ભાસ્કર એક્સપ્લેનર:જેનો ડર હતો એ જ થયું, UP સહિત પાંચ ચૂંટણીવાળાં રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, જાણો કેવી છે ગંભીર સ્થિતિ

14 દિવસ પહેલા

કોરોના મહામારી વચ્ચે 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ રાજ્યોમાં કોરોનાના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે, જેને કારણે આ રાજ્યોમાં સ્થિતિ ખતરનાક બની રહી છે. યુપી, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં એક્ટિવ કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ કારણે આગામી મહિને યોજાનારી ચૂંટણી માટે ચૂંટણીપંચે રેલીઓ અંગે ઘણાં કડક નિયંત્રણો લાદી દીધાં છે. ચાલો, જાણીએ 5 રાજ્યમાં કોરોનાની શી સ્થિતિ છે...

UP: એક સપ્તાહમાં 1700થી 34 હજાર થયા એક્ટિવ કેસ
યુપીમાં વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં સક્રિય કેસોમાં 20 ગણો વધારો થયો છે. 2 જાન્યુઆરીએ કોરોનાના સક્રિય કેસ 1725 હતા, જ્યારે 10 જાન્યુઆરીએ વધીને 33,946 થઈ ગયા. જોકે સંક્રમણ દરમાં ઘટાડો થોડો દિલાસો આપનારો છે. રાજ્યમાં સંક્રમણનો દર માત્ર 4.13 ટકા છે. એ જ સમયે બીજી ચિંતા વેક્સિનેશનની ઝડપ વિશે છે. અત્યારસુધીમાં રાજ્યની માત્ર 53 ટકા વસતિને જ બંને ડોઝ મળ્યા છે.

પંજાબમાં એક્ટિવ કેસ 14 ગણા વધ્યા
વિધાનસભાની ચૂંટણીની જાહેરાત વચ્ચે પંજાબમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ભારે વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં અહીં સક્રિય કેસોમાં 14 ગણો વધારો થયો છે. રાજ્યમાં 2 જાન્યુઆરીએ 1369 સક્રિય કેસ હતા. એ જ સમયે 10 જાન્યુઆરીએ આ સંખ્યા વધીને 19,379 થઈ ગઈ. આ દરમિયાન ઓક્સિજન સપોર્ટ પર જતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. શરૂઆતમાં 33 લોકો ઓક્સિજન સપોર્ટ પર હતા, જ્યારે હવે આ સંખ્યા વધીને 254 થઈ ગઈ છે. કોરોનાના 10 દર્દી પણ વેન્ટિલેટર પર છે. સંક્રમણનું પ્રમાણ પણ ઝડપથી વધી રહ્યું છે.

રાજ્યમાં સંક્રમણનો દર પણ વધીને 23.72 ટકા થયો છે. કુલ ટેસ્ટમાં સંક્રમિત મળી આવેલા લોકોની સંખ્યાને ઈન્ફેક્શન રેટ કહેવાય છે. એ જણાવે છે કે રાજ્યમાં કોરોનાના કેસ કેટલી ઝડપથી વધી રહ્યા છે. રાજ્યની સ્થિતિ પણ ચિંતાજનક છે, કારણ કે અહીં બંને ડોઝ મેળવનારા લોકોની સંખ્યા દેશમાં સૌથી ઓછી છે.

ગોવામાં ઈન્ફેક્શન રેટ ડરામણો
ગોવામાં કોરોના ઈન્ફેક્શન રેટ ચિંતાજનક સ્તર કરતાં ઘણો વધારે છે, જેને કારણે અહીં સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં હાલમાં સંક્રમણ દર 27.38 ટકા છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ વેક્સિનેશનને કારણે રાજ્યમાં હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા હજુ પણ ઓછી છે. પાંચ ચૂંટણી રાજ્યોમાં ગોવા સંપૂર્ણ વેક્સિનેશનમાં મોખરે છે. અત્યારસુધીમાં પુખ્ત વસતિના 96 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે.

ઉત્તરાખંડ: વેક્સિનેશન રેટ સારો છતાં એક્ટિવ કેસ વધ્યા
ઉત્તરાખંડમાં પણ કોરોનાના સક્રિય કેસ સતત વધી રહ્યા છે. અહીં એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં 10 ગણો વધારો થયો છે. 2 જાન્યુઆરીએ 506 એક્ટિવ કેસ હતા, જે વધીને 10 જાન્યુઆરીએ 5009 થયા. આ સ્થિતિ ત્યારે છે જ્યારે રાજ્યમાં 85 ટકાથી વધુ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં ઈન્ફેક્શન રેટ 7.57 ટકા છે.

મણિપુર: મણિપુરમાં એક સપ્તાહમાં એક્ટિવ કેસ બે ગણા થયા
અન્ય ચાર રાજ્યની સરખામણીમાં મણિપુરમાં કોરોનાના કેસ નિયંત્રણમાં છે. ઓછું વેક્સિનેશન હોવા છતાં અહીં ઈન્ફેક્શન રેટ માત્ર 4.14 ટકા છે. એ જ સમયે એક્ટિવ કેસોની સંખ્યામાં પણ અઠવાડિયામાં માત્ર બે ગણો વધારો જોવા મળ્યો છે. 2 જાન્યુઆરીએ રાજ્યમાં માત્ર 215 એક્ટિવ કેસ હતા, જે 10 જાન્યુઆરીએ વધીને 438 થઈ ગયા છે.

આ ચૂંટણી કોરોના માટે સુપર સ્પ્રેડર સાબિત થશે
પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી વચ્ચે કોરોનાના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણીપંચે 15 જાન્યુઆરી સુધી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે. હાલ પ્રશ્ન એ છે કે રેલીઓ અને રોડ શો વિના ચૂંટણી કેવી રીતે થશે. નિર્વાના બિઈંગના સ્થાપક અને CEO જય ધર ગુપ્તા કહે છે કે એવા દેશમાં, જ્યાં સામાજિક અંતરનું પાલન કરવું એક પડકાર છે. આ સાથે માસ્ક અને વેન્ટિલેશન વિશે કોઈ જાગૃતિ નથી. ઉપરાંત સિક્વન્સિંગ અને ટેસ્ટિંગ માટે પૂરતી સિસ્ટમ નથી. આવી સ્થિતિમાં આ રાજ્યોમાં આ વિધાનસભા ચૂંટણી કોરોના માટે સુપર સ્પ્રેડર ઈવેન્ટ સાબિત થશે.

મહામારી સાથે જ ચૂંટણીઓમાં જવું પડશે
જોકે ઘણા નિષ્ણાતો કહે છે કે આપણે મહામારી સાથે ચૂંટણીમાં જવું પડશે. વાઈરોલોજિસ્ટ ડૉ.ચંદ્રકાંત લહરિયા કહે છે કે આપણે બે વર્ષથી મહામારી સાથે જીવી રહ્યા છીએ. ઉપરાંત ભવિષ્ય વિશે હાલ કશું જ ખબર નથી. તો ક્યાં સુધી આપણે આ વસ્તુઓથી ભાગીશું? તેથી આપણે ચૂંટણી મુલતવી રાખી શકીએ નહીં. આપણી સામે આ કોરોના મહામારી દરમિયાન શાળાઓ ખોલવાનો અને બંધ કરવાનો ખૂબ જ ખરાબ અનુભવ થયો છે, તેથી આપણે મહામારીમાં ચૂંટણીઓ સાથે આગળ વધવું પડશે.

અન્ય સમાચારો પણ છે...