• Gujarati News
  • Dvb original
  • Explainer
  • Aryana Farmers Protest: What Is Agriculture Ordinance (BILL) 2020 | Know Everything About Farm Sector Bills In Simple Words, What Does Act Mean

ભાસ્કર એક્સપ્લેનર:મોદીસરકાર ખેડૂતો માટે 3 કાયદા લાવી! ખેડૂતોની આવક વધારવા માટે ઓપન માર્કેટમાં પાક વેચવાની છૂટ મળશે, પરંતુ કોંગ્રેસ એના વિરોધમાં

એક વર્ષ પહેલા
  • જાણો કેન્દ્ર પ્રસ્તાવિત કૃષિ કાયદો શું છે અને એ ખેડૂતોને કેવી રીતે પ્રભાવિત કરશે
  • તોમર અને નડ્ડાનો દાવો- ન તો APMC બંધ થશે કે ન તો માર્કેટ બંધ કરવાની તૈયારી ચાલી રહી છે

કેન્દ્રીય કૃષિમંત્રી, ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સોમવારે લોકડાઉન દરમિયાન જાહેર થયેલા ખેતી સંબંધિત 3 ઓર્ડિનન્સ પસાર કરવા માટે બિલ રજૂ કર્યું. સરકાર મુજબ, આ કાયદો ખેડૂતોની આવક વધારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ઉપાય છે, પરંતુ કોંગ્રેસ સહિત કેટલાક પક્ષોને લાગે છે કે એનાથી સરકાર MSP (મિનિમમ સપોર્ટ પ્રાઈસ) અને APMC બંધ કરવાની તૈયારીમાં છે. કોંગ્રેસશાસિત રાજ્ય પંજાબ અને હરિયાણામાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ઘણા વિસ્તારોમાં ખેડૂતોએ નેશનલ હાઈવે બ્લોક કર્યા છે અને માગ કરી છે કે રજૂ કરેલા બિલને પસાર ન કરવામાં આવે.

આ 3 બિલ શું છે?

  • કૃષિક્ષેત્રે સુધારાને ટાર્ગેટ કરતા આ 3 બિલ- ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ 2020, ધ ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ અશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ 2020 અને ધ એસેન્શિયલ કોમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ 2020 છે.
  • આ ત્રણેય કાયદાને કેન્દ્ર સરકારે લોકડાઉન દરમિયાન 5 જૂન 2020એ ઓર્ડિનન્સ સ્વરૂપે લાગુ કર્યા હતા. ત્યારથી જ એ ચર્ચા અને વિરોધનો વિષય બન્યા છે. કેન્દ્ર સરકાર આ તમામ બિલને કૃષિક્ષેત્રે સૌથી મોટા સુધારા ગણાવી રહી છે, પરંતુ વિપક્ષ પાર્ટીઓને એમાં ખેડૂતોનું શોષણ અને કોર્પોરેટ્સના ફાયદા દેખાઈ રહ્યા છે.
  • કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના વિરોધ બાદ પણ એસેન્શિયલ કોમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ લોકસભામાં પસાર થયું. હવે એ ચર્ચા માટે રાજ્યસભામાં જશે. ત્યાંથી પાસ થયા બાદ એ કાયદો ઔપચારિક રૂપે લાગુ થશે. સરકારનો પ્રયત્ન આ જ સત્રમાં આ ત્રણેય બિલ પસાર કરાવવાનો છે.

1. ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ 2020
હાલની વ્યવસ્થા શું છે?
ખેડૂતો પાસે તેમનો પાક વેચવા માટે વધારે વિકલ્પ નથી. ખેડૂતોએ APMCમાં પાક વેચવો પડે છે. રજિસ્ટર્ડ લાઇસન્સી અથવા રાજ્ય સરકારને જ તેમનો પાક વેચી શકે છે. અન્ય રાજ્યોમાં અથવા ઇ-ટ્રેડિંગથી પાક વેચી શકતા નથી.
નવા કાયદાથી શું થશે? એવી ઈકો સિસ્ટમ બનશે, જ્યાં ખેડૂતો મનગમતી જગ્યાએ તેમનો પાક વેચી શકશે. ઈન્ટર સ્ટેટ અથવા ઈન્ટ્રા સ્ટેટ કારોબર કોઈપણ અડચણ વગર થશે. રાજ્યોની APMC સિવાય પણ પાક વેચી શકાશે. ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગના માધ્યમથી પાક વેચી શકશે. ખેડૂતોની માર્કેટિંગ કિંમત પણ બચશે. જે વિસ્તારોમાં ખેડૂતો પાસે વધારે પાક છે એ રાજ્યોમાં તેમને સારી કિંમતો મળશે. એ જ રીતે જે રાજ્યોમાં ઓછો પાક હશે ત્યાં તેમને ઓછા ભાવ મળશે.
વાંધો શું છે? કૃષિ પેદાશોનાં બજારોમાંથી ખેડૂતોને તેમના પાક માટે વાજબી ભાવો મળતા હતા. એનાથી માર્કેટ રેગ્યુલેટ થાય છે. રાજ્યો મંડી (માર્કેટ) શુલ્ક તરીકે આવક મેળવતી હતી, જેનાથી ખેડૂતો માટે પાયાની સુવિધાઓ એકઠી કરવામાં આવે છે. જો મંડીઓ જ દૂર કરવામાં આવે તો ખેડૂતોને MSP એટલે કે લઘુતમ ટેકાના ભાવ નહીં મળે. સરકાર ભલે વન નેશન વન માર્કેટના નારા લગાવી રહી હોય, વન નેશન MSP હોવું જોઈએ. જોકે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ દાવો કર્યો છે કે આ કાયદા દ્વારા લઘુતમ ટેકાના ભાવને કોઈ અસર નહીં થાય તેમજ માર્કેટની વ્યવસ્થા પણ જળવાઈ રહેશે.

