ભાસ્કર એક્સપ્લેનરCMની રેસમાં શિવકુમાર સામે સિદ્ધારમૈયા મજબૂત:કોંગ્રેસ વિરોધનું રાજકારણ કરતી હતી; જેડીએસે બહારનો રસ્તો બતાવ્યો હતો, બાદમાં મુખ્યમંત્રી બન્યા

13 દિવસ પહેલાલેખક: નીરજ સિંહ
  • કૉપી લિંક

10 વર્ષની વાત છે. કર્ણાટકમાં 2013ની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં હતાં. કોંગ્રેસે 122 બેઠક જીતીને બહુમતી મેળવી હતી. હવે સવાલ એ હતો કે કોણ બનશે મુખ્યમંત્રી? એક તરફ સિદ્ધારમૈયા હતા, જેઓ 7 વર્ષ પહેલાં કોંગ્રેસમાં જોડાયા હતા, તો બીજી બાજુ કોંગ્રેસના જૂના દિગ્ગજ મલ્લિકાર્જુન ખડગે હતા.

ધારાસભ્યો દ્વારા સિક્રેટ મતદાન થયું હતું. આમાં સિદ્ધારમૈયાનું પલ્લું ભારે રહ્યું અને તેઓ મુખ્યમંત્રી બની ગયા હતા. રાજકીય પંડિતોનું કહેવું છે કે સિદ્ધારમૈયા કોંગ્રેસ ધારાસભ્ય દળના પ્રથમ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા છે.

10 વર્ષ પછી સિદ્ધારમૈયા ફરી એ જ સ્થાને ઊભા છે. 2023ની કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી છે. મુખ્યમંત્રીપદ માટે બે દાવેદાર છે - સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર.

આજે આપણે સિદ્ધારમૈયાની સંપૂર્ણ કહાણી જાણીશું, જે જણાવશે કે આવી સ્થિતિ તેમના માટે નવી કેમ નથી?

બાળપણ: સિદ્ધારમૈયા ઢોર ચરાવતા હતા, પિતાએ તેમને ભણવા માટે સમજાવ્યા હતા

સિદ્ધારમૈયાનો જન્મ 12 ઓગસ્ટ 1948ના રોજ મૈસૂર જિલ્લાના સિદ્ધારમહુન્ડી ગામમાં એક ખેડૂત પરિવારમાં સિદ્ધારમે ગૌડાને ત્યાં થયો હતો. કુરુબા ગૌડા સમુદાયમાં જન્મેલા સિદ્ધારમૈયા પાંચ ભાઈ-બહેનોમાં બીજા નંબરે છે.

સિદ્ધારમૈયાને બાળપણમાં અભ્યાસમાં ખાસ રસ નહોતો. તેઓ ઢોરની સંભાળ રાખતા અને પિતાને ખેતરોના કામમાં મદદ કરતા હતા. પાછળથી પિતાએ તેમને ભણવા માટે સમજાવ્યા અને ગામના વડીલ અપ્પાજી તેમના પ્રથમ શિક્ષક બન્યા હતા.

સિદ્ધારમૈયાના એક સંબંધી જણાવે છે કે 'સિદ્ધર્મ'નો અર્થ એવો થાય છે કે જે ઇચ્છે છે એ મેળવે છે. સિદ્ધારમૈયા બાળપણથી જ જિદ્દી અને સમજે નહીં તેવી વ્યક્તિ છે. તેમનો આ જ ગુણ તેમને રાજકારણમાં લાવ્યો છે.

કાકા રામગૌડા જણાવે છે કે એ સમયે સિદ્ધારમૈયાના પિતાની બહુ આવક ન હતી. તેઓ પોતાના અભ્યાસ માટે એક-એક પૈસો બચાવતા હતા. શાળામાં ગયા પછી પણ સિદ્ધારમૈયાએ પહેલાંની જેમ પિતાને મદદ કરવાનું ચાલુ રાખ્યું.

