તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:ચીનમાં બાળકોની ઓનલાઇન ગેમ ઓવર! શુક્રવાર, શનિવાર, રવિવાર અને રજાઓમાં એક કલાક જ રમી શકશે; જાણો બધું

13 દિવસ પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક

ચીન બાળકોના ઓનલાઈન ગેમિંગથી પરેશાન છે. આ કારણથી તેણે ઓનલાઈન ગેમિંગથી બાળકોને દૂર રાખવા માટે નિયમ કડક કરી દીધા છે. 1 સપ્ટેમ્બરથી લાગુ નિયમો અંતર્ગત હવે 18 વર્ષથી નાની વયનાં બાળકો સપ્તાહમાં માત્ર ત્રણ કલાક જ ઓનલાઈન ગેમ રમી શકશે, એટલે કે શુક્રવાર, શનિવાર અને રવિવારે માત્ર એક કલાક. જો સરકારી રજા છે તો એ દિવસ એકસ્ટ્રા મળશે. નવા નિયમોને લાગુ કરાવવા એ ગેમિંગ કંપનીઓની જવાબદારી હશે. જો તે આ નિયમ લાગુ નહીં કરાવી શકે તો તેમણે જ તેનો દંડ પણ ચૂકવવો પડશે.

આખરે એવું શું બન્યું કે ઓનલાઈન ગેમિંગને લઈને બાળકો પર ચીને આટલું કડક થવું પડ્યું? પ્રતિબંધ તો લગાવી દીધો પણ લાગુ કેવી રીતે થશે? શું કંપનીઓ બાળકોને ઓનલાઈન ગેમ રમવાથી રોકી શકશે? આવો જાણીએ-

ચીનની સરકાર ઓનલાઇન ગેમિંગની લત અંગે આટલી આક્રમક કેમ છે?

 • ચીન દુનિયામાં સૌથી મોટું વીડિયો ગેમ માર્કેટ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બાળકોમાં ઓનલાઈન ગેમિંગની વધતી લત સરકારની સાથે-સાથે દરેક મોટા ફોરમ પર ચર્ચાનો વિષય બની છે. ગેમિંગની લત છોડાવવા માટે અનેક મોટાં શહેરોમાં ક્લિનિક પણ બનાવાયાં છે. આ ક્લિનિક્સમાં થેરપી અને મિલિટરી ડ્રિલ્સની મદદથી બાળકોને ગેમિંગની લતથી દૂર કરવામાં આવી રહ્યાં છે.
 • ઓનલાઈન ગેમિંગને કારણે બાળકોની નજર નબળી થવાની વધતી ફરિયાદો પછી ચીનની સરકારે આ પગલું લીધું છે. આ એકાએક લેવાયેલો નિર્ણય નથી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ચીન બાળકોને ગેમિંગથી દૂર રાખવાની સતત કોશિશ કરી રહ્યું છે.
 • ચીનમાં વીડિયો ગેમ ટાઈટલ્સને મંજૂરી આપનારો રેગ્યુલેટર નેશનલ પ્રેસ એન્ડ પબ્લિકેશન એડમિનિસ્ટ્રેશન (NPPA) કહે છે કે ગેમ્સને કારણે બાળકોનું માનસિક અને શારીરિક આરોગ્ય ખરાબ થઈ રહ્યું છે. આ કારણથી નિયમોમાં કડકાઈ રાખવામાં આવી છે.
 • સરકારી મીડિયાના આંકડા અનુસાર, ચીનનાં 62.5% બાળકો ઓનલાઈન ગેમ રમી રહ્યાં છે. તેમાં 13.5% બાળકો એવાં છે, જે રોજ મોબાઈલ કે અન્ય ગેજેટ્સ પર બે કલાકથી વધુ ઓનલાઈન ગેમ રમી રહ્યાં છે. એનાથી તેમનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે. હાલમાં જ ચાઈનીઝ સરકારે પ્રાઈવેટ ટ્યૂશન લેનારી કંપનીઓ પર પણ આ પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે, જેથી બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડી શકાય.

બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે અત્યારસુધી ચીને શું કર્યું?

 • આ સમસ્યા ચીનની જ નહીં, પરંતુ તમામ દેશોની છે. બાળકોનો સ્ક્રીન ટાઈમ સતત વધી રહ્યો છે. 2017માં ઓનલાઈન ગેમ બનાવનારી કંપની ટેન્સેન્ટ હોલ્ડિંગે પેરન્ટ્સ અને ટીચર્સની ફરિયાદો પછી કહ્યું હતું કે તે ફ્લેગશિપ મોબાઈલ ગેમ ‘ઓનર ઓફ કિંગ્સ’ માટે ટાઈમ લિમિટ નક્કી કરી રહી છે.
 • એના પછી એને એક ઉપાય તરીકે જોવામાં આવ્યું. 2018માં બાળકોમાં નજીકની દૃષ્ટિ નબળી હોવાના મામલા સતત વધવા લાગ્યા તો ચીનની સરકારી કડકાઈ રાખવાનો નિર્ણય કર્યો. તે તેના માર્ગો શોધતી રહી. એ પછી નવ મહિના સુધી વીડિયો ગેમ્સને મંજૂરી આપવાનું બંધ કર્યું હતું.
 • ચીને 2019માં એક કાયદો પસાર કર્યો હતો. એમાં નક્કી કરવામાં આવ્યું હતું કે બાળકો સપ્તાહના સામાન્ય દિવસો (સોમવારથી ગુરુવાર સુધી)માં 90 મિનિટથી વધુ સમય ઓનલાઈન ગેમ નહીં રમી શકે. વીકએન્ડ્સમાં આ અવધિ વધારીને ત્રણ કલાક કરવામાં આવી હતી. રાતે દસ વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ગેમ રમવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો હતો.
 • સરકારે કિશોરો માટે ઓનલાઈન ગેમ્સ રમતી વખતે કરાતો ખર્ચ પણ સીમિત કરી દીધો હતો. એ અંતર્ગત વર્ચ્યુઅલ ગેમિંગ આઈટેમ્સ પર વયના આધારે બાળકો વધુમાં વધુ 28થી 57 ડોલર (2થી 4 હજાર રૂપિયા) જ ખર્ચ કરી શકે છે.
 • સરકારે એવો પણ નિયમ બનાવ્યો હતો કે બાળકોને ઓનલાઈન ગેમ રમવા માટે લૉગ-ઈન કરતી વખતે વાસ્તવિક નામ અને નેશનલ આઈડેન્ટિફિકેશન નંબર નાખવાનો રહેશે. ટેન્સેન્ટ અને નેટઈઝ જેવી કંપનીઓએ સિસ્ટમ પણ બનાવી, જેથી કોણ રમી રહ્યું છે એ ખ્યાલ આવી શકે.
 • આ વર્ષે જુલાઈમાં ટેન્સેન્ટે ફેશિયલ રેક્ગ્નિશન ફંકશન પણ જારી કર્યું છે. તેને મિડનાઈટ પેટ્રોલ પણ કહે છે. તેની મદદથી પેરન્ટ્સ એ જાણી શકે છે કે બાળકો રાતે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી એડલ્ટ બનીને ગેમ તો રમી રહ્યાં નથીને.

નવા નિયમ શું છે અને ચીન એને કેવી રીતે લાગુ કરશે?

 • નવા નિયમ અંડર-18 બાળકોને સોમવારથી ગુરુવાર સુધી ઓનલાઈન ગેમ રમવાથી રોકે છે. 1 સપ્ટેમ્બરથી આ નિયમ લાગુ થઈ ગયો છે. બાળકો શુક્રવાર, શનિવાર અને રવિવારની સાથે જ સરકારી રજાઓમાં રાતે 8થી 9 વાગ્યા સુધી માત્ર એક કલાક જ ગેમ રમી શકે છે.
 • ઓનલાઈન ગેમિંગ કંપનીઓને એ સુનિશ્ચિત કરવું પડશે કે લૉગ-ઈન વાસ્તવિક નામથી થઈ રહ્યું છે કે નહીં. NPPA તરફથી નક્કી કરાયેલી એન્ટી-એડિક્શન સિસ્ટમથી તમામ ટાઈટલ્સને પણ જોડવાના રહેશે. આ નિયમોનું કડકાઈથી પાલન કરાવવા માટે NPPA ઓનલાઈન ગેમિંગ કંપનીઓનું ઈન્સ્પેક્શન વધારશે.
 • રેગ્યુલેટરે નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના ઉપાય નક્કી કર્યા છે. ઈન્સ્પેક્શન પછી જો કોઈ કંપની ગરબડ કરતી જોવા મળી તો તેના પર દંડ ફટકારાશે. આ શ્રેણીમાં NPPAએ ગત વર્ષે 10 હજારથી વધુ વીડિયો ગેમ ટાઈટલ્સની સમીક્ષા કરી હતી.
 • નવા નિયમોમાં એમ પણ કહેવાયું છે કે બાળકો મોટા ભાગે માતા-પિતાના નામે અકાઉન્ટ બનાવીને થાપ આપવાની કોશિશ કરે છે. એવામાં પેરન્ટ્સની સાથે-સાથે સ્કૂલોએ પણ સક્રિયતાથી કામ કરવું પડશે. સુપરવિઝનનું કામ તેમણે પણ કરવું પડશે.