2. ધ કોમર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ અશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ 2020
હાલની વ્યવસ્થા શું છે?
ભારતમાં ખેડૂતોની કમાણી સંપૂર્ણપણે મોન્સૂન, પ્રોડક્શન સાથે સંબંધિત અનિશ્ચિતતાઓ અને બજારની અનુકૂળતા પર આધારિત છે. એનાથી ખેતીમાં જોખમ વધારે છે. ખેડૂતોને મહેનત મુજબ વળતર મળતું નથી. કોન્ટ્રેક્ટ ફાર્મિંગ ભારતમાં નવું નથી. અનાજ માટે અનૌપચારિક કરાર સામાન્ય છે. શેરડી અને પોલ્ટ્રી સેક્ટરમાં ઔપચારિક કરાર પણ થાય છે.
નવા કાયદાથી શું થશે? સરકારનો દાવો છે કે ખેતી સાથે સંકળાયેલું સંપૂર્ણ જોખમ ખેડૂતોને જ નહીં, પરંતુ તેમની સાથે એગ્રીમેન્ટ કરનારા લોકો તરફ પણ શિફ્ટ થઈ જશે. કોન્ટ્રેક્ટ ફાર્મિંગને નેશનલ ફ્રેમવર્ક મળશે. કિસાન એગ્રી-બિઝનેસ કરનાર કંપનીઓ, પ્રોસેસર્સ, હોલસેલર્સ, એક્સપોર્ટર્સ અને મોટા રિટેલર્સથી એગ્રીમેન્ટ કરીને નિયત ભાવે પાક વેચી શકાશે. એનાથી તેમના માર્કેટિંગ ખર્ચની બચત થશે. દલાલીનો અંત આવશે. ખેડૂતોને પાકના વાજબી ભાવ મળશે. વિવાદના કિસ્સામાં, સમય મર્યાદામાં તેના સમાધાન માટેની અસરકારક વ્યવસ્થા કરવામાં આવશે. લેખિત કરારમાં પુરવઠો, ગુણવત્તા, ગ્રેડ, ધોરણો અને ભાવ સંબંધિત નિયમો અને શરતો હશે. જો પાકનો ભાવ ઓછો હોય તોપણ કરારના આધારે ખેડૂતોને ગેરેન્ટીડ ભાવ મળશે. બોનસ અથવા પ્રીમિયમની જોગવાઈ પણ હશે.

વાંધો શું છે? બિલમાં કિંમતોને શોષણથી બચાવવાનું વચન આપવામાં આવ્યું છે, પરંતુ કિંમતો નક્કી કરવા માટેની કોઈ મિકેનીઝ્મ નથી જણાવવામાં આવ્યું. એવો ડર છે કે એનાથી પ્રાઈવેટ કોર્પોરેટ હાઉસિસને ખેડૂતોનું શોષણ કરવાનો રસ્તો મળી જશે. બિલના ટીકાકારોને ડર છે કે ખેતીક્ષેત્ર અસંગઠિત છે. આવી સ્થિતિમાં જો કોર્પોરેટર્સ સામે લડવાની તક મળે, તો તેમની પાસે ઓછાં સંસાધનો હશે.

3.એસેન્શિયલ કોમોડિટી (અમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ
હાલની વ્યવસ્થા શું છે?
ભારત હાલમાં મોટા ભાગની કૃષિ ચીજવસ્તુઓમાં સરપ્લસમાં છે. એસેન્શિયલ કોમોટિડી એક્ટના કારણે કોલ્ડસ્ટોરેજ, વેરહાઉસ, પ્રોસેસિંગ અને નિકાસમાં ઓછા રોકાણને કારણે ખેડૂતો લાભ મેળવવામાં અસમર્થ છે. જ્યારે બમ્પર પાક થાય છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. ખાસ કરીને, જો પાક ઝડપથી સડી જાય તેવો હોય.
નવા કાયદાથી શું થશે? આ કાયદો કોલ્ડસ્ટોરેજ અને ફૂડ સપ્લાય ચેઇનના આધુનિકીકરણમાં મદદ કરશે. તે ખેડૂતો તેમજ ગ્રાહકો માટે પણ કિંમતોમાં સ્થિરતા જાળવવામાં મદદ કરશે. જ્યારે શાકભાજીના ભાવ ડબલ થાય છે અથવા ખરાબ થઈ જવાથી પાકના છૂટક ભાવમાં 50%નો વધારો થાય છે ત્યારે સ્ટોક લિમિટ લાગુ થશે. અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્યતેલ, ડુંગળી અને બટાટાને જરૂરી ચીજવસ્તુઓની સૂચિમાંથી દૂર કરવામાં આવ્યાં છે. એનાથી ઉત્પાદન, સ્ટોરેજ, મુવમેન્ટ, અને ડિસ્ટ્રિબ્યુશન પર સરકારી નિયંત્રણને દૂર કરવામાં આવશે. યુદ્ધ, કુદરતી આફત, અસાધારણ ભાવવધારા અને અન્ય સંજોગોમાં કેન્દ્ર સરકાર નિયંત્રણ પોતાના હાથમાં લેશે.
વાંધો શું છે? પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું હતું કે ખાદ્ય વસ્તુઓ પર રેગ્યુલેશનનો અંત કરવાથી એક્સપોર્ટર્સ, પ્રોસેસર્સ, અને વેપારીઓ પાકની સીઝનમાં જમાખોરી કરશે. એનાથી ભાવમાં અસ્થિરતા આવશે. ફૂડ સિક્યોરિટી સંપૂર્ણપણે ખતમ થઈ જશે. રાજ્યોને ખબર પણ નહીં પડે કે રાજ્યોમાં કઈ વસ્તુઓનો કેટલો સ્ટોક છે. ટીકાકારો કહે છે કે આનાથી આવશ્યક ચીજવસ્તુઓનું બ્લેક માર્કેટિંગ વધી શકે છે.

સરકાર શું કહે છે?
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર કહે છે કે આ ત્રણેય સૂચિત કાયદા ભારતના ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે. સરકારનું ધ્યાન ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા પર છે. આ માટે, દરેક ગામમાં ગોડાઉન બનાવવાની યોજના અને કોલ્ડસ્ટોરેજની જાહેરાત થઈ ચૂકી છે. કિસાન રેલ પણ શરૂ કરાઈ છે, જેથી ખેડૂતોને તેમની વસ્તુના વધુ ભાવ મળી શકે. ભાજપ-અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે ખેતી સાથે સંબંધિત બિલ મોદીસરકારની અગમચેતી છે. એનાથી કૃષિ ઉત્પાદનમાં વધારો થશે.

ત્રણેય બિલો પર સરકારની વિરુદ્ધ કોણ છે અને કોણ સાથે છે?
કોંગ્રેસની આગેવાનીમાં આશરે છ વિપક્ષી પાર્ટીઓએ સંસદમાં આ બિલનો વિરોધ કર્યો છે. NDAના ઘટક દળ શિરોમણિ અકાલી દળે પણ બિલની વિરુદ્ધ મત આપ્યો હતો. કોંગ્રેસને સમર્થન આપનારાઓમાં તૃણમૂલ કોંગ્રેસ, બસપા, એનસીપી અને માકપા સામેલ છે. જોકે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની સાથે સરકાર ચલાવી રહેલી શિવસેના આ બિલ પર સરકારની સાથે છે. બીજેડી, ટીઆરએસ અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ પણ એસેન્શિયલ કોમોડિટી (અમેન્ડમેન્ટઃ ઓર્ડિનન્સ પર સરકારને સાથ આપ્યો છે.

શું કોઈ અન્ય કારણ છે વિરોધનું?
પંજાબ અને હરિયાણાનાં ખેડૂત અને કિસાન સંગઠનો મુખ્યત્વે આ કાયદાઓનો વિરોધ કરી રહ્યાં છે. જુલાઈમાં તેમણે ઓર્ડિનન્સ વિરુદ્ધ ટ્રેક્ટરોની સાથે પ્રદર્શન કર્યું હતું. 28 ઓગસ્ટે પંજાબ વિધાનસભા કેન્દ્રના ઓર્ડિનન્સની વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો છે. કોંગ્રેસશાસિત રાજ્યો કહે છે, કૃષિ અને એની સાથે સંકળાયેલાં બજારો એ રાજ્યોનું અધિકારક્ષેત્ર છે. કેન્દ્ર એમાં બિનજરૂરી રીતે દખલ કરી રહ્યું છે. જોકે સરકારનું કહેવું છે કે ખાદ્ય ચીજોનો વ્યવસાય તેમના હેઠળ છે. એને કારણે તેઓ બંધારણ પ્રમાણે જ કામ કરી રહી છે.

(પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચથી ઈનપુટ્સ)

અન્ય સમાચારો પણ છે...