પાકિસ્તાનની બરબાદીના 5 VIDEO:ખજાના ખાલીખમ, અમેરિકામાં રહેલી સરકારી પ્રોપર્ટી પણ વેચવા કાઢી, એક-એક રૂપિયા માટે હવાતિયાં, જાણો ભારતને કેમ ચેતવું જરૂરી

20 દિવસ પહેલા

હિન્દીમાં એક કહેવત છે કે મરતા ક્યા ન કરતા?, જ્યારે વાત જીવ પર આવે, અસ્તિત્વ જોખમાય, એટલે એ વ્યક્તિ ગમે તે કરવા તૈયાર થઈ જાય. હમણાં પાકિસ્તાનની હાલત પણ આવી જ છે. આર્થિક ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં લોટ માટે રીતસરની લૂંટ મચી રહી છે. સામાન્ય લોકો તો ઠીક, પરંતુ પાકિસ્તાનમાં પોલીસ જવાનો પણ ખુલ્લેઆમ લોટ ભરેલી ટ્રક રોકીને લોટની ગૂણો પોતાની ગાડીમાં લઈ જતા હોવાના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં અનાજની થતી લૂંટ બચાવવા માટે AK-47 રાઈફલ સાથે સેનાને સુરક્ષા માટે ગોઠવી હોવાના વીડિયો પણ સામે આવ્યા છે.

કુર્તો ફેલાવી લોટ લેતા પાકિસ્તાનના લોકો
કુર્તો ફેલાવી લોટ લેતા પાકિસ્તાનના લોકો

પાકિસ્તાનની આવી હાલત કેવી રીતે થઈ?
આઝાદી બાદ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી. દક્ષિણ એશિયામાં સૌથી સારા વિકાસદરની સાથે આગળ વધતા દેશોમાં એક સમયે પાકિસ્તાનનું નામ મોખરે હતું, પરંતુ તેની આજે જે હાલત છે એનો પાયો 5 જુલાઈ 1977ના રોજ નખાયો. જ્યારે પાકિસ્તાની સેનાના જનરલ જિયા-ઉલ-હક્કે સૈન્ય બળવો કરીને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. આ પહેલાં પણ પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા તો હતી જ, પરંતુ પહેલીવાર સેનાનું સરકાર પર દબાણ ખૂલીને સામે આવ્યું હતું. ત્યાર બાદ સેનાની દખલગીરીનો સિલસિલો ચાલતો જ રહ્યો. પાકિસ્તાને સેના પર ખર્ચ અનેક ગણો વધારી દીધો, જેને કારણે વિદેશો પાસેથી લોન લેવી પડી અને હદ તો ત્યારે થઈ જ્યારે એક લોન ચૂકવવા માટે બીજા દેશ પાસેથી બીજી લોન લેવાની પાકિસ્તાને શરૂ કર્યું. જૂન 2022માં પાકિસ્તાનના તત્કાલીન નાણામંત્રી મિફ્તાહ ઈસ્માઈલે સેના માટે 1523 બિલિયન રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી.

ભારત અને પાકિસ્તાન એકસાથે આઝાદ થયા. ત્યાર બાદ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ છૂટું પડ્યું. હવે આ ત્રણેય દેશ આર્થિક રીતે ક્યાં છે?, એ આ આંકડાની મદદથી સમજો. હાલના સમયમાં એક ડોલર સામે ભારતીય રૂપિયાની કિંમત 81 રૂપિયાની આસપાસ છે, બાંગ્લાદેશી ચલણ ટકાની કિંમત 103, જ્યારે પાકિસ્તાની રૂપિયાની કિંમત 227 છે. બાંગ્લાદેશમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 108 રૂપિયા છે, આપણે ત્યાં રાજધાની દિલ્હીમાં 96 રૂપિયા, જ્યારે પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલ માટે 214 રૂપિયા ખર્ચવા પડે છે, એટલે બમણાં કરતાં પણ વધારે.

પાકિસ્તાનની બરબાદીની ભારત પર શી અસર થશે?
ભારતની કંપની ટાટાએ પાકિસ્તાનમાં કરોડો રૂપિયાનું રોકાણ કરી રાખ્યું છે. વર્ષ 1991માં ટાટા ટેક્સટાઈલ્સ મિલ્સ લિમિટેડ પાકિસ્તાનના મુઝફ્ફરગઢમાં શરૂ થઈ હતી. ટાટાની પ્રોડક્ટની પાકિસ્તાનમાં સારીએવી શાખ છે. અહીંથી વિદેશમાં પણ માલની નિકાસ થાય છે, એટલે પાકિસ્તાનની GDPમાં એનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. આવી જ રીતે જિંદાલ સ્ટીલ વર્ક, નવાઝ શરીફના ભત્રીજા સાથે મળીને પાકિસ્તાનમાં સ્ટીલ અને એનર્જી સેક્ટરમાં સક્રિય છે, જેમાં સેંકડો પાકિસ્તાનીઓ નોકરી કરે છે. પણ હાલની સ્થિતિને જોતાં આ ભારતીય કંપનીઓને મોટા નુકસાનનો ડર છે.

