તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:મુંબઈ હુમલા પછી બની NIA, જેણે કાશ્મીરમાં ટેરર ફંડિંગ રોક્યું; જાણો એના વિશે બધું

8 મહિનો પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
 • કૉપી લિંક

મુંબઈ પર થયેલા અત્યારસુધીના સૌથી ખતરનાક અને ભયાનક આતંકી હુમલાને આજે 12 વર્ષ પૂરાં થયાં છે. 26 નવેમ્બર, 2008ના રોજ શરૂ થયેલા હુમલા 29 નવેમ્બર, 2008 સુધી ચાલ્યા હતા. 166 લોકો માર્યા ગયા. ચારેતરફ નિરાશા જ નિરાશા હતી. આ એ સમય હતો જ્યારે કોઈના માટે ન અટકનાર મુંબઈ પણ થંભી ગયું હતું.

આટલી બધી નિરાશા પછી આ હુમલાથી આપણને જે સારી ચીજ મળી એ હતી એનઆઈએ, એટલે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી. એનઆઈએને કામ કરતાં 11 વર્ષથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે. આ દરમિયાન તેણે અનેક મોટા આતંકી હુમલા રોકવામાં સફળતા મેળવી છે.

આપણે તેને એનઆઈએની સૌથી મોટી સફળતા માની શકીએ છીએ કે જેમાં તેણે કાશ્મીરમાં ટેરર ફંડિંગના નેટવર્કને તોડી નાખ્યું. એનાથી માત્ર કાશ્મીરમાં આતંકવાદ ઓછો ન થયો, પણ પથ્થરમારાની ઘટનાઓ પણ ઓછી થઈ. મુંબઈ હુમલાની દેન એનઆઈએ કેવી રીતે બની? તેના અધિકારો કયા કયા છે? આવો જાણીએ...

એનઆઈએ શું છે?
એનઆઈએ એટલે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી. 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈ પરના હુમલા પછી 31 ડિસેમ્બર 2008ના રોજ સંસદમાં એનઆઈએ એક્ટ પાસ કરાયો. આ એક્ટ અંતર્ગત તેની સ્થાપના થઈ. આ એજન્સીએ 19 જાન્યુઆરી, 2009થી કામ શરૂ કરી દીધું.

એની જરૂર શા માટે પડી?

 • મુંબઈ હુમલા અગાઉ દેશમાં એવી કોઈ એજન્સી નહોતી કે જે આતંકવાદ પર નજર રાખે અને દેશમાં આતંકી હુમલાને નિષ્ફળ બનાવી શકે. અટલ બિહારી વાજપેયીની સરકારમાં જ્યારે 2001માં સંસદ પર આતંકી હુમલો થયો ત્યારે તેના પછી 2002માં પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ (પોટા) કાયદો બનાવાયો. આ કાયદા અંતર્ગત પોલીસને અધિકાર હતો કે તે કોઈની પણ શંકાના આધારે ધરપકડ કરી શકતી હતી, પરંતુ 21 સપ્ટેમ્બર 2004ના રોજ કોંગ્રેસની સરકારે આ કાયદાને રદ કરી દીધો હતો.
 • મુંબઈ પર જ્યારે હુમલો થયો તો એ પછી એવી તપાસ એજન્સીની જરૂરિયાત અનુભવાઈ કે જે કેન્દ્ર સરકારને આધીન રહીને કામ કરે અને આતંકવાદી પ્રવૃત્તિઓ પર નજર રાખીને તેમને નિષ્ફળ બનાવે. એનઆઈએનો હેતુ ટેરર ફંડિંગ રોકવા, આતંકી હુમલા અને તેની સાથે સંડોવાયેલા લોકોની તપાસ કરવાનો છે.

શું એનઆઈએ માત્ર તપાસ એજન્સી છે?

 • ના. એનઆઈએમાં ઈન્વેસ્ટિગેશન શબ્દ છે, તેથી એવું લાગે છે કે આ માત્ર તપાસ એજન્સી જ હશે, પરંતુ એવું નથી. એનઆઈએ ઈન્વેસ્ટિગેશન એજન્સી હોવાની સાથે સાથે પ્રોસિક્યુશન એજન્સી પણ છે. ઈન્વેસ્ટિગેશન એટલે કે ઘટનાની તપાસ કરવી, એના પુરાવા મેળવવા અને પ્રોસિક્યુશન એટલે કેસ નોંધવો, ચાર્જશીટ ફાઈલ કરવી અને સજા આપવી.
 • આને લઈને ચર્ચા પણ થતી રહી છે, કેમ કે એનઆઈએ ઈન્વેસ્ટિગેશન અને પ્રોસિક્યુશન એજન્સી બંને છે અને એ કેન્દ્ર સરકારને આધીન છે, આથી તેઓ કેન્દ્ર સરકારના કહેવાથી જ તપાસ શરૂ કરશે અને તપાસ પછી પ્રોસિક્યુશનમાં પણ સરકારની દખલ રહેશે. એનઆઈએની જેમ જ સીબીઆઈ પણ ઈન્વેસ્ટિગેશન અને પ્રોસિક્યુશન એજન્સી છે.

આતંકવાદ રોકવા માટે એનઆઇએ શું કર્યું?

 • 19 જાન્યુઆરી 2009થી કામ શરૂ કરનારી એનઆઈએને સૌથી મોટી સફળતા 2012માં એ સમયે મળી, જ્યારે તેણે ઈન્ટરપોલ અને સાઉદી ઈન્ટેલિજન્સની મદદથી અબુ હમઝા ઉર્ફે અબુ જંદાલ અને ફસિહ મોહમ્મદ જેવા આતંકવાદીઓની ધરપકડ કરી. અબુ હમઝા મુંબઈ હુમલામાં પણ સામેલ હતો.
 • 2013માં નેપાળ સરહદથી એનઆઈએ દ્વારા યાસીન ભટકલ અને અસદુલ્લાહ અખ્તર ઉર્ફે હડ્ડીની ધરપકડ કરાઈ હતી. બંનેએ દેશમાં અનેક આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.
 • જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ 30 વર્ષથી છે. ટેરર ફંડિંગ રોકવા માટે એનઆઈએ અનેક વર્ષથી કામ કરે છે અને અત્યારે પણ કાશ્મીરમાં ગમે ત્યારે દરોડા પાડી રહી છે. ટેરર ફંડિંગ કેસમાં એનઆઈએએ 2017માં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના ઘરે પણ દરોડો પાડ્યો હતો. આ મામલે એનઆઈએ દ્વારા હુર્રિયતના અનેક નેતાઓની ધરપકડ કરાઈ હતી. જેમાં સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈ અલ્તાફ અહમદ શાહ પણ સામેલ છે.

પરંતુ એનઆઈએ પર રાજકીય દબાણના આરોપો પણ લાગ્યા

 • તપાસ એજન્સીઓ પર રાજકીય દબાણમાં કામ કરવાનો આરોપ વારંવાર લાગતા રહે છે. એનઆઈએ પણ એનાથી અલગ નથી. 2004થી 2008 દરમિયાન 7 બોંબવિસ્ફોટો થયા. 2006 અને 2008માં મહારાષ્ટ્રમાં માલેગાંવમાં, 2006માં સમજૌતા એક્સપ્રેસમાં, 2007માં અજમેર દરગાહમાં, 2007માં હૈદરાબાદની મક્કા મસ્જિદમાં અને 2008માં ગુજરાતના મોડાસામાં.
 • આ વિસ્ફોટોમાં મેજર રમેશ ઉપાધ્યાય, લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પ્રસાદ પુરોહિત, સુધાકર ચતુર્વેદી, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, ઈન્દ્રેશ કુમાર, સ્વામી અસીમાનંદ અને સુનીલ જોશીને આરોપી બનાવાયા. આ તમામ ભાજપા અને આરએસએસ સાથે સંકળાયેલા હતા, પરંતુ 2014માં મોદી સરકાર આવ્યા પછી તપાસ બદલાઈ ગઈ.
 • ઓગસ્ટ 2014માં સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટમાં અસીમાનંદને જામીન મળ્યા. ત્યાર પછી 21 માર્ચ, 2019ના રોજ અસીમાનંદ સહિત ચાર આરોપીને મુક્ત કરી દેવાયા હતા.
 • 2007ના અજમેર બોંબબ્લાસ્ટમાં પણ 2017માં અસીમાનંદ, સાધ્વી પ્રજ્ઞા અને ઈન્દ્રેશ કુમારને મુક્ત કરી દેવાયા. માલેગાંવ બ્લાસ્ટમાં 2017માં સાધ્વી પ્રજ્ઞાને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા. કર્નલ પુરોહિતને પણ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા. મોડાસા બ્લાસ્ટ કેસને 2015માં એનઆઈએએ પુરાવાના અભાવે બંધ કરી દીધો.

તો એનઆઈએનો કન્વેક્શન રેટ કેટલો છે?

 • એજન્સીની વેબસાઈટ પરની જાણકારી પ્રમાણે, 5 ફેબ્રુઆરી 2020 સુધી એનઆઈએ 315 કેસ નોંધાવી ચૂકી છે. એમાંથી 60 કેસમાં નિર્ણય આવી ગયા છે અને 54 કેસમાં સજા મળી છે. આ હિસાબે તેનો કન્વેક્શન રેટ 90% રહ્યો.

એનઆઈએ પાસે કયા અધિકારો છે?

 • 2019માં એનઆઈએ એક્ટમાં સંશોધન થયા, જેના પછી તેની શક્તિઓ વધી ગઈ. હવે એનઆઈએ પાસે એટમિક એનર્જી એક્ટ 1962 અને યુએપીએ એક્ટ 1967 અંતર્ગત થતા અપરાધોની તપાસ કરવાનો અધિકાર છે.
 • આ ઉપરાંત માનવ તસ્કરી, નકલી નોટ, પ્રતિબંધિત હથિયારોનાં નિર્માણ અને વેચાણ, સાઇબર આતંકવાદ અને એક્સ્પ્લોઝિવ સબસ્ટેન્સ એક્ટ 1908 અંતર્ગત થનારા અપરાધોની તપાસ પણ કરી શકે છે.
 • એનઆઈએના અધિકારીઓને બીજા પોલીસ અધિકારીઓને સમાન અધિકાર હશે અને એ સમગ્ર દેશમાં લાગુ થશે. એનઆઈએ હવે વિદેશોમાં જઈને પણ ભારતીયો વિરુદ્ધ થયેલા અપરાધોની તપાસ પણ કરી શકે છે.
અન્ય સમાચારો પણ છે...