ફેસબુક 28 ઓક્ટોબરે એન્યુઅલ કનેક્ટ કોન્ફરન્સમાં પોતાનું નામ બદલવાની ઘોષણા કરી શકે છે. ટેકનોલોજી બ્લોગ ‘ધ વર્જ’એ પોતાના સમાચારમાં આ જાણકારી આપી છે. આ પાછળનું કારણ જણાવાય છે કે ફેસબુક પોતાનું ફોકસ મેટાવર્સ ટેકનોલોજી પર કરવા માગે છે.
આ અગાઉ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે પોતાની કંપની એક સોશિયલ મીડિયા મંચથી આગળ વધીને ‘મેટાવર્સ’ કંપની બનશે. ફેસબુક એક એવી ઓનલાઈન દુનિયા તૈયાર કરી રહી છે, જ્યાં લોકો વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ વર્લ્ડનો એક્સ્પિરિયન્સ લઈ શકશે. આ પ્રોજેક્ટ માટે ફેસબુકે 10 હજાર લોકોને હાયર કરવાની ઘોષણા પણ કરી છે. આ સાથે જ કંપની આ ટેકનોલોજીમાં 50 મિલિયન ડોલરનું રોકાણ પણ કરશે.
સમજીએ, મેટાવર્સ શું હોય છે? કઈ રીતે કામ કરે છે? તેનાથી તમારી ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની રીત કઈ રીતે બદલશે? ફેસબુક ઉપરાંત અન્ય કઈ-કઈ કંપનીઓ મેટાવર્સ પર કામ કરી રહી છે? અને મેટાવર્સનો આઈડિયા આવ્યો ક્યાંથી...
મેટાવર્સ શું હોય છે?
મેટાવર્સ આમ તો ખૂબ જટિલ ટર્મ છે, પરંતુ સરળ ભાષામાં સમજીએ તો મેટાવર્સ એક પ્રકારની આભાસી દુનિયા હશે. આ ટેકનિકથી તમે વર્ચ્યુઅલ આઈડેન્ટિટી દ્વારા ડિજિટલ વર્લ્ડમાં એન્ટર કરી શકશો. એટલે કે એક પેરેલલ વર્લ્ડ જ્યાં તમારી અલગ ઓળખ હશે. એ પેરેલલ વર્લ્ડમાં તમે ફરવા, સામાન ખરીદવાથી લઈને આ દુનિયામાં જ પોતાના મિત્રો-સંબંધીઓને મળી શકશો.
કામ કઈ રીતે કરે છે?
મેટાવર્સ ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, મશીન લર્નિંગ, બ્લોકચેઈન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી અનેક ટેકનોલોજીના કોમ્બિનેશન પર કામ કરે છે.
તેનાથી તમારી ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની રીત કઈ રીતે બદલશે?
મેટાવર્સના આવ્યા પછી તમારી ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની રીત સંપૂર્ણપણે બદલાઈ જશે.
તેને કેટલાક ઉદાહરણથી સમજીએ...
ફેસબુક નામ કેમ બદલી રહી છે?
જે રીતે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ છે, એ રીતે આવનારા સમયમાં એક પેરેન્ટ કંપનીની અંદર ફેસબુક, વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ અને કંપનીના બીજા પ્લેટફોર્મ આવશે. આ ફેરફાર મેટાવર્સ પર ફોકસ કરવા માટે થઈ રહ્યો છે. કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગના મતે આવનારા સમયમાં મેટાવર્સ દુનિયાની વાસ્તવિકતા હશે. તેઓ મેટાવર્સ ટેકનિકની આ રેસમાં પાછળ રહેવા માગતા નથી.
મેટાવર્સને લઈને અત્યાર સુધી મોટી ઈવેન્ટ કઈ થઈ છે?
હાલમાં જ ફોર્ટનાઈટ ગેમ ઘણી ચર્ચામાં રહી હતી. ગેમમાં પોતાના યુઝર્સ માટે ‘મ્યુઝિક એક્સ્પિરિયન્સ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં યુઝર ગેમની અંદર જ આર્ટિસ્ટના લાઈવ મ્યુઝિક પર્ફોર્મન્સનો આનંદ લઈ શકતા હતા. ફોર્ટનાઈટને બનાવનારી કંપની એપિક ગેમ્સ મેટાવર્સ પર ઘણા સમય અગાઉથી કામ કરી રહી છે. હાલમાં જ ફોર્ટનાઈટે સિંગર એરિયાના ગ્રાન્ડની લાઈવ કોન્સર્ટ રાખી હતી. આ અગાઉ પણ ફોર્ટનાઈટ અલગ-અલગ આર્ટિસ્ટના લાઈવ કોન્સર્ટ પોતાની ગેમમાં ઓર્ગેનાઈઝ કરી ચૂકી છે.
મેટાવર્સનો એક્સ્પિરિયન્સ તમને ક્યાં સુધી મળી શકે છે?
ફેસબુકના અધિકૃત બ્લોગ અનુસાર, કંપની અત્યારે મેટાવર્સને બનાવવાના પ્રારંભિક તબક્કામાં છે. મેટાવર્સને સંપૂર્ણપણે વિકસિત થવામાં 10-15 વર્ષ લાગી શકે છે. આ સાથે જ એ સમજવું પણ જરૂરી છે કે મેટાવર્સને માત્ર કોઈ એક કંપની મળીને નહીં બનાવી શકે. આ અલગ-અલગ ટેકનોલોજીની મોટી જાળ છે જેના પર અનેક કંપનીઓ મળીને કામ કરી રહી છે.
ફેસબુક ઉપરાંત અન્ય કઈ કઈ કંપનીઓ મેટાવર્સ પર કામ કરી રહી છે?
મેટાવર્સમાં સોફ્ટવેર, હાર્ડવેર, એસેટ ક્રિએશન, પ્રોડક્ટ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ જેવી અનેક કેટેગરી હોય છે. આ તમામ કેટેગરી પર સેંકડો કંપનીઓ કામ કરી રહી છે. ફેસબુક ઉપરાંત ગૂગલ, એપલ, સ્નેપચેટ અને એપિક ગેમ્સ એ મોટા નામ છે, જેઓ મેટાવર્સ પર અનેક વર્ષોથી કામ કરી રહ્યા છે. અનુમાન છે કે 2035 સુધીમાં મેટાવર્સ 74.8 લાખ કરોડ રૂપિયાની ઈન્ડસ્ટ્રી હોઈ શકે છે.
મેટાવર્સનો આઈડિયા આવ્યો ક્યાંથી?
1992માં પબ્લિશ થયેલી અમેરિકન લેખક નીલ સ્ટીફેંસનની સાયન્સ ફિક્શન નોવેલ ‘સ્નો ક્રેસ’ પ્રથમવાર મેટાવર્સ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નોવેલમાં વર્ચ્યુઅલ વર્લ્ડમાં રિયલ લોકોનાં અવતાર રહે છે. નોવેલમાં વર્ચ્યુઅલ રિયાલિટી, ડિજિટલ કરન્સી જેવા અનેક માપદંડો પર વાત કરવામાં આવી છે.
મેટાવર્સ અંગે જોખમો શું છે?
મેટાવર્સના આવતા પહેલા જ તેના વિશે અલગ-અલગ ચર્ચા ચાલી રહી છે, જેમાં સૌથી મોટો મુદ્દો ડિજિટલ પ્રાઈવસીનો છે. મેટાવર્સ પર કામ કરી રહેલી એપિક ગેમ્સ કંપનીના સીઈઓ ટિમ સ્વીનીએ 2017માં ગેમ્સબિટ સમિટમાં કહ્યું હતું કે જે પ્લેટફોર્મ પર મેટાવર્સ બનાવવામાં આવી રહ્યું છે, જો તેના પર પ્રોપરાઈટરી કંપનીઓનો વધુ કંટ્રોલ હશે તો તેઓ આપણા જીવન, અંગત ડેટા અને આપણી અંગત વાતચીત પર સૌથી વધુ કંટ્રોલ કરી શકશે. આ કંટ્રોલ એટલો વધુ હશે જેટલો આજ સુધીના ઈતિહાસમાં ક્યારેય નહીં થયો હોય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.