તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:ગાંધીજીના પ્રપૌત્રીને 6 વર્ષ જૂના ફ્રોડ કેસમાં મળી 7 વર્ષની સજા, તેમના માતા 9 વર્ષ સુધી દક્ષિણ આફ્રિકાના સાંસદ રહ્યા હતા

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીજીના પ્રપૌત્રી આશિષ લતા રામગોબિનને ફ્રોડકેસમાં 7 વર્ષની સજા થઈ છે. સજા દક્ષિણ આફ્રિકાની કોર્ટે સંભળાવી છે. આશિષ લતા ગાંધીનાં પૌત્રી ઈલા ગાંધીનાં પુત્રી છે. ઈલા દક્ષિણ આફ્રિકામાં 9 વર્ષ સુધી સાંસદ રહી ચૂક્યાં છે. આ મામલો છ વર્ષ જૂનો છે.

વાસ્તવમાં છ વર્ષ અગાઉ દક્ષિણ આફ્રિકાના બે બિઝનેસમેને લતા પર લગભગ 6 કરોડના ફ્રોડનો કેસ કર્યો હતો, એમાંથી એકમાં તેમને સોમવારે સજા સંભળાવવામાં આવી છે.

આખરે આશિષ લતા રામગોબિન કરે છે શું? ગાંધીજીના પરિવાર સાથે તેમને શું સંબંધ છે? ગાંધી પરિવાર સાથે જોડાયા પછી પણ તેઓ દક્ષિણ આફ્રિકામાં કઈ રીતે છે? શું તેમનો ગાંધીજીની આફ્રિકા મુલાકાત સાથે કોઈ કનેક્શન છે? લતાનાં માતાનું દક્ષિણ આફ્રિકાની રાજનીતિમાં કેવું કદ છે? આવો જાણીએ...

કોણ છે આશિષ લતા રામગોબિન?
આશિષ લતા પાર્ટિસિપેટિવ ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ નામની NGOનાં ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતાં. આ NGO અહિંસાના ક્ષેત્રે કામ કરે છે. જ્યાં લતા ખુદને એક એવા એક્ટિવિસ્ટ ગણાવે છે જેમનું ફોકસ પર્યાવરણ, સામાજિક અને રાજકીય સુધારાઓ પર છે.

લતા ઉપરાંત પણ મહાત્મા ગાંધીના પરિવારના અનેક લોકો માનવાધિકાર કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે. તેમાં લતાનાં પિતરાઈ ભાઈ-બહેન કૃતિ મેનન, સ્વર્ગીય સતીશ ધુપેલિયા અને ઉમા ધુપેલિયા-મેસ્ત્રી અને લતાના માતા ઈલા ગાંધી સામેલ છે. લતાનાં માતા ઈલા પોતાના પ્રયાસો માટે દુનિયાભરમાં ઓળખાય છે. તેમને ભારત અને દક્ષિણ આફ્રિકા બંને દેશોમાં એ માટે સન્માનિત કરવામાં આવ્યાં છે.

લતાને મહાત્મા ગાંધી સાથે શું સંબંધ છે?
મહાત્મા ગાંધીના ચાર પુત્રો હરિલાલ, મણિલાલ, દેવદાસ અને રામદાસ ગાંધી હતા. ગાંધીજીના બીજા પુત્ર મણિલાલ 1897માં પ્રથમવાર દક્ષિણ આફ્રિકા ગયા. 1906થી 1914 દરમિયાન તેઓ ક્વાજુલુ-નટાલ અને ગાવટેંગમાં રહ્યા. એ પછી તેઓ થોડા સમય માટે ભારત આવ્યા. 1917માં મણિલાલ ફરી દક્ષિણ આફ્રિકા પરત ગયા. ત્યાં તેઓ ગુજરાતી-અંગ્રેજી સાપ્તાહિક ઈન્ડિયન ઓપિનિયન બહાર પાડવામાં મદદ કરવા લાગ્યા. 1920માં તેઓ તેના સંપાદક બની ગયા.

1927માં સુશીલા મશરૂવાલા સાથે લગ્ન પછી દક્ષિણ આફ્રિકામાં જ તેમને ત્રણ બાળકો સીતા, ઈલા અને અરુણ થયાં. આ તમામ દક્ષિણ આફ્રિકાના જ નાગરિક બન્યા. જોકે પછી તેમના પુત્ર અરુણે અમેરિકાના નાગરિકતા લીધી હતી. આશિષ લતા મણિલાલનાં પુત્રી ઈલાનાં પુત્રી છે.

2016માં પોતાની દક્ષિણ આફ્રિકાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીનાં પ્રપૌત્રી અને લતાના માતા ઈલા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
2016માં પોતાની દક્ષિણ આફ્રિકાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીનાં પ્રપૌત્રી અને લતાના માતા ઈલા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

લતાનાં માતા શું રાજનીતિમાં પણ રહ્યાં છે?
લતાનાં માતા ઈલા દક્ષિણ આફ્રિકાની રાજનીતિનું મોટું નામ છે. તેમનો જન્મ દક્ષિણ આફ્રિકાના ક્વાજુલુ નટાલમાં 1940માં થયો હતો. તેઓ શરૂઆતથી જ રંગભેદ વિરુદ્ધ કામ કરવા માટે જાણીતાં હતાં. 1973માં આફ્રિકન સરકારે તેમના પર પ્રતિબંધ લગાવી દીધો.

