તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:લાલ-સફેદ-ગુલાબી બોલ પછી હવે આવશે સ્માર્ટ બોલ; જાણો આનાથી ક્રિકેટ પર કેવી અસર થશે

21 દિવસ પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક
  • બોલના ઉપયોગ અંગે ICCનો કોઈ નિયમ નથી
  • ભારત એકમાત્ર એવો દેશ છે જે SG બોલનો ઉપયોગ કરે છે

એક બાજુ ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે, વળી બીજી બાજુ 26 ઓગસ્ટે વેસ્ટ ઇન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) શરૂ થઈ ગઈ છે. આ લીગમાં ક્રિકેટમાં એક નવી ટેકનોલોજીનું આગમન થયું છે. ક્રિકેટની દુનિયામાં અવનવા પ્રયોગો આગામી સમયમાં વિવિધ ટીમને નવી દિશા તરફ દોરી જશે. CPLમાં એક ખાસ પ્રકારના બોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બોલને સ્માર્ટ બોલ નામ આપવામાં આવ્યું છે.

આખરે આ સ્માર્ટ બોલ શું છે? આ કેવી રીતે કામ કરે છે? નોર્મલ બોલથી તે કેટલો અલગ છે? ચાલો જાણીએ…

સ્માર્ટ બોલ શું છે?
ઓસ્ટ્રેલિયન બોલ નિર્માતા કૂકાબુરાએ સ્માર્ટ બોલ બનાવવા માટે ટેક ઇનોવેટર્સ સ્પોર્ટ્સકોર સાથે જોડાણ કર્યું છે. આ વિશ્વનો પહેલો બોલ છે જેની અંદર માઇક્રોચિપ છે. સેન્સર સાથેની આ ખાસ ચિપ રીઅલ-ટાઇમમાં સ્પીડ, સ્પિન, પાવર, ફોર્સ જેવી માહિતી એકત્રિત કરે છે. આ માહિતી સ્માર્ટવોચ, મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર અથવા લેપટોપ પર ખાસ ડિઝાઇન કરેલી એપ દ્વારા જોઈ શકાય છે. કંપનીનો દાવો છે કે રીઅલ-ટાઇમ પ્રતિસાદ કોચ, રમત અને તેના સત્તાવાર કાર્યમાં ક્રાંતિ લાવશે. આની સાથે, તે આ રમતના અનુભવને પણ સંપૂર્ણપણે બદલી નાખશે.

આ કેવી રીતે કામ કરે છે?
બોલરના હાથમાંથી બોલ રિલીઝ થતાની સાથે જ તેની અંદરનું સેન્સર સક્રિય થઈ જાય છે. બોલની અંદરની ચિપ અલગ-અલગ તબક્કે બોલની સ્પિડ, સ્પિન અને પાવરનું અવલોકન કરે છે અને તેના વિશે ત્વરિત માહિતી આપે છે. હાથમાંથી બોલ છૂટ્યા પછી સ્પીડ ડેટા આવે છે, બોલ બાઉન્સ થાય તે પહેલા પ્રિ-બાઉન્સ સ્પીડ અને પોસ્ટ-બાઉન્સ સ્પીડનો ડેટા મળે છે.

કંપનીએ આ ફેરફાર માટે ટેગ લાઇન પણ આપી છે. For the first time, the ball will talk એટલે કે પહેલી વાર બોલ વાતો કરશે.

સ્માર્ટ બોલના સર્જકોનું શું કહેવું છે?
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર માઈકલ કાસ્પ્રોવિચ ટેક ઈનોવેટર્સ સ્પોર્ટ્સકોરના ચેરમેન છે, જેમણે આ બોલ બનાવ્યો હતો. કાસપ્રોવિસ સ્માર્ટ બોલને ક્રાંતિ તરીકે વર્ણવે છે. તે કહે છે કે તે માત્ર એક ઉચ્ચ પ્રદર્શનનું સાધન નથી, પરંતુ આના કારણે દર્શકો પોતાને ગેમને વધુ વિગતવાર અનુભવી શકશે અથવા તમે એમ પણ કહી શકો છો કે હવે બોલને પણ દિલ હશે.

આ સ્માર્ટ બોલ સામાન્ય કૂકાબુરા બોલથી કેટલો અલગ છે?

  • કંપનીનું કહેવું છે કે સ્માર્ટ બોલ બરાબર સામાન્ય બોલની જેમ છે. તેનું વજન પણ સામાન્ય કૂકાબુરા બોલ જેટલું જ છે.
  • તે સામાન્ય કૂકાબુરા બોલની જેમ વર્તે છે. એટલે કે બોલનો લુક અને ફીલ બિલકુલ બદલાયો નથી. માત્ર તેનો કોર બદલાયો છે.

બોલરના હાથમાંથી રિલીઝ થયા પછી કેટલા સમય સુધી બોલ સાથે સંકળાયેલ ડેટા મળશે?
બોલના કોરમાં રહેલી ચિપ એક એપ સાથે લિંક થશે. એપ પર બટન દબાવતા જ રેકોર્ડિંગ શરૂ થશે. બોલર બોલ રિલીઝ કરે કે તરત જ ડેટા એકત્રિત થવા લાગે છે. આ ડેટા બ્લૂટૂથ દ્વારા જમીન પર મુકેલા રાઉટર સુધી પહોંચે છે. ત્યાંથી તે ક્લાઉડમાં મોકલવામાં આવે છે. અહીંથી ડેટા એપ પર નંબર તરીકે દેખાય છે. બોલના ફાઇનલ રિઝલ્ટ સુધીની સમગ્ર પ્રક્રિયાને સરેરાશ 5 સેકન્ડ લાગે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ બોલનો ઉપયોગ ક્યારે થઈ શકે?
કંપનીનું કહેવું છે કે આ બોલનું હજી પૂરતું પરીક્ષણ કરવામાં આવ્યું નથી. જોકે, કંપનીને આશા છે કે આગામી વર્ષ સુધીમાં તે ICC અને તેના સભ્ય દેશોના બોર્ડને ઉપયોગ માટે બોલ ઓફર કરવાની સ્થિતિમાં આવી જશે. CPL પછી, કંપની આ બોલને મેજર T-20 લીગમાં વાપરવાનું વિચારી રહી છે.

કયા દેશોમાં કૂકાબુરા બોલનો ઉપયોગ થાય છે?
ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન દ્વારા કૂકાબુરા બોલનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઓસ્ટ્રેલિયામાં બનાવવામાં આવે છે. તેની સિલાઈ મશીન દ્વારા બનાવવામાં આવે છે. તેની સીમ દબાયેલી હોય છે. પહેલી 20 થી 30 ઓવર સુધી આ બોલ પેસર્સ માટે સર્વોત્તમ હોય છે. સીમ દબાયેલી હોવાના કારણે આ બોલ સ્પિનરોને અન્ય બોલ કરતા ઓછો મદદરૂપ થાય છે.

કૂકાબુરાનો ઈતિહાસ: આ કંપનીની શરૂઆત 1890માં એ.જી. થોમસને કરી હતી. તે સમયે આ કંપની ઘોડાની હાર્નેસ અને કાઠી બનાવતી હતી. બજારમાં કારના આગમન પછી, કંપનીએ કટોકટીમાંથી પસાર થવું પડ્યું હતું. તેથી તેણે ક્રિકેટ બોલ બનાવવાનું શરૂ કર્યું. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં શરૂ થયેલી આ કંપની આજે માત્ર ક્રિકેટ અને હોકી બોલ અને આ રમતોને લગતી એસેસરીઝ બનાવવા માટે જાણીતી છે. વનડે અને T-20માં વપરાતો સફેદ બોલ કૂકાબુરા દ્વારા સૌપ્રથમ 1978માં બનાવવામાં આવ્યો હતો. ત્યારપછી 2015માં ગુલાબી બોલનો પ્રથમ વખત ટેસ્ટમાં ઉપયોગ કરાયો હતો. જોકે આ બોલ પણ કૂકાબુરાએ બનાવ્યો હતો.

અન્ય દેશો કયા બોલનો ઉપયોગ કરે છે?
ડ્યુક બોલનો ઉપયોગ ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝમાં થાય છે. તે જ સમયે, ભારતમાં રમાતી મેચોમાં એસજી બોલનો ઉપયોગ થાય છે. ડ્યુક બોલ ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવે છે. તેની સીમ ઉપસેલી હોય છે. તેને હાથ વડે સિવીને બનાવાય છે. તેની હાર્ડનેસ 60 ઓવર સુધી રહે છે. આ બોલ ફાસ્ટ બોલર્સ માટે મદદરૂપ હોય તેવું માનવામાં આવે છે.

  • જેના કારણે 20થી 30 ઓવર પછી જ આ બોલમાં રિવર્સ સ્વિંગ થવાનું શરૂ થઈ જાય છે.
  • જ્યારે કૂકાબુરા અને એસજી બોલમાં 50 ઓવરની આસપાસ રિવર્સ સ્વિંગ શરૂ થાય છે.
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ થયાના 117 વર્ષ પહેલા કંપની 1760થી ડ્યુક બોલ બનાવી રહી છે.

ભારત એકમાત્ર એવો દેશ છે જે SG બોલનો ઉપયોગ કરે છે. આ બોલ ફક્ત ભારતમાં જ બનાવવામાં આવ્યો છે. આ બોલની સીમ ઉપસેલી હોય છે. તેને પણ ડ્યુકની જેમ હાથથી સિલાઈ કરીને બનાવાય છે. આ બોલ સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે.

નવા ફેરફારો પછી, તે સ્પિનરો તેમજ ફાસ્ટ બોલર્સને મદદ કરે તેવી અપેક્ષા છે. 1931માં કેદારનાથ અને દ્વારકાનાથ આનંદ નામના બે ભાઈઓએ સિયાલકોટમાં આ કંપની શરૂ કરી હતી. ભાગલા પછી પરિવાર આગ્રામાં રહેવા ગયો. જેથી કંપનીએ 1950માં મેરઠથી ફરી શરૂઆત કરી.

બોલના ઉપયોગ અંગે આઈસીસીનો કોઈ નિયમ નથી
બોલના ઉપયોગ અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) તરફથી કોઈ ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. બધા દેશો તેમની સ્થિતિ અનુસાર બોલનો ઉપયોગ કરે છે. જે દેશમાં શ્રેણી ચાલી રહી છે, તે દેશ પોતાની પસંદગી મુજબ બોલનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...