ભાસ્કર એક્સપ્લેનર:ક્રિપ્ટો કરન્સી પર ન કોઈ બેંક કે ન તો કોઈ દેશનો કંટ્રોલ; શું ભારત સરકાર ઈચ્છે તો પણ તેને પ્રતિબંધિત નથી કરી શકતી?

10 દિવસ પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

23 નવેમ્બરે લોકસભાનું બુલેટિન જારી થયું અને ભારતના ક્રિપ્ટો માર્કેટમાં ઉથલપાથલ મચી ગઈ. બુલેટિનમાં કહેવામાં આવ્યું કે સંસદ સત્રમાં સરકાર ક્રિપ્ટો કરન્સી પર કાયદો લઈને આવશે. સમાચાર ફેલાતા જ ભારતના લગભગ 10 કરોડ ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સ પેનિકમાં આવી ગયા અને ક્રિપ્ટો માર્કેટ તૂટવા લાગ્યું. બીજા દિવસે સૌથી પ્રચલિત ક્રિપ્ટો કરન્સી બિટકોઈનમાં 17% સુધીનો ઘટાડો આવ્યો.

ભાસ્કરે ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલ વિવાદને સમજવા માટે ક્રિપ્ટો એક્સપર્ટ જસકરન સિંહ મનોચા સાથે વાત કરી છે. જસકરન લાંબા સમયથી ક્રિપ્ટો કરન્સી પર કામ કરી રહ્યા છે.

સમજીએ, ક્રિપ્ટો કરન્સી હોય છે શું? નવા બિલની ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સ પર શું અસર થશે? બિલમાં પ્રાઈવેટ ક્રિપ્ટો કરન્સીની વાત થઈ રહી છે એ શું હોય છે? શું ખરેખર સરકાર ક્રિપ્ટોને પ્રતિબંધિત કરી શકે છે? કેવી રીતે તૈયાર થાય છે ક્રિપ્ટો કરન્સી અને તેનો ઈતિહાસ શું છે?...

સૌપ્રથમ સમજીએ ક્રિપ્ટો કરન્સી શું છે?
એ એકદમ રૂપિયા, ડોલર અને કોઈપણ બીજી કરન્સીની જેમ જ છે બસ ફરક એટલો છે કે આ ડિજિટલ છે. એટલે કે તેને તમે નોટ કે સિક્કાની જેમ ખિસ્સામાં રાખી શકતા નથી. કેમકે એ સમગ્ર કરન્સી ક્રિપ્ટોગ્રાફીના સિદ્ધાંત પર આધારિત બ્લોકચેઈન ટેકનોલોજીથી બનેલી છે, તેથી તેને ક્રિપ્ટો કરન્સી કહે છે.

પ્રાઈવેટ ક્રિપ્ટો કરન્સી શું હોય છે?
પ્રાઈવેટ ક્રિપ્ટો કરન્સી એ કરન્સી હોય છે, જેની લેવડદેવડની જાણકારી જાહેર હોતી નથી. એટલે કે એ કરન્સીને લઈને શું ચાલી રહ્યું છે અને તેનું બેકગ્રાઉન્ડ તમે ચેક ન કરી શકો.

પબ્લિક ક્રિપ્ટો કરન્સી એ હોય છે, જેની લેવડદેવડની જાણકારી જાહેરમાં ઉપલબ્ધ રહે છે. આ કારણથી તેનું બેકગ્રાઉન્ડ ચેક કરી શકાય છે અને એ વધુ વિશ્વસનીય હોય છે.

જો કે સરકાર જે બિલ લાવવાની છે તેમાં પ્રાઈવેટ ક્રિપ્ટો કરન્સીને કઈ રીતે પરિભાષિત કરવામાં આવશે એ પણ સમજવાનું રહેશે. સરકાર ઈચ્છે તો તમામ પ્રકારની ક્રિપ્ટો કરન્સીને પ્રાઈવેટનો દરજ્જો આપી શકે છે.

