ભાસ્કર એક્સપ્લેનર:ઉકાળો ન તો કોરોનાની દવા છે કે ન તો વેક્સિન, માત્ર વધારે છે ઇમ્યુનિટી; ડોક્ટરની સલાહ પછી જ પીવો

20 દિવસ પહેલાલેખક: અભિષેક પાંડે
 • કૉપી લિંક

કોરોના વાઇરસ મહામારી શરૂ થયા પછી ઈમ્યુનિટી વધારવા માટે દેશમાં ઉકાળો પીવાનું ચલણ ઝડપથી વધ્યું છે. આયુષ મંત્રાલયથી લઈને આરોગ્ય મંત્રાલય સુધી મહામારીના સમયમાં ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે ઉકાળાના પ્રયોગની સલાહ આપતા રહ્યાં છે, પરંતુ અનેકવાર લોકો દ્વારા ઉકાળાના વધુ પ્રયોગથી આરોગ્ય સંબંધિત પરેશાનીઓ પણ સામે આવી છે, એટલે કે ઉકાળાનો સાચી રીત અને માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે અને સૌથી જરૂરી વાત કે ઉકાળો ડોક્ટરની સલાહ પછી જ લો.

ચાલો, જાણીએ કે શું કોરોનાથી બચાવવામાં સક્ષમ છે ઉકાળો? ઉકાળાના ઉપયોગથી શું વાસ્તવમાં વધે છે ઈમ્યુનિટી? કેટલો ઉકાળો પીવો જોઈએ? શું હોય છે ઉકાળાના ઉપયોગની સાઈડ ઈફેક્ટ?

ઈમ્યુનિટી વધારવા માટે થાય છે ઉકાળાનો પ્રયોગ
આમ તો ભારતમાં સદીઓથી ઉકાળાનો પ્રયોગ થતો આવ્યો છે, પરંતુ કોરોના મહામારી ફેલાયા પછીથી ખાસ કરીને છેલ્લાં બે વર્ષ દરમિયાન લોકોમાં ઉકાળાને ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે ઉપયોગ કરવાનું ચલણ ઝડપથી વધ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પણ કોવિડ-19 મહામારીથી બચવા માટે ઈમ્યુનિટી વધારનારા ઉપાયો અંતર્ગત ઉકાળાના પ્રયોગની સલાહ આપી ચૂક્યું છે.

સરકારની ગાઈડલાઈન્સ અનુસાર, “તુલસી, તજ, મરી, સૂંઠ અને સૂકી દ્રાક્ષથી બનેલી હર્બલ ચા/ઉકાળો દિવસમાં એક કે બે વખત પીઓ. જો જરૂર પડે તો સ્વાદ માટે એમાં ગોળ અને તાજા લીંબુનો રસ મેળવો.”

આયુષ મંત્રાલયે પણ કોરોનાથી બચાવ માટે ઘરેલુ ઉપાયો અંતર્ગત દિવસમાં એક કે બે વાર ઉકાળો પીવાની સલાહ આપી છે.

કેવી રીતે બનાવવામાં આવે છે ઉકાળો?
ઉકાળો કે હર્બલ મિશ્રણ, જડીબુટ્ટીઓ અને મસાલાઓનું મિશ્રણ હોય છે. ઉકાળો બનાવવા માટે ગરમ પાણીમાં સામાન્ય રીતે આદુ, લીંબુ, હળદર, મરી, અજમો, ગિલોય, લવિંગ, એલચી, મધ અને ચપટી નીમકને ઉકાળવામાં આવે છે.

આરોગ્ય મંત્રાલયે ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવા માટે ઉપયોગમાં લેવાતા ઉકાળામાં તુલસી, તજ, કાળા મરી, સૂંઠ, સૂકી દ્રાક્ષ, ગોળ અને તાજા લીંબુના રસનો ઉપયોગ કરવા સલાહ આપી છે.

કેટલી માત્રામાં અને કેટલો ઉકાળો પીવો છે યોગ્ય?

ભલે ઉકાળાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે, પરંતુ એના વધુ ઉપયોગથી અનેક પરેશાનીઓ પણ થઈ શકે છે, એટલે કે ઉકાળાનો પ્રયોગ ત્યારે જ લાભદાયી છે જ્યારે તેને યોગ્ય માત્રામાં અને યોગ્ય ડોઝ સાથે લેવામાં આવે.

 • આરોગ્ય મંત્રાલય અને આયુષ મંત્રાલયના અનુસાર, એક સ્વસ્થ વ્યક્તિએ એક દિવસમાં એક કે બે વખત જ ઉકાળો પીવો જોઈએ.
 • ઉકાળાની માત્રા કેટલી હોવી જોઈએ? એના જવાબમાં એક્સપર્ટ્સ કહે છે કે એકવારમાં લગભગ 50 mL ઉકાળો પીવો જોઈએ.
 • એના માટે 100 mL પાણીમાં ઉકાળાને મેળવવામાં આવતા પદાર્થોને ત્યાં સુધી ઉકાળવા જોઈએ કે જ્યાં સુધી એ 50 mL જેટલા રહી ન જાય.
 • એક સ્વસ્થ વયસ્ક વ્યક્તિ માટે એક દિવસમાં એક કપ કે બે કપ (લગભગ 50થી 100 mL) ઉકાળો લેવો જ યોગ્ય હોય છે.
 • હેલ્થ એક્સપર્ટ્સના અનુસાર, મોટા ભાગે સવારે ખાલી પેટે ઉકાળો પીવાથી દૂર રહેવું જોઈએ.
 • કફથી પીડિત લોકો માટે ઉકાળાનો પ્રયોગ વધુ લાભદાયી હોય છે, કેમ કે એવી વ્યક્તિઓમાં વાઇરસ ઈન્ફેક્શનનું જોખમ પણ વધુ રહે છે.
 • જ્યારે વાત અને પિત્ત બોડી ટાઈપવાળા લોકોએ પોતાના ઉકાળામાં કાળા મરી, તજ અને સૂંઠ મેળવવાથી દૂર રહેવું જોઈએ. એવા લોકો માટે સાંજે ઉકાળો પીવો વધુ સારું માનવામાં આવે છે.