તેઓ શાકભાજી અને ઘરનું રેશન લેવા માટે 10 કિલોમીટર ચાલીને જતા હતા. ઘરે આવવા પર તેમના પિતા તેમને મસાલેદાર મમરા આપતા, જે સિદ્ધારમૈયાને ખૂબ જ પસંદ હતા.

બીજા કાકા સિદ્ધાગૌડા કહે છે કે તેઓ શરૂઆતથી જ જાણતા હતા કે સિદ્ધારમૈયા અલગ છે. તેમનો ભત્રીજો ગામનો પ્રથમ સ્નાતક છે અને વકીલ પણ છે.

સિદ્ધારમૈયાએ મૈસૂર યુનિવર્સિટીમાંથી બીએસસી અને પછી એલએલબી કર્યું છે.
સિદ્ધારમૈયાએ મૈસૂર યુનિવર્સિટીમાંથી બીએસસી અને પછી એલએલબી કર્યું છે.

કરિયરઃ જો તેઓ રાજકારણમાં ન આવ્યા હોત તો તેઓ એક સારા વકીલ બની શક્યા હોત

કાયદાનો અભ્યાસ પૂરો કર્યા પછી સિદ્ધારમૈયાએ મૈસૂરમાં એક વકીલ ચિક્કાબોરૈયા હેઠળ જુનિયર તરીકે કામ કર્યું કે જેમણે યુવાન સિદ્ધારમૈયાને તૈયાર કર્યા હતા.

સિદ્ધારમૈયાના સિનિયર રહેલા ચિક્કાબોરૈયા કહે છે કે જ્યારે તેમણે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓ દરેક કેસ સાથે સંબંધિત નોંધ લેતા હતા અને રિસર્ચ કર્યા પછી જ ન્યાયાધીશની સામે દલીલ કરતા હતા. તેમનું કહેવું છે કે જો સિદ્ધારમૈયા રાજકારણમાં ન આવ્યા હોત તો તેઓ એક સારા વકીલ બની શક્યા હોત.

કાનૂની વ્યવસાયમાં સિદ્ધારમૈયાના અન્ય સાથી થમ્ન્ના ગૌડાએ કહ્યું હતું કે તેઓ તેમને 1979 પહેલાંથી ઓળખે છે. તેમણે કહ્યું હતું કે સિદ્ધારમૈયા માત્ર કોર્ટમાં જ પ્રેક્ટિસ કરતા નથી, પરંતુ સ્થાનિક લો કોલેજમાં પાર્ટટાઈમ પણ ભણાવતા હતા.

તેમણે કહ્યું હતું કે એકવાર તેઓ સિદ્ધારમૈયાના રૂમમાં ગયા તો તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. રૂમમાં કપડાં કરતાં પુસ્તકો વધુ હતાં. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ જાણતા હતા, સિદ્ધારમૈયા ખાટલા પર સૂતા હતા અને તેમના શૈક્ષણિક જીવન દરમિયાન સાધારણ જીવન જીવતા હતા.

રાજનીતિઃ દેવગૌડાએ ટિકિટ ન આપી એટલે અપક્ષ તરીકે જીત્યા

કાયદાની પ્રેક્ટિસ કરતી વખતે સિદ્ધારમૈયાને તેમના એક સાથીદાર, એડવોકેટ નંજુંદા સ્વામીએ તાલુકાની ચૂંટણી લડવાની સલાહ આપી હતી. વર્ષ 1978માં સિદ્ધારમૈયા ચૂંટણી લડ્યા અને મૈસૂર તાલુકા માટે ચૂંટાયા. સિદ્ધારમૈયા ડૉ. રામ મનોહર લોહિયાના સમાજવાદથી પ્રભાવિત હતા.

તેમણે વકીલાત છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો. 1983ની વાત છે. સિદ્ધારમૈયા કર્ણાટકની ચામુંડેશ્વરી વિધાનસભા બેઠક પરથી ટિકિટ મેળવવાની આશામાં બેંગલુરુમાં જનતા પાર્ટીના કાર્યાલયની બહાર બેઠા હતા. એચડી દેવગૌડા એ સમયે જનતા પાર્ટીના અધ્યક્ષ હતા. દેવગૌડાએ સિદ્ધારમૈયાને ટિકિટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

સિદ્ધારમૈયાએ હાર ન માની અને તેમના રાજકીય ગુરુ અબ્દુલ નઝીર સાબની સલાહ પર ચામુંડેશ્વરીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા. આ દરમિયાન લોકદળે પણ સિદ્ધારમૈયાને સમર્થન આપ્યું હતું. સિદ્ધારમૈયા કોઈપણ રાજકીય અનુભવ વિના, જીત્યા અને રામકૃષ્ણ હેગડેની આગેવાની હેઠળની પ્રથમ બિન-કોંગ્રેસી સરકારને ટેકો આપ્યો હતો.

સિદ્ધારમૈયા રામકૃષ્ણ હેગડે સાથે. જે 80ના દાયકામાં કર્ણાટકના સીએમ હતા.
સિદ્ધારમૈયા રામકૃષ્ણ હેગડે સાથે. જે 80ના દાયકામાં કર્ણાટકના સીએમ હતા.

આ પછી દેવગૌડાએ પણ જૂના મૈસૂર વિસ્તારમાં પોતાનો જનાધાર વધારવા માટે તેમને અપનાવી લીધા. 1985માં મધ્યસત્ર ચૂંટણી યોજાઈ હતી. સિદ્ધારમૈયા સતત બીજી વખત ચામુંડેશ્વરીથી ધારાસભ્ય બન્યા હતા.

હેગડેએ રાજ્યની વહીવટી ભાષા તરીકે કન્નડનો ઉપયોગ કરવા માટે રચાયેલી સમિતિની અધ્યક્ષતા સિદ્ધારમૈયાને સોંપી. આનાથી સિદ્ધારમૈયાને રાજકીય રીતે ફાયદો થયો. 1985 પછી હેગડેએ સિદ્ધારમૈયાને તેમના મંત્રાલયમાં સામેલ કર્યા.

સિદ્ધારમૈયા હેગડે સરકારમાં પશુપાલન અને પરિવહન જેવાં મંત્રાલયો સંભાળતા હતા. 1989ની વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધારમૈયાને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ. રાજશેખર મૂર્તિએ હરાવ્યા હતા. 1992માં તેઓ જનતા દળના મહાસચિવ બન્યા હતા.

સિદ્ધારમૈયા 1994માં ચૂંટણી જીત્યા અને દેવગૌડા સરકારમાં નાણામંત્રી બન્યા. વર્ષ 1996માં દેવગૌડાને વડાપ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે સિદ્ધારમૈયાને સીએમ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ જનતા દળના જે.એચ.પટેલનો વિજય થયો હતો. જોકે સિદ્ધારમૈયાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા.

1999માં જનતા દળમાં ભાગલા પડ્યા બાદ સિદ્ધારમૈયા દેવગૌડા સાથે જોડાયા અને JDSમાં જોડાયા. આ દરમિયાન દેવગૌડાએ તેમને કર્ણાટકમાં JDSના અધ્યક્ષ બનાવ્યા. આ પછી સિદ્ધારમૈયાને વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો.

વર્ષ 2005માં દેવગૌડાએ તેમના પુત્ર એચડી કુમારસ્વામીને JDSમાં પ્રમોટ કરવા માટે સિદ્ધારમૈયાને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.
વર્ષ 2005માં દેવગૌડાએ તેમના પુત્ર એચડી કુમારસ્વામીને JDSમાં પ્રમોટ કરવા માટે સિદ્ધારમૈયાને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.

ખરાબ તબક્કો: દેવગૌડાએ જેડીએસમાંથી હાંકી કાઢ્યા, ત્યારે તેમણે પછાત વર્ગોમાં લોકપ્રિયતા વધારવાનું શરૂ કર્યું

2004માં કોંગ્રેસ અને JDSએ મળીને કર્ણાટકમાં સરકાર બનાવી હતી. કોંગ્રેસના ધરમસિંહ મુખ્યમંત્રી બન્યા. જ્યારે સિદ્ધારમૈયાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. સિદ્ધારમૈયા જેડીએસના ચહેરા તરીકે ઝડપથી ઊભરી રહ્યા હતા અને પોતે પછાત વર્ગના નેતા તરીકે જાણીતા બન્યા હતા.

આ દરમિયાન પીઢ રાજકારણી આરએલ જલપ્પાએ 'અહિંદા'ની રચના કરી, જે લઘુમતી, ઓબીસી અને દલિતોને એક કરે છે. જલપ્પાની સાથે સિદ્ધારમૈયા પણ અહિંદાના પ્રચારમાં સામેલ થયા તેમજ એક પછી એક ત્રણ અહિંદા કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. આનાથી સિદ્ધારમૈયાનું કદ વધ્યું.

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક એમકે ભાસ્કર રાવ કહે છે કે અહિંદા સાથે સિદ્ધારમૈયાનું કદ વોક્કાલિગા નેતા દેવગૌડા અને ભાજપના લિંગાયત નેતા બીએસ યેદિયુરપ્પા કરતાં વધી ગયું છે. આ દરમિયાન દેવગૌડાના પુત્ર કુમારસ્વામી પણ કર્ણાટકના રાજકારણમાં ઝડપથી આગળ વધી રહ્યા હતા.

આવા સમયે દેવગૌડાને લાગ્યું કે મહત્ત્વકાંક્ષી સિદ્ધારમૈયા કુમારસ્વામી માટે ખતરો બની શકે છે. 2005માં સિદ્ધારમૈયાને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

ફાઈટ બેક: કોંગ્રેસવિરોધી રાજનીતિ કરનારા સિદ્ધારમૈયા 2006માં કોંગ્રેસી બન્યા

જેડીએસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ સિદ્ધારમૈયાને છેતરાયાનો અનુભવ થયો હતો. દેવગૌડાના આ નિર્ણયથી તેઓ એટલા નિરાશ થઈ ગયા કે તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લઈને ફરી વકીલાતમાં પાછા ફરવાનું વિચારવાનું શરૂ કર્યું.

ઘણા લોકોએ તેમને પોતાની પાર્ટી બનાવવાનું સૂચન કર્યું હતું. તેમણે આ વાતને નકારી કાઢી. તેમણે કહ્યું હતું કે તેઓ આટલા પૈસા અને સત્તા એકત્ર કરી શકશે નહીં. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસે તેમને પોતાના પક્ષમાં સામેલ કરવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

ભાજપની વિચારધારા સાથે અસંમત, સિદ્ધારમૈયા બેંગલુરુમાં સોનિયા ગાંધીની હાજરીમાં તેમના સમર્થકો સાથે 2006માં કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે થોડાં વર્ષો પહેલાં સિદ્ધારમૈયાનો કોંગ્રેસમાં જોડાવાનો વિચાર અકલ્પ્ય હતો.

કર્ણાટકમાં 2018ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસનેતા સોનિયા ગાંધી સાથે સિદ્ધારમૈયા.
કર્ણાટકમાં 2018ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસનેતા સોનિયા ગાંધી સાથે સિદ્ધારમૈયા.

કોંગ્રેસમાં જોડાયા પછી પણ સિદ્ધારમૈયાએ ક્યારેય મુખ્યમંત્રી બનવાની પોતાની મહત્ત્વાકાંક્ષા છુપાવી નથી તેમજ વારંવાર ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પદની ઈચ્છા રાખવામાં કંઈ ખોટું નથી.