બિલમાં ક્રિપ્ટોને લઈને સંભવિત શું-શું હોઈ શકે છે, એ પણ જાણી લો

  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એક નવી ડિજિટલ કરન્સી જારી કરી શકે છે. આ સરકારી કે પબ્લિક ક્રિપ્ટો કરન્સી હશે.
  • સરકાર પ્રાઈવેટ અને પબ્લિક ક્રિપ્ટોકરન્સીને અલગ-અલગ કરીને પ્રાઈવેટને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દે અને પબ્લિક માટે કેટલાક નિયમ લઈને આવે. આમેય માર્કેટમાં પ્રાઈવેટ ક્રિપ્ટો કરન્સી વધુ નથી, આ કારણથી માર્કેટ પર વધુ અસર નહીં પડે.
  • સરકાર ખૂબ સામાન્ય રીતે રેગ્યુલેશન લાવીને ક્રિપ્ટોને રેગ્યુલેટ કરી શકે છે અને તેના પર ટેક્સ લગાવી શકે છે. લોંગ ટર્મ, શોર્ટ ટર્મ કે કેટલા ક્રિપ્ટો તમે ખરીદી/વેચી રહ્યા છો એ હિસાબથી ટેક્સ લગાવી શકાય છે.
  • સરકાર પોતાનું ખુદનું વૉલેટ લઈને આવી શકે છે. આ વૉલેટને RBI જારી કરશે અને તેના દ્વારા તમે ક્રિપ્ટો કરન્સીને ખરીદી/વેચી શકશે. તેનાથી ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલ તમામ લેવડદેવડનો રેકોર્ડ મેન્ટેન રહેશે. તેનાથી ક્રિપ્ટો કરન્સી ઈન્વેસ્ટર્સનો સરકાર પર ભરોસો પણ વધી જશે.

શું સરકાર ક્રિપ્ટો કરન્સીને સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી કરી શકતી?
કોઈપણ સરકારનો કંટ્રોલ તેના દેશ પૂરતો જ સીમિત હોય છે પરંતુ ઈન્ટરનેટની દુનિયાની કોઈ સીમા નથી. ઈન્ટરનેટ પર કોઈ કયા સર્વર પર શું કરી રહ્યું છે એ કોઈને ખ્યાલ આવતો નથી. આ સાથે જ ક્રિપ્ટો ઈન્ક્રિપ્ટેડ ફોર્મમાં હોય છે અને તેની ઈન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ વધુ વેલ્યુ છે. આથી સરકાર ક્યારેય સંપૂર્ણપણે પ્રતિબંધિત ન કરી શકે. જો સરકાર પ્રતિબંધ મૂકે તો પણ લોકો જાત-જાતની રીતે તેનું ટ્રેડિંગ કરી શકે છે. ક્રિપ્ટોની એક ખાસિયત એ પણ છે કે તેના પર કોઈ સરકાર ન બેંક કે ન તો કોઈ એક વ્યક્તિનો કંટ્રોલ હોય છે.

આ સાથે જ મોટાભાગના એવા ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ છે, જે ભારતમાં રજિસ્ટર્ડ જ નથી. જો ભારત સરકાર કોઈ કાયદો બનાવે તો પણ શક્ય છે કે તેમના પર આનાથી ખાસ વધુ ફરક નહીં પડે.

કઈ રીતે તૈયાર થાય છે ક્રિપ્ટો કરન્સી?
ક્રિપ્ટો કરન્સીને માઈનિંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ વર્ચ્યુઅલ માઈનિંગ હોય છે. જેમાં ક્રિપ્ટો કરન્સી મેળવવા માટે એક અત્યંત જટિલ ડિજિટલ કોયડાને ઉકેલવો પડે છે. આ કોયડો ઉકેલવા માટે પોતાના ખુદના અલ્ગોરિધમ (પ્રોગ્રામિંગ કોડ) અને સાથે ખૂબ વધારે કમ્પ્યુટિંગ પાવરની જરૂર પડે છે. તેથી સૈદ્ધાંતિક રીતે કહી શકીએ કે ક્રિપ્ટો કરન્સીને કોઈપણ બનાવી શકે છે પરંતુ વ્યાવહારિક રીતે જોઈએ તો તેને બનાવવું ખૂબ જ મુશ્કેલ કામ છે.

ક્રિપ્ટો કરન્સીને જોખમી કેમ માનવામાં આવે છે?
જ્યારે તમે રૂપિયા, ડોલર, યેન કે પાઉન્ડની વાત કરો છો તો તેના પર તેને જારી કરનાર દેશની કેન્દ્રીય બેંકનું નિયંત્રણ હોય છે. આ કરન્સી કેટલી અને ક્યારે છપાશે, એ દેશની આર્થિક પરિસ્થિતિને જોઈને નક્કી કરે છે પરંતુ ક્રિપ્ટો કરન્સી પર કોઈનો કંટ્રોલ નથી. એ સંપૂર્ણપણે ડિસેન્ટ્રલાઈઝ્ડ વ્યવસ્થા છે. કોઈપણ સરકાર કે કંપની તેના પર અંકુશ મૂકી શકતી નથી. આ જ કારણથી તે જોખમી પણ છે.