તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • Farmers Who Have Been Agitating For 72 Days Will Go On Strike Today, What Will Happen For Three Hours And Who Will Get The Exemption, Find Out Everything

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:72 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતો આજે ચક્કાજામ, ત્રણ કલાક સુધી શું-શું થશે અને કોને મળશે છૂટ, જાણો બધું જ

એક મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો આજે દિલ્હી, યુપી અને ઉત્તરાખંડને છોડીને સમગ્ર દેશમાં ચક્કાજામ કરશે. બપોરે 12થી 3 વચ્ચે થનારા આ ચક્કાજામ દરમિયાન એમ્બ્યુલન્સ અને સ્કૂલ-બસ જેવી જરૂરી સર્વિસીઝને છૂટ મળશે.

26 જાન્યુઆરીથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આ ચક્કાજામનું આહવાન કેમ કર્યું છે? આંદોલનમાં સામેલ કયાં સંગઠનો આમાં સામેલ છે? ચક્કાજામ દરમિયાન શું થશે? પોલીસની શું તૈયારીઓ છે? આવો જાણીએ.... .

આજના ચક્કાજામનું આહવાન કોણે કર્યું છે?
ચક્કાજામ આંદોલન કરી રહેલાં 40 ખેડૂત સંગઠનો દ્વારા બનાવવામાં આવેલા સંયુક્ત કિસાન મોરચાએ ચક્કાજામનું આહવાન કર્યું છે. શનિવારે બપોરે 12થી 3 વાગ્યા સુધી ચક્કાજામ રહેશે. આ દરમિયાન ગાડીઓને ચાલવા દેવામાં નહીં આવે. તમામ નેશનલ અને સ્ટેટ હાઈવેને જામ કરવામાં આવશે.

ચક્કાજામનું આહવાન કેમ કર્યું છે?
1લી ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટમાં ખેડૂતોની માગને અવગણવા બદલ અને દિલ્હીની સીમા પર ચાલી રહેલા આંદોલનની જગ્યાએ ઈન્ટરનેટ બંધ કરવાના વિરોધમાં આ ચક્કાજામનું આયોજન કર્યું છે. કિસાન સંગઠનોનું કહેવું છે કે 26 જાન્યુઆરીની ટ્રેક્ટર રેલી બાદથી અનેક ખેડૂતોના ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યાં છે. દિલ્હી બોર્ડરની આજુબાજુની જગ્યાઓને સંપૂર્ણ રીતે બ્લોક કરી દેવાઈ છે. આ તમામ બાબતોના વિરોધમાં આ ચક્કાજામ થશે.

ચક્કાજામ દેશના કયા વિસ્તારોમાં થશે?
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત કહે છે કે દિલ્હીમાં અમે કોઈ જ ચક્કાજામ નથી કરી રહ્યા. ત્યાં રાજાએ પોતે જ કિલ્લાબંધી કરી રાખી છે. ત્યાં અમારે ચક્કાજામ કરવાનું જરૂરી જ નથી. આ ઉપરાંત યુપી અને ઉત્તરાખંડમાં ચક્કાજામ નહીં થાય. જોકે ટિકૈતે અહીં ચક્કાજામ ન કરવાનું કારણ નથી જણાવ્યું. આ ત્રણ રાજ્યને છોડીને દેશભરના સ્ટેટ અને નેશનલ હાઈવેને જામ કરી દેવામાં આવશે.

આ ચક્કાજામથી ખેડૂતો શું સંદેશ આપવા માગે છે?
આ ચક્કાજામથી ખેડૂત પોતાની એકજૂથતા દેખાડવા માગે છે. 26 જાન્યુઆરીની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પછી ખેડૂતો માટે આ પ્રદર્શનનું મહત્ત્વ ઘણું જ વધી ગયું છે. સંયુક્ત કિસાન મોરચાના નેતા સિંધુ અને ટિકરી બોર્ડરથી આ સમગ્ર ચક્કાજામને કોઓર્ડિનેટ કરશે.

ચક્કાજામ દરમિયાન શું થશે?
ટિકૈતના જણાવ્યા મુજબ, 12થી 3 વાગ્યા સુધી ચાલનારા ચક્કાજામ દરમિયાન જે ગાડીઓને રોકવામાં આવશે તેને ખાવાનું અને પાણી આપવામાં આવશે, સાથે જ જણાવવામાં આવશે કે સરકાર તેમની સાથે શું કરી રહી છે. આ દરમિયાન ઈમર્જન્સી અને જરૂરી સર્વિસીઝ, જેમ કે એમ્બ્યુલન્સ, સ્કૂલ-બસ વગેરેને નહીં રોકવામાં આવે. બપોરે 3 વાગ્યે ચક્કાજામ સમાપ્ત થયા બાદ એકસાથે એક મિનિટ સુધી ગાડીઓના હોર્ન વગાડવામાં આવશે.

ચક્કાજામને લઈને પોલીસની તૈયારીઓ શું છે?
દિલ્હી પોલીસે દિલ્હીની તમામ બોર્ડર પર સિક્યોરિટી વધારી દીધી છે. મૂવમેન્ટ રોકવા માટે પોલીસે પહેલાં જ મલ્ટી લેયર બેરિકેડિંગ કરી છે. હરિયાણા પોલીસે પણ સુરક્ષા વ્યવસ્થાનો સઘન બંદોબસ્ત કર્યો છે.

અંતે ખેડૂતોની શું માગ છે? સરકાર શું કહે છે એના પર?
આંદોલન કરી રહેલા ખેડૂતોની 4 માગ છે, જેને લઈને છેલ્લા 72 દિવસથી ખેડૂત દિલ્હીના બોર્ડર પર અડગ છે. આ માગ છે....

1. ખેતી સાથે જોડાયેલા ત્રણ કાયદા રદ થાય. ખેડૂતોના જણાવ્યા મુજબ, એમાં કોર્પોરેટજગતના લોકોને ફાયદો થશે.
સરકારનું વલણઃ કાયદો પરત ન લઈ શકીએ. સંશોધન કરી શકીએ છીએ.

2. MSPનો કાયદો બને કે જેથી યોગ્ય ભાવ મળી શકે.
સરકારનું વલણઃ આંદોલન સમાપ્ત કરવા માટે તૈયાર હોય તો આશ્વાસન આપી શકીએ છીએ.

3. નવો વીજળી કાયદો ન આવે, કેમ કે તેમાં ખેડૂતોને વીજળી પર મળનારી સબસિડી સમાપ્ત થઈ જશે.
સરકારનું વલણઃ વીજળી કાયદો 2003 જ લાગુ રહેશે. નવો કાયદો નહીં આવે.

4. પરાળી સળગાવવા પર 5 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયાના દંડવાળો પ્રસ્તાવ પાછો ખેંચવામાં આવે.
સરકારનું વલણઃ પરાળી સળગાવવા પર એકપણ ખેડૂતને જેલ નહીં થાય. સરકાર આ જોગવાઈને હટાવવા માટે તૈયાર છે.

ખેતી સાથે જોડાયેલા ત્રણ કાયદા કયા છે....
1. ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટઃ ખેડૂત સરકારી મંડી (APMC)ની બહાર પાક વેચી શકે છે. આ પ્રકારના ખરીદ-વેચાણ પર ટેક્સ નહીં લાગે.
2. ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એક્ટઃ ખેડૂત કોન્ટ્રેક્ટ કરતાં પહેલાં નક્કી કરેલા એક ભાવ પર પોતાનો પાક વેચી શકે છે.
3. એસેન્શિયલ કોમોડિટીઝ (અમેડમેન્ટ) એક્ટઃ અનાજ, કઠોળ, તલ, ખાદ્ય તેલ, બટેટા અને ડુંગળીને જરૂરી વસ્તુઓની યાદીમાં બહાર કરવામાં આવ્યા છે. માત્ર યુદ્ધ, ભૂખમરો, પ્રાકૃતિક આપદા કે અત્યંત મોંઘવારી થાય તો જ સ્ટોક મર્યાદા નક્કી થશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો