ભાસ્કર એક્સપ્લેનર:કોલસામાંથી વીજળી કેવી રીતે બને છે? વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવા છતાં ભારતે કોલસાની શા માટે આયાત કરવી પડે છે

4 દિવસ પહેલા
 • કૉપી લિંક

વિશ્વમાં કોલસાની અછત વચ્ચે ભારતમાં પણ કોલસાનું સંકટ ઘેરું બની રહ્યું છે. દેશના અનેક પાવર પ્લાન્ટ્સમાં 3થી 5 દિવસ ચાલે એટલો કોલસાનો જથ્થો બચ્યો છે. સ્થિતિને જોતાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સંકટ વધારે ઘેરું બની શકે છે. રાજસ્થાન, તામિલનાડુ, ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોએ કેન્દ્ર સરકાર સમક્ષ કોલસા સંકટને લીધે વીજળી ઉત્પાદનમાં અછતની ફરિયાદ કરી છે.

જોકે સરકારે કોલસાની અછતને સંપૂર્ણપણે નકારી દીધી છે. સરકારનું કહેવું છે કે કોલસાની અછત ચોક્કસ છે, પણ એ ધીમે ધીમે દૂર કરવામાં આવશે. વીજળીના પુરવઠા પર અસરની શક્યતાને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે.

ચાલો સમજીએ કે કોલસાના સ્ટોકને લઈ શી સ્થિતિ છે? કેવી રીતે કોલસામાંથી વીજળી પેદા કરવામાં આવે છે? ભારત કોલસાનું વિપુલ પ્રમાણમાં કોલસાનું ઉત્પાદન કરે છે છતાં અન્ય દેશોમાંથી શા માટે આયાત કરે છે? કોલસાની અછતના સમાચાર વચ્ચે સરકારનું શું કહેવું છે? અને છેવટે વિશ્વભરમાં કોલસાની અછત શા માટે છે....

સૌથી પહેલા કોલસાને લઈ તાજેતરના સંકટની સ્થિતિને સમજીએ
હકીકતમાં દેશભરમાં કોલસાથી સંચાલિત પાવર પ્લાન્ટમાં એની અછતના સમાચાર આવી રહ્યા છે. દેશમાં ઉત્પાદિત 70 ટકા વીજળી થર્મલ પાવર પ્લાન્ટમાંથી આવે છે. કુલ પાવર પ્લાન્ટમાંથી 137 પાવર પ્લાન્ટ કોલસાથી સંચાલિત છે. આ પૈકી 7 ઓક્ટોબર 2021 સુધી 72 પાવર પ્લાન્ટમાં 3 દિવસનો કોલસો બચ્યો છે. 50 પ્લાન્ટમાં 4 દિવસથી પણ ઓછો ચાલે એટલો કોલસો બચ્યો છે.

હવે સમજીએ કોલસાથી કેવી રીતે તૈયાર થાય છે વીજળી

 • સૌથી પહેલા ખાણમાંથી આવતા કોલસા નાના-નાના ટુકડા કરી બારીક પાઉડર સમાન પીસવામાં આવે છે.
 • આ કોલસાનો ઉપયોગ બોઈલરમાં પાણીને ગરમ કરવા માટે થાય છે. પાણી ગરમ થયા બાદ હાઈ-પ્રેશર સ્ટીમમાં તબદિલ થાય છે, જેનો ઉપયોગ ટર્બાઈનને ફેરવવા માટે કરવામાં આવે છે.
 • આ ટર્બાઈન પણ પાણીના ટર્બાઈનની માફક જ હોય છે. બસ, તફાવત એટલો છે કે આ ટર્બાઈનને ફેરવવા માટે વરાળનો ઉપયોગ કરવામાં આવે છે.
 • આ ટર્બાઈનને જનરેટરથી કનેક્ટ કરવામાં આવે છે. ટર્બાઈન ફરવાથી જનરેટરમાં મેગ્નેટિક ફિલ્ડનું સર્જન થાય છે અને એનાથી વીજળી બને છે.

