વીડિયો એક્સપ્લેનરમોતનો ચાઇનીઝ માંઝો કેવી રીતે બને છે?:માછલી પકડવાની દોરી કેવી રીતે પતંગ સુધી પહોંચી? ગળું કપાય તો પતંગ ચગાવનારને શું સજા થાય?

25 દિવસ પહેલા

ઉત્તરાયણ નજીક છે અને ફરી એક વાર ચર્ચામાં આવી છે ચાઈનીઝ દોરી. છેલ્લા 20 દિવસમાં ચાઈનીઝ દોરીના કારણે અકસ્માતની 8થી વધુ ઘટના બની ચૂકી છે, જેમાં 1 જાન્યુઆરીથી લઈને આજ સુધી 3 લોકો મોતને ભેટી ચૂક્યા છે. રસ્તે ચાલતા રાહદારી હોય કે પછી ટૂ-વ્હીલર પર સવાર કોઈ વ્યક્તિ, ચાઈનીઝ દોરી માણસોથી લઈને પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે. પરંતુ પતંગ કાપવાની મજા માટે બજારમાં ધૂમ વેચાતી ચાઈનીઝ દોરી પ્રતિબંધિત છે, છતાં પણ મોટાં શહેરોથી લઈને નાનાં ગામડાં સુધી આસાનીથી દર વર્ષે ઉત્તરાયણ વખતે પહોંચી જતી હોય છે. ચાઈનીઝ દોરી સીધી જ ગળાના ભાગે ઈજા પહોંચાડતી હોવાના કારણે ઘણા કિસ્સામાં વ્યક્તિને ટાંકા લેવા પડે, ક્યારે મોત પણ થઈ શકે છે.

આ વખતે ઉત્તરાયણ પૂર્વે જ ચાઈનીઝ દોરીના કારણે ત્રણ લોકોનાં મૃત્યુની ઘટનાને ગુજરાત હાઈકોર્ટે પણ ગંભીરતાથી લીધી છે. સરકારી તંત્રની ઉપેક્ષિત કામગીરી સામે સવાલો કરતા હાઈકોર્ટે ચોખ્ખું પરખાવ્યું છે કે, સરકાર રાહ શેની જુએ છે? માત્ર જાહેરનામા બહાર પાડવાથી કશું નહીં થાય, નક્કર કામગીરી પણ થવી જોઈએ. ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની કઈ રીતે અમલવારી થઈ રહી છે તેનો ગુજરાત સરકાર પાસે ખુલાસો માગ્યો હતો.

ચાઈનીઝ દોરી ક્યાંથી આવે છે?
ઉત્તરાયણના પર્વ પર ઘણા પતંગરસિકો ચાઈનીઝ દોરીની પહેલી પસંદગી કરતા હોય છે. ઘણા લોકોને એવું લાગતું હોય કે ચાઈનીઝ દોરી આપણા દેશમાં ચીનથી આયાત કરવામાં આવે છે, તો આ એક મોટો ભ્રમ છે. ઉત્તરાયણના તહેવાર પર વપરાતી મોટાભાગની ચાઈનીઝ દોરીનું ઉત્પાદન આપણા દેશમાં જ થાય છે. ખાસ કરીને ઉત્તર ભારતનાં રાજ્યોમાં ચાઈનીઝ દોરી બનાવવાનાં નાનાં કારખાનાં કે કુટીર ઉદ્યોગરૂપે આખું વર્ષ ધમધમતાં જ રહે છે. દિલ્લીની આસપાસનો વિસ્તાર, ઉત્તર પ્રદેશના મેરઠ, ગાઝિયાબાદ, બરેલી તેમજ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચાઈનીઝ દોરી બનાવવામાં આવે છે.

ગુજરાતમાં કેવી રીતે પહોંચે છે ચાઈનીઝ દોરી?
ઉત્તરાયણનો પર્વ દેશમાં મુખ્યત્વે ગુજરાતમાં ખૂબ ઉત્સાહ અને ધામધૂમથી મનાવવામાં આવે છે. પરંતુ નવાઈની વાત એ છે કે ચાઈનીઝ દોરીનું ઉત્પાદન ગુજરાતમાં લગભગ ક્યાંય નથી થતું. ગુજરાતમાં ચાઈનીઝ દોરીને લઈને પોલીસ નજર રાખતી જ હોય છે. એટલે, ગુજરાતનાં પતંગ-દોરી સાથે જોડાયેલા વેપારીઓ મોટેભાગે ફોનથી કે ઓનલાઈન ઓર્ડર કરીને ચાઈનીઝ દોરી મંગાવતા હોય છે.

ચાઈનીઝ દોરી સાથે ત્રણ લોકો ઝડપાયા
ચાઈનીઝ દોરી સાથે ત્રણ લોકો ઝડપાયા

ચાઈનીઝ દોરી કેવી રીતે બને છે?
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં દિલ્હી પોલીસ તેમજ ઘણા એક્ટિવિસ્ટે ચાઈનીઝ દોરીની બનાવટ, વેપાર અને તેનાથી થતાં નુકસાન અંગે રિપોર્ટ આપ્યા હતા. આ રિપોર્ટ મુજબ, ચાઈનીઝ દોરી માટે રાસાયણિક પ્રક્રિયાથી સૌથી પહેલાં મોનોફિલામેન્ટ રેસા બનાવવામાં આવે છે. જેમાં વિશેષ પ્રકારના પોલિમર્સ, સરળ ભાષામાં કહી તો પ્લાસ્ટિકને ઓગાળવામાં તથા મિશ્રણ કરવામાં આવે છે. આ દોરી માછલી પકડવા માટે બનાવાતી હતી. તે સ્ટ્રેચેબલ હોય છે. આ કારણે સરળતાથી તૂટતી નથી અને ખેંચાઈ જાય છે. આ જ કારણે દોરી પર કાચનો પાઉડર, ચોખાનો પાઉડર, લોખંડના વેરનું કોટિંગ કરી અને રંગ ચઢાવીને સમયાંતરે વેચાણ શરૂ થયું. છેલ્લાં 15 વર્ષમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરોડો રૂપિયામાં થવા લાગ્યું છે. ભારતમાં ઘણી જગ્યાએ ચાઈનીઝ દોરીને નાયલોન માંજો, મોનો કાઈટ માંજો, તો પાકિસ્તાન, બાંગ્લાદેશમાં કેમિકલ ડોર નામથી ઓળખાય છે.

ચાઈનીઝ દોરીની માગ કેમ વધી?
પતંગ માટેની પરંપરાગત દોરી કપાસમાંથી બને છે. આ દોરી બનાવવા માટે સારો કાચો માલ મળવો દિવસે ને દિવસે મુશ્કેલ બની રહ્યો છે. કપાસના કાચા દોરાની કિંમત પણ વધુ હોય છે. જેની સરખામણીમાં ચાઈનીઝ દોરી માટે વપરાતું પોલિમર્સ સરળતાથી મળી જતું હોય છે અને કપાસ કરતાં ઓછું ખર્ચાળ પણ છે. આ જ કારણે ચાઈનીઝ દોરી પ્રતિબંધિત હોવા છતાં તેનો વેપાર બેફામ રીતે ચાલી રહ્યો છે.

ચાઈનીઝ દોરી પર કાયદાની કાતર
ગળા કાપી નાખતી ચાઈનીઝ દોરી અંગે માત્ર ગુજરાત જ નહીં દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં પણ ફરિયાદો થતી આવી છે. 15 ઓગસ્ટ 2016ના રોજ દિલ્હીમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ચાઈનીઝ દોરીના કારણે બે બાળકો મૃત્યુ પામ્યાં હતાં. બન્ને બાળકો કારના સનરુફમાંથી બહાર નીકળ્યા હતા અને તેમનું ગળું કપાઈ ગયું હતું. આ ઘટના બાદ દિલ્હી સરકારે કાચના પાઉડરથી રંગેલી દોરી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વર્ષ 2017માં એક કેસમાં સુપ્રીમ કોર્ટે અરજદારોને NGT(નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ) સમક્ષ જવા માટે કહ્યું હતું. તે પછી NGTએ ચાઈનીઝ માંજો, નાયલોન અથવા કોઈ પણ કૃત્રિમ સામગ્રીમાંથી બનેલા માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.

ચાઈનીઝ દોરી સાથે કોઈ પકડાય તો શું થાય?

જો કોઈ આ દોરી વેચતો ઝડપાય તો 5 વર્ષ સુધીની જેલ કે 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને થઈ શકે છે. જો IPCની કલમ 188 એટલે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાય તો બોન્ડ ભર્યા બાદ પોલીસ સ્ટેશનથી જામીનનો વિકલ્પ રહે છે.

ચાઈનીઝ દોરીથી ગળું કપાઈ જાય તો શું સજા થાય?

વડોદરામાં પતંગની દોરીથી યુવાનનું ગળું ચિરાઈ ગયું
વડોદરામાં પતંગની દોરીથી યુવાનનું ગળું ચિરાઈ ગયું

કદાચ કોઈ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવે અને અન્ય કોઈ વ્યક્તિને દોરીના કારણે ગંભીર ઈજા બાદ મૃત્યુ થાય તો IPCની કલમ 304 હેઠળ મૃત્યુ નિપજવું સંભાવ હોય એવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી કરેલું કૃત્ય માનવામાં આવી શકે છે. આવા કેસમાં સરળતાથી જામીન નથી મળતા. આરોપી પર ગુનો સાબિત થાય તો 10 વર્ષ જેલવાસ ભોગવવાનો વારો આવી શકે છે.

જીવલેણ બની ચાઈનીઝ દોરી
વડોદરામાં પતંગની દોરીથી ગળું કપાઈ જતાં બાઇકસવાર મહેશ ઠાકુરનું મોત થયું હતું. દોરીથી યુવકનું ગળું કપાયું એની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સમા કેનાલ પર બાઇક પર જઈ રહેલા યુવાનના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી. યુવાને જાતે જ દોરી ગળામાંથી હટાવી હતી. દોરીથી ઇજાગ્રસ્ત થયા બાદ યુવાન લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. ગળામાંથી લોહી વહેતું હોવા છતાં રોડ પર પડેલી બાઈકને જાતે જ સાઇડમાં પાર્ક કરી હતી. યુવાનને દોરી વાગી હોવા છતાં તે જાતે જ સ્ટ્રેચર પર જઈને ઊંઘો સૂઈ ગયો હતો.

રાહદારીઓ મદદે દોડી આવ્યા
દોરી વાગતાંની સાથે જ રાહદારીઓ ઇજાગ્રસ્ત યુવાન મહેશ ઠાકુરની મદદે દોડી આવ્યા હતા અને તરત 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી અને યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ પ્રાથમિક તપાસ કર્યા બાદ મહેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં મહેશભાઈનું આખેઆખું ગળું ચિરાઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...