ભાસ્કર ડેટા સ્ટોરી:ભારતની અડધી શહેરી વસતિ ફાંદવાળી! જાણો તમારું કેટલું વજન તમને આઇડિયલ શેપમાં રાખશે

2 વર્ષ પહેલા
 • ICMR-NINએ What India Eats રિપોર્ટ જાહેર કર્યો
 • શહેર અને ગામડાંની ખાવા-પીવાની આદતો પર વિસ્તૃત સર્વેક્ષણને આધાર બનાવ્યો

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂટ્રિશન (NIN)એ 28 સપ્ટેમ્બરે દેશની ખાણી-પીણીની આદતો પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. What India Eats એટલે કે ભારત શું ખાય છે ટાઈટલથી પ્રકાશિત આ રિપોર્ટના અનુસાર ભારતનાં શહેરો અને ગામડાંમાં ખાવા-પીવા સંબંધિત આદતોમાં એક મોટો ગેપ છે.

આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, શહેરોમાં એબ્ડોમિનલ ઓબેસિટી, એટલે કે ફાંદ (પેટ)ની સમસ્યા 53.6% લોકોને, એટલે કે દર બીજી વ્યક્તિને છે, જ્યારે ગામડાંમાં 18.8% લોકોને સમસ્યા છે. વાત જ્યારે ઓવરવેટ અને ઓબેસિટી (મેદસ્વિતા)ની આવે છે તો તેમાં પણ શહેર (31.4% અને 12.5%) ગામડાં (16.6% અને 4.9%)થી આગળ છે.

શું બોડી માસ ઇન્ડેક્સનું કેલ્ક્યુલેશન બદલાઈ ગયું છે?

 • ICMR-NINના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ભારતીયોનું આદર્શ વજન 60 કિલો નહીં, પરંતુ 65 કિલો છે. તેવી જ રીતે મહિલાઓનું આદર્શ વજન 50 કિલો નહીં, પરંતુ 55 કિલો છે. 2010માં જે ભલામણો કરવામાં આવી હતી, એમાં પાંચ કિલો વજન વધારવામાં આવ્યું છે.
 • ભારતીય પુરુષોની આદર્શ ઊંચાઈ 5.6 ફૂટ (171 સેમી)થી વધીને 5.8 ફૂટ (177 સે.મી.) થઈ ગઈ છે. મહિલાઓની આદર્શ ઊંચાઈ 5 ફૂટ (152 સેમી)થી વધારીને 5.3 ફૂટ (162 સેમી) કરવામાં આવી છે. એનાથી બોડી માસ ઈન્ડેક્સ (BMI) કાઢવાની ફોર્મ્યુલા પણ બદલી શકાય છે.

કેમ ખાસ છે આ What India Eats રિપોર્ટ?

 • દસ વર્ષ પહેલાં આવો જ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે ગામડાંનો કોઈ ડેટા નહોતો. પહેલી વખત વિવિધ ગ્રુપ્સનાં કુલ એનર્જી, પ્રોટીન, ફેટ્સ, અને કાર્બોહાઈડ્રેટ્સનું યોગદાન જણાવવામાં આવ્યું છે. એમાં બે રાષ્ટ્રીય કક્ષાના સર્વે ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 • રિપોર્ટમાં માય પ્લેટની ભલામણ કરવામાં આવી છે, એટલે કે તમારી થાળીમાં ફૂડ્સની યોગ્ય ગુણવત્તા શું હોવી જોઈએ, એ પણ જણાવવામાં આવ્યું છે. એનાથી ઈમ્યુન ફંક્શન મજબૂત બનશે. ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોરોનરી હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, કેન્સર, આર્થરાઈટિસ જેવી બીમારીઓથી પણ બચી શકાય છે.
 • What India Eats રિપોર્ટને તૈયાર કરવા માટે 2015-16નો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4, નેશનલ ન્યૂટ્રિશન મોનિટરિંગ બ્યુરો, WHO અને ઈન્ડિયન એકેડમી ઓફ પિડિયાટ્રિક્સ 2015ના રિપોર્ટ્સનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

શું તમારો ખોરાક તમારી શરીરની એનર્જીની જરૂરિયાતોને પૂર્ણ કરે છે?

