• Gujarati News
  • Dvb original
  • Explainer
  • Experts Claim That Influenza Vaccine Will Protect Children From Serious Corona Infections, What Is This And How Effective It Is Against Corona, Find Out Everything

ભાસ્કર એક્સપ્લેનર:નિષ્ણાતોનો દાવો-ઇન્ફ્લુએન્ઝા રસી બાળકોને કોરોનાના ગંભીર સંક્રમણથી બચાવશે; શું છે આ અને કોરોના વિરુદ્ધ કેટલી કારગત, જાણો બધું

7 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની

કોરોનાની ત્રીજી લહેરને લઈને દરરોજ નવી વાતો સામે આવી રહી છે. એઈમ્સ-દિલ્હીના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. મહારાષ્ટ્રના કોવિડ ટાસ્કફોર્સે તો કહી દીધું કે ત્રણ-ચાર સપ્તાહમાં કેસ વધવા લાગશે. એના પછી સરકારે વેક્સિનેશનની ઝડપ વધારી દીધી છે, પરંતુ બાળકો માટે સપ્ટેમ્બર અગાઉ વેક્સિન મળવાની નથી.

આ જોતાં ઈન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ અને મહારાષ્ટ્રની કોવિડ ટાસ્કફોર્સે અંડર-5 બાળકોને ઇન્ફ્લુએન્ઝા વેક્સિન લગાવવાની ભલામણ કરી છે. ડોક્ટરોએ તો ચોમાસામાં અને એના પછી આવનારા શિયાળાને જોઈને બાળકોને જ નહીં, પુખ્તોને પણ ઈન્ફ્લુએન્ઝા વેક્સિન લગાવવાની ભલામણ કરી છે.

પરંતુ ઈન્ફ્લુએન્ઝા એટલે કે ફ્લૂની વેક્સિન, કોવિડ-19 વિરુદ્ધ ઈમ્યુનિટી હાંસલ કરવામાં મદદ કરી શકે છે? શું ફ્લૂ વેક્સિનના ડોઝ કોવિડ-19 વિરુદ્ધ ઈફેક્ટિવ છે? આ પ્રકારના સવાલો અંગે અમે નવી દિલ્હીના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક્સ ડો. હિમાંશુ બત્રા (મણિપાલ હોસ્પિટલ્સ) અને અમદાવાદનાં કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક્સ ડો. ઉર્વશી રાણા (નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ) અને મુંબઈના ઈન્ફેક્શિયસ ડિઝીઝ વિભાગમાં કન્સલ્ટન્ટ ડો. માલા કનેરિયા (જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર) સાથે વાત કરી. આવો, સમજીએ કે આ વિષયમાં વિશેષજ્ઞ શું કહે છે-

સૌપ્રથમ જાણીએ કે ઈન્ફ્લુએન્ઝાની વેક્સિન છે શું?
અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ (સીડીસી)નું કહેવું છે કે ફ્લૂ વેક્સિન ઈન્ફ્લુએન્ઝા અને અન્ય અનેક બીમારીઓથી બચાવે છે. સામાન્ય રીતે ફ્લૂ અને કોવિડ-19નાં લક્ષણ એક જેવાં છે, પરંતુ એનો અર્થ એ નથી કે ઈન્ફ્લુએન્ઝાની વેક્સિન કોવિડથી બચાવી લેશે.

અમે એ પણ જોયું છે કે બીજી લહેરમાં ઈન્ફેક્ટ થનારાં બાળકોની સંખ્યા વધી છે. બાળકોને ઈન્ફેક્શનનો ઓછો ખતરો ગણાવાયો હતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં કેટલાંક બાળકોમાં ગંભીર લક્ષણો પણ જોવા મળ્યાં છે. ડોકટરોના મતે ત્રીજી લહેરમાં બાળકોને જોખમ વધી શકે છે. તેમના માટે વેક્સિન નથી, આથી યુવા વસતિનું જોખમ ઓછું કરવા માટે અન્ય ઉપાયો તરફ જોઈ રહ્યા છીએ. એમાં એક ફ્લૂ વેક્સિન પણ છે.

