9 મે, 2023: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી અને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ખેંચી લઈ ગયા. આનાથી ગુસ્સે થઈને ઈમરાનના સમર્થકોએ હિંસા કરી અને સેનાની ઘણી જગ્યાઓને સળગાવી દીધી.
પાક આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે એને કાળો દિવસ ગણાવ્યો હતો કહ્યું હતું કે હિંસા કરનારાઓ સામે એવી કાર્યવાહી કરવામાં આવશે કે તેમના વંશજો યાદ કરશે. ઈમરાન અને તેના સમર્થકો પર આર્મી એક્ટ લગાવવાની વાત ચાલે છે.
17 મે 2023: પાકિસ્તાનની પંજાબ સરકારે કહે છે કે લાહોરના જમાનપાર્ક વિસ્તારમાં ઈમરાન ખાનના ઘરે 40 આતંકવાદી છુપાયેલા છે. જો તેમને 24 કલાકની અંદર સુરક્ષા દળોને સોંપવામાં નહીં આવે તો કાર્યવાહી કરવામાં આવશે.
આ પછી રેન્જર્સે ખાનના ઘરને ચારેબાજુથી ઘેરી લીધું હતું. રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને એ વિસ્તારની વીજળી પણ કાપી નાખવામાં આવી છે. માત્ર 9 દિવસમાં ઈમરાન ખાન ચારેબાજુથી ઘેરાઈ ગયા છે. પાકિસ્તાનમાં ચર્ચા છે કે સેનાએ ઈમરાનને છેલ્લું અલ્ટિમેટમ આપ્યું છે - ઈમરાન આર્મી એક્ટનો સામનો કરે, રાજકારણ છોડી દે અથવા લંડન ભાગી જાય.
ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું કે ઈમરાનને ખતમ કરવા માટે સેનાએ શું પ્લાન બનાવ્યો છે અને ઈમરાન પાસે કયા વિકલ્પો ઉપલબ્ધ છે?
11 મેના રોજ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાનને જામીન આપ્યા હતા. એ જ સમયે તેણે ઈમરાનની અન્ય કેસોમાં પણ ધરપકડ ન કરવાનો આદેશ આપીને બચાવ કર્યો હતો. પાકિસ્તાનના વરિષ્ઠ રાજકીય વિશ્લેષક જાવેદ સિદ્દીકીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સેનાએ આ તમામ ઘટનાઓને ખૂબ ગંભીરતાથી લીધી છે.
આ પછી જ શાહબાઝ સરકાર અને સેનાએ સાથે મળીને હિંસા ફેલાવનારા તમામ નાગરિકો પર આર્મી એક્ટ હેઠળ કેસ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ તમામ પર સૈન્ય અદાલતોમાં કેસ ચલાવવામાં આવશે. આ ખૂબ જ વાહિયાત છે, કારણ કે પાકિસ્તાન બંધારણ દ્વારા સંચાલિત છે, એક બંધારણીય સરકાર, સંસદ, અદાલતો છે.
કાયદાકીય નિષ્ણાતો આ નિર્ણયને આશ્ચર્ય સાથે જોઈ રહ્યા છે. આ કારણ છે કે લશ્કરી કાયદા અથવા લશ્કરી અદાલતો હેઠળ નાગરિક પર કેવી રીતે કેસ ચલાવી શકાય? આ ત્યારે જ થઈ શકે છે જ્યારે કોઈ બંધારણ ન હોય અથવા બંધારણને સ્થગિત અથવા રદ કરવામાં આવ્યું હોય. એટલા માટે નાગરિક અધિકાર સંગઠનો તેમજ અન્ય લોકો આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે.
9 મે પહેલાં પાકિસ્તાન આર્મીનો એક વિભાગ ઈમરાનની પાછળ ઊભો જોવા મળ્યો હતો. જોકે હિંસા બાદ ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિમાં પાકિસ્તાની સેનાનો કોઈ અધિકારી આર્મી ચીફનો વિરોધ કરવા તૈયાર નથી. આવી સ્થિતિમાં મુનીર પાસે ઈમરાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની શ્રેષ્ઠ તક છે.
આસિમ મુનીર પાસે ઈમરાનને તબાહ કરવા માટે 4 વિકલ્પ છે...
1. ઈમરાન ખાનનો નિર્ણય સૈન્ય અદાલતમાં થાય
રાજકીય વિદ્વાન હસન અસ્કરી નિર્દેશ કરે છે કે વર્તમાન શાહબાઝ સરકાર તણાવ ઘટાડવામાં રસ ધરાવતી નથી. સ્થિતિ બગડતાં આ સરકાર ઈમરાનની પાર્ટી પીટીઆઈને રાજકીય મેદાનમાંથી ખતમ કરવા માગે છે.
અસ્કરીનું કહેવું છે કે એ સ્પષ્ટ છે કે જો આજે ચૂંટણી થશે તો પીટીઆઈ જીતશે. ઈમરાનની પાર્ટી પાકિસ્તાનમાં વહેલી તકે સામાન્ય ચૂંટણી કરાવવાની પણ માગ કરી રહી છે. તેઓ નિર્દેશ કરે છે કે બંને બાજુના રાજકીય નેતાઓ લોહીતરસ્યા છે અને સત્તામાં રહેલા પક્ષો શાંતિ સ્થાપવાને બદલે આ કટોકટીમાંથી રાજકીય લાભ મેળવવાનો આગ્રહ રાખે છે.
પાકિસ્તાનના રાજકીય વિશ્લેષકનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ પર ઈમરાન ખાનને બચાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમની સામે આર્મી એક્ટ હેઠળ કેસ નોંધાયા બાદ ઈમરાન ખાનનો કેસ સેનાના હાથમાં જશે. આ પછી જ્યાં સુધી તેમને સજા ન થાય ત્યાં સુધી રાહતની આશા નહિવત રહેશે. આવી સ્થિતિમાં શાહબાઝ સરકાર પાકિસ્તાનની સેના પર ઈમરાન વિરુદ્ધ આર્મી એક્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવા દબાણ કરશે. આ સ્થિતિ ઈમરાન માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હિંસા ભડકાવવાના કેસમાં ઈમરાનને આર્મી એક્ટ હેઠળ મૃત્યુદંડ અને આજીવન કેદની સજા થઈ શકે છે.
જાવેદ સિદ્દીકીનું કહેવું છે કે વર્તમાન સરકાર પાકિસ્તાનના લોકોના કાયદાકીય અને નાગરિક અધિકારોનું રક્ષણ કરતી નથી. તે ભલે નામની નાગરિક સરકાર હોય, પરંતુ વ્યવહારમાં તેણે તેની તમામ સત્તાઓ શાસક સંસ્થાને એટલે કે પાકિસ્તાન આર્મીને સોંપી દીધી છે, જે ખૂબ જ કમનસીબ છે.
2. ઈમરાનની ધરપકડ કરવામાં આવે અને લાંબા સમય માટે ગેરલાયક ઠેરવવામાં આવે
2017માં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચાર માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ મામલો પનામા પેપર્સના ઘટસ્ફોટ સાથે સંબંધિત હતો. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ આ મામલે નવાઝ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
હાલ સમગ્ર પાકિસ્તાનમાં ઈમરાન વિરુદ્ધ લગભગ 121 કેસ નોંધાયેલા છે, જેમાં રાજદ્રોહ, નિંદા, હિંસા અને આતંકવાદને પ્રોત્સાહન આપવાના કેસો સામેલ છે. NAB અલ-કાદિર ટ્રસ્ટ કેસની તપાસ કરી રહી છે, જેમાં 9 મેના રોજ ઈમરાનની ધરપકડ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઈમરાનને આ મામલામાં ધરપકડ કરીને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવે અને બાદમાં નવાઝ શરીફની જેમ ગેરલાયક ઠેરવવામાં આવે એવી શક્યતા છે. જો ઈમરાન ગેરલાયક ઠરશે તો તે ચૂંટણી લડી શકશે નહીં.
3. પાર્ટીમાં ફૂટ પડાવવી જોઈએ અથવા ચૂંટણીપંચ એના પર પ્રતિબંધ મૂકી દે
ઈમરાન ખાન પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે એ પછી પણ આ ત્રીજો વિકલ્પ વાસ્તવિકતા બની રહ્યો છે. પીટીઆઈની લઘુમતી પાંખના વડા અને નેશનલ એસેમ્બ્લીના પૂર્વ સભ્ય જય પ્રકાશે શુક્રવારે પાર્ટી છોડવાની જાહેરાત કરી છે.
અગાઉ, પીટીઆઈના ઘણા મહત્ત્વપૂર્ણ નેતાઓ, જેમ કે ઈમરાન ખાનના નજીકના સહયોગી અને ભૂતપૂર્વ સંઘીય મંત્રી આમિર મહેમૂદ કિયાની, પીએમના પૂર્વ સલાહકાર મલિક અમીન અસલમ, કેપી મોહમ્મદ ઈકબાલ વઝીર, મેહમૂદ મૌલવી, સંજય સગવાણી અને કરીમ ગબોલેએ પાર્ટીથી અલગ થવાનું શરૂ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પીટીઆઈના તમામ અગ્રણી નેતાઓની ધરપકડ કરીને સેના તેમના પર હિંસાને યોગ્ય ઠેરવવા અને પાર્ટી છોડવા માટે દબાણ કરી રહી છે.
આ સાથે લશ્કર અને શાહબાઝ સરકાર ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ પર પણ પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રખેવાળ સરકારે ગુરુવારે પાકિસ્તાનના ચૂંટણીપંચને સંવેદનશીલ લશ્કરી સ્થળો પર 9 મેના રોજ થયેલા આતંકવાદી હુમલામાં પીટીઆઈની સંડોવણીના પુરાવા સોંપ્યા હતા.
વાસ્તવમાં પંજાબ સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રાજા અને ચૂંટણીપંચના સભ્યો માટે મુખ્યપ્રધાનના આવાસ પર એક બ્રીફિંગનું આયોજન કર્યું હતું, જેમાં ચૂંટણીના પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ, વીડિયો અને મેસેજ રજૂ કરાયા હતા.
4. ઈમરાન પર એવું દબાણ બનાવવું જોઈએ કે તે દેશ છોડીને લંડન જેવી જગ્યાએ જાય
ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સમક્ષ બીજો વિકલ્પ એ છે કે તે હાલપૂરતું પાકિસ્તાનનું રાજકારણ છોડીને ચૂપચાપ લંડન જતો રહે. પાકિસ્તાનમાં ચર્ચા છે કે સેનાએ આ પ્રસ્તાવ શાહબાઝ સરકાર દ્વારા ઈમરાન સુધી પહોંચાડ્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાન પાર્ટીના નજીકના નેતાઓ સાથે આ વિકલ્પ પર સલાહ લઈ રહ્યા છે. ઈમરાન ખાનને ઓફર સ્વીકારવા માટે સમયમર્યાદા આપવામાં આવી છે, પરંતુ સમયમર્યાદા ક્યારે પૂરી થશે એ સ્પષ્ટ નથી.
સેના સામે મોરચો માંડવો ભારે પડ્યો
એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની સેનાને પસંદ નથી કે કોઈપણ રાજકીય નેતા એટલો લોકપ્રિય બને કે તે સૈન્ય સંસ્થાન પર પડછાયો કરવા લાગે. પાકિસ્તાનના ઘણા પૂર્વ પીએમને સેના સામે સ્ટેન્ડ લેવું ખૂબ ભારે પડ્યું છે.
ઝુલ્ફીકાર અલી ભુટ્ટોઃ 5 જુલાઈ, 1977ના રોજ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ ઝિયા-ઉલ-હકે દેશમાં માર્શલ લૉ લાગુ કર્યો હતો. એક વર્ષ પછી હકે ભૂતપૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર ભુટ્ટોની ધરપકડ કરી અને જેલમાં ધકેલી દીધા.
18 ડિસેમ્બર 1978ના રોજ સુપ્રીમ કોર્ટે તેમને એક વિવાદાસ્પદ હત્યા કેસમાં દોષિત ઠેરવ્યા હતા. ભુટ્ટોને 4 એપ્રિલ 1979ના રોજ રાવલપિંડીની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
બેનઝીર ભુટ્ટોઃ બેનઝીરને પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર દ્વારા નજરકેદ રાખવામાં આવી હતી. 2007માં તેની હત્યા કરવામાં આવી હતી, તેની નજરકેદ પૂરી થયાના થોડાં અઠવાડિયાં પછી. બાય ધ વે, બેનઝીર ભુટ્ટોની હત્યામાં પાકિસ્તાની તાલિબાનોનો હાથ હોવાનું કહેવાય છે, પરંતુ 2017માં એક ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફે સ્વીકાર્યું હતું કે કદાચ પાકિસ્તાન બેનઝીર ભુટ્ટોની હત્યામાં સામેલ હતી. પાકિસ્તાનમાં સેના માટે એસ્ટાબ્લિશમેન્ટ શબ્દનો ઉપયોગ થાય છે.
નવાઝ શરીફ: 1999માં જનરલ પરવેઝ મુશર્રફે બળવો કર્યો અને પીએમ શરીફની ધરપકડ કરી. તે સમયે પણ શરીફને ફાંસી પર લટકાવવાની વાત થઈ હતી, પરંતુ સાઉદી અરેબિયા અને અમેરિકાના દબાણ બાદ એવું બન્યું ન હતું. આ પછી શરીફને દેશ છોડીને સાઉદી જવું પડ્યું.
સાઉદી અરેબિયા સાથેના કરાર હેઠળ નવાઝ શરીફે આગામી 10 વર્ષ સુધી દેશનિકાલમાં રહેવાનું હતું. ઉપરાંત તે 21 વર્ષ સુધી પાકિસ્તાનના રાજકારણમાં ભાગ લેવાનો ન હતો.
આ વિષય સાથે સંલગ્ન એક્સપ્લેનર વાંચો...
ISI ઓફિસર, જેમનાથી ઈમરાનને હતો હત્યાનો ડર:શું તેમના જ ઈશારા પર પૂર્વ PMને ઢસડીને લઈ ગયા પાક રેન્જર્સ
'પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના મેજર જનરલ ફૈઝલ નસીરે મને બેવાર મારવાનો પ્રયાસ કર્યો હતો. તે ટીવી એન્કર અરશદ શરીફની હત્યામાં પણ સામેલ છે. તેણે મારા પક્ષનાં સેનેટર આઝમ સ્વાતિને નગ્ન કર્યા અને તેમને ભારે ત્રાસ આપ્યો.'
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે લાહોરમાં એક રેલી દરમિયાન આ નિવેદન આપ્યું હતું. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ આઈએસઆઈ ઓફિસર પરના આરોપોને ખોટા ગણાવ્યા અને ઈમરાન વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી.
બે દિવસ બાદ પાકિસ્તાની રેન્જર્સ ઈમરાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ખેંચીને લઈ જતા જોવા મળ્યા. સંપૂર્ણ સ્ટોરી વાંચવા ક્લિક કરો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.