ભાસ્કર એક્સપ્લેનર:અઠવાડિયામાં જ કોરોનાના કેસમાં 95%નો વધારો, દિલ્હી-યુપી-હરિયાણામાં સૌથી વધુ કેસ; ચોથી લહેરનું કેટલું જોખમ?

2 મહિનો પહેલાલેખક: નીરજ સિંહ
 • કૉપી લિંક

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો ડરાવવા લાગ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસમાં 95%નો વધારો થયો છે. દિલ્હી-એનસીઆરમાં સૌથી વધુ કોરોના દર્દીઓ જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં મળી આવેલા કુલ કોરોના કેસમાંથી બે તૃતીયાંશ કેસ દિલ્હી, હરિયાણા અને યુપીમાંથી જ આવ્યા છે.

આ સાથે દેશનાં 12 રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. નિષ્ણાતો પણ કોરોનાના ચોથા લહેરની શક્યતાને નકારી રહ્યા નથી.

આવી સ્થિતિમાં ચાલો, જાણીએ કે દેશનાં કયા ંરાજ્યોમાં સૌથી વધુ કોરોના કેસ મળી રહ્યા છે? કયા જિલ્લામાં પોઝિટિવિટી દર 5થી વધુ છે? કોરોનાના કેસ વધવા માટે કયો પ્રકાર જવાબદાર છે?

આ પહેલાં પોલમાં ભાગ લઈને તમારો અભિપ્રાય આપો...

દેશનાં કયાં રાજ્યોમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે?

 • દેશનાં 12 રાજ્યોમાં છેલ્લાં 3 અઠવાડિયાથી કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. એ જ સમયે દેશમાં ગત સપ્તાહની તુલનામાં લગભગ બમણા કેસ નોંધાયા છે, એટલે કે 95% વધુ.
 • 18-24 એપ્રિલની વચ્ચે દેશમાં 15,700 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. ગયા અઠવાડિયે માત્ર કોરોનાના 8050 કેસ આવ્યા હતા. જો જોવામાં આવે તો દેશમાં સતત 11 અઠવાડિયા સુધી કેસમાં ઘટાડો થયા બાદ આ બીજું અઠવાડિયું છે જ્યારે કોરોનાના કેસમાં વધારો થયો છે.
 • દેશમાં કોરોનાના સક્રિય કેસ ગત રવિવારે લગભગ 11,500 થી વધીને 16,300થી વધુ થઈ ગયા છે. રાહતની વાત એ છે કે કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ મૃત્યુઆંક વધારે નથી વધ્યો. કેરળમાં થયેલા મૃત્યુને બાદ કરીએ તો દેશમાં આ અઠવાડિયે કોરોનાના કારણે માત્ર 27 જ મોત થયાં છે, જે ગત સપ્તાહની જેમ જ છે.
 • આ અઠવાડિયે દિલ્હી, હરિયાણા અને યુપીમાં સૌથી વધુ કોરોના દર્દીઓ જોવા મળ્યા છે. આમાંનો મોટો હિસ્સો NCRનો છે. આ ત્રણ રાજ્ય એવાં છે જ્યાં ગયા અઠવાડિયે પણ કોરોનાના કેસ વધ્યા હતા. આ અઠવાડિયે 9 અન્ય રાજ્યો કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, બંગાળ, રાજસ્થાન અને પંજાબમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.
 • દિલ્હીમાં આ અઠવાડિયે 6336 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે, જે ગયા સપ્તાહે મળેલા 2,307 દર્દી કરતાં 2.7 ગણા વધુ છે. હરિયાણામાં 2,296 અને યુપીમાં 1,278 કેસ નોંધાયા છે, જે ગયા સપ્તાહ કરતાં બે ગણા વધુ છે. આ અઠવાડિયે દેશમાં કોરોનાના કુલ કેસોમાંથી બે તૃતીયાંશ કેસ માત્ર દિલ્હી, હરિયાણા અને યુપીમાં જ જોવા મળ્યા છે.

દેશના કેટલા જિલ્લાઓમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટિવિટી દર 5%થી વધુ છે?

 • દેશના કુલ 734 જિલ્લામાંથી 34 એવા છે, જ્યાં સાપ્તાહિક પોઝિટિવિટી દર (એપ્રિલ 18 થી 24) 5% થી વધુ છે, એટલે કે, WHO અનુસાર, આ જિલ્લાઓમાં ચેપ હજુ પણ બેકાબૂ છે. એવા 18 જિલ્લા છે, જ્યાં પોઝિટિવિટી દર 10%થી પણ વધુ છે.
 • ચાલો પહેલા સરળ ભાષામાં પોઝિટિવિટી દર જાણીએ. જો તમારી વસાહતમાં 100 લોકોનું પરીક્ષણ કરવામાં આવે અને 20 સક્રિય કેસ બહાર આવે, તો પોઝિટિવિટી દર 20% હશે.
 • સામાન્ય રીતે જો પોઝિટિવિટી રેટ 4થી 5 ટકાની વચ્ચે હોય તો પરિસ્થિતિને નિયંત્રિત માનવામાં આવે છે, પરંતુ WHO કહે છે કે જો તે 5%થી વધુ હોય તો પરિસ્થિતિ બેકાબૂ બની જાય છે.
 • કેરળમાં 13 જિલ્લામાં સૌથી વધુ 5%થી વધુ પોઝિટિવિટી દર છે. મિઝોરમના 9 જિલ્લાઓ એવા છે, જ્યાં પોઝિટિવિટી દર 5%થી વધુ છે. દિલ્હીના 5 જિલ્લામાં પોઝિટિવિટી દર 5%થી ઉપર છે.

