દેશના જાણીતા રેસલર્સમાં છેલ્લા 3 દિવસથી દિલ્હીમાં હડતાળ પર બેઠા છે. તેનું કારણ એ છે કે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ છે. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિત અનેક મહિલા રેસલર્સે બ્રિજભૂષણ પર યૌનશોષણના આરોપો લગાવ્યા છે.
આ મોટા નામના કારણે આ મામલો ન્યૂઝમાં આવ્યો છે. જોકે છેલ્લા 10 વર્ષથી અલગ-અલગ રમતોમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયાના 45 લોકો પર યૌનશોષણના આરોપ લાગ્યા છે. યૌનશોષણના આરોપીઓમાં ફૂટબોલ, હોકી, ક્રિકેટ અને જિમ્નાસ્ટના કોચ પણ સામેલ છે. 7 વર્ષ પહેલા કેરળની જુનિયર મહિલા એથ્લીટ અપર્ણા રામચંદ્રને તો કોચના શોષણથી હેરાન-પરેશાન થઈને સ્પોર્ટ્સ ઓથોરિટીની હોસ્ટેલમાં જ સુસાઇડ કરી લીધું હતું.
ભાસ્કર એક્સપ્લેનરમાં છેલ્લા 10 વર્ષમાં સ્પોર્ટ્સ ઓથોરિટીથી જોડાયેલા યૌનશોષણના 8 મોટા આરોપોની સ્ટોરી...
1. ફૂટબોલ કોચ પર મહિલાએ ખેલાડીઓને ગંદા મેસેજ મોકલવાનો આરોપ
જુલાઈ 2022ની વાત છે. ભારતીય અંડર-17 વુમન્સ ફૂટબોલ ટીમની સાથે સહાયક કોચ એલેક્સ એમ્બ્રોસ યૂરોપ ગયા હતા. આ દરમિયાન એક ખેલાડીના કોચ પર યૌનશોષણનો આરોપ લાગ્યો હતો. ખેલાડીનું કહેવું હતું કે તેને પોતાના કોચ એમ્બ્રોસ પાસેથી આવી આશા નહોતી. એટલે તે દંગ રહી ગઈ. રિપોર્ટ પ્રમાણે, એમ્બ્રોસ પર ગેમ પછી ખેલાડીઓને ગંદા અને ભદ્દા મેસેજ મોકલવાનો આરોપ છે.
અખીલ ભારતીય ફૂટબોલ મહાસંઘે (AIFF)એ ફરિયાદ મળ્યા પછી થોડાક જ દિવસોમાં કોચની હકાલપટ્ટી કરી દીધી હતી. સાથે જ ફૂટબોલ મહાસંઘે કહ્યું હતું કે 'શરૂઆતની કાર્યવાહી કરવા પર, ફેડરેશને આગળની તપાસ થવા પર સંબંધિત વ્યક્તિને સસ્પેન્ડ કરી દીધા છે. AIFFએ સંબંધિત વ્યક્તિને ટીમના બધા જ સંપર્કો બંધ કરી દેવાના આદેશ આપ્યા છે. સાથે જ ભારત પરત આવવાની અને આગળની તપાસ માટે ઉપસ્થિત રહેવા માટે કહેવામાં આવ્યું છે.'
2. સાઇકલિંગ કોચ પર ખેલાડીને પોતાના રૂમમાં રોકવાનો આરોપ
જુન 2022ની વાત છે. એક મહિલા સાઇક્લિસ્ટે સ્લોવેનિયા ટૂર પર ભારતીય રાષ્ટ્રીય મહિલા સાઉક્લિસ્ટ ટીમના મુખ્ય કોચ આર.કે. શર્મા પર યૌનશોષણ અને મિસબિહેવ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ફરિયાદી મહિલાએ દાવો કર્યો હતો કે કોચે તેને પોતાની સાથે એક રૂમમાં રહેવા માટે મજબૂર કરી હતી. એક જ રૂમમાં બે લોકો રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે બહાને હોટલનો રૂમ શેર કરવાની ફરજ પડી હતી.
પછી એથલીટે આ મામલે આર.કે.શર્માની સામે કેસ દાખલ કર્યો હતો. આના પછી સ્પોર્ટ્સ ઓથોરિટીએ કોચને કાઢી દીધા હતા.
3. કોચ પર ફિઝિયોથેરાપીના બહાને યૌનશોષણ કરવાનો આરોપ
જુલાઈ 2021માં 7 મહિલા એથલીટે બાસ્કેટબોલના કોચ પી. નાગરાજન પર ઘણા વર્ષો સુધી દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. સૌથી પહેલા 19 વર્ષની એક એથલીટે નાગરાજન પર યૌનશોષણનો આરોપ લગાવ્યો હતો.
આ ઘટનાને યાદ કરતાં ખેલાડીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'જો કોઈ મને ગળે લગાડવાનો પ્રયત્ન કરે છે, તો હું ધ્રૂજી જાઉં છું. એ દિવસની ઘટનાને યાદ કરીને જીવવું મુશ્કેલ બની ગયું છે. એક દિવસ, સેશન શરૂ થયાના થોડા સમય પછી, હું અસ્વસ્થતા અનુભવવા લાગી હતી. મેં જોયું કે કોચ ઇરાદાપૂર્વક તેના શરીરને મારી સામે અડતા હતા. મને અપમાન જેવું લાગ્યું. મેં સેશનને છોડવાનું નક્કી કર્યું, પરંતુ તેણે મને જવા દીધો નહીં.'
આ આરોપ લગાવ્યા પછી બે મહિના પછી 7 અન્ય મહિલા એથલીટે પણ આરોપો લગાવ્યા હતા. નાગરાજનની સામે નવી ફરિયાદ આવ્યા પછી તપાસમાં ખુલાસો થયો હતો કે તે મહિલા ખેલાડીઓને 'ફિઝિયોથેરાપી ઉપચાર' કરવાના બહાને યૌનશોષણ કરતો હતો. 30 મે 2021ના રોજ પોલીસે નાગરાજનની ધરપકડ કરી હતી.
4. મહિલા ક્રિકેટરે ગૌતમ ગંભીરની મદદથી હેરેસમેન્ટનો કેસ નોંધાવ્યો
જાન્યુઆરી 2020માં, દિલ્હી પોલીસે દક્ષિણ-પૂર્વ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તેના કોચની સામે મહિલા ક્રિકેટરની કથિત છેડતી માટે FIR નોંધવામાં આવી હતી. પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે મહિલા ખેલાડી તેમની પાસે પહોંચી હતી અને આ મામલે મદદ માગી હતી. આ પછી ગૌતમ ગંભીરની મદદથી મહિલાએ કોચ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
5. મહિલા જિમનાસ્ટે કોચ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો
સપ્ટેમ્બર 2014માં એક મહિલા જિમ્નાસ્ટે તેના કોચ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. જિમ્નાસ્ટે તેના કોચ મનોજ રાણા અને સાથી જિમ્નાસ્ટ ચંદન પાઠક પર રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટ્રેનિંગ કેમ્પ દરમિયાન અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ મામલે કેસ દાખલ થયા પછી 25 ઓક્ટોબર 2014ના રોજ મનોજ રાણાની દિલ્હીના આઈપી સ્ટેટ પોલીસે ધરપકડ કરી હતી.
6. સ્ટેટ એમેચ્યોર બોક્સિંગ એસોસિએશનના સેક્રેટરી પર જાતીય સતામણીનો આરોપ
માર્ચ 2011માં, તમિલનાડુ સ્ટેટ એમેચ્યોર બોક્સિંગ એસોસિએશનના સેક્રેટરી એ.કે. કરુણાકરન પર ઉત્પીડન, છેડતી અને ગુનાહિત ધાકધમકીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મહિલા બોક્સરે કહ્યું હતું કે સેક્રેટરી તેના પર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં પસંદગી માટે સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.
2009ની મહિલા સિનિયર નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા 24 વર્ષીય ઇ તુલસીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે એસોસિએશનના સેક્રેટરી એકે કરુણાકરણે જ્યારે વિરોધ કર્યો ત્યારે તેણે તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. કેસ નોંધાયા પછી તમિલનાડુ પોલીસે એકે કરુણાકરનની ધરપકડ કરી હતી.
7. મહિલા હોકી ટીમના સભ્યએ કોચ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો
જુલાઈ 2010માં ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડી રંજીતા દેવીએ ટીમના કોચ મહારાજ કિશન કૌશિક પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ખેલાડીએ કહ્યું હતું કે ચીન અને કેનેડાના પ્રવાસ દરમિયાન કોચે બળજબરીથી જાતીય સતામણીનો પ્રયાસ કર્યો હતો.
આ પછી, હોકી ટીમના કોચ મહારાજ કિશન કૌશિક વિરુદ્ધ તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ પોતાનો રિપોર્ટ પણ સુપરત કર્યો હતો, જેના પછી કૌશિકને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
8. 'અશ્લીલ મેસેજ મોકલીને સંબંધ બાંધવા માટે દબાણ કરવાનો આરોપ'
2009માં, આંધ્ર ક્રિકેટ એસોસિએશન (ACA)ના સેક્રેટરી વી ચામુંડેશ્વરનાથ પર ટીમમાં સામેલ કરવા માટે મહિલાઓ પર સંબંધ બાંધવા માટે દબાણ કરવાનો આરોપ લાગ્યો હતો.
23 જૂન 2009ના રોજ, હૈદરાબાદમાં રાજ્યના ગૃહમંત્રી સબિતા ઈન્દ્ર રેડ્ડીને મળેલી આંધ્ર ક્રિકેટ ટીમની ઘણી મહિલા ખેલાડીઓએ ચામુંડેશ્વરનાથ સામે કથિત રીતે અશ્લીલ SMS મોકલવા અને સંબંધ બાંધવા માટે દબાણ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી.