શું ઉકાળાથી વાસ્તવમાં મજબૂત થાય છે ઈમ્યુન સિસ્ટમ?
કોરોનાથી બચાવના ઉપાયો અંતર્ગત ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે આરોગ્ય મંત્રાલય અને આયુષ મંત્રાલય પણ ઉકાળાના ઉપયોગની સલાહ આપી ચૂક્યાં છે.

હર્બલ ટી કે ઉકાળાને ઈમ્યુનિટી મજબૂત કરવાના નેચરલ ઉપાયોમાંથી એક માનવામાં આવે છે. ઉકાળાના ઉપયોગથી સામાન્ય શરદી, સળેખમ અને અન્ય અનેક આરોગ્ય સમસ્યાઓથી બચવામાં મદદ મળે છે.

નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશન (NCBI)ના 2015માં પ્રકાશિત એક સ્ટડી અનુસાર, ઉકાળો, જેવા હર્બલ ઉપાય શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે, જે શરીરને સંક્રામક વાઇરસ સામે લડવામાં મદદ કરી શકે છે.

શું ઉકાળો પીવાથી થાય છે સાઈડ ઈફેક્ટ?
આમ તો ઉકાળો સામાન્ય રીતે ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે, પરંતુ એને વધુ માત્રામાં લેવામાં આવે કે વધુ વખત ઉપયોગમાં લેવામાં આવે તો તેની અનેક સાઈડ ઈફેક્ટ પણ થઈ શકે છે.

દેશમાં એપ્રિલ-મે 2021માં આવી કોરોનાની બીજી લહેર દરમિયાન લોકોમાં ઉકાળો પીવાનો ક્રેઝ ખૂબ વધી ગયો હતો. એનું પરિણામ એ આવ્યું કે અનેક લોકોમાં વધુ ઉકાળો પીવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ સામે આવી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, બીજી લહેર દરમિયાન સેંકડો એવા કેસ સામે આવ્યા, જ્યારે વધુ ઉકાળો પીવાના કારણે લોકોને અપચો, ઝાડા અને એનલ ફિશર જેવી સમસ્યાઓ થઈ છે. આ સમસ્યાઓ કોવિડથી સંક્રમિત થઈ ચૂકેલા અને એનાથી સંક્રમિત નહીં, એમ બંને પ્રકારના લોકોમાં દેખાઈ.

 • હેલ્થ એક્સપર્ટ્સના મતે, ઉકાળાના વધુ ઉપયોગથી વ્યક્તિમાં હાયપરએસિડિટી, પેટ અને આંતરડાંમાં બળતરા અને પીડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
 • સાથે જ ઉકાળાનો જરૂરિયાતથી વધુ ઉપયોગ કરવાથી કબજિયાત અને ઝાડાની સમસ્યા પણ થઈ શકે છે.
 • વધુ ઉકાળો પીવાથી પેટમાં અલ્સર કે મોંમાં છાલા જેવી સમસ્યાઓ પણ સામે આવી છે.
 • વાસ્તવમાં ઉકાળાને બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીથી શરીરમાં ખૂબ ગરમી પેદા થાય છે.
 • ઉકાળાથી વધુ પ્રયોગથી પેટ અને આંતરડાં પર અસર થાય છે, જેને કારણે અપચો, ઝાડા અને ગેસની સમસ્યાઓ થાય છે, જે ધીમે ધીમે એનલ ફિશરનો શિકાર બની જાય છે. એનલ ફિશર એક ગુદા સંબંધિત સમસ્યા છે, જે ગુદાની પાતળી, નાજુક લેયરમાં એક ઘા અથવા એ ફાટી જવી એ છે.

કઈ રીતે જાણશો કે ઉકાળો પીવો કરી રહ્યો છે નુકસાન?
ઉકાળાના ફાયદા માટે એનો યોગ્ય માત્રામાં ઉપયોગ જરૂરી છે, પરંતુ જો ઉકાળાનો વધુ ઉપયોગ તમારા શરીરને નુકસાન પહોંચાડે છે તો તેની અનેક સાઈડ ઈફેક્ટ નજરે પડે છે.

ચાલો, જાણીએ કે કઈ રીતે જાણવું કે ઉકાળો તમને લાભ આપવાના બદલે નુકસાન કરી રહ્યો છે?
- નાકમાંથી લોહી વહેવું.
- મોંમાં છાલાં પડવાં.
- ખૂબ વધુ એસિડિટી થવી.
- અપચો કે કબજિયાત થવી.
- પેશાબમાં સમસ્યા થવી
જો તમને ઉકાળો પીવાને કારણે આમાંની કોઈપણ સમસ્યા જોવા મળે તો તરત જ ઉકાળો પીવાનું બંધ કરો અને ડોક્ટરની સલાહ લો.