તેમને 9 વર્ષ સુધી હાઉસ એરેસ્ટ કરીને રખાયાં હતાં. નેવુંનાં દાયકામાં જ્યારે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ ખતમ થયો તો 1994માં તેઓ આફ્રિકન નેશનલ કોંગ્રેસનાં સભ્ય તરીકે સાંસદ બન્યાં. 2003 સુધી તેઓ સંસદનાં સભ્ય રહ્યાં.

એ પછી ઈલાએ દરેક પ્રકારની હિંસા વિરુદ્ધ સંઘર્ષ શરૂ કર્યો. એના માટે તેમણે ગાંધી ડેવલપમેન્ટ ટ્રસ્ટ પણ બનાવ્યું, જે અહિંસા માટે કામ કરે છે. એ ઉપરાંત તેમણે મહાત્મા ગાંધી નમક માર્ચ કમિટી પણ બનાવી. 2002માં તેમને કમ્યુનિટી ઓફ ક્રાઈસ્ટ ઈન્ટરનેશનલ પીસ અવૉર્ડ મળ્યો. 2007માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા.

લતા કયા કેસમાં દોષિત ગણાયા?
ઓક્ટોબર 2015માં લતા પર દક્ષિણ આફ્રિકાના બે બિઝનેસમેન સાથે 8.3 લાખ ડોલર (લગભગ 6 કરોડ રૂપિયા)ની છેતરપિંડીનો આરોપ લાગ્યો. આ કેસમાં તેમના પર ચોરી, છેતરપિંડી અને કપટની કલમો લગાવાઈ. લતા પર દક્ષિણ આફ્રિકાના મોટા ઉદ્યોગપતિ એસઆર મહારાજ સાથે 60 લાખ રેન્ડ (3.22 કરોડ) અને એક અન્ય બિઝનેસમેન સાથે 50 લાખ રેન્ડ (2.7 કરોડ રૂપિયા)ની છેતરપિંડીનો આરોપ લાગ્યો. આમાંથી જ એક કેસમાં સોમવારે તેમને સાત વર્ષની સજા સંભળાવાઈ.

લતા પર કેસ કરનારા બિઝનેસમેન કોણ છે?
એસઆર મહારાજ દક્ષિણ આફ્રિકાના મોટા ઉદ્યોગપતિ છે. મહારાજની ન્યૂ આફ્રિકા એલાયન્સ ફૂટવેર ડિસ્ટ્રિબ્યુટર્સ નામની કંપની છે. આ કંપની જૂતાં-ચપ્પલ, કપડાં અને લિનેનની આયાત, વેચાણ અને મેકિંગનું કામ કરે છે. તેમની કંપની પ્રોફિટ માર્જિન અંતર્ગત અન્ય કંપનીઓને આર્થિક મદદ પણ કરે છે.

લતા પર મહારાજે શા માટે કેસ કર્યો હતો?
લતા પર થયેલા કેસ અનુસાર, 2015ની શરૂઆતમાં લતાની મહારાજ સાથે મુલાકાત થઈ. લતાએ તેમને વિશ્વાસ અપાવ્યો કે તેમણે ભારતથી લિનેનનાં 3 કન્ટેનર મગાવ્યાં છે. આ કન્ટેનર સાઉથ આફ્રિકન હોસ્પિટલ ગ્રુપ નેટ કેરને ડિલિવર કરવાનાં છે. લતાએ કહ્યું હતું કે તેમને સાઉથ આફ્રિકા સુધી કન્ટેનર લાવવા માટે પૈસાની જરૂર છે. તેમણે એસઆર મહારાજને નેટ કેર કંપની સંબંધિત દસ્તાવેજો પણ બતાવ્યા. નેટ કેર કંપનીના દસ્તાવેજ અને લતા રામગોબિનના પરિવારને જોઈને મહારાજે તેમની સાથે ડીલ કરીને પૈસા આપી દીધા. બંને વચ્ચે પ્રોફિટની હિસ્સેદારીની પણ વાત થઈ હતી.

ત્યાર પછી ખ્યાલ આવ્યો કે લતાએ નકલી દસ્તાવેજ બતાવ્યા હતા. છેતરપિંડીનો ખ્યાલ આવ્યા પછી કંપનીના ડાયરેક્ટરે લતાની વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો. 2015માં લતા વિરુદ્ધ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય અભિયોજન પ્રાધીકરણ (એનપીએ)ના બ્રિગેડિયર હંગવાની મુલૌદજીએ કહ્યું હતું કે લતાએ ઈન્વેસ્ટરને વિશ્વાસ અપાવવા માટે નકલી દસ્તાવેજો અને ચલણ બતાવ્યાં હતાં. ભારતથી લિનેનનું કોઈ કન્ટેનર દક્ષિણ આફ્રિકા આવ્યું નથી. 2015માં લતાને 50 હજાર રેન્ડ (2.68 લાખ)ના જામીનની રકમ પર મુક્ત કરવામાં આવ્યાં હતાં.