તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • Haqqani Network, Which Took The Lives Of Indians At The Behest Of ISI, Says: Don't Interfere In Kashmir, Find Out All About This Terrorist Organization

ભાસ્કર એક્સપ્લેનર:ISIના ઈશારે ભારતીયોના જીવ લેનારા હક્કાની નેટવર્કે કહ્યું-કાશ્મીરમાં નહીં કરીએ દખલ, જાણો આ આતંકી સંગઠન વિશે બધું

19 દિવસ પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના થવાની છે. એક-બે દિવસમાં નવી સરકારનું એલાન થઈ શકે છે. આ અગાઉ તાલિબાને ભારત સાથે સારા સંબંધો રાખવાની વાત કરી છે. તાલિબાન નેતાએ આ અંગે દોહામાં ભારતના રાજદૂત સાથે મુલાકાત કરી છે. જ્યારે બીજી તરફ, તાલિબાનની સાથે સત્તામાં સામેલ થવા જઈ રહેલા આતંકી સંગઠન હક્કાની નેટવર્કે પણ ભારત સાથે સંબંધોની વાત કરી છે.

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે કામ કરનારા હક્કાની નેટવર્કે કહ્યું હતું કે તેઓ કાશ્મીર મુદ્દે કોઈ દખલ નહીં કરે. આ એ જ આતંકી સંગઠન છે, જેણે ક્યારેક કાબુલમાં ભારતીય દૂતાવાસ પર આત્મઘાતી હુમલો કર્યો હતો.

હક્કાની નેટવર્ક ભારતને લઈને હવે શું કહે છે? તેના નિવેદન પર કેટલો વિશ્વાસ કરી શકાય? હક્કાની નેટવર્ક શું છે અને તાલિબાનથી કેટલું અલગ છે? તાલિબાનની અંદર તેની શી ભૂમિકા છે? આવનારી સરકારમાં પણ શું હક્કાની નેટવર્કનો કોઈ રોલ હશે? આવો જાણીએ...

હક્કાની નેટવર્કે ભારત અંગે શું કહ્યું છે?
હક્કાની નેટવર્કના પ્રમુખ સિરાજુદ્દીન હક્કાનીના ભાઈ અનસ હક્કાનીએ CNNને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે ભારત સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. ભારતે છેલ્લાં વીસ વર્ષ દરમિયાન અમારા દુશ્મનોની ખૂબ મદદ કરી, પરંતુ અમે બધુ ભુલાવીને સંબંધોને આગળ વધારવા માગીએ છીએ. કાશ્મીર મુદ્દે અનસે કહ્યું હતું કે કાશ્મીરમાં કોઈપણ પ્રકારની દખલ અમારી પોલિસી વિરુદ્ધ છે. અમે આ મામલે કોઈ દખલ નહીં કરીએ.

શા માટે મહત્ત્વપૂર્ણ છે હક્કાની નેટવર્કનું ભારત અંગે અપાયેલું નિવેદન?
આ આતંકી સંગઠન પાકિસ્તાનના ઈશારે કામ કરવા માટે જાણીતું છે. તાલિબાનના સત્તામાં આવ્યા પછી એક્સપર્ટ્સને આશંકા છે કે ભારત-અફઘાનિસ્તાનના સંબંધોમાં એક મોટો અવરોધ હક્કાની નેટવર્ક પણ છે.

આને આ રીતે સમજી શકાય કે જુલાઈ 2008માં કાબુલમાં ભારતીય દૂતાવાસ પર હુમલો આ આતંકી સંગઠને કર્યો હતો. આ આત્મઘાતી હુમલામાં 58 લોકો માર્યા ગયા હતા. કહેવાય છે કે આ વિસ્ફોટને અંજામ આપવાનો આદેશ ISIએ હક્કાની નેટવર્કને આપ્યો હતો.

માર્ચ 2020માં કાબુલના ગુરુદ્વારા રાય સાહેબ પર થયેલા આતંકી હુમલામાં 25 શ્રદ્ધાળુનાં મોત થયાં હતાં. આ હુમલાની જવાબદારી ISIS-Kએ લીધી હતી, પરંતુ અમેરિકન ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો હતો કે આ હુમલામાં હક્કાની નેટવર્કનો જ હાથ હતો.

શું હક્કાની નેટવર્કની વાતો પર વિશ્વાસ કરી શકાય?
ભલે હક્કાની નેટવર્ક હોય કે તાલિબાન, બંનેની વાતો પર આટલી જલદી વિશ્વાસ ન કરી શકાય. તાલિબાનની સરકારે ગુરુવારે જ કહ્યું કે તેઓ ફંડ્સ માટે ચીન પર નિર્ભર છે, કેમ કે ચીન જ તેના માટે સૌથી વધુ વિશ્વાસપાત્ર સહયોગી છે.

જ્યારે બીજી તરફ, હક્કાની નેટવર્ક અને તાલિબાનના સહયોગી રહેલા અલ-કાયદાએ તાલિબાનની જીત પછી તેને ઈસ્લામના દુશ્મનોથી કાશ્મીર અને બીજી ઈસ્લામી જમીનોની આઝાદીનું આહ્વાન કર્યું. ભારતની સાથે સારા સંબંધો રાખવાની વાત કરનારા તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને ગુરુવારે સાંજે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તાલિબાનને કાશ્મીર સહિત સમગ્ર દુનિયાના મુસ્લિમોનો અવાજ ઉઠાવવાનો હક છે.

જ્યારે પાકિસ્તાન સતત તાલિબાનના પક્ષમાં દુનિયાભરમાં લોબિંગ કરી રહ્યું છે. તાલિબાનની સત્તામાં ચીન, પાકિસ્તાન જેવા દેશોની દખલ સ્પષ્ટ જોવા મળી રહી છે. એવામાં એ ઈનકાર પણ ન કરી શકાય કે પાકિસ્તાન જેવા દેશ તાલિબાન અને હક્કાની નેટવર્કનો ભવિષ્યમાં ભારત વિરુદ્ધ ઉપયોગ કરી શકે છે.

હક્કાની નેટવર્ક અને તાલિબાન વચ્ચે શું સંબંધ છે?

હક્કાની નેટવર્કની રચના પૂર્વ મુજાહિદ્દીન કમાન્ડર જલાલુદ્દીન હક્કાનીએ કરી હતી. 1980ના દાયકામાં જલાલુદ્દીને અમેરિકન ગુપ્તચર એજન્સી CIAની ટ્રેનિંગ અને ફંડિંગથી શરૂઆત કરી હતી. CIAએ એ સમયે અફઘાનિસ્તાન પર નિર્ભર સોવિયેત સંઘ વિરુદ્ધ લડવા માટે આ પ્રકારના અને યૌદ્ધાઓની મદદ કરી. એ સમયમાં જલાલુદ્દીન એન્ટી સોવિયેત જેહાદના હિરોઝમાં સામેલ હતા. અફઘાનિસ્તાનમાં સોવિયેત સરકારના પતન સુધી જલાલુદ્દીને ઓસામા બિન લાદેન સહિત અનેક વિદેશી જેહાદીઓની સાથે સારા સંબંધો બનાવી લીધા હતા.

1990ના દાયકામાં જ્યારે તાલિબાન અફઘાનિસ્તાનની સત્તા પર આવ્યું તો જલાલુદ્દીને તેની સાથે હાથ મિલાવ્યો. 1990ની તાલિબાન સરકારના સમયમાં જલાલુદ્દીન હક્કાની એક અફઘાન પ્રોવિન્સ સરકારનો બોર્ડર એન્ડ ટ્રાઈબલ અફેર્સ મિનિસ્ટર પણ રહ્યો.

2000ની શરૂઆતમાં હક્કાનીનો તાલિબાનની અંદર પ્રભાવ વધ્યો અને તેને મિલિટરી કમાંડર બનાવી દેવાયો. 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર એટેક પછી જ્યારે અફઘાનિસ્તાનમાં અમેરિકાની દખલ વધી તો હક્કાની નાટો સેનાઓની વિરુદ્ધ યુદ્ધમાં લડ્યો. કહેવાય છે કે એ સમયમાં ઓસામા બિન લાદેનને અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવામાં પણ હક્કાનીનો જ હાથ હતો. 2010ના દાયકાની શરૂઆતમાં હક્કાની નેટવર્કે અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકો પર એક પછી એક અનેક આત્મઘાતી હુમલા કર્યા. એને કારણે 2012માં અમેરિકાએ હક્કાની નેટવર્કને આતંકી સંગઠન ઘોષિત કરી દીધું. પોતાના આત્મઘાતી હુમલાની સાથે જ હક્કાની નેટવર્ક અનેક કિડનેપિંગમાં પણ સામેલ રહ્યું છે.

2018માં જલાલુદ્દીન હક્કાનીનું લાંબી બીમારી પછી નિધન થયું. તેના પછી જલાલુદ્દીનનો પુત્ર સિરાજુદ્દીન હક્કાની નેટવર્કનો નવો પ્રમુખ બન્યો. 1996થી તાલિબાનનો હિસ્સો હોવા પછી પણ હક્કાની નેટવર્ક પોતાની ક્રૂરતા અને યૌદ્ધાઓને કારણે અલગ ઓળખ ધરાવે છે. આર્થિક રીતે પણ હક્કાની નેટવર્ક ખૂબ મજબૂત છે.

