ભાસ્કર એક્સપ્લેનર:તમારા બાળક માટે કેટલી સુરક્ષિત કોરોના વેક્સિન? શું છે સાઇડ ઇફેક્ટ? જાણો 2-18 વર્ષનાં ટ્રાયલ-રિઝલ્ટ

એક વર્ષ પહેલાલેખક: અભિષેક પાંડે
  • કૉપી લિંક

હાલમાં જ 15-18 વર્ષનાં બાળકોના વેક્સિનેશન માટે કોવેક્સિનના પ્રયોગને મંજૂરી મળી છે. હવે કોવેક્સિનને બનાવનારી કંપની ભારત બાયોટેકે 2-18 વર્ષનાં બાળકો પર કોવેક્સિન (BBV152)ના ફેઝ 2 અને ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલનાં રિઝલ્ટ જારી કર્યાં છે. કોવેક્સિનના ફેઝ-2, 3 ટ્રાયલના ડેટા જારી હોવાથી 2 વર્ષ સુધીની વયનાં બાળકોને પણ કોરોના વેક્સિનેશન શરૂ થવાની આશા જાગી છે.

ચાલો, જાણીએ કે કોવેક્સિનના 2-18 વર્ષનાં બાળકો પર આવેલા ફેઝ 2/3ની ક્લિનિકલ ટ્રાયલના રિઝલ્ટમાં શું છે? બાળકો માટે વેક્સિનનો પ્રયોગ છે કેટલો સુરક્ષિત અને શું છે એની સાઈડ ઈફેક્ટ?

શું છે 2-18 વર્ષનાં બાળકોની કોરોના વેક્સિનની ટ્રાયલમાં?
ભારત બાયોટેકે ગુરુવારે 2-18 વર્ષનાં બાળકો પર કોવેક્સિન (BBV152)ની ક્લિનિકલ ટ્રાયલના ફેઝ-2 અને ફેઝ-3નો ડેટા જારી કર્યો.

કંપનીએ ક્લિનિકલ રિઝલ્ટ જારી કરીને કહ્યું હતું કે એની વેક્સિન (કોવેક્સિન)ને ફેઝ 2/3 ક્લિનિકલ ટ્રાયલમાં 2-18 વર્ષની વયનાં બાળકો માટે ‘સુરક્ષિત, સહનીય અને ઈમ્યુનોજેનિક હોવાનું જાણવા મળ્યું છે.’

શું બાળકોની વેક્સિન ટ્રાયલમાં દેખાઈ કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ?
ભારત બાયોટેક કંપની કહે છે કે તેણે જૂન અને સપ્ટેમ્બર 2021 દરમિયાન 2-18 વર્ષની વયનાં બાળકો પર કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ કરી, જેમાં આ વેક્સિનને બાળકો માટે ‘અત્યંત સુરક્ષિત’ હોવાનું જાણવા મળ્યું.

આ ટ્રાયલમાં 374 બાળકમાં ખૂબ જ હળવા કે ઓછાં ગંભીર લક્ષણ દેખાયાં, જેમાંથી 78.6 ટકા એક જ દિવસમાં સ્વસ્થ થઈ ગયા. એમાં ઈન્જેક્શન લાગવાના સ્થાને પીડા થવી સૌથી કોમન એડવર્સ-ઈફેક્ટ (પ્રતિકૂળ અસર)માંની એક રહી.

આ સ્ટડીમાં જોવામાં આવ્યું છે કે બાળકોમાં કોવેક્સિનના ઉપયોગથી કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ નજરે ન પડી.

આ ડેટાને આરોગ્ય મંત્રાલય અંતર્ગત આવનાર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ને ઓક્ટોબર 2021ને સોંપવામાં આવ્યો હતો. હાલમાં જ 12-18 વર્ષનાં બાળકો માટે ઈમર્જન્સી યુઝ માટે ભારત બાયોટેકની કોવેક્સિનને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ)ની મંજૂરી મળી હતી.

બાળકો માટે ટ્રાયલમાં કેટલી સુરક્ષિત રહી કોવેક્સિન?
ભારત બાયોટેક કંપનીએ કહ્યું હતું કે 2-18 વર્ષની વયનાં બાળકોની ટ્રાયલનાં રિઝલ્ટ દર્શાવે છે કે કોવેક્સિન નાની વયનાં બાળકો પર ઉપયોગ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ભારત બાયોટેક દ્વારા જારી નિવેદનમાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કૃષ્મા એલ્લાએ કહ્યું, “બાળકો પર કોવેક્સિન ક્લિનિકલ ટ્રાયલનો ડેટા ખૂબ જ ઉત્સાહજનક છે. બાળકો માટે વેક્સિનની સુરક્ષા મહત્ત્વપૂર્ણ છે અને અમને એ જણાવતાં ખુશી છે કે કોવેક્સિને હવે બાળકોમાં સેફ્ટી અને પ્રતિરક્ષણ ક્ષમતા (ઈમ્યુનોજેનિસિટી) માટે ડેટા સાબિત કરી દીધો છે.”

તેમણે કહ્યું, “અમે હવે વયસ્કો અને બાળકો માટે એક સુરક્ષિત અને પ્રભાવશાળી કોવિડ-19 વેક્સિન વિકસિત કરવાના અમારા લક્ષ્યને હાંસલ કરી લીધું છે.”

કઈ રીતે થઈ બાળકો પર કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ
ભારત બાયોટેકે જણાવ્યું હતું કે 2-18 વર્ષનાં 525 બાળકો પર કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી.

ટ્રાયલમાં સામેલ બાળકોને ત્રણ ગ્રુપઃ ગ્રુપ 1માં 12-18 વર્ષ (175 બાળક), ગ્રુપ-2માં 6-12 વર્ષ (175 બાળક) અને ગ્રુપ-3માં 2-6 વર્ષ (175 બાળક)માં વહેંચવામાં આવ્યા હતા.

ટ્રાયલમાં સંબંધિત એજ ગ્રુપનાં બાળકોને કોવેક્સિનની 0.5 mLના બે ડોઝની રસી લગાવવામાં આવી હતી, જે વયસ્કોમાં ઉપયોગ કરવામાં આવતા ડોઝ જેટલી હતી.

વેક્સિન ટ્રાયલમાં બાળકોમાં બની વધુ એન્ટિબોડીઝ
કોવેક્સિનની બાળકો પરની ટ્રાયલમાં એક ખાસ બાબત સામે એ આવી એ એનાથી બાળકોમાં વયસ્કોની તુલનામાં વધુ એન્ટિબોડીઝ બની છે.

કોવેક્સિનની 2-18 વર્ષની વયનાં બાળકો પર ક્લિનિકલ ટ્રાયલમાં બાળકોમાં વયસ્કોની તુલનામાં સરેરાશ 1.7 ગણી વધુ એન્ટિબોડીઝ બની છે. આ સાથે જ બાળકો પર કોવેક્સિનની ટ્રાયલ દરમિયાન એન્ટિબોડીઝ બનવાનો દર 95-98% રહ્યો.

એનો અર્થ એ છે કે બાળકોમાં વેક્સિન કોરોના વાઇરસ વિરુદ્ધ વયસ્કોની તુલનામાં વધુ સુરક્ષા પ્રદાન કરવામાં સક્ષમ રહી શકે છે.

દેશમાં 15-18 વર્ષનાં બાળકોને લાગશે કોવેક્સિન
3 જાન્યુઆરી 2022થી પ્રથમવાર બાળકોને કોરોના વેક્સિનેશન કરવામાં આવશે. સૌપ્રથમ 15-18 વર્ષની વયનાં બાળકોનું વેક્સિનેશન થશે. આ એ જ ગ્રુપનાં બાળકો માટે ભારત બાયોટેક કંપનીની કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે 15-18 વર્ષનાં બાળકોને કોરોના વેક્સિનેશન શરૂ કરવાની સાથે જ 10 જાન્યુઆરી 2022થી હેલ્થવર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60+ કોમોર્બિડિટીવાળા લોકોને પ્રિકૉશન ડોઝ લગાવવાની ઘોષણા કરી હતી.

નેઝલ વેક્સિન પણ લાવવાની તૈયારીમાં છે ભારત બાયોટેક
2022માં ભારત બાયોટેક નેઝલ વેક્સિન (BBV154) લાવવાની તૈયારીમાં છે. નેઝલ વેક્સિનને ભારત બાયોટેક અને વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન (WUSM) મળીને બનાવી રહ્યા છે. ભારત બાયોટેકનું લક્ષ્ય 2022માં નેઝલ વેક્સિનના 100 કરોડ ડોઝ બનાવવાનું છે.

નેઝલ વેક્સિન સિંગલ ડોઝ હશે, જેને ઈન્જેક્શનને બદલે નાક દ્વારા આપવામાં આવશે, આથી એને ઈન્ટ્રાનેઝલ વેક્સિન પણ કહેવામાં આવે છે.