દેશભરમાં એક કેસની ખૂબ ચર્ચા છે...અને એ છે દિલ્હી કંઝાવાલા હિટ એન્ડ રન કેસ...એમાં સ્કૂટી સાથે ટક્કર બાદ અંજલિ નામની યુવતી કાર નીચે ફસાઈ અને 12 કિમી સુધી તેને ઢસડવામાં આવી, અંતે તેનું મોત થયું. જોકે આ કેસમાં અકસ્માત જાણીજોઈને કરવામાં આવ્યો હતો કે પછી અન્ય કોઈ એંગલ છે એને લઈ તપાસ ચાલી રહી છે. શું તમને ખબર છે કે દેશમાં બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ એટલે કે રેસ-ડ્રાઇવિંગને કારણે રોજ સરેરાશ 117 લોકોનાં મોત થાય છે. ઉપરના ફોટો પર ક્લિક કરી સમજો કેટલું ખતરનાક છે રેસ-ડ્રાઇવિંગ? એની શું સજા થઈ શકે? અને જો બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગથી કોઈનું મોત થાય તો શું સજા થઈ શકે?
દરરોજ સરેરાશ 117નાં મોત
રેસ-ડ્રાઇવિંગ કરવાવાળા માટે તો ખરું, આસપાસના લોકો માટે પણ ઘાતક છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના આંકડા પ્રમાણે, 2021માં માર્ગ અકસ્માતમાં 1.55 લાખથી વધુ લોકોનાં મોત થયાં, જેમાંથી 42 હજાર 853 લોકોનાં મૃત્યુ ખતરનાક કે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાથી કે ઓવરટેકિંગ કરવાથી થયાં હતાં, એટલે કે પ્રત્યેક દિવસ સરેરાશ 117 લોકોનાં મોત.
ડ્રિંક એન્ડ ડ્રાઇવથી રોજ સરેરાશ 8 લોકોનાં મોત
દારૂનું સેવન કરીને કે ડ્રગ્સ લઈને ડ્રાઇવિંગ કરવાને કારણે દરરોજ સરેરાશ 8 લોકો મૃત્યુ પામે છે. NCRBના રિપોર્ટ પ્રમાણે, ગયા વર્ષે દારૂ કે ડ્રગ્સનું સેવન કરીને ડ્રાઇવિંગને કારણે 2, 935 લોકોનાં મોત થયાં તો માર્ગ અને પરિવહન મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે, 2021માં દારૂ કે ડ્રગ્સ લઈને ડ્રાઇવિંગ કરવાને કારણે 3, 314 લોકોનાં મોત થયા હતાં, જ્યારે 7, 509 લોકો ઇજાગ્રસ્ત થયા. જો કોઈના 100 મિલીલિટર લોહીમાં 30 મિલીગ્રામ આલ્કોહોલ મળે તો માનવામાં આવે છે કે તેણે નશો કર્યો હતો.
આ છે સજાની જોગવાઈ
અંજલિના મોતની ઘટનામાં પોલીસે IPCની કલમ 279 અને કલમ 304-Aના હેઠળ કેસ નોંધ્યો છે. કલમ 279 અંતર્ગત જો કોઈ વ્યક્તિના ખતરનાક કે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગથી અન્ય વ્યક્તિના જીવને જોખમ છે અથવા કોઈને નુકસાન પહોંચે છે તો દોષિત સાબિત થવા પર તેને 6 મહિના સુધીની કેદની સજા અથવા એક હજાર રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે. તો કલમ 304-A અજાણતા હત્યાના કિસ્સામાં લાગુ કરવામાં આવે છે. આ કલમ કહે છે કે જો કોઈ વ્યક્તિની ઉતાવળને કારણે કોઈનું મોત થાય છે, તો દોષિત સાબિત થવા પર તેને બે વર્ષ સુધીની સજા અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.