તાલિબાનની અંદર હક્કાની નેટવર્કની કેટલી મોટી ભૂમિકા છે?
પૂર્વ અફઘાનિસ્તાનમાં હક્કાની નેટવર્કનો પ્રભાવ સૌથી વધુ છે. અફઘાનિસ્તાનમાં અસરકારક રીતે આ સંગઠનનો બેઝ પાકિસ્તાનની ઉત્તર-પશ્ચિમ સરહદે છે. પાકિસ્તાનના ઉત્તરીય વજીરિસ્તાનમાં તો તેની સમાંતર સરકાર ચાલે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ સંગઠનની ગતિવિધિઓ ખૂબ વધી છે. તાલિબાન લીડરશિપમાં પણ હક્કાની નેટવર્કની ઉપસ્થિતિ વધી છે. 2015માં નેટવર્કના હાલના પ્રમુખ સિરાજુદ્દીન હક્કાનીને તાલિબાનનો ડેપ્યુટી લીડર બનાવાયો હતો.

સિરાજુદ્દીનનો નાનો ભાઈ અનસ એક સમયે અફઘાનિસ્તાનની જેલમાં કેદ હતો. એ સમયની અફઘાન સરકારમાં તેને મોતની સજા થઈ હતી. તેણે અફઘાન સરકારના પતન પછી પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ અને પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ અબ્દુલ્લા-અબ્દુલ્લા સાથે વાતચીત કરી હતી.

આવનારી સરકારમાં પણ શું હક્કાની નેટવર્કનો કોઈ રોલ હશે?
હાલનાં વર્ષોમાં અફઘાનિસ્તાનમાં થયેલા કેટલાક સૌથી વધુ ઘાતક હુમલાઓમાં હક્કાની નેટવર્કનો હાથ ગણાવાય રહ્યો છે. આ હુમલામાં અનેક સામાન્ય લોકો, સરકારી અધિકારીઓ અને વિદેશી સૈનિકોનાં મોત થયાં છે. એના પછી પણ નવી તાલિબાન સરકારમાં તેની મોટી અને પાવરફુલ ભૂમિકા હશે. હક્કાની નેટવર્કને પાકિસ્તાન અને તેની ગુપ્તચર એજન્સી ISI તાલિબાન સરકારમાં સિરાજુદ્દીન હક્કાનીને મહત્ત્વનો રોલ આપવા લોબિંગ કરી રહી છે.

એક્સપર્ટ્સ કહે છે કે સિરાજુદ્દીન હક્કાની છ વર્ષથી તાલિબાનનો ડેપ્યુટી લીડર છે. તેનાથી જ તેની આવનારી સરકારમાં ભૂમિકા સમજી શકાય છે. 2019માં સિરાજુદ્દીનના ભાઈ અનસ હક્કાનીને અફઘાન સરકારની કેદમાંથી આઝાદ કરાવવામાં આવ્યો હતો. આ પગલાને તાલિબાન અને અમેરિકા વચ્ચે સીધી વાતચીતનો અગત્યનો નિર્ણય માનવામાં આવે છે, જેના પછી અમેરિકાએ પોતાના સૈનિકોની અફઘાનિસ્તાનથી વાપસીનું એલાન કર્યું.

સિરાજુદ્દીન અને અનસની સાથે જ તેમના કાકા ખલીલ હક્કાની પણ એ સમયે કાબુલની ગતિવિધિઓના કેન્દ્રમાં છે. ખાસ વાત એ છે કે સિરાજુદ્દીન અને ખલીલ અત્યારે અમેરિકાના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે.

કેટલું ખતરનાક સંગઠન છે હક્કાની નેટવર્ક?
છેલ્લા બે દાયકામાં હક્કાની નેટવર્કે અફઘાનિસ્તાનમાં અનેક અત્યંત ઘાતક હુમલા કર્યા. 2012માં અમેરિકાએ તેને આતંકી સંગઠન ઘોષિત કર્યું. સંયુક્ત રાષ્ટ્રએ પણ આ સંગઠન પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. હક્કાની નેટવર્ક આતંકી હુમલામાં સુસાઈડ બોંબરનો ઉપયોગ કરવા માટે જાણીતું છે.

2013માં અફઘાન સેનાએ હક્કાની નેટવર્કની એક ટ્રક પકડી હતી. આ ટ્રકમાં લગભગ 28 ટન વિસ્ફોટકો ભર્યા હતા. 2008માં એ સમયના અફઘાની રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ પર થયેલા આત્મઘાતી હુમલાનો આરોપ પણ હક્કાની નેટવર્ક પર લાગ્યો હતો. અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલાની શરૂઆત કરવાનો આરોપ પણ હક્કાની નેટવર્ક પર જ છે.

અન્ય સમાચારો પણ છે...