ભાસ્કર એક્સપ્લેનર:અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને માન્યતા આપનારો પ્રથમ દેશ બન્યો ચીન; શું છે એનો અર્થ? ભારતનું એ અંગે શું વલણ છે?

9 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની

તાલિબાને 15 ઓગસ્ટ, એટલે કે રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરી લીધો. એનાથી સમગ્ર દેશનો કંટ્રોલ તેની પાસે આવી ગયો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાન છોડી ચૂક્યા છે. એના એક દિવસ પછી ચીને ઔપચારિક રીતે તાલિબાન શાસનને માન્યતા પણ આપી દીધી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનચિંગે સોમવારે કહ્યું હતું કે ચીન અફઘાન લોકોને પોતાનું ભાગ્ય નિશ્ચિત કરવાના અધિકારનું સન્માન કરે છે. તે અફઘાનિસ્તાનની સાથે મિત્રતા અને સહયોગી સંબંધ બનાવવા માગે છે. આ અગાઉ ચીને 28 જુલાઈએ સંકેત આપ્યો હતો કે તે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને માન્યતા આપી શકે છે. ચાઈનીઝ વિદેશમંત્રી વાંગ યીએ તિયાંજિનના નવ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તાલિબાનનો સહસ્થાપક અને ડેપ્યુટી લીડર મુલ્લા અબ્દુલ ગની બરાદર પણ હાજર હતો.

રાજનૈતિક સ્તરે માન્યતા આપવાનો શો અર્થ છે? ચીનના આ કદમની પ્રાદેશિક સ્થિરતા પર શું અસર થશે? ભારતમાં તાલિબાનને રાજનૈતિક માન્યતા આપવા અંગે કેવા પ્રકારની વાતો થઈ રહી છે?

રાજનૈતિક માન્યતા શું છે?

 • એક રીતે આ રાજનૈતિક સંબંધો બનાવવાનો પ્રથમ મુકામ છે. એક સાર્વભૌમ અને સ્વતંત્ર દેશ જ્યારે અન્ય કોઈ સાર્વભૌમ કે આઝાદ દેશને માન્યતા આપે છે તો એ બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધોની શરૂઆત થાય છે. માન્યતા આપવી કે ન આપવી, રાજનૈતિક નિર્ણય છે. રાજનૈતિક સંબંધો બને છે તો બંને દેશ ઈન્ટરનેશનલ કાયદાને માનવા અને એનું સન્માન કરવા માટે બાધ્ય બને છે.
 • માન્યતા આપવાની કાર્યવાહી માત્ર આ ઘોષણાથી જ પૂરી થઈ જાય છે કે એક સરકાર અન્ય કોઈ સરકાર સાથે સંબંધ બનાવવા માટે તૈયાર છે. નવી સરકારને જ્યારે અન્ય સરકારો પાસેથી આ માન્યતા મળી જાય છે તો એના માટે પોતાની આઝાદી, અસ્તિત્વ અને વાતચીત માટે ડિપ્લોમેટિક ચેનલ્સ અને ઈન્ટરનેશનલ કોર્ટનો ઉપયોગ કરવાનું સરળ બની જાય છે.
 • રાજનૈતિક માન્યતાનો અર્થ એ છે કે બંને દેશ વિયેના કન્વેન્શન ઓન ડિપ્લોમેટિક રિલેશન્સ (1961)માં નક્કી કરાયેલા વિશેષાધિકારો અને જવાબદારીઓને સ્વીકારે છે. એના અંતર્ગત બંને દેશના અધિકારીઓને એકબીજાને ત્યાં કેટલાક વિશેષ અધિકાર આપવામાં આવે છે. દૂતાવાસ કે ઉચ્ચાયોગની સુરક્ષા કરવી તેમની જવાબદારી બની જાય છે.
 • આમ તો આ માન્યતા પર્મનન્ટ હોય છે, પણ બદલાતી સ્થિતિમાં સરકારો એમાં ફેરફાર કરી શકે છે. જો કોઈ દેશ કોઈ અન્ય દેશની સરકારને માન્યતા ન આપે તો એ દેશની સાથે તમામ પ્રકારના રાજદ્વારી સંબંધોને ખતમ કરી દેવાય છે. એના ડિપ્લોમેટ્સ એ દેશમાં રહેતા નથી કે કોઈ વાતચીત થતી નથી.

રાજનૈતિક માન્યતા ન મળવાની કોઈ દેશ પર શું અસર થાય છે?

 • જો કોઈ દેશમાં સરકારોને માન્યતા મળતી નથી તો એ દેશ ઈન્ટરનેશનલ ટ્રીટીમાં સામેલ થઈ શકતા નથી. ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર તેમને પોતાની વાત રાખવાનો મોકો મળતો નથી. તેમના રાજનૈતિક પ્રતિનિધિ વિદેશોમાં લીગલ એક્શનથી છૂટી શકતા નથી. તેઓ અન્ય કોઈ સરકાર સામે કે વિદેશી અદાલતોમાં પ્રોટેસ્ટ કે દેખાવો કરી શકતા નથી.
 • જ્યારે એમ મનાય છે કે કોઈ સરકાર પોતાના દેશમાં વિદેશી હિતોને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ રહે છે કે ઈન્ટરનેશનલ સ્તરે જવાબદારી પૂરી કરી શકતી નથી તો તેના અન્ય દેશો સાથેના સંબંધો ખરાબ થઈ શકે છે. સૈન્ય વિદ્રોહ કે બળવો થાય તો એને પણ એ સમયે માન્યતા મળે છે, જ્યારે ત્યાંની નવી સરકારો એ સુનિશ્ચિત કરે છે કે ઈન્ટરનેશનલ લેવલ પર જવાબદારી નિભાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
 • બર્માને જ લઈએ. ત્યાં છ મહિના અગાઉ સૈન્ય વિદ્રોહ થયો હતો. સેનાએ ત્યાં શાસન પર કબજો કરી રાખ્યો છે. સમાંતર સરકાર પણ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નવી સરકારને માન્યતા નથી અને તે ડિપ્લોમેટિક ચેનલ્સ દ્વારા વધુમાં વધુ દેશોમાંથી માન્યતા હાંસલ કરવાની કોશિશ કરી રહી છે.