સિદ્ધારમૈયાએ જેડીએસના કુરુબા જાતિના વોટને કોંગ્રેસ વોટમાં કન્વર્ટ કરીને અહિંદા દ્વારા ઓબીસી અને દલિત મતોને મજબૂત કર્યા. આનાથી કોંગ્રેસમાં સિદ્ધારમૈયાનું કદ ઘણું વધી ગયું. કર્ણાટકમાં લિંગાયત અને વોક્કાલિગા પછી કુરુબા ત્રીજો સૌથી મોટો સમુદાય છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2013માં યોજાઈ હતી. કોંગ્રેસે 122 બેઠક જીતીને બહુમતી મેળવી હતી. હવે સવાલ એ હતો કે મુખ્યમંત્રી કોણ બનશે? એક તરફ સિદ્ધારમૈયા હતા, જે 7 વર્ષ પહેલાં કોંગ્રેસમાં જોડાયા હતા. બીજી તરફ કોંગ્રેસના મોટા દલિત નેતા મલ્લિકાર્જુન ખડગે. અહીં સિદ્ધારમૈયાએ બાજી મારી અને મુખ્યમંત્રી બન્યા હતા.

કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા 13 મે, 2013ના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લે છે.
કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા 13 મે, 2013ના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લે છે.

લોકપ્રિયતા: ગરીબોની સૌથી મૂળભૂત સમસ્યા, ભોજન પર કામ કર્યું

મુખ્યપ્રધાન બન્યા પછી સિદ્ધારમૈયાએ તેમની સામાજિક-આર્થિક સુધારણા યોજનાઓથી કર્ણાટકમાં ઘણું પરિવર્તન લાવ્યું. તેમણે ભોજન પર કામ કર્યું, જે ગરીબોની સૌથી મૂળભૂત સમસ્યા છે. સિદ્ધારમૈયાની અન્ન-ભાગ્ય યોજના, જે 7 કિલો ચોખા, ક્ષીર-ભાગ્ય, જે શાળામાં જતા વિદ્યાર્થીઓ માટે 150 ગ્રામ દૂધ પૂરી પાડતી હતી અને ઇન્દિરા કેન્ટીન, જેણે ગરીબો માટે ટેકો આપ્યો હતો.

સિદ્ધારમૈયાએ તેમને બિનપક્ષીય ધોરણે વિસ્તાર્યા, જેમાં તમામ જાતિઓ અને સમુદાયોના ગરીબોને ભૂખમરો, શિક્ષણ, સ્ત્રી અને બાળ મૃત્યુદર સાથે સંકળાયેલી યોજનાઓમાં આવરી લેવામાં આવ્યા.

દરેક બજેટમાં મહિલાઓના સશક્તિકરણ માટે કંઈક ને કોઈ કામ કરવામાં આવ્યું છે, જેમ કે સ્નાતક સુધીનું મફત શિક્ષણ, કોલેજના વિદ્યાર્થીઓ માટે લેપટોપ, પંચાયતોમાં મહિલાઓની ફરજિયાત હાજરી અને ગર્ભવતી થયા પછી 16 મહિના સુધી પૌષ્ટિક આહાર આપવો.

વિવાદ: લિંગાયતની અલગ ધર્મની માગ, ટીપુ સુલતાનની જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી

સિદ્ધારમૈયાને વિવાદો સાથે પણ ઘણો સંબંધ રહ્યો છે. સિદ્ધારમૈયા સરકાર દરમિયાન મૈસૂરના શાસક ટીપુ સુલતાનની જન્મજયંતી ધામધૂમથી ઊજવવામાં આવી હતી. આ સિવાય તેમણે પીએફઆઈ અને એસડીપીઆઈના ઘણા કાર્યકરોને મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો.

2018માં ચૂંટણી પહેલાં કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારે લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપ્યો અને કેન્દ્ર સરકારને ભલામણ મોકલી. કોંગ્રેસ ફરી એકવાર લિંગાયત સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. 2018માં વિધાનસભા ચૂંટણી હારવાનું આ પણ એક મોટું કારણ માનવામાં આવે છે.