ભાસ્કર એક્સપ્લેનર:મોદી સરકારના ત્રણ કાયદા કયા છે? જેના વિરોધમાં 1 લાખ ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યા છે? બધી માહિતી જાણો

2 વર્ષ પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
  • કૉપી લિંક

ખેડૂતો ફરીથી રસ્તા પર છે. તેનું કારણ ખેતી સાથે જોડાયેલા દોઢ મહિના પહેલાં બનેલા ત્રણ કાયદા. આ ત્રણ કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતો 26-27 નવેમ્બરે દિલ્હી ચલોની અપીલ સાથે દેખાવ કરવાની તૈયારીમાં છે. પંજાબના ખેડૂત સંગઠનનો દાવો છે કે, આ પ્રદર્શનમાં 1 લાખથી વધારે ખેડૂતો જોડાશે. પણ કેમ ખેડૂતો દિલ્હી જવા પર અડગ છે? તે ત્રણ કાયદા શું છે જેનો વિરોધ થઇ રહ્યો છે? આવો જાણીએ....

કેટલા રાજ્યોના ખેડૂતો સામેલ થઇ રહ્યા છે?
તેમાં મુખ્ય પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો સામેલ થઇ રહ્યા છે. મધ્ય પ્રદેશના ખેડૂતો પણ સામાજિક કાર્યકર્તા મેઘા પાટકરના નેતૃત્વમાં દિલ્હી પહોંચી રહ્યા છે. જો કે, ઉત્તર પ્રદેશમાં આગ્રામાં જ ખેડૂતોને રોક્યા અને મેઘા પાટકરની ધરપકડ કરી. એવું ચર્ચાઈ રહ્યું છે કે, ખેડૂત આંદોલનને આખા દેશમાંથી 500 સંગઠનોનું સમર્થન છે. ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડીનેશન કમિટી(AIKSCC)નું કહેવું છે કે, ખેડૂતોને જ્યાં પણ દિલ્હી જવાથી રોકવામાં આવશે, તેઓ ત્યાં જ બેસીને વિરોધ પ્રદર્શન કરશે.

ખેડૂતોનું આંદોલન કરવા પાછળનું કારણ શું છે?
મોદી સરકાર સંસદના છેલ્લા સત્રમાં ખેતી સાથે જોડાયેલા ત્રણ કાયદા લાવી હતી, આ ત્રણ કાયદા છે: કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020, ખેડૂતો (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020, આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020. આ ત્રણેય સંસદમાં પસાર થઇ ગયા છે અને કાયદો પણ બની ગયા છે. ભારતીય કિસાન યુનિયન હરિયાણાના અધ્યક્ષ ગુરનામ સિંહનું કહેવું છે કે, આ કાયદા ખેતી-ખેડૂતની કબર ખોદવા માટે બનાવ્યા છે. ત્રણ કાયદા પરત લેવા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

સરકારનું શું કહેવું છે?
અત્યાર સુધી જે ખબર પડી છે તે પ્રમાણે, સરકાર ત્રણ કાયદાને પરત નહિ લે. સરકારનો દાવો છે કે આ કાયદા પાસ થવા એ એક ઐતિહાસિક નિર્ણય છે અને તેનાથી ખેડૂતોની જિંદગી બદલાઈ જશે. વડાપ્રધાન મોદીએ આ કાયદા આઝાદી પઢી ખેડૂતોને એક નવી આઝાદી આપવા માટે બનાવ્યા છે. મોદીનું કહેવું છે કે, ખેડૂતોને MSPનો ફાયદો મળવાની વાત ખોટી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ કાયદાને મહત્ત્વપૂર્ણ, ક્રાંતિકારી અને ખેડૂતો માટે ફાયદાકારક કહ્યા હતા.

જો કે, તેમની જ સરકારમાં સહયોગી રહેલા શિરોમણી અકાલી દળે આ કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અકાલી દળના સાંસદ અને કેબિનેટ મંત્રી હરસિમરત કૌરે આ કાયદાના વિરોધમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. બાદમાં અકાલી દળ પણ NDAથી 22 વર્ષ બાદ અલગ થઈ ગયું

શું છે તે ત્રણ કાયદા?
1. ખેડૂત વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020
આ કાયદામાં એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની જોગવાઈ છે, જ્યાં ખેડૂતો અને વેપારીઓને બજારની બહાર પાક વેચવાની સ્વતંત્રતા રહેશે. કાયદામાં રાજ્યની અંદર અને બે રાજ્યોની વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી છે. તે ઉપરાંત માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઓછો કરવાની વાત પણ આ કાયદામાં છે.

2. ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020
આ કાયદામાં કૃષિ કરાર (એગ્રીકલ્ચર એગ્રીમેન્ટ) પર નેશનલ ફ્રેમવર્કની જોગવાઈ કરવામાં આવી છે. તે કૃષિ ઉત્પાદનોના વેચાણ, ફર્મ સેવાઓ, કૃષિ બિઝનેસ ફર્મ, પ્રોસેસર્સ, જથ્થાબંધ વેપારીઓ અને રિટલરોની સાથે ખેડૂતોને જોડવામાં આવે છે. તેની સાથે ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણનો પુરવઠો, પાકના સ્વાસ્થ્ય પર નજર રાખવી, લોનની સુવિધા અને પાક વીમાની સુવિધા આપવાની વાત આ કાયદામાં છે.

3. આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020
આ કાયદામાં અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી અને બટેટાંને જરૂરી વસ્તુઓની લિસ્ટમાંથી દૂર કરવાની જોગવાઈ છે. સરકારના અનુસાર, તેનાથી ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળી શકશે કેમ કે, માર્કેટમાં હરીફાઈ વધશે.

ખેડૂતોનું કહેવું છે કે, અમને જ્યાં રોકશે ત્યાં જ બેસી જઈશું
ખેડૂતોનું કહેવું છે કે, અમને જ્યાં રોકશે ત્યાં જ બેસી જઈશું

આ 3 કાયદાઓ પર ખેડૂતોને શેનો ડર છે અને સરકારનો બચાવ શું છે?
1. ખેડૂત વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020

  • ખેડૂતોનો ડર: MSPની સિસ્ટમ નહિ રહે. ખેડૂતો જો માર્કેટ બહાર પાક વેચશે તો માર્કેટ નહિ બચે. ઈ-નામ જેવા સરકારી પોર્ટલનું શું થશે?
  • સરકારનો બચાવ: MSP પહેલાંની જેમ જ કાયમ રહેશે. શાકમાર્કેટ યથાવત રહેશે બલકે ત્યાં પહેલાંની જેમ જ વેપાર થશે. નવી વ્યવસ્થાથી ખેડૂતોને માર્કેટ સાથે અન્ય સ્થળોએ પણ પાક વેચવાનો વિકલ્પ મળશે. માર્કેટમાં ઈ-નામ ટ્રેડિંગ યથાવત રહેશે.

2. ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020

  • ખેડૂતોનો ભય: કોન્ટ્રોક્ટ અથવા એગ્રિમેન્ટ કરવાથી ખેડૂતોનો પક્ષ નબળો પડશે. ખેડૂતો કિંમત નક્કી નહિ કરી શકે. નાના ખેડૂતો કેવી રીતે કોન્ટ્રેક્ટ ફોર્મિંગ કરશે? વિવાદમાં મોટી કંપનીઓને ફાયદો થશે.
  • સરકારનો બચાવ: કોન્ટ્રેક્ટ કરવો કે નહિ તેની ખેડૂતોને આઝાદી મળશે. ખેડૂતો તેમની ઈચ્છા મુજબ જે-તે કિંમતમાં પાક વેચી શકશે. દેશમાં 10 હજાર FPO (ફાર્મર્સ પ્રોડ્યુસર ગ્રૂપ્સ) બની રહ્યા હતા. આ FPO નાના ખેડૂતોને સાથે રાખી પાકને માર્કેટમાં યોગ્ય કિંમતે વેચાણ કરાવશે. વિવાદની પરિસ્થિતિમાં કોર્ટ જવાની જરૂરિયાત નહિ રહે. સ્થાનિક લેવલે વિવાદનું નિરાકરણ આવશે.

3. આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020

  • ખેડૂતોનો ભય: મોટી કંપનીઓ આવશ્યક વસ્તુઓનું સ્ટોરેજ કરશે. તેનાથી કાળાબજાર વધશે.
  • સરકારનો બચાવ: ખેડૂતોના પાક ખરાબ થવાની આશંકા દૂર થશે. તેઓ બટાકા અને ડુંગળી જેવા પાક કોઈ પણ ચિંતા કર્યા વગર ઉગાડી શકશે. એક લિમિટ કરતા વધારે કિંમતો વધી જવા પર સરકાર પાસે તેના પર કાબૂ મેળવવાની શક્તિ હશે. ઈન્સ્પેક્ટર રાજ નહિ રહે. ભ્રષ્ટાચાર પણ નહિ થાય.