તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:કાલથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન શરૂ થશે, એ વિશે એ ટુ ઝેડ માહિતી જાણી લો

14 દિવસ પહેલાલેખક: રવીન્દ્ર ભજની
  • કૉપી લિંક
  • કોરોનાનો કોળિયો થયેલા 90% લોકો 45થી વધુ ઉંમરના

કાલથી એટલે કે 1 એપ્રિલથી કોવિડ-19 વેક્સિનેશનનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો વેક્સિન લઈ શકશે. સરકારે 1 જાન્યુઆરી 1977ની કટ ઓફ ડેટ નક્કી કરી છે. યાને કે 1 જાન્યુઆરી 1977ની પહેલાં જન્મેલા તમામ લોકો વેક્સિન લઈ શકશે. આ પહેલાં 1 માર્ચથી શરૂ થયેલા બીજા તબક્કામાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લેવા માટે કોમોર્બિડિટીની શરત હતી. 20 ગંભીર બીમારીઓ સામે લડી રહેલા 45થી 59 વર્ષના લોકોને સિનિયર સિટિઝન્સની સાથોસાથ વેક્સિનેશન પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ગયા અઠવાડિયે હેલ્થ મિનિસ્ટ્રીની મીટિંગમાં રજૂ કરવામાં આવેલા ઇન્ટર્નલ સર્વે પ્રમાણે, ભારતમાં કોરોનાવાયરસને કારણે 30 માર્ચની સવાર સુધીમાં 1.62 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં 90 ટકાથી વધુ કિસ્સાઓમાં મરનારની ઉંમર 45 વર્ષથી વધુની જ જોવા મળી છે. આને કારણે 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને હાઇ રિસ્ક ગ્રુપમાં રાખવામાં આવ્યા છે અને 1 એપ્રિલથી સૌને વેક્સિનેટ કરવાની યોજના બનાવવામાં આવી છે. પાછલા થોડા દિવસથી દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. રોજેરોજ નવા નવા કેસની પીક આવી રહી છે. 30 માર્ચની સવારે 8 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 56,211 નવા કેસ નોંધાયા હતા. આને કારણે એક્ટિવ કેસનો લોડ પણ વધીને 5.40 લાખ સુધી પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢમાં મળીને દેશના 79.64 ટકા એક્ટિવ કેસ લોડ છે.

અત્યારસુધીમાં વેક્સિનેશનની સ્થિતિ
31 માર્ચની સવાર સુધીમાં 6.30 કરોડ વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે. વેક્સિનેશનની શરૂઆત 16 જાન્યુઆરીએ હેલ્થકેરવર્કર્સની સાથે થયેલી અને અત્યારસુધીમાં 82 લાખ હેલ્થવર્કર્સને પહેલો ડોઝ અને 52 લાખ વર્કર્સને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઇનવર્કર્સનું વેક્સિનેશન શરૂ થયું હતું. ફ્રન્ટલાઇનવર્કર્સને 90 લાખ પહેલા ડોઝ અને 38 લાખ બીજા ડોઝ અપાયા છે. 1 માર્ચથી 60 વર્ષથી વધુ યાને કે સિનિયર સિટિઝન્સનું વેક્સિનેશન શરૂ થયું હતું. તેમાં અત્યારસુધીમાં 2.90 કરોડ પહેલા ડોઝ અને 36,899 બીજા ડોઝ અપાઈ ચૂક્યા છે, સાથોસાથ નક્કી કરેલી 20માંથી કોઈપણ એક બીમારી હોય તોપણ 45થી 59 વર્ષના લોકોને વેક્સિન આપવાનું શરૂ થયેલું. તેને અત્યારસુધીમાં 72 લાખ પહેલા ડોઝ અને 4,905 બીજા ડોઝ આપવામાં આવ્યા છે.

ચોથા તબક્કામાં કેટલા લોકોને વેક્સિન અપાશે?
2011ની વસતિગણતરીને ધ્યાનમાં લઇએ તો 2021માં 60+ ઉંમરના લોકોની વસતિ 13.7 કરોડ અને 45થી 59 વર્ષના લોકોની ઉંમર 20.7 કરોડ હશે. યાને કે બીજા અને ત્રીજા તબક્કામાં મળીને લગભગ 34 કરોડ લોકોને વેક્સિનેટ કરવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા ‘લોન્ગિટ્યુડિનલ એજિંગ સ્ટડી ઇન ઇન્ડિયા’ પ્રમાણે 45થી 59 વર્ષના એજ ગ્રુપમાં દેશની 37 ટકા વસતિ એક યા બીજા પ્રકારે કોમોર્બિડિટીનો સામનો કરી રહી છે. 60 વર્ષથી વધુ ઉંમરના એજ ગ્રુપમાં દર બીજી વ્યક્તિ યાને કે 52 ટકા લોકો એકથી વધુ ગંભીર બીમારીઓ સામે લડી રહી છે.

45+ લોકોને વેક્સિન આપવાથી કોરોનાને અટકાવી શકશે?
બિલકુલ. વેક્સિન સ્પેશિયાલિસ્ટ અને પબ્લિક હેલ્થ પોલિસી એક્સપર્ટ ડૉ. ચંદ્રકાંત લહારિયા કહે છે કે વેક્સિનેશનનો ઉદ્દેશ મોર્ટાલિટી અને ટ્રાન્સમિશન ઘટાડવાનો છે. વેક્સિનની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને જ અલગ અલગ તબક્કામાં વેક્સિન અપાઈ રહી છે. 45+ ઉંમરના લોકોને વેક્સિન પ્રોગ્રામમાં સામેલ કરવા એ આ પ્રોસેસમાં જ આગળનું સ્ટેપ છે.

