ભાસ્કર એક્સપ્લેનર:બજેટ કેવી રીતે તૈયાર થાય છે? તેમાં શું-શું હોય છે? સંસદમાં બજેટ રજૂ થયા પછી શું થશે? જાણો બધુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાણાં મંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ 2021-22 માટે બજેટ રજૂ કરશે. આ વખતનું બજેટ ખાસ છે, કેમકે એવું પ્રથમવાર છે, જેમાં બજેટ દસ્તાવેજ પ્રિન્ટ થયા નથી. આ વખતનું બજેટ સંપૂર્ણપણે પેપરલેસ છે અને તેને ડિજિટલી જ રિલીઝ કરવામાં આવશે. સામાન્ય રીતે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા 5 મહિના અગાઉથી શરૂ થઈ જાય છે અને અનેક મહત્વની બેઠકો પછી તેને તૈયાર કરવામાં આવે છે.

પરંતુ બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શું છે? બજેટમાં શું-શું હોય છે? બજેટ રજૂ થયા પછી શું-શું થાય છે? ભારતનું પ્રથમ બજેટ ક્યારે આવ્યું હતું? આવો જાણીએ આવા જ કેટલાક સવાલોનાં જવાબ...

બજેટ હોય છે શું?
જે રીતે આપણે આપણા ઘરને ચલાવવા માટે એક બજેટની જરૂર હોય છે, એ જ રીતે દેશને ચલાવવા માટે પણ બજેટની જરૂર પડે છે. આપણે આપણા ઘરનું જે બજેટ બનાવીએ છીએ, તે સામાન્ય રીતે મહિનાનું હોય છે. તેમાં આપણે હિસાબ લગાવીએ છીએ કે આ મહિનામાં આપણને કેટલો ખર્ચ થયો અને કેટલું કમાયા. આ રીતે દેશનું બજેટ પણ હોય છે. તેમાં આખા વર્ષના ખર્ચ અને કમાણીના લેખાજોખા હોય છે.

બજેટમાં શું-શું હોય છે?
બજેટમાં સરકાર ત્રણ પ્રકારના આંકડા જણાવે છે. જે હોય છે-બજેટ એસ્ટિમેટ એટલે કે બજેટ અંદાજ, રિવાઈઝ્ડ એસ્ટિમેટ એટલે કે સંશોધિત અંદાજ અને એક્ચ્યુઅલ એટલે કે વાસ્તવિક. હવે આ ત્રણેય શું હોય છે, તેને સમજીએ.

1. બજેટ એસ્ટિમેટઃ આ આગામી વર્ષનું હોય છે. આ વખતે 2021-22 માટે બજેટ એસ્ટિમેટ જણાવાશે. એટલે કે તેમાં સરકાર 2021-22માં થનારી કમાણી અને ખર્ચનો અંદાજ જણાવે છે.
2. રિવાઈઝ્ડ એસ્ટિમેટઃ આ ગત વર્ષનું હોય છે. આ વખતે જે બજેટ રજૂ થશે, તેમાં 2020-21નું રિવાઈઝ્ડ એસ્ટિમેટ જણાવાશે. એટલે કે ગત બજેટમાં સરકારે જે અંદાજ લગાવ્યો હતો, એ અનુમાનના હિસાબે તેની કેટલી કમાણી અને કેટલો ખર્ચ થયો. રિવાઈઝ્ડ એસ્ટિમેટ બજેટ એસ્ટિમેટથી ઓછા-વધુ પણ હોઈ શકે છે.
3. એક્ચ્યુઅલઃ બે વર્ષ અગાઉનું હોય છે. આ વખતે બજેટમાં 2019-20નું એક્ચ્યુઅલ બજેટ જણાવાશે. એટલે કે 2019-20માં સરકારને વાસ્તવમાં કેટલી કમાણી થઈ અને કેટલો ખર્ચ થયો.

હવે વાત બજેટ અગાઉ શું-શું થાય છે, તેની... બજેટની તૈયારી 5 મહિના અગાઉથી શરૂ થઈ જાય છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં આર્થિક મામલાઓના વિભાગના બજેટ ડિવિઝન તમામ મંત્રાલયો, વિભાગો, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને સર્ક્યુલર જારી કરે છે. તેમાં તેમને આવનારા નાણાકીય વર્ષ માટે તેમના ખર્ચનું અનુમાન લગાવીને જરૂરી ફંડ જણાવવા માટે કહેવામાં આવે છે.

તેના પછી ઓક્ટોબર-નવેમ્બરમાં નાણાં મંત્રાલય બીજા મંત્રાલયો-વિભાગોના અધિકારીઓની સાથે મીટિંગ કરે છે અને એ નક્કી કરે છે કે કયા મંત્રાલય અને વિભાગને કેટલી રકમ આપવામાં આવે. મીટિંગમાં નક્કી થયા પછી એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે.

બધુ નક્કી થયા પછી બજેટ ડોક્યુમેન્ટ પ્રિન્ટ થાય છે. પરંતુ આ વખતે પ્રિન્ટ નહીં થાય. બજેટ રજૂ થવાના લગભગ એક સપ્તાહ અગાઉ નાણાં મંત્રાલયમાં હલવા સેરેમની યોજાય છે. તેના પછી તમામ સંબંધિત અધિકારીઓને નાણાં મંત્રાલયમાં જ રોકવામાં આવે છે અને કોઈ બહારના વ્યક્તિ સાથે સંપર્ક કરવા દેવામાં આવતો નથી. જ્યારે બજેટ રજૂ થાય છે, ત્યારે અધિકારીઓને બહાર આવવા દેવાય છે.

બજેટના એક દિવસ અગાઉ આવે છે ઈકોનોમિક સર્વે
ઈકોનોમિક સર્વેને સરળ ભાષામાં ડાયરી પણ કહી શકીએ. જે રીતે આપણે આપણા ઘરમાં એક ડાયરી મેઈન્ટેન કરીએ છીએ અને આ ડાયરીમાં આપણે આખા વર્ષના ખર્ચ, કમાણી, બચતનો હિસાબ લગાવીએ છીએ અને તેનાથી જ અંદાજ લગાવીએ છીએ કે આવનારા સમયમાં કઈ રીતે ખર્ચ કરવાનો છે, કઈ રીતે કમાવાનું છે અને કેવી રીતે બચત કરવાની છે. ઈકોનોમિક સર્વે પણ એ જ રીતનો હોય છે.
1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાના એક દિવસ અગાઉ ઈકોનોમિક સર્વે રજૂ કરવામાં આવે છે.

જો કે, આ વખતે ઈકોનોમિક સર્વે 29 જાન્યુઆરીએ રજૂ કરાયું. ઈકોનોમિક સર્વે એટલે કે આર્થિક સર્વેક્ષણમાં વીતેલા વર્ષના લેખાજોખા અને આવનારા વર્ષ માટે સૂચન, પડકારો અને ઉપાયો હોય છે. ઈકોનોમિક સર્વેને આર્થિક મામલાઓનાં વિભાગના ઈકોનોમિક ડિવિઝન ચીફ ઈકોનોમિક એડવાઈઝર એટલે કે સીઈએની દેખરેખમાં તૈયાર કરાય છે. આ સમયે CEA ડોક્ટર કૃષ્ણમૂર્તિ સુબ્રહ્મણ્યમ છે. પ્રથમ ઈકોનોમિક સર્વે 1950-51માં રજૂ કરાયો હતો. 1964 સુધી તેને બજેટની સાથે જ રજૂ કરાતો હતો. પરંતુ પછીથી તેને બજેટના એક દિવસ અગાઉ રજૂ કરવામાં આવે છે.

બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી
સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી હોય છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી તેને કેબિનેટની સામે રાખવામાં આવે છે અને તેના પછી સંસદના બંને ગૃહોમાં તેને રજૂ કરાય છે.

બજેટ રજૂ થયા પછી શું થાય છે?
બજેટ રજૂ થયા પછી તેને સંસદનાં બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરાવવાનું હોય છે. બંને ગૃહોમાંથી પસાર થયા પછી 1 એપ્રિલથી તે લાગુ થઈ જાય છે. આપણા દેશમાં નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધી હોય છે.

161 વર્ષ અગાઉ આવ્યું હતું દેશનું પ્રથમ બજેટ
દેશનું પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ બ્રિટિશ સરકારના નાણાં મંત્રી જેમ્સ વિલ્સને રજૂ કર્યુ હતું. આઝાદી પછી પ્રથમ બજેટ દેશના પ્રથમ નાણાં મંત્રી આર કે ષણમુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર, 1947ના રોજ રજૂ કર્યુ હતું. આ બજેટ 15 ઓગસ્ટ 1947થી 31 માર્ચ, 1948 સુધીની અવધિ માટે હતું. 26 જાન્યુઆરી, 1950ના રોજ ગણતંત્રની સ્થાપના પછી પ્રથમ બજેટ 28 ફેબ્રુઆરી, 1950ના રોજ જોન મથાઈએ રજૂ કર્યુ હતું.