ભાસ્કર એક્સપર્ટ એક્સપ્લેનર:2 અઠવાડિયાંથી જેલમાં કેદ આર્યનના જામીન પર નિર્ણય કાલે, જાણો કેસ સાથે સંકળાયેલાં 6 પાત્ર વિશે બધું

એક મહિનો પહેલા

શાહરુખ ખાનના પુત્ર આર્યનની જામીન અરજી પર બુધવારે સુનાવણી થશે. આર્યન ક્રૂઝ રેવ પાર્ટી ડ્રગ્સ કેસમાં જેલમાં કેદ છે. આર્યનના જામીન પર સુનાવણી કરી રહેલી સ્પેશિયલ NDPS કોર્ટે ગત સુનાવણીમાં જામીન અંગેનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

આર્યન છેલ્લાં લગભગ બે સપ્તાહથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ મામલે સંકળાયેલાં 6 મોટાં પાસાં અને પાત્રો છે. આવો, આ તમામ પાત્રો અને તેમના પક્ષ-વિપક્ષના તર્કો વિશે જણાવી રહ્યા છે ભાસ્કર એક્સપર્ટ વિરાગ ગુપ્તા, જેઓ ખુદ સુપ્રીમ કોર્ટમાં વકીલ છે...

1. આરોપી આર્યન ખાન અને અન્ય લોકો

ઘટનાની શરૂઆત 2 ઓક્ટોબરે ક્રૂઝ પાર્ટીમાં દરોડાથી થાય છે. એમાં સેંકડો લોકો સામેલ હતા, પરંતુ માત્ર 8 લોકોની જ ધરપકડ કરવામાં આવી. પ્રથમ દિવસે માત્ર 3 લોકોને રિમાંડ માટે અદાલતમાં હાજર કરવામાં આવ્યા અને અન્ય 5ને પછી રજૂ કરવામાં આવ્યા.

અધૂરી તપાસ પર વિવાદ વધ્યા પછી જહાજની ફરીવાર તપાસ થઈ અને પછી આયોજકોની પણ ધરપકડ કરી લેવામાં આવી. આ કેસમાં છેલ્લાં 2 સપ્તાહમાં દોઢ ડઝનથી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

શું બધા લોકો એક જ રેકેટનો હિસ્સો છે કે તમામ લોકો ડ્રગ્સ સાથે જોડાયેલા અલગ-અલગ અપરાધના હિસ્સેદાર છે? આ તો તપાસ પછી જ બહાર આવશે. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NNDPS)માં ડ્રગ્સનું સેવન કરનારા, નાના ડીલર, ફંડિંગ કરનારા, રીઢા ગુનેગારો અને મોટા માફિયાઓ માટે અલગ-અલગ પ્રકારના કાયદા અને સજાની જોગવાઈ છે. આર્યન કેસમાં કેટલાક લોકોની પ્રથમવાર ધરપકડ થઈ છે તો કેટલાક રીઢા ગુનેગારો છે. તમામનું કનેક્શન અને રોલ ફિક્સ કરવામાં ઘણો સમય લાગી શકે છે. સવાલ એ છે કે શું તમામ લોકો કે જેમની ધરપકડ થઈ તેમના જામીન અંગે સામૂહિક રીતે જ નિર્ણય આવે ત્યાં સુધી આર્યનને જેલમાં જ રહેવું પડશે? એનો જવાબ દેશના કાયદાથી સમજવાની કોશિશ કરીએ.

2. દેશનો કાયદો (NDPS એક્ટ અને જામીન)

વાસ્તવમાં ડ્રગ્સને માનવતાની વિરુદ્ધ અપરાધ માનવામાં આવે છે, આથી ભારત સહિત મોટા ભાગના દેશોમાં ડ્રગ્સ સાથે જોડાયેલા કેસો વિરુદ્ધ કડક કાયદા બનેલા છે. ભારતમાં આ માટે 1985માં NDPS એક્ટ બન્યો. આ કાયદા સાથે સંકળાયેલા કેટલાક મામલાઓમાં ધરપકડ પછી જામીન પણ મળી શકે છે, પરંતુ મોટા ભાગના ગુના બિનજામીનપાત્ર છે.

આર્યનની ધરપકડ થઈ એ સાંજે કોર્ટમાં સહાયક પ્રોસિક્યુશનના નિવેદનથી એવું લાગતું હતું કે આર્યનને 2 દિવસ પછી જામીન મળી જશે, પણ એના પછી એએસજીએ કેન્દ્રીય એજન્સી તરફથી પેરવી શરૂ કરી અને આ કેસ જટિલ બનતો ગયો.

હવે વ્હોટ્સએપ ચેટના આધારે એવું કહેવાય છે કે આર્યનનો સંબંધ આંતરરાષ્ટ્રીય રેકેટ સાથે છે. જો આ આરોપોને સાચા સાબિત કરવા માટે NCB પૂરતા પુરાવા કોર્ટની સમક્ષ રજૂ કરી દે છે તો પછી આર્યનને જામીન મળવામાં મુશ્કેલી થશે. આ સાથે જ ટ્રાયલ પછી તેમને આકરી સજા પણ થઈ શકે છે.

આર્યન ખાનની ધરપકડ પછી એવું લાગ્યું હતું કે આર્યનને 2 દિવસ પછી જામીન મળી જશે, પણ એવું ન થયું.
આર્યન ખાનની ધરપકડ પછી એવું લાગ્યું હતું કે આર્યનને 2 દિવસ પછી જામીન મળી જશે, પણ એવું ન થયું.

3. પ્રોસિક્યુશન એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)

ક્રૂઝ પાર્ટીમાં દરોડા પછી 3 ઓક્ટોબરે આર્યનને ધરપકડ પછી ટ્રાયલ કોર્ટ સામે રજૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ સુનાવણી દરમિયાન 2 દિવસના રિમાંડ માગવામાં આવ્યા હતા. એના પછી 7 ઓક્ટોબરે આર્યન અને 7 અન્ય લોકોને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવાયા હતા.

પંચનામામાં સામૂહિક રીતે છૂટક રીતે ડ્રગ્સ પ્રાપ્તિનો ઉલ્લેખ છે, પણ આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું નથી. એવો કોઈ ટેસ્ટ રિપોર્ટ અત્યારસુધી સામે આવ્યો નથી, જેનાથી ક્રૂઝ પાર્ટીવાળા દિવસે આર્યને ડ્રગ્સ લીધું હોવાની વાતને સમર્થન મળે.

વ્હોટ્સએપની વાતચીત અને કોડ વર્ડ્સના મનમરજી અનુસારના અર્થઘટનને પુરાવા માનીને હાલ આર્યન વિરુદ્ધ કેસ બનતો દેખાય છે. આમેય બોલિવૂડ અને ગુનાખોરીને જૂનો નાતો રહ્યો છે, આથી આર્યનના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના મામલે NCBના દાવાઓને ફગાવી દઈ ન શકાય.

NCBના અનુસાર, આર્યન છેલ્લાં ઘણાં વર્ષોથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે. આર્યન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો હિસ્સો છે અને તેને કસ્ટડીમાં રાખીને પૂછપરછ જરૂરી છે. જ્યારે બચાવ પક્ષના અનુસાર, આર્યનની પાસે ડ્રગ્સ ખરીદવા માટે રોકડા પૈસા પણ નહોતા.

જામીનનો વિરોધ એ આધારે પણ કરવામાં આવે છે કે આરોપી અને તેનો પરિવાર પ્રભાવશાળી હોવાને કારણે પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે. જો આ દાવો સાચો છે તો પછી વ્હોટ્સએપ ચેટ અને અપરાધની સ્વીકારોક્તિનાં નિવેદનો ઉપરાંત NCB અન્ય પુરાવા મેળવવા પહેલ કેમ કરી રહી નથી? સવાલ એ છે કે આર્યન સાથે સંકળાયેલા બેંક એકાઉન્ટ્સ સીલ કરવાની સાથે ઘરમાં દરોડા પાડીને જરૂરી દસ્તાવેજ કેમ પ્રાપ્ત કરાતા નથી?

4. જામીન પર સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણયો

જામીન અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય છે બેલ નિયમ છે અને જેલ અપવાદ, પરંતુ ડ્રગ્સ સાથે સંકળાયેલા કેસ સંગીન અપરાધ માનવામાં આવે છે. આ કેસોમાં આરોપીનું નિવેદન જ સજા માટે પૂરતું છે, આથી ડ્રગ્સના કેસમાં તપાસ એજન્સીના વિરોધ પછી આરોપીને જામીન મળવા મુશ્કેલ હોય છે.

સુપ્રીમ કોર્ટે અન્ય નિર્ણયમાં કહ્યું છે કે જામીનના સમયે મુખ્ય કેસની મેરિટ પર ચર્ચા ન થવી જોઈએ. દેશના લાખો સામાન્ય કેસોમાં આર્યન જેવી લાંબી ચર્ચા વિના જ આરોપીની કસ્ટડીની અવધિ રૂટિન પ્રમાણે વધતી જાય છે, પરંતુ આર્યન જેવા VIP લોકોના કેસમાં દરેક નાના-મોટા પોઈન્ટ પર લાંબી કાયદાકીય ચર્ચા થવાની સાથે દરેક નિર્ણય વિરુદ્ધ અપીલ પણ થાય છે.

