ભાસ્કર એક્સપ્લેનર:ગત સપ્તાહે દુનિયામાં આવ્યા હતા 95 લાખ કોરોના કેસ, ભારતમાં કેસોમાં 120%નો વધારો, કેવી રીતે ઓમિક્રોન લાવી રહ્યો છે સુનામી?

18 દિવસ પહેલાલેખક: અભિષેક પાંડે
 • કૉપી લિંક

નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના ડરામણી ગતિએ વધી રહ્યો છે. આ નવા વેરિએન્ટના કારણે દુનિયામાં ડેઈલી કોરોના કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઓમિક્રોનને માઈલ્ડ વેરિએન્ટ સમજવા અંગે WHOએ ચેતવણી આપતા કહ્યું છે કે કોરોનાને કોમન કોલ્ડ સમજવો ખતરનાક સાબિત થઈ શકે છે. એક નવા સ્ટડી અનુસાર, ઓમિક્રોનના કારણે ભારતની R વેલ્યૂ વધીને 4 થઈ ગઈ છે. તેમાં ફેબ્રુઆરીમાં ત્રીજી લહેરની પીક આવવાનું અનુમન વ્યક્ત થઈ રહ્યું છે.

ચાલો જાણીએ કે આખરે કેમ ઓમિક્રોનને માઈલ્ડ વેરિએન્ટ સમજવો ભૂલ છે? ભારત માટે છે ઓમિક્રોન કેટલું મોટું જોખમ? કેવી રીતે કોરોનાની સુનામી લાવી રહ્યો છે ઓમિક્રોન?

અગાઉ અનેક સ્ટડીમાં ઓમિક્રોનને માઈલ્ડ ગણાવાયો
અમેરિકા, બ્રિટન અને સાઉથ આફ્રિકાના એવા અનેક સ્ટડી છે, જેમાં ઓમિક્રોનને માઈલ્ડ એટલે કે હળવા લક્ષણવાળો વેરિએન્ટ ગણાવાયો છે. કેટલાક એક્સપર્ટ્સ તો તેને સામાન્ય શરદી-સળેખમ જેવો ગણાવી ચૂક્યા છે.

ડિસેમ્બર 2021માં આવેલા કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક અભ્યાસમાં ઓમિક્રોન વેરિએન્ટમાં SARS-CoV-2 અને કોમન કોલ્ડ બંને વાયરસના જેનેટિક મટિરિયલ હોવાની સંભાવના વ્યક્તિ કરાઈ હતી. તેમાં જણાવાયું હતું કે ઓમિક્રોન શરદીની જેમ ઝડપથી તો ફેલાશે પણ તેને લક્ષણો હળવા જ હશે.

‘ઓમિક્રોનને સામાન્ય શરદી-સળખેમ સમજવો ભૂલ’
હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ દુનિયાને ચેતવી છે કે ઓમિક્રોનને કોમન કોલ્ડ સમજીને તેને હળવાશથી ન લો. WHOના મહામારી વૈજ્ઞાનિક ડો. મારિયા વાન કેરખોવે એક ટ્વીટમાં કહ્યું, “ઓમિક્રોન સામાન્ય શરદી નથી.”

તેમણે કહ્યું, “કેટલાક રિપોર્ટ્સમાં ડેલ્ટાની તુલનામાં ઓમિક્રોનથી ઓછું જોખમ હોવાની વાત કરાઈ છે પરંતુ હજુય અનેક લોકો ઓમિક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે, હોસ્પિટલોમાં છે અને બીમાર થઈ રહ્યા છે અને મોત થઈ રહ્યા છે.”

ઓમિક્રોનને માઈલ્ડ વેરિએન્ટ સમજવો ખોટું
જ્યારે યુકેના વિશેષજ્ઞોના પણ એક તાજેતરના સ્ટડીમાં જણાવાયું છે કે ઓમિક્રોનને માઈલ્ડ સમજવો યોગ્ય નથી અને આ વાયરસ ઓછો ઘાતક હોવાના કોઈ સંકેત નથી.

બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ક્લીનિકલ માઈક્રોબાયોલોજીના પ્રોફેસર રવીન્દ્ર ગુપ્તાના નેતૃત્વમાં થયેલા આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે જો કે ઓમિક્રોન ફેફસાંમાં મળતા કોષને ઓછો પ્રભાવિત કરી રહ્યો છે.

અલગ-અલગ વાયરસથી થાય છે ઓમિક્રોન અને શરદી
ભલે ઓમિક્રોન અને શરદી-સળેખમના અનેક લક્ષણ જેમકે-નાક વહેવું, ગળામાં બળતરા, ખાંસી અને થાક એક જેવા હોય પરંતુ એ બંને એક નથી. કોવિડ-19 અને ફ્લુ કે શરદી બે અલગ વાયરસના કારણે હોય છે.

કોવિડ-19 SARS-CoV-2 વાયરસથી થાય છે, જે પ્રથમવાર 2019માં સામે આવ્યો હતો. જ્યારે સામાન્ય શરદી-સળેખમ રાઈનોવાયરસના કારણે થાય છે.

ઝડપથી ડોમિનન્ટ વેરિએન્ટ બની રહ્યો છે ઓમિક્રોન
બે મહિનાથી પણ ઓછા સમયમાં ઓમિક્રોન દુનિયાના સૌથી વધુ કોરોના સંક્રમિત દેશોમાં ડેલ્ટાનું સ્થાન લેતો દેખાઈ રહ્યો છે અને ધીમે-ધીમે ડોમિનન્ટ વેરિએન્ટ બનતો જઈ રહ્યો છે.

 • ઓમિક્રોનનો પ્રથમ કેસ 24 નવેમ્બર 2021ના રોજ સાઉથ આફ્રિકામાં મળ્યા હતો.
 • દોઢ મહિનાની અંદર જ એ અમેરિકા, યુરોપ અને ભારત સહિત દુનિયાના 100થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.
 • સાઉથ આફ્રિકામાં 90%થી વધુ નવા કોરોના કેસ ઓમિક્રોનના છે.
 • અમેરિકા, બ્રિટન અને ફ્રાંસમાં 80% નવા કેસો માટે ઓમિક્રોન જવાબદાર છે.
 • ભારતમાં 30 ડિસેમ્બર 2021 સુધીમાં લગભગ 35% કેસો માટે ઓમિક્રોન જવાબદાર હતો.
 • દેશમાં દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં તો નવા કેસોમાંથી 75% કેસો ઓમિક્રોનના છે.

દુનિયામાં ઓમિક્રોનના કારણે આવી કોરોનાની સુનામી
ઓમિક્રોનના કારણે કોરોનાના કેસો નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. 27 ડિસેમ્બરથી 02 જાન્યુઆરી વચ્ચે દુનિયામાં લગભગ 95 લાખ નવા કોરોના કેસો સામે આવ્યા, જે આ મહામારીનો એક સપ્તાહમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ છે.

 • WHOના અનુસાર, 21 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન ગત સપ્તાહના મુકાબલે દુનિયામાં કોરોના કેસોમાં 71%નો વધારો નોંધાયો. આ વધતા કોરોના કેસોની પાછળ ઓમિક્રોનને જ જવાબદાર માનવામાં આવી રહ્યો છે.
 • WHOના કોવિડ-19 વીકલી એપિડેમિયોલોજિકલ અપડેટ અનુસાર, 27 ડિસેમ્બર-02 જાન્યુઆરી દરમિયાન દુનિયામાં લગભગ 95 લાખ નવા કેસો સામે આવ્યા કે જે એક રેકોર્ડ છે. જો કે નવા મોતમાં 10%નો ઘટાડો આવ્યો અને આ દરમિયાન 41 હજારથી વધુ મોત નોંધાયા છે.
 • આ દરમિયાન દુનિયાના તમામ ક્ષેત્રોમાં કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો, તેમાં અમેરિકામાં સૌથી વધુ 100%, સાઉથ ઈસ્ટ એશિયામાં 78%, યુરોપમાં 65% અને પૂર્વીય ભૂમધ્યસાગરીય ક્ષેત્રમાં 40%, પશ્ચિમી પ્રશાંત ક્ષેત્રમાં 38% અને આફ્રિકન (7%) ક્ષેત્રોમાં પણ નવા કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો.
 • આ દરમિયાન સૌથી વધુ નવા કેસો યુરોપ (પ્રતિ એક લાખમાં 577.7 કેસ) અને અમેરિકા (પ્રતિ એક લાખમાં 319.0 કેસ)માં સામે આવ્યા. આ જ બંને ક્ષેત્રોમાં સૌથી વધુ મોત પણ નોંધાયા.
 • આ દરમિયાન સૌથી વધુ કેસ અમેરિકા(25 લાખ+), બ્રિટન (11 લાખ+), સ્પેન (6 લાખ 49 હજાર) અને ઈટાલી (6 લાખ 44 હજાર)માં નોંધાયા.
 • જુલાઈ 2021 પછી પ્રથમવાર સાઉથ ઈસ્ટ એશિયા ક્ષેત્રમાં નવા કેસોમાં (78%, એક લાખ 35 હજાર) વધારો નોંધાયો.
 • આ દરમિયાન સાઉથ ઈસ્ટ એશિયામાં સૌથી વધુ કેસો ભારતમાં નોંધાયા. 27 ડિસેમ્બર-02 જાન્યુઆરી દરમિયાન દેશમાં કોરોનાના એક લાખ 2 હજાર 230 નવા કેસ સામે આવ્યા અને ગત સપ્તાહના મુકાબલે તેમાં 120%નો વધારો નોંધાયો.
 • આ ક્ષેત્રમાં સૌથી વધુ મોત પણ ભારતમાં જ નોંધાયા. આ એક સપ્તાહ દરમિયાન દેશમાં 2088 મોત નોંધાયા, જે ગત સપ્તાહના મુકાબલે 8% ઓછા છે.
 • આ દરમિયાન દુનિયાના તમામ ક્ષેત્રોમાં મોતની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો, માત્ર આફ્રિકામાં ગત સપ્તાહે નવા મોતના મામલે 22% વધારો થયો.

મોતનો આંકડો થોડો ઘટ્યો પરંતુ જોખમ પુરેપુરું ટળ્યું નથી
WHOના આંકડા પ્રમાણે, 27 ડિસેમ્બર-02 જાન્યુઆરી દરમિયાન એક સપ્તાહમાં દુનિયામાં કોરોનાથી નવા મોતના આંકડામાં 10%નો ઘટાડો આવ્યો છે.

 • આનું કારણ જણાવતા WHOએ કહ્યું છે કે કોરોના વેક્સિન ભલે ઓમિક્રોન વિરુદ્ધ સંક્રમણ રોકવામાં કારગત નથી પરંતુ વેક્સિનના કારણે હોસ્પિટલાઈઝેશન અને મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.
 • મોતના ઓછા જોખમ પછી અગાઉના તમામ વેરિએન્ટથી વધુ ઝડપથી ફેલાવાની ક્ષમતાના કારણે ઓમિક્રોન દુનિયાભરની હેલ્થ સિસ્ટમને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે.
 • અમેરિકા, યુરોપમાં ડેઈલી કેસોનો રેકોર્ડ તૂટ્યા પછી હવે ઓમિક્રોનના કારણે ભારતમાં પણ ઝડપથી કેસો વધી રહ્યા છે.
 • ઓમિક્રોનના જોખમ પ્રત્યે સાવધ કરતા WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને પણ કહ્યું છે કે ઓમિક્રોન હેલ્થ સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે.
 • સ્વામીનાથને કહ્યું છે કે સરકારોએ મોટી સંખ્યામાં દર્દીઓનાં ટેસ્ટિંગ અને મોનિટરિંગ માટે સિસ્ટમ બનાવવી જોઈએ કેમકે કોરોના કેસોમાં વધારો અચાનક અને ખૂબ વધુ થઈ શકે છે.
 • દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના 30 કરોડ 38 લાખથી વધુ કેસો સામે આવ્યા છે, જ્યારે 54 લાખથી વધુ મોત થયા છે.

દેશમાં વધ્યું સંક્રમણનું જોખમ, R વેલ્યુ વધીને 4 થઈ

ઓમિક્રોનના કારણે દેશમાં કોરોના સંક્રમણનું જોખમ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. તેના કારણે દેશમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે.

 • આઈઆઈટી મદ્રાસના એક સ્ટડી અનુસાર, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં દેશની R વેલ્યુ વધીને 4 થઈ ગઈ. તેનાથી ગત સપ્તાહે (25-31 ડિસેમ્બર) દરમિયાન દેશની R વેલ્યુ 2.69 હતી, જે બીજી લહેરની R વેલ્યુ 1.69થી પણ વધુ છે.
 • R વેલ્યુનો અર્થ થાય છે કે એક સંક્રમિત વ્યક્તિથી કેટલા વધુ વ્યક્તિઓમાં સંક્રમણ ફેલાઈ શકે છે. R વેલ્યુ વધીને 4 થવાનો અર્થ છે કે હવે એક સંક્રમિત વ્યક્તિ 4 લોકોને સંક્રમિત કરી શકે છે, જ્યારે પ્રથમ લહેર દરમિયાન એક સંક્રમિત વ્યક્તિથી 1.69 લોકો જ સંક્રમિત થઈ રહ્યા હતા.
 • આ સ્ટડી અનુસાર, 1-15 ફેબ્રુઆરી વચ્ચે દેશમાં ત્રીજી લહેરની પીક આવી શકે છે. એ અગાઉ નીતિ આયોગે ઓમિક્રોનના કારણે દેશમાં 14-15 લાખ ડેઈલી કોરોના કેસ આવવાની આશંકા વ્યક્ત કરી હતી.
 • દેશમાં 07 જાન્યુઆરીએ કોરોનાના 1 લાખ 41 હજાર 986 નવા કેસ નોંધાયા. 01 જાન્યુઆરી 2022ના રોજ 27 હજાર 553 કેસ આવ્યા હતા અને ત્યારથી સતત ઝડપથી કોરોના કેસ વધી રહ્યા છે.
 • દેશમાં અત્યાર સુધી્માં ઓમિક્રોન 27 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને તેના 3 હજારથી વધુ કેસો સામે આવી ચૂક્યા છે.