ભાસ્કર એક્સપ્લેનર:આયુષ્માનમાં હવે ડેન્ગ્યુ, કેન્સર, બ્લેક ફંગસના ઈલાજ સાથે સેક્સ ચેન્જ પણ; જાણો યોજનામાં થયેલા ફેરફારો વિશે બધું

9 દિવસ પહેલાલેખક: આબિદ ખાન

કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. યોજના અંતર્ગત હેલ્થ બેનિફિટ પેકેજના રેટમાં 20%થી લઈને 400% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લાગુ કરનારી એપેક્સ બોડી નેશનલ હેલ્થ ઓથોરિટીએ આ જાણકારી આપી છે. એનો સીધો ફાયદો કેન્સર, ડેન્ગ્યુ, બ્લેક ફંગસ સહિત અનેક અન્ય બીમારીઓના દર્દીઓને થશે.

આ સાથે જ સરકારની નવી યોજના ‘SMILE’ દ્વારા આયુષ્માન ભારત અંતર્ગત હવે ટ્રાન્સજેન્ડર્સને પણ મેડિકલ કવર મળશે અને સેક્સ ચેન્જ જેવા ઓપરેશન માટે પણ આ વીમાનો ઉપયોગ કરી શકાશે. ટ્રાન્સજેન્ડર્સને સરકારની તરફથી આ મોટી ભેટ છે.

આવો, જાણીએ... સરકારે આ યોજનામાં શું ફેરફાર કર્યા છે? ટ્રાન્સજેન્ડર્સ માટે શું ઘોષણા કરવામાં આવી છે? શું આયુષ્માન કાર્ડથી ઈલાજની લિમિટમાં પણ ફેરફાર કરાયા છે? આ ફેરફારોની તમારા પર શી અસર થશે? અને શું આપનું પણ આયુષ્માન કાર્ડ બની શકે છે...

સૌપ્રથમ તાજેતરના ફેરફાર સમજી લઈએ
નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)એ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) અંતર્ગત હેલ્થ બેનિફિટ પેકેજ (HBP)માં ફેરફાર કર્યો છે. આ ફેરફાર અંતર્ગત સર્જરી અને મેડિકલ પ્રોસિજરના દરોમાં 20%થી લઈને 400% સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

NHAએ કહ્યું છે કે નવા પેકેજ અંતર્ગત લગભગ 400 મેડિકલ પ્રોસિજર્સના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને બ્લેક ફંગસ સાથે સંકળાયેલું એક નવું મેડિકલ મેનેજમેન્ટ પેકેજ પણ જોડવામાં આવ્યું છે. નેશનલ હેલ્થ ઓથોરિટી તરફથી લગભગ 200 પેકેજની કિંમતોમાં પરિવર્તન કરવાનો પ્રસ્તાવ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીને મોકલાયો હતો. મંગળવારે સાંજે આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ. હવે આ ફેરફાર 1 નવેમ્બરથી લાગુ થશે.

કઈ કેટેગરીના રેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે?

 • રેડિએશન ઓન્કોલોજી પ્રોસિજરમાં. રેડિએશન ઓન્કોલોજીમાં હાઈ એનર્જી રેડિએશન દ્વારા કેન્સરનો ઈલાજ કરવામાં આવે છે.
 • મેડિકલ મેનેજમેન્ટ પ્રોસિજર, જેમ કે ડેન્ગ્યુ અને તીવ્ર તાવના રેટમાં.
 • બ્લેક ફંગસના સર્જિકલ પેકેજમાં, એટલે કે બ્લેક ફંગસને મિટાવવા માટે થનારી સર્જરીમાં.
 • અર્થ્રોડેસિસ (હાડકાંના ફ્રેક્ચર અને આર્થરાઈટિસનો ઈલાજ), કોલેસિસ્ટેક્ટમી (પિત્તાશયને સર્જરી કરીને કાઢવું), એપેન્ડિસિસ્ટેક્ટમી (એપેન્ડિક્સની સર્જરી) જેવી અન્ય બીમારીઓના ઈલાજમાં.

આ સાથે જ વેન્ટિલેટરવાળા ICUના રેટમાં 100%, વેન્ટિલેટર વિનાના ICUના રેટમાં 136%, ઉચ્ચ નિર્ભરતા યુનિટ(HDU)ના દરમાં 22% અને રૂટિન રૂમના રેટમાં 17%નો વધારો કરાયો છે.

ટ્રાન્સજેન્ડર્સ માટે શું ઘોષણા કરવામાં આવી છે?
સામાજિક ન્યાય મંત્રાલય સપોર્ટ ફોર માર્જિનલાઈઝ્ડ ઈન્ડિવિડ્યુઅલ્સ ફોર લાઈવલીહૂડ એન્ડ એન્ટરપ્રાઈઝ એટલે કે SMILE યોજનાની શરૂઆત કરવાનું છે. આની અંતર્ગત ટ્રાન્સજેન્ડર્સની સેક્સ ચેન્જ સર્જરી અને અન્ય મેડિકલ સહાયતાને પણ યોજનામાં કવર કરવામાં આવશે.

SMILE યોજનાને બે અલગ-અલગ યોજનામાં વહેંચવામાં આવી છે. એમાં ટ્રાન્સજેન્ડર અને ભીખ માગનારાઓ માટે પુનર્વસન યોજનાઓ સામેલ છે. આ યોજનાઓ 12 ઓક્ટોબરથી શરૂ કરાશે.

આ ફેરફારોથી આપને શું ફાયદો થશે?

 • સૌથી મોટો ફાયદો સર્જરી અને પ્રોસિજરના દરોમાં વધારાથી થશે. દર વધવાથી જે હોસ્પિટલોમાં મોંઘી સારવારને કારણે અગાઉ સારવાર થઈ શકતી નહોતી, એ પણ ઈલાજના વ્યાપમાં સામેલ થઈ જશે, એટલે કે તમે મોટી હોસ્પિટલ ચેઈન્સમાં પણ આ યોજના અંતર્ગત ઈલાજ કરાવી શકશો.
 • એક અન્ય મોટો ફેરફાર બ્લેક ફંગસને પણ પેકેજમાં સામેલ કરવાનો છે. કોવિડ પછી બ્લેક ફંગસના દર્દી પણ અનેક રાજ્યોમાં વધ્યા હતા. એના પછી સરકારે આ નિર્ણય લીધો છે.
 • ઓન્કોલોજી માટે રિવાઈઝ્ડ પેકેજથી દેશમાં કેન્સરના દર્દીઓને ઘણી મદદ મળવાની આશા છે. કેન્સરની મોંઘી સારવારમાં દર્દીઓને આ યોજનાનો લાભ મળવો રાહતભર્યું પગલું હશે.
 • ટ્રાન્સજેન્ડર્સની સેક્સ ચેન્જ સર્જરીને પણ યોજના અંતર્ગત કવર કરવામાં આવશે.

શું 5 લાખ સુધીના ઈલાજની લિમિટમાં પણ કોઈ ફેરફાર થયો છે?
આયુષ્માન ભારત અંતર્ગત દરેક પરિવારનો દર વર્ષે 5 લાખ સુધીનો ઈલાજ મફત થઈ શકે છે. આ લિમિટમાં કોઈ ફેરફાર કરાયો નથી. અગાઉની જેમ એક પરિવાર એક વર્ષમાં 5 લાખ સુધીનો જ ઈલાજ કરાવી શકે છે.

શું છે આયુષ્માન ભારત યોજના?

 • આ દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે.
 • આ યોજનામાં દરેક પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીના ઈલાજની મફત સુવિધા મળે છે. એમાં હોસ્પિટલમાં દાખલ થવાથી 3 દિવસ અગાઉ અને 15 દિવસ પછી સુધીની સારવાર અને દવાઓ સામેલ છે.
 • યોજના અંતર્ગત દેશની એ પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલોમાં સારવારની સુવિધા મળે છે, જે આયુષ્માન ભારત યોજના સાથે સંકળાયેલી છે.
 • હાલ આયુષ્માન ભારતમાં 1669 પ્રકારનાં મેડિકલ પેકેજ સામેલ છે. એમાં 1080 સર્જિકલ, 588 મેડિકલ અને 1 અન્ય પેકેજ છે. આયુષ્માન ભારતનું લક્ષ્ય તમામને હેલ્થ કવરેજ ઉપલબ્ધ કરાવવાનું અને અંતરિયાળ ક્ષેત્રોમાં નાગરિકોને મફત તથા સસ્તી આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનું છે.
અન્ય સમાચારો પણ છે...