ભાસ્કર એક્સપ્લેનર:ફંગલ ઇન્ફેક્શન પછી હવે સાઇટોમેગલો વાયરસ પણ બન્યો કોવિડ-19 દર્દીઓ માટે જોખમી; જાણો શું છે સાઇટોમેગલો વાયરસ?

2 વર્ષ પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક

કોવિડ-19માંથી રિકવર થયા પછી ફંગલ ઈન્ફેક્શન તો થઈ જ રહ્યું હતું, હવે સાઈટોમેગલો વાયરસના રિએક્ટિવ થવાની રીત પર એક નવું જોખમ સામે આવ્યું છે. કોવિડ-19ની બીજી લહેરમાં ઈન્ફેક્ટ થયેલા દર્દીઓમાં રિકવર થયાના 20-30 દિવસ પછી આ સમસ્યા સામે આવી રહી છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં 5 કેસ સામે આવી ચૂક્યા છે. તેમને પેટમાં દુઃખાવો અને રેક્ટલ બ્લિડિંગની ફરિયાદ હતી. એમાંથી એકનું મોત પણ થયું છે.

આ સાઈટોમેગલો વાયરસ અને એનાં લક્ષણોને જાણવા માટે અમે મુંબઈની જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઈન્ફેક્શિયસ ડિઝીઝ વિભાગમાં કન્સલ્ટન્ટ ડો. માલા કનોરિયા, અમદાવાદની નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. વિવેક દવે અને જયપુરમાં ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર એન્ડ આઈસીયુ ડિપાર્ટમેન્ટમાં સિનિયર કન્સલ્ટન્ટ ડો. પંકજ આનંદ સાથે વાત કરી.

સાઇટોમેગલો વાયરસ શું છે?

 • સાઇટોમેગલો વાયરસ (CMV) કોઈ નવો વાયરસ નથી. આ તો 80%થી 90% ભારતીય વસતિમાં અગાઉથી હાજર છે. આ એક ડબલ-સ્ટ્રેન્ડેડ DNA વાયરસ છે, જે હ્યુમન હર્પિઝ વાયરસ ફેમિલીનો સભ્ય છે.
 • સ્વસ્થ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ નબળી ઈમ્યુન સિસ્ટમવાળા લોકો પર એ અટેક કરે છે. આ ચિકનપોક્સ અને ઈન્ફેક્શિયસ મોનોન્યૂક્લિયોસિસ માટે પણ જવાબદાર છે, જે કોઈપણ વયમાં થઈ શકે છે.
 • 50%-80% લોકોને 40 વર્ષની વય અગાઉ જ CMV ઈન્ફેક્શન થઈ જાય છે. જોકે સ્વસ્થ વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમ ઈન્ફેક્શનને રોકી શકે છે. આ અસિમ્પ્ટોમેટિક અને ફ્લૂ જેવી બીમારી થઈ શકે છે. CMV જો તમારા શરીરમાં આવી જશે તો એ જીવનભર રહે છે.
 • જોખમ ત્યારે વધી જાય છે જ્યારે કોવિડ-19, એના ઈલાજમાં અપાયેલા સ્ટિરોઈડ અને અન્ય કારણોથી ઈમ્યુનિટી નબળી થાય છે. આ ઈન્ફેક્ટેડ દર્દીના બ્લડ, યુરિન અને સલાઈવાથી ફેલાય છે. મગજ, હૃદય, ફેફસાં, આંતરડાં અને કિડની સહિત તમામ અંગોને નુકસાન પહોંચાડી શકે છે.

સાઇટોમેગલો વાયરસ કઈ રીતે કોવિડ-19 દર્દીઓને પ્રભાવિત કરી રહ્યો છે?

 • સર ગંગારામ હોસ્પિટલના પ્રોફેસર અનિલ અરોરાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એપ્રિલ-મેમાં કોરોનાની બીજી લહેર દરમિયાન અમે CMV ઈન્ફેક્શનના પાંચ કેસ જોયા છે. તેમને પેટમાં દુઃવો અને સ્ટૂલની સાથે બ્લીડિંગનાં લક્ષણ કોવિડ-19 ડાયગ્નોસિસના 20-30 દિવસ પછી જોવા મળ્યાં. આ 5માંથી એક દર્દીનું ગંભીર કોવિડ ઈન્ફેક્શન અને ખૂબ વધુ બ્લીડિંગ થવાથી મોત થઈ ગયું.
 • કોવિડ-19થી રિકવર કરી રહેલા એવા દર્દી, જેમને અગાઉથી કોઈ ગંભીર બીમારી હતી, આ વાયરસના નિશાન પર હોઈ શકે છે. એવા દર્દી જેમને સ્ટિરોઈડ કે અન્ય એન્ટી-ઈન્ફ્લેમેટરી દવાઓ આપવામાં આવી છે તેમને પણ આનું જોખમ છે.
 • આ પ્રકારના દર્દીઓની ઈમ્યુનિટી નબળી હોય છે, જેનાથી સાઈટોમેગલો વાયરસની સાથે ફંગલ જેવાં અન્ય ઈન્ફેક્શન તેમને આસાનીથી પ્રભાવિત કરી શકે છે. ગંભીર દર્દીઓમાં CMV ન્યુમોનિયા અને માઈલ્ડથી મોડરેટ દર્દીઓમાં રિકવરી પછી રેક્ટલ બ્લીડિંગના કેસ મળ્યા છે.

સાઇટોમેગલો વાયરસ ઈન્ફેક્શનનાં લક્ષણ શું છે?

 • CMVનાં સૌથી સામાન્ય લક્ષણોમાં તાવ, ગળામાં તકલીફ, સ્નાયુમાં પીડા કે થાક, સ્કીન રેશ છે. જો ઈમ્યુનિટી સારી છે તો 2-3 સપ્તાહમાં આ લક્ષણો આપોઆપ કોઈ ટ્રીટમેન્ટ વિના પણ દૂર થઈ જાય છે.
 • જો વ્યક્તિની ઈમ્યુનિટી નબળી છે તો CMV અને અંગોને નુકસાન પહોંચાડી શકે છે. ફેફસાં, GIT (પેટ, કોલન), આંખ, બોનમેરો, લિવર, કિડની, મગજ વગેરે પણ એનાં નિશાન પર આવી શકે છે.
 • આ વાયરસના હાવી થવા પર દર્દીનું વજન ઓછું થવા લાગે છે. કેટલાક દર્દીઓમાં ડાયેરિયા કે રેક્ટલ બ્લીડિંગ (મળ સાથે લોહી આવવું)નાં લક્ષણો પણ જોવામાં આવ્યાં છે. આ જીવલેણ પણ હોઈ શકે છે.

એનું ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ કઈ રીતે થાય છે?

 • દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં જે પાંચ દર્દી મળ્યા છે, તેમની વય 30થી 70 વર્ષ રહી છે. ચારમાં ઓછું ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ બ્લીડિંગ થઈ રહ્યું હતું. એક અન્ય દર્દી ઈન્ટેસ્ટાઈનલ સાથે સંકળાયેલા વિકારો જોવા મળ્યા છે. બે દર્દીને ખૂબ વધારે બ્લીડિંગ થયું અને એકને તો ઈમર્જન્સી સર્જરી કરાવવી પડી. ત્રણ દર્દીને એન્ટીવાઇરલ થેરપીથી સ્વસ્થ કરવામાં આવ્યા.
 • ડાયોગ્નોસિસમાં સેમ્પલ CMV વાઇરલ લોડ (ક્વોન્ટિટેટિવ) /PCR (મોલિક્યુલર ટેસ્ટ) માટે મોકલવામાં આવે છે. આ ઉપરાંત ટિશ્યૂ બાયોપ્સી અને DNA PCR પણ કરવો પડી શકે છે. સાઈટોમેગલો વાયરસની ટ્રીટમેન્ટ ઓક્સિજન આપીને, એન્ટીવાયરસ ગેન્સિક્લોવિર (ઈન્ટ્રાવિનસ) અને અન્ય રીતે કરી શકાય છે. વિશેષજ્ઞોની સલાહ છે કે આ દર્દીઓમાં સેકન્ડરી બેક્ટેરિયલ સેપ્સિસની તપાસ થવી જોઈએ.

શું કોવિડથી રિકવરી પછી પેટ સાથે સંકળાયેલા રોગ પણ સામે આવી રહ્યા છે?

 • હા. મુંબઈમાં કેટલાક કેસ સામે આવ્યા છે, જ્યાં કોવિડથી રિકવર થયા પછી પણ દર્દીઓમાં પેટ સાથે સંકળાયેલા રોગ ડાયગ્નોસ થયા છે. એક 48 વર્ષીય મહિલાના ગૉલબ્લેડરમાં સોજો આવી ગયો હતો, જે સામાન્ય રીતે પથરીના લીધે થાય છે, પરંતુ તેમને પથરી હતી જ નહીં. કોવિડ-19 ઈન્ફેક્શનમાંથી રિકવર થયા પછીના બે સપ્તાહ પછી આ સમસ્યા સામે આવી.
 • ગૉલબ્લેડરમાં સોજાના મામલે અન્ય અનેક દેશોમાં પણ આવ્યા છે. જીનિવાની યુનિવર્સિટી હોસ્પિટલ્સના ડોક્ટરોએ જર્નલ ઓફ હેપેટોલોજીમાં એનો ઉલ્લેખ પણ કર્યો છે. મુંબઈની આકાશ હેલ્થકેર હોસ્પિટલે પણ દાવો કર્યો કે કોવિડમાંથી રિકવરી પછી પેટ સાથે સંકળાયેલા રોગોને લઈને 50 દર્દી એડમિટ થઈ ચૂક્યા છે. વાસ્તવમાં સારી વાત એ રહી કે દર્દીઓએ સમયસર હોસ્પિટલનો સંપર્ક કર્યો, નહીંતર આ લક્ષણ જીવલેણ પણ સાબિત થયા હોત.