ભારતમાં પણ પાકિસ્તાનીઓનું રોકાણ
કેટલાક સમય પહેલાં કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ડિપાર્ટમેન્ટે આપેલા એક રિપોર્ટ મુજબ ભારતની 109 લિસ્ટેડ કંપનીઓમાં પાકિસ્તાનના લોકોએ રોકાણ કરી રાખ્યું છે. અન્ય એક સંસ્થાના રિપોર્ટ મુજબ ભારતમાં 577 કંપની છે, જ્યાં પાકિસ્તાનીઓએ રોકાણ કર્યું છે, જેમાંથી 266થી વધુ કંપનીઓ તો ભારતીય શેરબજારમાં લિસ્ટેડ પણ છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે કેટલો વેપાર?
ટ્રેડિંગ ઈકોનોમિક્સના રિપોર્ટ મુજબ, વર્ષ 2021માં પાકિસ્તાને ભારતમાંથી 503 મિલિયન ડોલર કિંમતની આસપાસની વસ્તુ ખરીદી હતી, જેમાં 190 મિલિયન ડોલરના ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ, 141 મિલિયન ડોલરના ઓર્ગોનિક કેમિકલ, 119 મિલિયન ડોલરની ખાંડ, 8 મિલિયન ડોલરની કોફી અને ચા જેવી વસ્તુઓ સામેલ હતી. તો સામે ભારત પાકિસ્તાનથી વિવિધ ફળ, ડ્રાયફ્રૂટ્સ, સિમેન્ટ, મીઠું, ચૂનો, ચામડાની વસ્તુ આયાત કરે છે. વર્ષ 2017માં ભારતે પાકિસ્તાનથી 488 મિલિયન ડોલરની આયાત કરી, પરંતુ ભારતે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પુલવામા હુમલા બાદ પરત લઈ લીધો. એટલે પાકિસ્તાનથી આવતા સામાન પર અનેક ગણો ટેક્સ વધ્યો. આ જ કારણે બન્ને દેશ વચ્ચે વેપાર પણ ઘટી ગયો. આ સ્થિતિમાં નુકસાન તો પાકિસ્તાનને જ છે.

પાકિસ્તાન રૂપિયા ક્યાંથી લાવશે?
ઓગસ્ટ 2022 સુધી પાકિસ્તાન પર દેવું 59.7 લાખ કરોડ રૂપિયાનું હતું. ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે લોન આપવા એવી શરતો મૂકી કે પાકિસ્તાન માટે એનું પાલન કરવું મુશ્કેલ છે. આવા સમયે પાકિસ્તાન સરકાર વોશિંગ્ટનમાં તેના દૂતાવાસની એક ઈમારત વેચી રહી છે, જેમાંથી તેને 55 કરોડની આવકનું અનુમાન છે.

ભારત માટે ચિંતાનું કારણ કેમ?
કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના કારણે ભારતને આર્થિક મુશ્કેલી પડે તેવા તો કોઈ સંકેત નથી મળતા,. પરંતુ સુરક્ષા સંબંધના દૃષ્ટિકોણથી ભારતે પાકિસ્તાનની ગતિવિધિ પર ચાંપતી નજર રાખવી પડશે. વર્લ્ડ બેંક જ્યારે 2થી 3.5 ટકાની આસપાસના વ્યાજે લોન આપે છે, જ્યારે ચીન 6 ટકાના વ્યાજે, અને એ પણ પોતાની શરતો પર.ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવા અને શાહબાઝ શરીફને વડાપ્રધાન બનાવવા પાછળ પાકિસ્તાની સેનાનો મોટો હાથ માનવામાં આવે છે. પાકિસ્તાનનો ભૂતકાળ અને હમણાંની સ્થિતિ જોતાં પાકિસ્તાનની સરકાર સામે જ ત્યાંની સેના પણ આક્રમક થાય તો નવાઈ નહીં. લોકોનું ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાન જ કંઈક નવું ગતકડું પણ કરી શકે છે. રૂપિયાની લાલચમાં સીમા પર આતંકી ગતિવિધિ પણ વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...