ભાસ્કર એક્સપ્લેનર:અમરનાથ યાત્રીઓ પર સ્ટિકી બોમ્બનો ખતરો, 5-10 મિનિટમાં ઉડાવી શકે છે આખી ગાડી, જાણો કેવી રીતે

21 દિવસ પહેલાલેખક: અભિષેક પાંડે
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પાસે સ્ટિકી બોમ્બ હોવાની શક્યતાને કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. સ્ટિકી બોમ્બના ખતરાને જોતાં સુરક્ષા એજન્સીઓ 30 જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે તેમની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)માં ફેરફાર પર કામ કરી રહી છે. સ્ટિકી બોમ્બ એવા વિસ્ફોટકો છે, જે વાહનોને ચોંટાડીને દૂરથી પણ વિસ્ફોટ કરી શકાય છે. બીજા વિશ્વયુદ્ધથી લઈને અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આવી સ્થિતિમાં ચાલો જાણીએ શું છે સ્ટિકી બોમ્બ? સ્ટિકી બોમ્બનો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો? શા માટે આતંકવાદીઓ એનો ઉપયોગ કરે છે? ભારતમાં ક્યારે થયો એનો ઉપયોગ?

અમરનાથ યાત્રાની સુરક્ષા માટે શું છે નવી SOP જારી
છેલ્લા કેટલાક દિવસોમાં સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ પાસેથી ઘણા સ્ટિકી બોમ્બ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કાશ્મીરમાં હાજર આતંકવાદી સંગઠનો સુધી સ્ટિકી બોમ્બ પહોંચી ચૂક્યા છે. ગયા મહિને કટરાથી જમ્મુ જતી બસ પર થયેલા હુમલામાં પણ સ્ટિકી બોમ્બ હોવાની આશંકા છે, જેની NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ગયા અઠવાડિયે જ પોલીસે કાશ્મીરમાં આતંક ફેલાવવાની પાકિસ્તાની યોજનાને નિષ્ફળ બનાવી હતી. પોલીસે કઠુઆ જિલ્લાના હરિનગરના તલ્લી હરિયા ચક ગામ પાસે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 3 કિલોમીટર દૂર છે. તે ડ્રોનમાંથી શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો, જેમાંથી સાત ચુંબકીય અથવા સ્ટિકી બોમ્બ પણ હતા.

આ ઘટનાઓને જોતાં સુરક્ષા એજન્સીઓએ અમરનાથ યાત્રાની સુરક્ષાની રણનીતિ પર ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. અહેવાલો અનુસાર, સુરક્ષા અધિકારીઓએ નિર્ણય લીધો છે કે યાત્રાળુઓ અને સુરક્ષા દળોનાં વાહનો અલગ-અલગ ચાલશે. આ સાથે સુરક્ષા દળો અને યાત્રાળુઓના વ્યવસ્થાપન સાથે જોડાયેલા લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ વાહનને અડ્યા વિના છોડવામાં ન આવે.

અહેવાલો અનુસાર, કાશ્મીર રેન્જના આઈજી વિજય કુમારનું કહેવું છે કે સુરક્ષા એજન્સીઓ સ્ટિકી બોમ્બના ખતરાનો સામનો કરી રહી છે અને એના માટે પૂરતાં પગલાં લઈ રહી છે. કાશ્મીરમાં આતંકવાદીઓ પાસે પહેલો સ્ટિકી બોમ્બ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જમ્મુના સાંબા વિસ્તારમાં મળ્યો હતો.

30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રામાં 3 લાખ શ્રદ્ધાળુ આવવાની આશા છે.
30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રામાં 3 લાખ શ્રદ્ધાળુ આવવાની આશા છે.

કલમ 370 નાબૂદ કર્યા પછી પ્રથમ અમરનાથ યાત્રા
આ વર્ષે 30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રામાં 3 લાખ શ્રદ્ધાળુ આવવાની આશા છે. આ યાત્રા લગભગ દોઢ મહિના સુધી એટલે કે 11 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસ સુધી ચાલશે. 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ આ પ્રથમ અમરનાથ યાત્રા હશે. ત્યાર પછીનાં બે વર્ષમાં આ યાત્રા કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી હતી.

અમરનાથ ગુફા દક્ષિણ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં અમરનાથ પર્વત પર 17 હજાર ફૂટથી વધુની ઊંચાઈ પર સ્થિત છે. આ ગુફામાં દર વર્ષે કુદરતી શિવલિંગનું નિર્માણ થાય છે. અમરનાથ ધામ હિન્દુ ધર્મનાં મુખ્ય મંદિરોમાંનું એક છે.

સ્ટિકી બોમ્બ શું છે?
સ્ટિકી બોમ્બ એ એડહેસિવ બોમ્બ છે, જે જ્યારે વાહન અથવા વસ્તુ તરફ ફેંકવામાં આવે છે ત્યારે એને વળગી રહે છે અને દૂરથી અથવા ટાઈમર સેટ કરીને વિસ્ફોટ કરવામાં આવે છે.

સ્ટિકી બોમ્બને મેગ્નેટિક બોમ્બ પણ કહેવામાં આવે છે, જે વાહનો પર લગાવી શકાય છે. આ પછી એને ક્યાંક દૂર બેસીને અથવા ટાઈમર સેટ કરીને ઉડાવી શકાય છે.

સ્ટિકી બોમ્બ ઘણીવાર કાર, બસ અથવા લશ્કરી વાહનોની ઇંધણની ટાંકી પર ચોંટી જાય છે, જે જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે વાહનનો નાશ કરે છે. સ્ટિકી બોમ્બમાં 5-10 મિનિટનો ટાઈમર હોય છે, જે હુમલાખોરને બચવા માટે પૂરતો સમય આપે છે.

વાસ્તવમાં સ્ટિકી બોમ્બ એક વિસ્ફોટક ઉપકરણ છે, એટલે કે IED છે. IED એટલે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ એટલે કે ઉપકરણની મદદથી વિસ્ફોટ કરવો.

બ્રિટનમાં પ્રથમ વખત સ્ટિકી બોમ્બ બનાવવામાં આવ્યા હતા
એને ગ્રેનેડ, એન્ટી ટેન્ક નંબર-74, એસ.ટી. ગ્રેનેડ અથવા સ્ટિકી બોમ્બ તરીકે પણ ઓળખાય છે. આ બોમ્બ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો. એ MIR(c)ની ટીમ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી, જેમાં સ્ટુઅર્ટ મેક્રેનો સમાવેશ થાય છે.

શા માટે આતંકવાદીઓ એનો ઉપયોગ કરે છે?
સ્ટીકી બોમ્બ ખૂબ સસ્તા હોય છે અને સરળતાથી લઈ જઈ શકાય છે. ખરેખર, સ્ટિકી બોમ્બ 2 હજાર રૂપિયામાં બની શકે છે. એટલા માટે આતંકવાદીઓ એનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.

સ્ટિકી બોમ્બનો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો?
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન તેમજ ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા દ્વારા સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાજેતરનાં વર્ષોમાં ઇરાકમાં સ્ટિકી બોમ્બથી ઘણા આતંકવાદી હુમલા કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પહેલાં તાલિબાને અફઘાનિસ્તાનમાં નાટો દળો સામે પણ એનો વ્યાપક ઉપયોગ કર્યો હતો.

2021 પહેલાં અફઘાનિસ્તાનમાં કાર વિસ્ફોટના વારંવાર અહેવાલો હતા. આ વિસ્ફોટોમાં સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ આ સ્ટિકી બોમ્બને અફઘાનિસ્તાનમાં બાળકો દ્વારા ટ્રાફિક સિગ્નલ અથવા ધાર્મિક સ્થળોની બહાર પાર્ક કરાયેલાં વાહનો પર ચોંટાડી દેવાતાં હતાં અને પછી દૂર બેસીને મોબાઈલથી વિસ્ફોટ કરતા હતા.

​​​​ડિસેમ્બર 2020માં કાબુલના નાયબ પ્રાંતીય ગવર્નર એક સ્ટિકી બોમ્બ હુમલામાં માર્યા ગયા હતા. આ સાથે તાલિબાન આતંકવાદીઓએ કાબુલમાં સ્ટિકી બોમ્બથી ઘણા હુમલા કર્યા હતા. આમાં ડઝનબંધ સરકારી અધિકારીઓ માર્યા ગયા હતા.

સ્ટિકી બોમ્બના ઉપયોગ પાછળ શું છે વ્યૂહરચના?
અહેવાલો અનુસાર, નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (NSG)નું કહેવું છે કે ગયા વર્ષે સાંબામાં મળી આવેલો સ્ટિકી બોમ્બ ફેબ્રુઆરી 2012માં દિલ્હીમાં ઈઝરાયેલી દૂતાવાસની બહાર કારને ઉડાડવા માટે ઉપયોગમાં લેવાતા સ્ટિકી બોમ્બ જેવો જ હતો.

એનએસજીના જણાવ્યા અનુસાર, તાજેતરમાં મળી આવેલા સ્ટિકી બોમ્બમાં શંકુ જેવું મેટાલિક સ્ટ્રક્ચર હતું, જે દર્શાવે છે કે એ સ્થાનિક રીતે બનાવવામાં આવ્યો ન હતો, પરંતુ આ બોમ્બ વ્યાવસાયિક રીતે બનાવવામાં આવ્યો હતો.

NSGનું કહેવું છે કે સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરવા પાછળની રણનીતિ મોટી સંખ્યામાં નાગરિકોને માર્યા વિના ભય ફેલાવવાની છે. જ્યારે સામાન્ય IED બોમ્બવિસ્ફોટ થાય છે ત્યારે એ ચારેબાજુ નુકસાન પહોંચાડે છે, પરંતુ શંકુ જેવું માળખું સ્ટિકી બોમ્બને એક-દિશામાં બનાવે છે. આનો અર્થ એ છે કે જ્યારે બસ અથવા કાર પર લગાવવામાં આવે છે, ત્યારે બ્લાસ્ટની દિશા અંદરની તરફ હોય છે, જેને કારણે આસપાસની જગ્યાને વધુ નુકસાન થવાને બદલે વાહનને જ નુકસાન થાય છે.

અલકાયદા આવા બોમ્બ બનાવવામાં માહેર છે
નિષ્ણાતોનું માનવું છે કે સ્ટિકી બોમ્બ ભારતમાં બનતા નથી, પરંતુ મોટા ભાગના સ્ટિકી બોમ્બ આયાત કરવામાં આવે છે, એટલે કે એ વિદેશથી ભારતમાં આવે છે. ભારતીય ઉપખંડમાં આતંકવાદી સંગઠન અલકાયદા આવા સ્ટિકી બોમ્બ બનાવવામાં માહેર રહ્યું છે.