સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. પાંચ જજોની બંધારણીય બેન્ચે સોમવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે રૂ.500 અને રૂ.1000ની નોટોની પ્રતિબંધની પ્રક્રિયામાં કોઈ અડચણ નથી. બેન્ચે એમ પણ કહ્યું હતું કે આર્થિક નિર્ણયને પાછા ન લઈ શકાય. બંધારણીય બેન્ચે ચાર-એકની બહુમતીથી આ નિર્ણય સંભળાવ્યો હતો. આ સાથે જ નોટબંધીના નિર્ણયને પડકારતી 58 અરજીઓને કોર્ટે ફગાવી દીધી છે. પાંચ જજોની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, બીઆર ગવઈ, એએસ બોપન્ના, વી રામાસુબ્રમણ્યમ અને જસ્ટિસ બી.વી.નાગરત્નાનો સમાવેશ થાય છે. જેમાંથી જસ્ટિસ બી.વી.નાગરત્નાએ અન્ય ચાર જજોના અભિપ્રાયથી અલગ ચુકાદો લખ્યો હતો.
'RBIના બદલે કેન્દ્ર સરકારે નોટબંધી કેમ કરી?'
પહેલો તર્ક આપતા જસ્ટિસ બી.વી.નાગરત્નાએ કહ્યું, નોટબંધીનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર તરફથી આવ્યો હતો. અને RBIની સલાહ માગી હતી. RBI એક્ટની કલમ 26(2) મુજબ રિઝર્વ બેંકની સલાહને કોઈપણ રીતે ભલામણ માની શકાય નહીં. જો નોટબંધી કરવી જ હતી તો તેનો નિર્ણય કેન્દ્ર સરકારે નહીં પરંતુ RBIએ લેવાની જરૂર હતી. 2016માં આ પ્રક્રિયાનું પાલન નહોતું થયું, એટલે કાયદાકીય રીતે નોટબંધીના નિર્ણયને યોગ્ય ન ઠેરવી શકાય.
જસ્ટિસ બી.વી.નાગરત્નાએ કેવી રીતે કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું?
જસ્ટિસ બી.વી.નાગરત્નાએ નોટબંધી અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટની કલમ 26(2)ને આધાર બનાવ્યો. તેમણે કહ્યું કે, 'RBI એક્ટની કલમ 26(2) મુજબ રિઝર્વ બેંક ચલણી નોટોની કોઈ પણ સિરિઝને બંધ કરવાની ભલામણ કરી શકે છે. પરંતુ કોઈ પણ સિરિઝનો અર્થ તમામ સિરિઝ નથી હોતો.' એટલે એક સાથે 500 કે 1000ની બધી જ ચલણી નોટોને બંધ કરી દેવાની વાતની કોર્ટે ટીકા કરી હતી.
RBIની ઝાટકણી કાઢી
નોટબંધીના નિર્ણયના વિરોધમાં ત્રીજો તર્ક આપતા જસ્ટિસ બી.વી.નાગરત્નાએ પૂછ્યું કે, 'નોટબંધી સમયે જે સમસ્યા થઈ, તેની RBIએ કલ્પના કરી હતી?, 98 ટકા નોટોની અદલા-બદલી થઈ ગઈ, જેથી ખ્યાલ આવે છે કે નોટબંધી જે ઉદ્દેશથી કરવામાં આવી હતી, પરિણામ એવા નહોતા આવ્યા.'
નોટબંધી કરવાની પ્રક્રિયા પર સવાલ
જસ્ટિસ બી.વી.નાગરત્નાએ નોટબંધી કરવાના નિર્ણય પર સૌથી મહત્વની વાત એ કહી કે, 'નોટબંધી સરકારના નોટિફિકેશન દ્વારા નહીં પરંતુ સંસદમાં બિલ લાવીને કરવાની જરૂર હતી. આવા મહત્વના નિર્ણયો સંસદ સમક્ષ રાખવા જોઈએ. રિઝર્વ બેંકે કોર્ટને આપેલા રેકોર્ડથી એ વાત સ્પષ્ટ થાય છે કે નોટબંધીનો નિર્ણય તેમણે સ્વાયત્ત રીતે નહોતો લીધો. નોટબંધીનો નિર્ણય માત્ર 24 કલાકમાં જ લેવામાં આવ્યો હતો. પરંતુ આર્થિક સ્થિતિને ગંભીર રીતે પ્રભાવિત કરનારા કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવને વિશેષજ્ઞોની સમિતિ સમક્ષ મોકલવાની જરૂર હતી.' વધુમાં તેમણે કહ્યું કે, કાયદાની આવી ઘોષણા માત્ર ભાવિ પ્રભાવ પર જ કાર્ય કરશે. પહેલાથી લીધેલા નિર્ણયો પર તેનો કોઈ જ પ્રભાવ નહીં પડે.
પહેલા મહિલા CJI બનવાની રેસમાં જસ્ટિસ નાગરત્ના
બી.વી.નાગરત્નાનો જન્મ 30 ઓક્ટોબર 1962ના રોજ થયો હતો. 1987ના વર્ષથી તેમણે વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 20 વર્ષ સુધીના વકીલાતના અનુભવ બાદ વર્ષ 2008માં તેઓ કર્ણાટક હાઈકોર્ટમાં એડિશનલ જજ બન્યા હતા, બે વર્ષ બાદ જ તેઓ સ્થાયી જજ બની ગયા હતા. વર્ષ 2021માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમણે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમ્યા હતા. સિનિયોરિટી મુજબ જોઈએ તો કાયદાકીય રીતે હાલમાં 35 વર્ષના અનુભવી જસ્ટિસ બી.વી.નાગરત્ના 2027માં દેશના પહેલા મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે. જસ્ટિસ નાગરત્નાના પિતા ઈ.એસ.વૈંકટરમૈયા પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચુક્યા છે.
બી.વી.નાગરત્નાના મહત્વના ચુકાદા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.