કોલસાનું બમ્પર ઉત્પાદન છતાં ભારતને શા માટે આયાત કરવી પડે છે

 • કોલસા ઉત્પાદનના ક્ષેત્રમાં ભારત વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો દેશ છે. બ્લોબલ એનર્જી સ્ટેટિસ્ટિકલ ઈયરબુક 2021 પ્રમાણે કોલસા ઉત્પાદનમાં ચીન સૌથી આગળ છે. પ્રત્યેક વર્ષ ચીન 3,743 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કરે છે. જ્યારે ભારત પ્રત્યેક વર્ષ 779 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કરી બીજા ક્રમ પર છે. તેમ છતાં ભારતને તેની જરૂરિયાતના 20થી 25 ટકા કોલસો અન્ય દેશોમાંથી આયાત કરવો પડે છે.
 • હકીકતમાં કોલસાની આયાતનું સીધું કનેક્શન કોલસાની ગુણવત્તાની સાથે છે. ભારતમાં જે કોલસાનું ઉત્પાદન થાય છે એ કેલોરિફિક વેલ્યુ ઓછું ધરાવે છે. કેલોરિફિક વેલ્યુ, એટલે કે એક કિલો કોલસો સળગાવવાથી કેટલા પ્રમાણમાં ઊર્જા પેદા થાય છે. કેલોરિફિક વેલ્યુ જેટલું વધારે એટલા કોલસાની ગુણવત્તા પણ સારી રહેશે.

કોલસાની અછત પાછળ કયું કારણ જવાબદાર?

 • કોરોનાની ભયાનક બીજી લહેર બાદ દેશ હવે ધીમે ધીમે પાટે ચઢી રહ્યો છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પણ અગાઉની જેમ શરૂ થવા લાગી છે, જેને લીધે વીજળીની માગ વધી છે.
 • ઈન્ટરનેશનલ માર્કેટમાં કોલસાની મોંઘી કિંમત પણ આ અછતનું એક કારણ છે. કોલસો મોંઘો થતાં જ પાવર પ્લાન્ટે તેની આયાત બંધ કરી દીધી અને સંપૂર્ણપણે કોલ ઈન્ડિયા પર નિર્ભર થવું પડ્યું. દેશમાં કોલસાના ઉત્પાદનમાં 80 ટકા હિસ્સેદારી ધરાવતી કોલ ઈન્ડિયાનું કહેવું છે કે ગ્લોબલ કોલ પ્રાઈઝમાં જે વધારો થઈ રહ્યો છે, એને લીધે ઘરેલુ કોલસાનું ઉત્પાદન પરની નિર્ભરતા રાખવી પડી રહી છે. માગ અને પુરવઠા વચ્ચે જે અંતર સર્જાયું છે એને લીધે આ સ્થિતિ સર્જાઈ છે.
 • ભારતમાં કોલસાની અછત પાછળ ચોમાસું પણ જવાબદાર છે. હકીકતમાં ચોમાસું વિલંબથી પરત ફર્યું હોવાથી અત્યારે ખુલ્લી ખાણોમાં પાણી ભરાઈ ગયું છે. એને લીધે આ ખાણોમાંથી કોલસાનું ઉત્પાદન થઈ રહ્યું નથી.

આ સંકટ અંગે સરકારનું શું કહેવું છે?

 • કોલસા મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે પ્લાન્ટ્સમાં પુરવઠા અંગે કોલસાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. પ્લાન્ટની પાસે અત્યારે 72 લાખ ટન કોલસો છે, જે 4 દિવસ માટે પૂરતો છે. આશા છે કે સ્ટોકહોલ્ડિંગ ધીમે ધીમે વધતું જશે. કોલ ઈન્ડિયા પાસે પણ 400 લાખ ટનથી વધારે કોલસો છે, જે પાવર પ્લાન્ટને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.
 • દિલ્હીમાં વીજળીની અછતના સમાચાર અંગે ઊર્જામંત્રી આરકે સિંહે કહ્યું હતું કે દિલ્હીમાં વીજળીનું કોઈ જ સંકટ નથી. અમારી પાસે કોલસાનો પૂરો સ્ટોક છે. સંકટને બિનજરૂરી રીતે પ્રસારિત કરવામાં આવી રહ્યું છે.
 • મંત્રી આરકે સિંહે કહ્યું હતું કે 9 ઓક્ટોબરના રોજ તમામ કોલસા ખાણોમાંથી 1.92 મિલિયન ટન કોલસો પ્લાન્ટમાં મોકલવામાં આવ્યો છે અને 1.87 મિલિયન ટનનો ઉપયોગ થયો છે. એનો અર્થ એવો થાય છે કે કોલસાનું ઉત્પાદન ઉપયોગ કરતાં વધારે થઈ રહ્યું છે.