ગૃહમંત્રીએ આરોપોની DSP સ્તરની તપાસનું વચન આપ્યું હતું. ગૃહમંત્રીના આદેશ બાદ ચામુંડેશ્વરનાથને પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયાના 45 લોકો પર 10 વર્ષમાં જાતીય સતામણીનો આરોપ
17 જાન્યુઆરી 2020ના રોજ, એક RTIમાં ખુલાસો થયો કે 2010થી 2020 વચ્ચેના 10 વર્ષમાં, સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા એટલે કે SAIના 45 લોકો પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે. જેમાંથી 29 જાતીય સતામણીની ફરિયાદો વિવિધ રમતો સાથે જોડાયેલા કોચ સામે છે.
આમાંના ઘણા આરોપોની તપાસ કર્યા પછી, SAIએ અધિકારીઓ અથવા કોચ સામે સામાન્ય પગલાં લીધા છે, પગારમાં કાપ મૂકવાનો આદેશ આપ્યો છે, પેન્શનમાં નજીવો કાપ અથવા ટ્રાન્સફર કર્યો છે. કેટલાક કેસ વર્ષોથી પેન્ડિંગ છે. આ પૈકીના ઘણા કેસમાં આરોપીઓ હજુ પણ તેમના હોદ્દા પર છે.
આ માહિતી સામે આવ્યા બાદ તત્કાલીન કેન્દ્રીય ખેલ મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે તમામ પડતર કેસોને એક મહિનામાં ઉકેલવામાં આવશે. 3 માર્ચ 2020ના રોજ, સ્પોર્ટ્સ ઓથોરિટીએ જણાવ્યું હતું કે કુલ 19 કેસ પેન્ડિંગ છે. જેમાંથી 9 કેસનો ઉકેલ આવી ગયો છે જ્યારે 5 કેસનો બે સપ્તાહમાં નિકાલ કરવામાં આવશે.
હેન્ડબોલ અને ખો-ખો એકેડમીમાં ફરિયાદ દાખલ કરવાની વ્યવસ્થા નથી
દેશના ઘણી સ્પોર્ટ્સ એકેડમીમાં ફરિયાદ દાખલ કરવાની વ્યવસ્થા જ નથી. હેન્ડબોલ, ખો-ખો, મલખંભ જેવી ખેલ યૂનિયનની પાસે આવા મામલાઓને સોલ્વ કરવા માટે એક પણ જવાબદાર ઇન્ટરનલ કમ્પલેન્ટ કમિટી (ICC) સુદ્ધાં નથી. જ્યારે આ આ રમતો સાથે જોડાયેલી ખેલાડીઓએ યૌનશોષણની વિરુદ્ધ સતત ફરિયાદ કરી છે.
સપ્ટેમ્બર 2018માં, મલખંભ યૂનિયનના વડા આર ઈન્દોલયી પર સાત મહિલા ખેલાડીઓએ જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. આ પછી, તપાસ માટે કોઈ યોગ્ય સિસ્ટમ ના હોવાને કારણે, તેને દબાણપૂર્વક પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
તો, મે 2015માં, ચાર જુનિયર રોઇંગ એથ્લેટ્સે, તેમના કોચથી નારાજ થઈને, સંયુક્ત રીતે એક સુસાઇડ નોટ લખી અને કેરળની સરકારી સ્પોર્ટ્સ ઓથોરિટીની હોસ્ટેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી એક અપર્ણા રામચંદ્રનનું મૃત્યુ થયું હતું.
ભારતીય ઓલિમ્પિક સંઘના કોષાધ્યક્ષ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ
ભારતીય ઓલિમ્પિક સંઘ પણ જાતીય સતામણીના આવા કિસ્સાઓથી બાકાત નથી. માર્ચ 2022માં, ભારતીય ઓલિમ્પિક સંઘના ભૂતપૂર્વ કોષાધ્યક્ષ આનંદેશ્વર પાંડે પર મહિલા હેન્ડબોલ ખેલાડી સીમા શર્માએ બળાત્કારનો આરોપ મૂક્યો હતો.
સશાસ્ત્ર સીમા બાલ (SSB)ની ભૂતપૂર્વ રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ ખેલાડી સીમા શર્માએ રાજસ્થાનના ભીવાડીમાં પાંડે સામે IPC કલમ 376 (બળાત્કાર), 511 (ગુના કરવાનો પ્રયાસ) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આનંદેશ્વર પાંડે 2013થી 2020 સુધી હેન્ડબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા (HFI)ના જનરલ સેક્રેટરી પણ હતો.
ખેલાડીઓની જાતીય સતામણી જર્મનીમાં ચૂંટણીનો મુદ્દો બની ગયો ભારતમાં જાતીય સતામણીનો આરોપ લગાવ્યા બાદ મહિલા ખેલાડીઓએ કાર્યવાહી માટે વિરોધ કરવો પડ્યો છે. તો 2021માં, જ્યારે જર્મનીમાં મહિલા ખેલાડીઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો, ત્યારે તે ચૂંટણીનો મુદ્દો બની ગયો હતો. ત્યાંની સંસદીય સમિતિએ લોકોની વચ્ચે જઈને આ મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતા. રમતગમતમાં શારીરિક, માનસિક અને જાતીય સતામણી અટકાવવા માટે કડક કાયદા બનાવવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.