનું મોંઘુ થાય કે સસ્તું થાય એની ચર્ચા તો ઘણી થતી હોય છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે સોનાનો ભાવ વૈશ્વિક કક્ષાએ કે આપણા દેશમાં નક્કી કોણ કરે છે? સોનાનો ભાવ નક્કી કરવાનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. વર્ષ 1919માં લંડન ગોલ્ડ ફિક્સ નામની સંસ્થાએ પહેલીવાર સોનાના ભાવ નક્કી કર્યા. 14 ડિસેમ્બર 1987ના રોજ લંડન બુલિયન માર્કેટ અસ્તિત્વમાં આવ્યું. જેણે લંડન ગોલ્ડ ફિક્સનું સ્થાન લીધું. લંડન બુલિયન માર્કેટ વિશ્વના તમામ દેશોના રાષ્ટ્રીય સ્તરના ધાતુ સાથે જોડાયેલા વેપારી સંગઠનો સાથે મળીને સોનાની કિંમત નક્કી કરે છે. લંડનના સમય મુજબ દિવસમાં બે વખત ભાવ નક્કી થાય. સવારે સાડાદસ અને બપોરે 3 વાગે સોનાના ભાવ જાહેર કરવામાં આવે છે. વિશ્વના અનેક દેશો આ ભાવ અનુરૂપ સોનાના ભાવ નક્કી કરતા હોય છે. ભારતમાં મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) સોનાનો સ્ટોક, માગ, વૈશ્વિક માર્કેટની સ્થિતિ જોઈને સોનાની કિંમત નક્કી કરે છે.
વૈશ્વિક કક્ષાએ સોનાના ભાવ પાછળ ખાણમાંથી કાઢવાનો ખર્ચ, શુદ્ધતા માટેની પ્રક્રિયાનો ખર્ચ, વૈશ્વિક મંદી અને તેજી, યુદ્ધ, કુદરતી આફત, પેટ્રોલિયમના ભાવ, આયાત કર વગેરે અસર કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.