 • ના. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, શહેરોમાં ક્રોનિક એનર્જી ડેફિસિયન્સી 9.3% હતી, જ્યારે ગામડાંમાં એ 35.4% હતી. એનો અર્થ એ થયો કે ગામડાંમાં રહેતી દર ત્રીજી વ્યક્તિ ખાવા-પીવા સંબંધિત કોઈ ને કોઈ બીમારીનો સામનો કરી રહી છે.
 • રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, શહેરોમાં લોકો દરરોજ 1943 કિલો કેલરી લઈ રહ્યા છે, જે 289 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 51.6 ગ્રામફેટ, 55.4 ગ્રામ પ્રોટીનમાંથી આવે છે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં લોકો 2081 કિલો કેલરી લઈ રહ્યા છે. આ 368 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 36 ગ્રામ ફેટ અને 69 ગ્રામ પ્રોટીનમાંથી આવે છે.
 • ફૂડ ગ્રુપ્સની વાત કરીએ તો શહેરોમાં 998 કિલો કેલરી અનાજમાંથી, 265 કિલો કેલરી ફેટ અને 119 કિલો કેલરી કઠોળમાંથી આવે છે તેમજ ગામમાં એનર્જી સોર્સ તરીકે અનાજની ભાગીદારી (1358 કિલો કેલરી) સૌથી વધુ છે. ત્યાર બાદ ફેટ (145), દાળ અને કઠોળ (144) આવે છે.
 • રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 66% પ્રોટીનનો સ્રોત દાળ, કઠોળ, નટ્સ, દૂધ, માંસ હોવો જોઈએ, પરંતુ આ થઈ રહ્યું નથી. ઓછાં ફળો અને શાકભાજી ખાવાથી ડાયાબિટીસ અને દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ ઓછી ખાવાથી હાઈ બ્લડપ્રેશરનું જોખમ વધી જાય છે.

શું એનર્જી સોર્સ તરીકે અનાજ પર નિર્ભરતા યોગ્ય છે?

 • ICMRની હૈદરાબાદસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂટ્રિશનના જણાવ્યા અનુસાર, અનાજ તમારી 45% ઊર્જાનો સ્રોત હોવો જોઈએ. વાસ્તવિકતા એ છે કે શહેરોમાં 51% અને ગામડાંમાં 65.2% એનર્જી સોર્સ તરીકે અનાજનો વપરાશ કરે છે.
 • એનર્જી સોર્સ તરીકે દાળ, કઠોળ, માંસ, ઇંડાં અને માછલીનો ફાળો 11% છે, જ્યારે એ 17% હોવો જોઈએ. એ જ રીતે ગામડાંમાં 8.7% અને શહેરોમાં 14.3% વસતિ જ દૂધ અને દૂધની પ્રોડક્ટ્સનો યોગ્ય માત્રામાં સેવન કરે છે.
 • યોગ્ય માત્રામાં શાકભાજી ખાતાં પણ ગામડાંમાં ફક્ત 8.8% છે અને શહેરોમાં 17% છે. જો નટ્સ અને ઓઇલ સીડ્સની વાત કરીએ તો માત્ર 22% વસતિવાળાં ગામડાંમાં અને 27% વસતિવાળાં શહેરોમાં એનો યોગ્ય માત્રામાં વપરાશ થઈ રહ્યો છે.
 • આ રિપોર્ટમાં જણાવાયું છે કે શહેરોમાં લોકો એનર્જીની જરૂરનો 11% ભાગ ચિપ્સ, બિસ્કિટ, ચોકલેટ, મીઠાઈઓ અને જ્યૂસમાંથી લે છે, પરંતુ ગામડાંમાં પરિસ્થિતિ સારી છે. ત્યાં આવું કરનારા ફક્ત 4% જ છે. સારી ગુણવત્તાવાળું પ્રોટીન 5% ગ્રામીણ અને 18% શહેરી વસતિ જ આરોગી રહી છે.

માય પ્લેટની સલાહ શું કહે છે?

 • રિપોર્ટમાં માય પ્લેટના નામથી જણાવવામાં આવ્યું છે કે તમારા માટે કઈ આદર્શ થાળી હશે, જ્યાંથી તમને પૂરતી એનર્જા મળે છે અને સાથે એ બેલેન્સ્ડ ડાયટ પણ કહેવાય. આ માટે તમારી 45% કેલરી/ઊર્જા સ્રોત અનાજ હોવો જોઈએ. 17% કેલરી/એનર્જી કઠોળ અને ફ્લેશ ફૂડ્સ અને 10% કેલરી/એનર્જી દૂધ અને દૂધની પ્રોડક્ટ્સમાંથી મળવી જોઇએ. ફેટ ઇન્ટેક 30% અથવા એનાથી ઓછું હોવું જોઈએ.
 • પ્રથમ વખત ડાયટ ટિપ્સમાં ફાઇબર બેઝ્ડ એનર્જી ઇન્ટેક સામેલ કરવામાં આવ્યું છે. આ મુજબ, દરરોજ 40 ગ્રામ ફાઇબરયુક્ત ખોરાક લેવો જોઇએ. 5 ગ્રામ આયોડિન અથવા મીઠું અને 2 ગ્રામ સોડિયમ લેવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. પોટેશિયમના 3,510 મિલિગ્રામ પણ શરીરમાં ન્યૂટ્રિશન વેલ્યુ ઉમેરશે.
 • સિડેન્ટરી, મોડરેટ અને હેવી એક્ટિવિટીવાળા પુરુષો માટે 25, 30 અને 40 ગ્રામ ફેટ લેવાની સલાહ આપવામાં આવી છે. સમાન એક્ટિવિટીવાળી સ્ત્રીઓ માટે ફેટ્નું ઇન્ટેક દિવસદીઠ દરરોજ 20, 25 અને 30 ગ્રામ નક્કી કરવામાં આવ્યું છે. વર્ષ 2010માં પુરુષો અને સ્ત્રીઓ માટે ફેટ ઇન્ટેક સમાન રાખવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...