તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:દુશ્મનની મિસાઈલને હવામાં જ ધ્વસ્ત કરી દે છે ઈઝરાયેલનું આયરન ડોમ, શું ભારત પાસે પણ છે આવી સિસ્ટમ?

2 મહિનો પહેલા

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને વચ્ચે હવાઈ હુમલા થઈ રહ્યા છએ. આ હુમલામાં અત્યાર સુધીમાં 70થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 300થી વધુ ઘાયલ થયા છે. કહેવાય છે કે 2014 પછી આ ઈઝરાયેલ પરનો સૌથી મોટો રોકેટ હુમલો છે. ઈઝરાયેલના મીડિયા અનુસાર, અત્યાર સુધીમાં એક હજારથી વધુ મિસાઈલો તેના દેશ પર છોડવામાં આવી છે. તેમાંથી 90% ઈઝરાયેલી ડિફેન્સ સિસ્ટમ ‘આયરન ડોમ’એ નષ્ટ કરી નાખી.

ઈઝરાયેલ આ આયરન ડોમની મદદથી ખુદને સુરક્ષિત રાખવાનો દાવો કરી રહ્યું છે. પરંતુ, આ આયર્ન ડોમ શું છે? એ કામ કેવી રીતે કરે છે? તે લગાવવમાં કેટલો ખર્ચ આવે છે? શું ભારત પાસે પણ આ પ્રકારની કોઈ ડિફેન્સ સિસ્ટમ છે? આવો જાણીએ...

ઈઝરાયેલનું આયરન ડોમ શું છે?
ઈઝરાયેલનું આયરન ડોમ એક એર ડિફેન્સ સિસ્ટમ છે જેને ઈઝરાયેલની ફર્મ રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ અને ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીએ બનાવી છે. 2006ના ઈઝરાયેલ-લેબેનોન યુદ્ધ દરમિયાન હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા હતા. તેના પછી ઈઝરાયેલે નવી એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ બનાવવાની ઘોષણા કરી જે તેના લોકો અને શહેરોની રક્ષા કરે. આ અંતર્ગત જ ઈઝરાયેલે આયરન ડોમ ડેવલપ કર્યુ અને 2011માં એ પ્રથમવાર સર્વિસમાં આવ્યું.

આ સિસ્ટમ બનાવવામાં અમેરિકાએ ઈઝરાયેલને ટેકનીકલ અને આર્થિક મદદ કરી. આ શોર્ટ રેન્જ ગ્રાઉન્ડ ટુ એર, એર ડિફેન્સ સિસ્ટમમાં રડાર અને તામિર ઈન્ટરસેપ્ટર મિસાઈલ છે, જે કોઈપણ રોકેટ કે મિસાઈલને ટ્રેક કરીને તેને રસ્તામાં જ નષ્ટ કરી દે છે. જે રીતે અત્યારે ગાઝાથી છોડાતા રોકેટને આ સિસ્ટમે નષ્ટ કરી દીધા હતા. મીડિયમ અને લોંગ રેન્જ થ્રેટ માટે બે અલગ સિસ્ટમ કામ કરે છે. તેમને ડેવિડ્સ સ્લિંગ અને એરો કહેવામાં આવે છે. તેનાથી રોકેટ, આર્ટિલરી અને મોર્ટારની સાથે સાથે વિમાન, હેલિકોપ્ટર અને માનવરહિત ડ્રોન વગેરેનો મુકાબલો કરી શકાય છે.