માર્ચ 2021માં અમેરિકાની મિશિગન મેડિકલ હેલ્થકેર સિસ્ટમે ફેબ્રુઆરી-જુલાઈ 2020ના એક સ્ટડીના આધારે જોયું કે જેમને ફ્લૂ વેક્સિન આપવામાં આવી હતી, તેમના પોઝિટિવ ટેસ્ટ થવા કે ઈન્ફેક્ટ થવા પર ગંભીર લક્ષણો થવાની સંભાવના ખૂબ ઓછી થઈ જાય છે. આ રીતે ફ્લૂના શોટ્સ પણ ઈન્ફેક્શનના જોખમને અમુક અંશે કામ કરી શકે છે.

ઈન્ફ્લુએન્ઝા વેક્સિન ઈમ્યુનિટી વિકસિત કરવામાં કઈ રીતે મદદ કરે છે?
ઈન્ફ્લુએન્ઝા વેક્સિન (ફ્લૂ શોટ) સામાન્ય રીતે ફ્લૂની વિરુદ્ધ પ્રોટેક્શન આપે છે. ફ્લૂ એક વાઇરલ ઈન્ફેક્શન છે, જે ઈન્ફ્લુએન્ઝા વાયરસને કારણે થાય છે. આ બાળકોની ઈમ્યુનિટીને નબળી કરી શકે છે અને ઘણીવાર વરસાદ અને શિયાળામાં બાળકોમાં શ્વસન સંબંધિત ફરિયાદો વધી જાય છે.

ઈન્ફ્લુએન્ઝા વેક્સિન ફ્લૂ સામે પ્રોટેક્શન આપે છે. કોવિડથી નહીં, પરંતુ બાળકોમાં ફ્લૂથી પ્રોટેક્શન ગંભીર લક્ષણો અને હોસ્પિટલાઈઝેશનનો બોજ ઘટાડે છે. આનાથી કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેર દરમિયાન હોસ્પિટલો પર બોજ વધુ નહીં હોય.

વેક્સિન લાગ્યા પછી શરીરનો સામનો નબળો અથવા મૃત વાયરસ સાથે કરાવવામાં આવે છે. આની વિરુદ્ધ જ શરીર ઈમ્યુન સિસ્ટમ વિકસિત કરે છે. વેક્સિન લગાવ્યાનાં બે સપ્તાહ પછી એન્ટિબોડી બને છે. આ એન્ટિબોડી વ્યક્તિને એ બીમારીથી બચાવે છે. ઈન્ફ્લુએન્ઝા વાયરસ વિરુદ્ધ સીઝનલ ફ્લૂ વેક્સિન ઘણાખરા અંશે પ્રોટેક્શન આપે છે. આ વાયરસ ચોમાસામાં અને પછી શિયાળામાં ખૂબ સક્રિય રહે છે.

બજારોમાં ઉપલબ્ધ ઈન્ફ્લુએન્ઝા વેક્સિનની કિંમત અને વરાઈટી શું છે?
ઈન્ફ્લુએન્ઝા વેક્સિન ઈન્જેક્શન અને નેઝલ સ્પ્રે તરીકે ઉપલબ્ધ છે. સ્પ્રેની ભલામણ 2થી 49 વર્ષના લોકો માટે કરવામાં આવે છે. પ્રેગ્નન્ટ કે ઈમ્યુનોકોમ્પ્રોમાઈઝ્ડ લોકોને વેક્સિન આપતા નથી. ઈન્ફ્લુએન્ઝા વેક્સિન ટ્રાઈવેલન્ટ પણ હોઈ શકે છે, જેમાં ત્રણ અલગ-અલગ સ્ટ્રેન હોય છે. ક્વોડ્રિવેલેન્ટમાં ચાર સ્ટ્રેન હોય છે. આ વેક્સિન દર વર્ષે અપડેટ થતી રહે છે, જેના માટે વિજ્ઞાનીઓ એ સમયે પ્રચલિત વાયરસના આધારે તેમને વિકસિત કરે છે.

