તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:ઓક્સિજન કન્સન્ટ્રેટરથી ઘરમાં જ આપો કોરોના દર્દીને ઓક્સિજન, જાણો હોમ આઈસોલેશનમાં એ કેટલું લાભદાયી

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાની બીજી લહેર દરરોજ નવા દર્દીઓ અને મોતના આંકડાનો રેકોર્ડ તોડી રહી છે. છેલ્લા કેટલાક દિવસમાં દેશમાં સતત 3 લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. હોસ્પિટલોમાં જગ્યા બચી નથી. જમ્મુથી કન્યાકુમારી સુધી ઓક્સિજન, વેન્ટિલેટર અને ICU બેડ્સની અછત અંગે હાહાકાર મચ્યો છે. આ દરમિયાન તમે ઓક્સિજન કન્સન્ટ્રેટરનો ઉલ્લેખ જરૂર સાંભળ્યો હશે. એક્સપર્ટ કહે છે કે હોમ આઈસોલેશનમાં રહેતા કોરોનાવાયરસના દર્દીઓ માટે એ અત્યંત લાભદાયી છે.

આવો સમજીએ ઓક્સિજન કન્સ્ટ્રેટર હોય છે શું, કેવી રીતે કામ કરે છે અને દર્દીઓ માટે કેટલું લાભદાયી છે...

ઓક્સિજન કન્સન્ટ્રેટર હોય છે શું અને કામ કેવી રીતે કરે છે?
આપણી આસપાસ રહેલી હવામાં અનેક પ્રકારના ગેસ હોય છે. ઓક્સિજન કન્સન્ટ્રેટર એ હવામાંથી ઓક્સિજનને અલગ કરે છે. આ કન્સન્ટ્રેટર વાતાવરણમાં રહેલી હવાને પોતાની અંદર લઈને તેમાંથી બીજા વાયુઓને અલગ કરીને શુદ્ધ ઓક્સિજન સપ્લાઈ કરે છે.

કન્સન્ટ્રેટરના લાભ શું છે?

 • જો તમે કોરોનાના દર્દી છો અને હોમ આઈસોલેશનમાં છો તો આ એક સારો વિકલ્પ છે.
 • એક કન્સન્ટ્રેટર એક મિનિટમાં 5થી 10 લિટર ઓક્સિજન સપ્લાઈ કરી શકે છે.
 • તેને ઓક્સિજન સિલિન્ડરની જેમ વારંવાર રિફિલ કરવાની જરૂર નથી
 • ઓક્સિજન કન્સન્ટ્રેટર ઉપરાંત અન્ય કોઈ ડિવાઈસની આવશ્યકતા નથી.
 • તેના ટ્રાન્સપોર્ટ અને મેઈન્ટેનન્સનો પણ કોઈ ખર્ચ નથી.
 • વીજળી ન હોય ત્યારે તેને ઈન્વર્ટર દ્વારા પણ ચલાવી શકાય છે.

કન્સન્ટ્રેટરના ગેરલાભ શું છે?

 • કોરોનાના ગંભીર દર્દીઓ માટે કોઈ કામનું નથી. તેમને એક મિનિટમાં લગભગ 40થી 50 લિટર ઓક્સિજન ફ્લોની જરૂર પડે છે જે કન્સન્ટ્રેટરની ક્ષમતા બહારની છે.
 • કન્સન્ટ્રેટરથી જે ઓક્સિજન સપ્લાય થાય છે, તેની શુદ્ધતા ઓછી હોય છે. તેની તુલનામાં આઈસીયુમાં અપાતો ઓક્સિજન 98% સુધી શુદ્ધ હોય છે.
 • ઓક્સિજન સિલિન્ડરની તુલનામાં આ મોંઘો ઉપાય છે. તેની કિંમત 40 હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધી છે.

ઓક્સિજન સિલિન્ડર અને કન્સન્ટ્રેટરમાં શું ફરક છે?