આયરન ડોમ કામ કેવી રીતે કરે?
જ્યારે દુશ્મન રોકેટ છોડે છે તો આયરન ડોમ રડાર સિસ્ટમ એક્ટિવ થઈને તેના માર્ગને એનેલાઈઝ કરે છે. તેનાથી ખ્યાલ આવે છે કે આખરે આ રોકેટ ક્યાં પડવાનું છે, શું તે ઈઝરાયેલ માટે જોખમી છે. જો એવું હોય તો કોઈ મોબાઈલ યુનિટ કે સ્ટેટિક યુનિટમાંથી એક ઈન્ટરસેપ્ટર લોન્ચ થાય છે જે રોકેટ કોઈ રહેણાંક વિસ્તાર કે મહત્વની ઈમારત પર પડે એ પહેલા જ તેને હવામાં જ નષ્ટ કરી દે છે. જે રીતે હાલમાં ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના સંધર્ષમાં જોવા મળ્યું. જો કે આ ડિફેન્સ સિસ્ટમની ટીકા કરનારા એક્સપર્ટ કહે છે કે આયરન ડોમ ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે.

હુમલો રોકવામાં કેટલી સફળ છે આયરન ડોમ?
આ બનાવનાર ફર્મ રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ અને ઈઝરાયેલ સરકારનો દાવો છે કે આ સિસ્ટમનો સક્સેસ રેટ 90%થી વધુ છે. જો કે કેટલાક એક્સપર્ટ્સ ઈઝરાયેલના દાવા અંગે સવાલ ઉઠાવે છે. તેઓ કહે છે કે ઈઝરાયેલનો દાવો વાસ્તવિકતાની નજીક નથી. કેનેડાની બ્રોક યુનિવર્સિટીના પ્રોફેસર માઈકલ આર્મસ્ટ્રોંગે 2019માં અમેરિકન મેગેઝીન નેશનલ ઈન્ટરેસ્ટમાં લખ્યું હતું કે કોઈપણ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે રિલાયેબલ ન હોઈ શકે. પ્રોફેસર આર્મસ્ટ્રોંગ અલગ-અલગ ડિફેન્સ સિસ્ટમની ઈફેક્ટિવનેસ પર સ્ટડી કરી રહ્યા છે. દુનિયાના અનેક એક્સપર્ટ આ સિસ્ટમનો સક્સેસ રેટ 80% આસપાસનો માને છે.

જો કે હાલના સંઘર્ષ દરુમિયાન પણ ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે ગાઝા તરફથી છોડાયેલા એક હજારથી વધુ રોકેટ્સમાંથી 90%ને આયરન ડોમે હવામાં જ નષ્ટ કરી દીધા. આ સિસ્ટમના યુનિટની કિંમત 50 મિલિયન ડોલર (લગભગ 368 કરોડ રૂપિયા) હોય છે. જ્યારે એક ઈન્ટરસેપ્ટર તામિર મિસાઈલની કિંમત લગભગ 80 હજાર ડોલર (59 લાખ રૂપિયા) હોય છે. જ્યારે એક રોકેટ ઍ હજાર ડોલર (લગભગ 74 હજાર રૂપિયા)થી પણ ઓછી કિંમતનું હોય છે. આ સિસ્ટમમાં રોકેટને ઈન્ટરસેપ્ટ કરવા માટે બે તામિર મિસાઈલ લાગેલી હોય છે.

એક્સપર્ટ્સ તેને ઓછું ખર્ચાળ માને છે. કેમકે આ ત્યારે ચલાવી શકાય છે જ્યારે કોઈ રોકેટથી માણસનીની જિંદગીને કે કોઈ મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જોખમ હોય છે. આ કારણથી ઓછા ઈન્ટરસેપ્ટરની જરૂર પડે છે. જો કે ઈઝરાયેલમાં જ સરકારના ટીકાકારો કહે છે કે સરકાર આ સિસ્ટમ પર ખૂબ વધારે નિર્ભર થઈ ગઈ છે. તેણે અન્ય ડિફેન્સ સિસ્ટમ પર પણ કામ કરવાની જરૂર છે.

100% સુરક્ષાની ગેરંટી નથી આયરન ડોમ, ઈઝરાયેલના પેટહ ટિક્વામાં હુમલાના કારણે ધ્વસ્થ થયેલી એક ઈમારત તેનો પુરાવો છે.
100% સુરક્ષાની ગેરંટી નથી આયરન ડોમ, ઈઝરાયેલના પેટહ ટિક્વામાં હુમલાના કારણે ધ્વસ્થ થયેલી એક ઈમારત તેનો પુરાવો છે.

તો શું ગાઝાથી છોડાયેલા તમામ રોકેટથી ઈઝરાયેલને કોઈ ફરક ન પડ્યો?
ઈઝરાયેલ છેલ્લા એક દાયકાથી આયરન ડોમનો ઉપયોગ કરે છે. તેના પછી પણ તણાવ વખતે પેલેસ્ટાઈન સંગઠન તરફથી રોકેટ છોડવામાં આવે છે. આયર્ન ડોમ ખૂબ અસરકારક હોવા છતાં કેટલાક રોકેટ રહેણાંક વિસ્તારોમાં પડે છે. તેનાથી ઘણું નુકસાન થાય છે. હમાસ અને ઈસ્લામિક જેહાદીઓ પર નજર રાખનારા એક્સપર્ટ્સ માને છે કે હમાસ અને તેમના સાથીઓ પાસે અનેક હજાર રોકેટ હોઈ શકે છે. અમેરિકન એક્સપર્ટ્સ દાવો કરે છે કે હમાસને શરૂઆતમાં આ રોકેટ ઈજિપ્ત સરહદેથી દાણચોરી કરીને ઈરાનથી મળ્યા. જો કે હવે પેલેસ્ટાઈન એક્સપર્ટ તે જાતે જ બનાવી રહ્યા છે. હમાસે 2001 આસપાસ કસ્સમ નામના રોકેટ બનાવવાનું શરૂ કર્યુ. શરૂઆતમાં તેની રેન્જ એકથી બે માઈલની હતી.

નવા વર્ઝન કસ્સમ 3માં આ રેન્જ વધારીને 10 માઈલ કરી દેવાઈ. જો કે આ વખતના સંઘર્ષમાં આવા રોકેટનો પણ ઉપયોગ થયો જેની રેન્જ 40 માઈલ સુધીની છે. ઈઝરાયેલી સેના કહે છે કે 2019માં સંઘર્ષ દરમિયાન હમાસે 75 માઈલ સુધીની રેન્જના રોકેટનો ઉપયોગ કર્યો હતો.

ઈઝરાયેલની સેનાના રિટાયર્ડ બ્રિગેડિયર જનરલ માઈકલ હેરજોગે 2019માં વોશિંગ્ટન પોસ્ટને કહ્યું હતું કે 2.5 માઈલથી વધુની રેન્જના રોકેટ પર આયરન ડોમ વધુ કારગત નથી તણાવ અને નવા જોખમને જોઈને બુધવારે ઈઝરાયેલની સેનાએ ગાઝા બોર્ડરની આસપાસ રહેતા લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા કહ્યું છે.

આ પ્રકારની કોઈ સિસ્ટમ શું ભારત પાસે પણ છે?
અમેરિકા, રશિયાની સાથે જ ઈઝરાયેલ પણ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું માસ્ટર છે. ચોતરફથી દુશ્મનોથી ધેરાયેલા ઈઝરાયેલે છેલ્લા ઘણા વર્ષથી અમેરિકાની મદદથી પોતાની ડિફેન્સ સિસ્ટમને ખૂબ મજબૂત કરી લીધી છે. જ્યાં સુધી ભારતની વાત છે તો ભારત રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી રહ્યું છે. આ પ્રોસેસ અત્યારે ચાલી રહી છે. એસ-400 પણ રોકેટ, મિસાઈલ અને ક્રૂઝ મિસાઈલના હુમલાથી બચાવે છે. તેની રેન્જ આયર્ન ડોમથી વધુ છે. ભારત ઈઝરાયેલની તુલનામાં ક્ષેત્રફળના હિસાબે મોટો દેશ છે, તેથી એવી સિસ્ટમ ભારત માટે વધુ જરૂરી છે.