કોરોનાના કેસ વધવા પાછળનાં કારણો કયાં છે?

 • જો જોવામાં આવે તો દેશમાં છેલ્લાં બે અઠવાડિયાંથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જોકે કેસ વધવા પાછળનું સાચું કારણ હજુ જાણી શકાયું નથી.
 • હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મુખ્યત્વે ઓમિક્રોનના સબ-વેરિયન્ટ અથવા બીજા ડોઝના 9 મહિના પછી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે છે.
 • કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસ પાછળ ઓમિક્રોનના 9 સબ-વેરિયન્ટ મુખ્ય કારણ છે. દિલ્હીમાં જીનોમ સિક્વન્સિંગમાં BA.2.12.1 સહિત ઓમિક્રોનના 9 વેરિયન્ટ્સની પુષ્ટિ કરવામાં આવી છે.
 • દેશમાં ઓમિક્રોનને કારણે ત્રીજી લહેર આવી. Ourworldindata અનુસાર, એપ્રિલ સુધીમાં, Omicron દેશમાં નવા કોરોના કેસોમાં 100% માટે જવાબદાર હતો.
 • છેલ્લા કેટલાક મહિનાઓમાં, ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ BA.2 અથવા સ્ટીલ્થ ઓમિક્રોન ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ ગયો છે.
 • છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વમાં નોંધાયેલા કુલ કોરોના કેસોમાંથી લગભગ 94% માટે BA.2 જવાબદાર હતો.
 • નિષ્ણાતોના મતે, BA.2 અથવા સ્ટીલ્થ ઓમિક્રોન અત્યારે ભારતમાં ડોમિનન્ટ વેરિયન્ટ છે અને મોટા ભાગના નવા કેસ માટે જવાબદાર છે.

શું કોરોનાના વધતા કેસ ચોથી લહેરના આગમનની નિશાની છે?

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRના એપિડેમિયોલોજી વિભાગના ભૂતપૂર્વ વડા ડૉ. લલિત કાન્ત કહે છે કે જેમ જ લોકો માસ્ક પહેરવાનું બંધ કરે છે, કોરોનાના કેસ ફરી વધવા લાગે છે. આવી સ્થિતિમાં કોરોનાના કેસોમાં ઉતાર-ચઢાવ આવશે, પરંતુ મહત્ત્વપૂર્ણ છે કે આને કારણે મૃત્યુઆંક ન વધે.

તેમણે કહ્યું હતું કે હોસ્પિટલોમાં દર્દીઓના દાખલ થવાનો દર ઘણો ઓછો છે. ડૉક્ટરો કહે છે કે મોટા ભાગના લોકોને તાવ, ઉધરસ, શરદી અને ગળામાં દુખાવો હોય છે અને તેઓ ત્રણથી પાંચ દિવસમાં સ્વસ્થ થઈ જાય છે.

IIT કાનપુરના પ્રોફેસર શલભે, જેમણે પોતાની આંકડાકીય પદ્ધતિથી દેશમાં 22 જૂન સુધીમાં ચોથી લહેરની આગાહી કરી હતી, ચોથી લહેર વિશે તેમણે કહ્યું હતું કે કેસમાં વધારો એ ચોથા લહેરની નિશાની છે એમ કહેવું વહેલું ગણાશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભવિષ્યમાં ચોથી લહેર આવી શકે છે? પ્રો. શલભે કહ્યું હતું કે આની શક્યતા વધારે છે.

IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે, જેમણે કોરોના પર ઘણી સચોટ આગાહી કરી હતી, ચોથી લહેરના આગમનના પ્રશ્ન પર તેમણે કહ્યું, મને ચોથી લહેરની કોઈ આશંકા નથી.

એપિડેમિયોલોજિસ્ટ ડૉ. ચંદ્રકાંત લહરિયાએ કહ્યું હતું કે આ ચોથી લહેરની નિશાની નથી. કેસ સતત વધતા રહેશે, પરંતુ હાલમાં નવી લહેરની કોઈ શક્યતા નથી, કારણ કે ઓમિક્રોન અને તેના પેટા- વેરિયન્ટ્સ BA.1, BA.2 દેશમાં ડોમિનન્ટ વેરિયન્ટ છે, એક જ વેરિયન્ટથી બે લહેર આવી શકે નહીં.

કોરોનાથી બચવા માટે કેવા પ્રકારની તકેદારી જરૂરી છે?
કોરોનાના કોઈપણ પ્રકાર સામે રક્ષણ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનો છે. એટલે કે માસ્ક પહેરવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો અને રસીકરણ કરાવવું એ કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પ્રો. શલભ કહે છે, લોકોએ માસ્ક પહેરવું જોઈએ અને સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ.