તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • China Was Stating The Wrong Date For The Spread Of Corona; The World's First Case Came Just Months Before The Date Claimed In The New Research

ભાસ્કર એક્સપ્લેનર:કોરોના ફેલાવાની ખોટી તારીખ જણાવી રહ્યું હતું ચીન; નવા રિસર્ચમાં દાવો-જણાવેલી તારીખથી મહિના અગાઉ જ આવી ગયો હતો દુનિયાનો પ્રથમ કેસ

3 મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ

કોરોના વાયરસ ક્યારે આવ્યો? ક્યાંથી આવ્યો? કઈ રીતે આવ્યો? આ સવાલોનો ઉલ્લેખ જ્યારે પણ થાય છે ત્યારે ચીન પર અનેક સવાલો થવા લાગે છે. હવે એક નવા રિસર્ચે ચીનના દાવાઓ પર સવાલો સર્જ્યા છે. આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ચીને જ્યારે દુનિયાને કોરોના વિશે જણાવ્યું એના એકથી બે મહિના અગાઉ જ ત્યાં કોરોનાના કેસ આવવા લાગ્યા હતા. આ અગાઉ અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે પણ કહ્યું હતું કે ચીનમાં કોરોનાના કેસ નવેમ્બર 2019માં જ આવવા લાગ્યા હતા.

આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે? કયા આધારે આ દાવો કરવામાં આવ્યો છે? વોલ સ્ટ્રીટ જર્નલે કયા આધારે કેસ નવેમ્બરમાં આવવાનો દાવો કર્યો હતો? અત્યારસુધીના રિપોર્ટ્સમાં કોરોનાની શરૂઆત અંગે શું કહેવામાં આવ્યું છે? આવો સમજીએ...

નવા રિપોર્ટમાં શું છે?
રિસર્ચ જર્નલ PLOSમાં છપાયેલો રિપોર્ટ કહે છે કે દુનિયામાં કોરોનાનો પ્રથમ કેસ નવેમ્બર 2019માં આવ્યો. જો તારીખની વાત કરીએ તો 17 નવેમ્બરે એ આવ્યાના સૌથી વધુ આસાર છે. ચીનથી એની શરૂઆત થઈ. જ્યારે ચીનનો દાવો છે કે તેના દેશમાં સૌથી પ્રથમ કેસ ડિસેમ્બર 2019ની શરૂઆતમાં આવ્યો હતો.

આ રિસર્ચ કોણે કર્યું છે?
યુકેની કેન્ટ યુનિવર્સિટીના ડેવિડ રોબર્ટ અને તેમના સાથીઓએ એક મેથેમેટિકલ મોડલ ડેવલપ કર્યું છે. એનું મૂળ મોડલ પશુ-પક્ષીઓની ઉત્પત્તિની ભાળ મેળવવા માટે ડેવલપ કરવામાં આવ્યું હતું. મૂળ મોડલને રિવાઈઝ કરીને કેન્ટ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કોરોનાની શરૂઆતની તારીખનું અનુમાન લગાવ્યું હતું.

મોડલ ડેવલપ કરનારા વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે એનાથી ભવિષ્યમાં પણ બીમારીઓની શરૂઆત અને તેમના ફેલાવાના આસારની ભાળ મેળવવામાં મદદ મળશે. આ માટે ખૂબ વધારે ડેટાની પણ જરૂર નહીં હોય. કોરોના અંગે કરાયેલો આ અભ્યાસ કહે છે કે એ વાતની સૌથી વધુ આશંકા છે કે ચીનમાં કોરોનાનો પ્રથમ કેસ 17 નવેમ્બર 2019ના રોજ આવ્યો હતો. આના પછી આ બીમારી જાન્યુઆરી 2020માં સમગ્ર દુનિયામાં ફેલાઈ ગઈ.

શું આ રિસર્ચમાં બીજા દેશોમાં કોરોના ફેલાવા અંગે પણ કંઈ છે?
ચીન ઉપરાંત કયા પાંચ દેશમાં કોરોના સૌપ્રથમ પહોંચ્યો, એનો અંદાજ પણ આ રિસર્ચમાં લગાવાયો છે. રિસર્ચ એ પણ જણાવે છે કે આ દેશોમાં કઈ તારીખે કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હશે.