ઈન્ફ્લુએન્ઝ આ વેક્સિનબજારોમાં ઈનએક્ટિવેટેડ ક્વોડ્રિવેલેન્ટ વેક્સિન તરીકે ઉપલબ્ધ છે. આ ઇન્ફ્લુએન્ઝા Aની સાથે જ ઈન્ફ્લુએન્ઝ આ Bના બંને સ્ટ્રેન્સ વિરુદ્ધ પ્રોટેક્શન આપે છે. અલગ-અલગ બ્રાન્ડ્સમાં આ વેક્સિનનો 0.5 મિલી ડોઝ 1100 રૂપિયાથી 2400 રૂપિયા સુધીમાં ઉપલબ્ધ છે.

શું ઈન્ફ્લુએન્ઝઆ વેક્સિન લેવી કોરોના વિરુદ્ધ પૂરતું હશે?
જ્યારે બાળકો માટે કોઈ વેક્સિન ઉપલબ્ધ નથી, ત્યારે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન બાળકોમાં જોખમ ઓછું કરવામાં મદદ કરી શકે છે. રિસર્ચ જણાવે છે કે કોવિડ-19 અને ઈન્ફ્લુએન્ઝાના એપિડેમિયોલોજિકલ અને ક્લિનિકલ ફીચર એક જેવા છે. આ કારણથી બાળકોને ફ્લૂ વેક્સિનથી વેક્સિનેટ કરવા કોવિડ-19ના જોખમને ઓછું કરવામાં મદદ કરી શકે છે. કંઈ નહીં તો તેમને ગંભીર ઈન્ફેક્શન થતા તો બચાવશે જ.

નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી વેક્સિન ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી ફ્લૂ વેક્સિનના શોટ્સ બાળકોને ગંભીર લક્ષણોથી બચાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. જ્યારે કોવિડ વેક્સિન આવી જશે, ત્યારે પેરન્ટ્સ પોતાનાં બાળકોને બંને વેક્સિન લગાવવાનું આયોજન કરી શકે છે. આ જાણકારી મહત્ત્વપૂર્ણ છે કે બે વેક્સિનમાં ચાર સપ્તાહનું અંતર રાખવું જોઈએ. એનાથી બાળકમાં વાયરસના વિરુદ્ધ એન્ટિબોડી બનવા માટે ભરપૂર સમય મળી જશે.

તો ઈન્ફ્લુએન્ઝાની વેક્સિન કોણ લગાવી શકે છે?
IAPની ભલામણો અનુસાર, બાળકના જન્મના 6 મહિના પછી ફ્લૂનો પ્રથમ શોટ આપવો જોઈએ. એ સમય સુધી બાળકને પોતાની માતાના દૂધથી ઈમ્યુનિટી મળે છે. છ મહિનાનું થયા પછી પેરન્ટ્સે પોતાના બાળકને પાંચ વર્ષની વય સુધી દર વર્ષે આ ડોઝ આપવો જોઈએ. 5 વર્ષ પછી માત્ર હાઈ રિસ્ક ગ્રુપમાં જ ઈન્ફ્લુએન્ઝા વેક્સિન લગાવવામાં આવે છે.

કોવિડ-19 અને ફ્લૂનાં લક્ષણ એક જેવાં છે. જો બાળકને ઈન્ફ્લુએન્ઝા વેક્સિન લાગી હોય તો એ જાણવું સરળ થશે કે કોવિડ થયો છે કે નહીં. પેરન્ટ્સ પોતાના બાળકને વાયરસ વિરુદ્ધ પ્રોટેક્શન આપવા માટે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન લગાવી શકે છે. જોકે આ જાણવું મહત્ત્વનું છે કે એક સીઝનથી બીજી સીઝનમાં એફિકસી બદલી જાય છે અને એની અસર પણ વય અને હેલ્થની સ્થિતિ અનુસાર અલગ-અલગ હોઈ શકે છે.