તપાસ એજન્સી દ્વારા મીડિયા પાસેથી તપાસની જાણકારી શેર કરવી સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર વર્જિત છે. આ કેસની તપાસ પ્રભાવિત થવાની સાથે આરોપીની ગોપનીયતા અને સન્માનનો અધિકાર પણ પ્રભાવિત થાય છે. એના પછી પણ આર્યન કેસની તપાસનાં તમામ પાસાઓને મીડિયામાં નિયમિત રીતે જાહેર કરવા, કાયદાકીય કેવી રીતે માની શકાય છે?

5. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર અને રાજનીતિ

દેશમાં કરોડો લોકો નશાનો શિકાર છે. છેલ્લા 1 વર્ષથી મુંબઈમાં ડ્રગ્સ વિરુદ્ધ 300થી વધુ દરોડા પડ્યા છે. ડ્રગ્સનું સેવન અને કારોબારની બોલિવૂડ મોટી મંડી છે, એમાં કોઈ વિવાદ નથી. ડ્રગ્સ સાથે સંકળાયેલા કારોબારીઓ મનોરંજન જગત અને બોલિવૂડને ફાઈનાન્સ કરે છે, એ પણ એક કડવું સત્ય છે.

આર્યન કેસ પર રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે તલવારો તાણવાથી સંઘીય વ્યવસ્થાની સાથે કાયદાના શાસન સામે મોટો પડકાર સર્જાયો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેને મહારાષ્ટ્ર અને બોલિવૂડને બદનામ કરવાનું ષડયંત્ર માને છે. બીજી તરફ, એનસીપી નેતા નવાબ મલિક, જેમના જમાઈ ડ્રગ્સના ધંધાનો આરોપી છે, તપાસ એજન્સી NCBના મનસૂબા પર શંકા કરે છે.

બીજી તરફ, NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ ફરિયાદ નોંધાવી છે કે તેમનો પીછો કરવામાં આવી રહ્યો છે અને તેમની જાસૂસી થઈ રહી છે. સવાલ એ છે કે ડ્રગ્સ સાથે સંકળાયેલા અપરાધી સમાજ અને દેશના અપરાધી છે તો તેમને પક્ષીય રાજનીતિનું મહોરું કેમ બનાવવામાં આવે છે? રાજનીતિથી પર રહીને ડ્રગ્સના મોટા કારોબારીઓ વિરુદ્ધ નક્કર કાર્યવાહી થાય ત્યારે સમાજ અને દેશને ડ્રગ્સની ખતરનાક જાળમાંથી મુક્તિ મળશે.

6. સમાજ અને દેશ

ડ્રગ્સથી યુવા પેઢી તબાહ થઈ રહી છે. ડ્રગ્સના કારોબારમાં કાળાં નાણાંથી આતંકવાદ અને દેશવિરોધી કામોને મદદ મળે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બન્યા પછી ભારતમાં ડ્રગ્સ અને આતંકવાદ બંને પ્રકારના કેસોમાં વધારો થયો છે, આથી રાજ્ય અને કેન્દ્ર સરકાર તમામે મળીને ડ્રગ્સના કારોબાર વિરુદ્ધ ભયાનક પ્રહાર કરવા માટે કાયદાને કડકાઈથી લાગુ કરવો જોઈએ.

પક્ષીય રાજનીતિના નામે ડ્રગ્સના કારોબારીઓનો બચાવ કે મોટા મગરમચ્છોને છોડીને નાની માછલીઓને ટાર્ગેટ કરવી, બંને વાતો દેશના હિસાબે ઠીક નથી. ડ્રગ્સ તો સંગીન અપરાધ છે પણ છૂટક કેસો સાથે સંકળાયેલા લોકોના જામીનમાં મહિનાઓ સુધી સુનાવણી થતી નથી. અનેક વર્ષ પછી આરોપી છૂટી પણ જાય તો લાંબી કસ્ટડી માટે જેલમાં રહેવા પર આરોપી અને તેમના પરિવારની સ્થિતિ ખરાબ થઈ જાય છે. તપાસ એજન્સીઓની બેદરકારી અને કોર્ટોની સુસ્તી પર સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રીય વિધિક પ્રાધિકરણે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કાયદાની સામે બધા સમાન છે. આર્યનના જામીન અંગે બુધવારે નિર્ણય આવશે, જેના પછી આ કેસ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. આર્યન જેવા લાખો લોકો જામીન અને સુનાવણીની રાહ જોઈ રહ્યા છે, આથી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના વ્યાપક રિફોર્મ પર ચર્ચા અને કાર્યવાહી થાય તો સમગ્ર સમાજને રાહત મળશે.