રિસર્ચ કહે છે કે 3 જાન્યુઆરી 2020ના રોજ ચીનની બહાર પ્રથમ કેસ જાપાનમાં આવ્યો. એના પછી 7 જાન્યુઆરીએ થાઈલેન્ડ, 12 જાન્યુઆરીએ સ્પેન અને 14 જાન્યુઆરીએ કોરિયામાં પ્રથમ કેસ આવ્યો. યુરોપમાં પહોંચ્યા પછી કોરોના 16 જાન્યુઆરીએ અમેરિકા પહોંચ્યો.

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં શું છે?
ગત મહિને અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકન ગુપ્તચર રિપોર્ટના હવાલાથી એ દાવો કરવામાં આવ્યો હતો કે વુહાનની લેબના અનેક રિસર્ચર નવેમ્બર 2019 કે તેના અગાઉ બીમાર પડ્યા હતા. આ લોકોમાં કોરોના કે સામાન્ય શરદી, સળેખમ અને તાવ જેવાં લક્ષણો હતાં. જ્યારે ચીનમાં દુનિયાનો પ્રથમ જાહેર કોરોના કેસ ડિસેમ્બર 2019માં આવ્યો હતો.

આ અગાઉ અમેરિકન આરોગ્યમંત્રી ઝેવિયર બેસેરાએ વર્લ્ડ હેલ્થ એસેમ્બ્લીમાં WHO તરફથી કહ્યું હતું કે કોરોના ક્યાંથી ફેલાયો એની તપાસનું આગામી પગલું ‘પારદર્શી’ હોવું જોઈએ. WHOની તપાસ પર સવાલો ઉઠાવી રહ્યા હતા. જોકે ચીને આ તમામ સમાચારોને ખોટા ગણાવ્યા હતા. આ સાથે જ તેણે એક નવો આરોપ લગાવતાં કહ્યું હતું કે શક્ય છે કે આ વાયરસ અમેરિકાની કોઈ લેબમાંથી નીકળ્યો હોય. ચાઈનીઝ વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચાઓ લિજિયાને દાવો કર્યો હતો કે વુહાનની લેબમાં 30 ડિસેમ્બર 2019 અગાઉ કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નહોતો.

WHOની જે ટીમ ચીન ગઈ હતી એને શું મળ્યું હતું?
આ વર્ષે જાન્યુઆરીમાં WHOની ટીમ ચીનના વુહાન શહેરમાં ગઈ હતી. એપ્રિલમાં આ ટીમે પોતાનો રિપોર્ટ આપ્યો, પરંતુ આ રિપોર્ટમાં કંઈપણ નવું નહોતું. ન તો કોરોના વાયરસની ઉત્પત્તિ અંગે કોઈ નિશ્ચિત નિષ્કર્ષ હતો. જે વાતો છેલ્લાં બે વર્ષથી થતી રહી છે એ જ વાતોને રિપોર્ટમાં જણાવાઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એ ખ્યાલ નથી કે ચીનમાં લોકો આ વાયરસથી કઈ રીતે સંક્રમિત થયા. એવું લાગે છે કે આ વાયરસ જાનવરોમાંથી માણસોમાં આવ્યો. આ સાથે જ એ વાતની સંભાવના નહિવત્ છે કે એને લેબમાં બનાવાયો હોય. WHO પર ચીનના દબાણમાં રિપોર્ટ બનાવવાના આરોપ લાગ્યો હતો.

જાનવરથી માણસોમાં કોરોના ફેલાવાની થિયરીને સપોર્ટ કરનારાઓનું શું કહેવું છે?
અનેક વિજ્ઞાનીઓ માને છે કે કોઈ લેબના સ્થાને વાયરસની નેચરલ ઉત્પત્તિની આશંકા વધુ છે. કોરોના વાયરસ પર કામ કરી રહેલા સ્ક્રિપ્સ રિસર્ચના વિજ્ઞાની ક્રિસ્ટન જી. એન્ડરસન કહે છે કે ઈબોલા અને અન્ય રોગજનક વાયરસ જાનવરોમાંથી જ માણસોમાં ફેલાયા, આ જ વાયરસના જીનોમ સિક્વન્સથી જ કોરોના ફેલાયાના આસાર સૌથી વધુ છે.