તાલિબાનને ઈન્ટરનેશનલ બિરાદરીમાંથી રાજનૈતિક માન્યતા મળશે કે નહીં?

 • 1996માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને પાકિસ્તાન, યુએઈ અને સાઉદી અરબે જ માન્યતા આપી હતી. આ વખતે સ્થિતિ બદલાયેલી છે. એ સંકેત આપે છે કે આ વખતે અનેક દેશ તાલિબાનને માન્યતા આપવાની તૈયારીમાં છે. ચીને તો તાલિબાન શાસનને માન્યતા આપવામાં જરા પણ વિલંબ ન કર્યો.
 • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અત્યારસુધી અફઘાનિસ્તાન મુદ્દે બે મીટિંગ કરી ચૂકી છે. બંને મીટિંગોમાં એ સંકેત મળ્યો કે તાકાત સાથે જનતા પર થોપાયેલી સરકારને માન્યતા ન આપી શકાય. યુકે અને નાઈઝર તો સ્પષ્ટ જ આ વાત કહી ચૂક્યા છે. અફઘાનિસ્તાનમાં ત્રણ લાખ સૈનિકોએ જે રીતે તાલિબાન સામે હથિયાર હેઠાં મૂકી દીધા છે, એ ટ્રાન્સફર ઓફ પાવર પણ 1990ના દાયકાના મુકાબલે આસાન રહ્યું છે.
 • તાલિબાન પણ ઈન્ટરનેશનલ કમ્યુનિટીની સામે એ જ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ટ્રાન્સફર ઓફ પાવરમાં હિંસા થઈ નથી. આ રીતે તેને ઈન્ટરનેશનલ કમ્યુનિટી પાસેથી ડિપ્લોમેટિક માન્યતા મળવાની આશા વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ દર્શાવે છે કે સપ્ટેમ્બરમાં યુએનમાં અફઘાનિસ્તાન અને મ્યાંમારના ડિપ્લોમેટિક રેક્ગનિશન પર કોઈ નિર્ણય આવી શકે છે.
 • જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં પ્રોફેસર ગુલશન સચદેવના અનુસાર અફઘાનિસ્તાનનું નવું સિક્યોરિટી અને ઈકોનોમિક આર્કિટેક્ચર છેલ્લાં 20 વર્ષથી સંપૂર્ણપણે અલગ હશે. ચીન, પાકિસ્તાન, રશિયા અને ઈરાન જેવા દેશોનો પ્રભાવ વધશે અને અમેરિકાનો ઓછો થશે. ચીન અને પાકિસ્તાન એવી સ્થિતિમાં તાલિબાનના કંટ્રોલવાળા અફઘાનિસ્તાનમાં ભારતના એંગેજમેન્ટને ઘટાડવાની કોશિશ કરશે.

શું ભારત પણ તાલિબાન શાસનને મંજૂરી આપી શકે છે?

 • અત્યારે કંઈપણ કહેવું મુશ્કેલ છે. જૂનમાં કતારના એક અધિકારીના હવાલાથી સમાચાર આવ્યા હતા કે ભારત પણ તાલિબાનના સંપર્કમાં છે. નિશ્ચિત રીતે એનો ઉદ્દેશ અફઘાનિસ્તાનમાં ભારતના રોકાણને સુરક્ષિત રાખવાનો હતો. ભારત સરકારે આ સમાચારોનું ખંડન કર્યું નથી. ભારતની કૂટનીતિ પર નજર રાખનારા વિશેષજ્ઞોએ આ કદમનું સ્વાગત કર્યું હતું.
 • ભારત સ્પષ્ટ કહી ચૂક્યું છે કે એ અફઘાનિસ્તાનના લોકોની સાથે છે. તેમની ભલાઈ માટે આગળ પણ કામ કરતા રહેશે. સચદેવ કહે છે કે અત્યારસુધીમાં ભારતની અફઘાનિસ્તાન સાથે સંકળાયેલી કૂટનીતિને અમેરિકા સાથે જોડીને જોવામાં આવી છે. આ એક મોટી ભૂલ પણ છે. એનો ફાયદો ચીન અને પાકિસ્તાન જેવા દેશ અમેરિકા અને ભારતનો પ્રભાવ ઘટાડવા ઉઠાવી શકે છે.

શું કોઈ એવો દેશ છે, જેને ભારતે રાજનૈતિક માન્યતા આપી નથી?

 • ના. રાજ્યસભામાં આ સવાલના જવાબમાં સરકારે 22 સપ્ટેમ્બર 2020ના રોજ કહ્યું હતું કે એવો કોઈ દેશ નથી. સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને ભારતે રાજનૈતિક માન્યતા આપેલી છે. ભારતના વિદેશોમાં 197 મિશન/પોસ્ટ અને 3 રિપ્રેઝન્ટેટિવ ઓફિસ કામ કરી રહી છે. એટલે કે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે કે જો યુએનમાં અફઘાનિસ્તાનના નવા શાસનને મંજૂરી મળે છે તો એ પણ તાલિબાનને માન્યતા આપી શકે છે.