 • હોસ્પિટલમાં આઈસીયુ કે વેન્ટિલેટર પર દર્દીઓને જે ઓક્સિજન અપાય છે તે હોસ્પિટલના મોટા ટેન્કરોમાં સ્ટોર થાય છે. આ ટેન્કરોમાંથી આ ઓક્સિજન દર્દીના બેડ સુધી પાઈપલાઈન દ્વારા પહોંચે છે. જે હોસ્પિટલમાં ઓક્સિજન સ્ટોર કરવા માટે ટેન્કર નથી, ત્યાં તેમને નાના સિલિન્ડરથી દર્દીઓ સુધી લઈ જવાય છે.
 • આ ઓક્સિજન હોસ્પિટલ સુધી કોઈ પ્લાન્ટથી પહોંચે છે, જ્યાં તેનું મોટાપાયે ઉત્પાદન થાય છે. ઓક્સિજન કન્સન્ટ્રેટરને તમે નાનો અને ઘરેલુ ઓક્સિજન પ્લાન્ટ માનો. આ કન્સન્ટ્રેટર તમારી આસપાસની હવાને શુદ્ધ કરીને તેને દર્દીઓને આપવા લાયક બનાવે છે.

ઓક્સિજન કન્સન્ટ્રેટર ખરીદતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

 • ફ્લો રેટઃ ફ્લો રેટ એટલે કે કન્સન્ટ્રેટરથી દર્દી સુધી કેટલી વારમાં કેટલો ઓક્સિજન પહોંચશે. ફ્લો રેટ જેટલો વધુ હશે, દર્દીને એટલો વધુ ઓક્સિજન મળશે. એક સારા કન્સન્ટ્રેટરનો ફ્લો રેટ 1 થી 5 લીટર પ્રતિ મિનિટ હોવો જોઈએ એટલે કે 1 મિનિટમાં 1થી 5 લિટર ઓક્સિજન દર્દી સુધી પહોંચવો જોઈએ.
 • પોર્ટેબિલિટીઃ કન્સન્ટ્રેટર ખરીદતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખો કે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલી આસાનીથી લઈ જઈ શકાય છે. કન્સન્ટ્રેટર એટલું ભારે ન હોય કે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી લઈ જવામાં પરેશાની થાય. વાસ્તવમાં કન્સન્ટ્રેટરના વજનને સીધો સંબંધ તેના ફ્લો રેટ સાથે પણ છે. કન્સન્ટ્રેટરનો ફ્લો રેટ જેટલો વધુ હશે એટલું વજન પણ તેનું વધુ જ હશે. હાલ માર્કેટમાં 5 કિલોથી ઓછા વજનના કન્સન્ટ્રેટર પણ ઉપલબ્ધ છે.
 • ઓક્સિજનની શુદ્ધતાઃ હોસ્પિટલમાં દર્દીઓને જે મેડિકલ ઓક્સિજન આપવામાં આવે છે, તેની શુદ્ધતા 98% સુધી હોય છે. પરંતુ કન્સન્ટ્રેટરથી મળનારા ઓક્સિજનની શુદ્ધતા 88%થી 98% સુધી હોય છે. ઓક્સિજનની શુદ્ધતા જેટલી વધુ હશે કન્સન્ટ્રેટર એટલું જ સારૂં હશે પરંતુ તેનાથી કન્સન્ટ્રેટરની કિંમત વધી જશે.
 • વીજળીનો વપરાશઃ કન્સન્ટ્રેશનની ક્ષમતા પ્રમાણે વીજળીનો વપરાશ પણ અલગ-અલગ હોય છે. એવું કન્સન્ટ્રેટર પસંદ કરો કે જે વીજળીમાં પણ ચાલી શકે. હાલમાં માર્કેટમાં એવા કન્સન્ટ્રેટર ઉપલબ્ધ છે જે ઈન્વર્ટર કે કારની બેટરીથી પણ ચલાવી શકાય છે.

(નોંધઃ આ જાણકારી માત્ર માહિતીના ઉદ્દેશથી છે. અલગ-અલગ દર્દીઓને અલગ-અલગ-અલગ ક્ષમતાના કન્સન્ટ્રેટરની જરૂર હોય શકે છે. કન્સન્ટ્રેટર ખરીદતા પહેલા તમે ડોક્ટરની સલાહ જરૂર લો.)