દેશના ટોપ વેક્સિન સાયન્ટિસ્ટ અને વેલ્લોર મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ. ગગનદીપ કંગના જણાવ્યા પ્રમાણે, જેટલા વધુ લોકોને વેક્સિન આપી શકાય તેટલા લોકોને આપવી જોઇએ. નવી પોલિસી પ્રમાણે 45થી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન સરળ થઈ જશે. પહેલાં 20 ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકોને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ તે લિસ્ટ અધૂરું હતું. એમાં ઘણા લોકોને સામેલ કરી શકાયા નહોતા. હવે તેઓ પણ આ લિસ્ટમાં સામેલ થઈ શકશે. એને કારણે કોરોનાને નાથવામાં મદદ મળશે.

ડૉ. કંગના કહેવા પ્રમાણે, 45થી ઓછી ઉંમરના લોકોને પણ વેક્સિનેશન પ્રોગ્રામમાં સામેલ કરી દેવા જોઇએ. ખાસ કરીને કોઈ ને કોઈ ગંભીર બીમારી સામે લડી રહેલા લોકો, જેમ કે સ્પાઇનલ કોર્ડ ઇન્જરી, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ્સ, ડાયાબિટીઝ વગેરે. આ લોકોનું વેક્સિનેશન જેટલું જલદી શરૂ થાય એટલું સારું.

બધાએ વેક્સિન લેવી જરૂરી છે?
હા. ડૉ. લહારિયાના કહેવા પ્રમાણે, પહેલાં તો જે એજ ગ્રુપમાં મોર્ટાલિટી વધારે હતી તેમને વેક્સિન અપાઈ. હવે જેમને લીધે ટ્રાન્સમિશનનું જોખમ વધારે છે તેવા લોકોને વેક્સિન અપાઈ રહી છે. ધીમે ધીમે બીજા લોકોને પણ આ ડ્રાઇવમાં સામેલ કરવામાં આવશે.

ડૉ. કંગના મત અનુસાર, દરેકેદરેકને વેક્સિન મુકાવી જોઇએ. આપણી પાસે જે વેક્સિન છે એની ટ્રાયલ્સ 18+ લોકો પર થઈ છે. બાળકોમાં પણ આ વેક્સિનની ટ્રાયલ્સ થશે ત્યારે તેમને પણ લગાવવી પડશે. આ વાઇરસ નવો છે. પોલિયોની વેક્સિન આપણે સૌને આપીએ છીએ. તેની શરૂઆત બાળપણમાં થઈ જાય છે. તેનું પ્રોટેક્શન આખી જિંદગી મળે છે. આ પણ એક એવો વાઇરસ છે, જેની સામે સૌને રક્ષણ મળવું જોઇએ.

વેક્સિનના બે ડોઝ વચ્ચે કેટલું અંતર રાખવું જોઇએ?
અત્યારે દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન એમ બે વેક્સિન અપાઈ રહી છે. કોવિશીલ્ડને બ્રિટિશ ડ્રગમેકર એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ મળીને ડેવલપ કરી છે. પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ તેને ભારતમાં બનાવી અને સપ્લાઈ કરી રહી છે. જ્યારે કોવેક્સિન હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સાથે મળીને બનાવી છે.

કોવેક્સિનના પહેલા બે ડોઝમાં 28 દિવસનું અંતર રાખવામાં આવી રહ્યું છે. કોવિશીલ્ડથી બહેતર સુરક્ષા કવચ મેળવવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ બે ડોઝ વચ્ચેનું અંતર ચાર અઠવાડિયાંથી વધારીને 6થી 8 અઠવાડિયાં કરી નાખ્યું છે. યાને કે 42થી 56 દિવસ વચ્ચે આપ કોવિશીલ્ડનો બીજો ડોઝ લઈ શકો છો. ડૉ. લહારિયાનું કહેવું છે કે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાથી ડોઝની ઉપલબ્ધતા વધી ગઈ છે. એનાથી પણ વધુ લોકોને વેક્સિનેટ કરવામાં મદદ મળશે.

બીજો ડોઝ લીધા પછી એન્ટિબોડી ક્યારથી બનવા માંડશે?
ડૉ. લહારિયાના કહેવા પ્રમાણે, વેક્સિનનો પહેલો ડોઝ લીધાના 7-10 દિવસ પછી એન્ટિબોડી બનવાનું શરૂ થાય છે. ધીમે ધીમે તેનું પ્રમાણ વધવા લાગે છે. ત્રણથી ચાર અઠવાડિયાં પછી એ એક્ટિવેટ થઈ જાય છે. જ્યારે બીજો ડોઝ લઇએ ત્યારે તે બૂસ્ટર ડોઝનું કામ કરે છે. એન્ટિબોડીનું લેવલ 4થી 6 ગણું વધી જાય છે.

તેમનું કહેવું છે કે કોવિશીલ્ડના કિસ્સામાં બ્રિટન અને બ્રાઝિલમાં ટ્રાયલ્સ થઈ અને તેમાં અલગ અલગ રિઝલ્ટ્સ સામે આવ્યાં. વેક્સિનના બે ડોઝનું અંતર 4 અઠવાડિયાં જ નક્કી હતું, પરંતુ અમુક લોકોને 6, 8 અને 12 અઠવાડિયાંના અંતરમાં બીજો ડોઝ આપવામાં આવ્યો. જેમને 4 અઠવાડિયાંમાં બીજો ડોઝ અપાયો, તેમના પર વેક્સિન 53 ટકા ઇફેક્ટિવ જોવા મળી. જ્યારે 8થી 12 અઠવાડિયાંમાં જેમને બીજો ડોઝ અપાયો તેમનામાં વેક્સિનની અસરકારકતા 75થી 80 ટકા જોવા મળી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો