ચીનમાં કોરોના બેકાબૂ થતાં જ વિશ્વના ઘણા દેશો એલર્ટ થઈ ગયા, પરંતુ ચીન સિવાય જાપાન પણ એક એવો દેશ છે, જ્યાં કોરોનાએ સરકાર, જનતા, આખા વ્યવસ્થા તંત્રને હંફાવી દીધાં છે. જાપાનમાં કોરોનાની આઠમી લહેર આવી ચૂકી છે. 28 ડિસેમ્બરે કોરોનાના દૈનિક કેસના આંકડા સામે આવતાં જ ચિંતા વધી ચૂકી છે.
બાળકો વધુ ભોગ બન્યાં
વર્લ્ડોમીટરના આંકડા મુજબ, જાપાનમાં એક જ દિવસમાં 2 લાખ 16 હજાર 219 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 415 લોકોનાં મોત થયાં છે. જાપાનના લોકો માટે ઓમિક્રોન વેરિયન્ટ ખૂબ ઘાતક સાબિત થઈ રહ્યો છે, કારણ કે સંક્રમિત થનારા અને મૃત્યુ પામનારા દર્દીઓમાં મોટા ભાગનાં બાળકો સામેલ છે.
ઓગસ્ટ બાદ કેસ ઘટ્યા હતા
આ પહેલાં 19 ઓગસ્ટના રોજ જાપાનમાં 2 લાખ 61 હજાર 252 કેસ નોંધાયા હતા, જે-તે સમયે આ કેસ જાપાન માટે ખૂબ વધારે હતા, ત્યાર બાદ કેસ ઘટવા લાગ્યા હતા. જાપાનની સરકારને લાગ્યું હતું કે સાતમી લહેર પૂર્ણ થઈ ગઈ છે.
એક્ટિવ કેસના આંકડા ચોંકાવનારા
જાપાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ, નવેમ્બર મહિનાની શરૂઆતથી જ ત્યાં આઠમી લહેરે દસ્તક આપી અને કેસ વધતા જ ગયા. હાલમાં જાપાનમાં કોરોનાના એક્ટિવ કેસ 74 લાખ 44 હજાર 664 છે. જાપાનની કુલ વસતિ સાડાબાર કરોડની આસપાસ છે, એટલે કોરોનાના સંક્રમણની સ્થિતિનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે.
રસીની કેટલી અસર થઈ?
જોન હોકિંગ્સ યુનિવર્સિટીના ડેટા મુજબ જાપાનમાં 10 કરોડ 31 લાખ, એટલે કે 81.9 ટકા લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે. જાપાનમાં કોરોનાથી સૌથી પ્રભાવિત વિસ્તાર ટોક્યો છે, જ્યાં એક જ દિવસમાં 20 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે.
જાપાનમાં કોરોનાના કેસ કેમ વધ્યા?
11 ઓક્ટોબરે જાપાનમાં કોવિડ ગાઈડલાઈન્સ હળવી કરવામાં આવી હતી. સરકારનો દાવો હતો કે નિયમો હળવા થશે, તો અર્થવ્યસ્થા પાટે ચડશે. આ સમયગાળામાં જાપાનમાં દૈનિક 10થી 12 હજારની આસપાસ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા હતા, પરંતુ નિયમો હળવા થતાં જ માત્ર નવેમ્બર મહિનામાં જ ધંધા, રોજગાર અને પ્રવાસ માટે 10 લાખથી વધુ વિદેશીઓ જાપાન પહોંચ્યા હતા. કેટલાક એક્સપર્ટ માને છે કે આ જ કારણે જાપાનમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.