ભાસ્કર એક્સપ્લેનર:6 નવેમ્બર સુધી EDની કસ્ટડીમાં અનિલ દેશમુખ; જાણો કેસ સાથે સંકળાયેલા મોટા ચહેરા અને તેમના પર લાગેલા આરોપોની કહાની

એક મહિનો પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને સ્પેશિયલ કોર્ટે 6 નવેમ્બર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં મોકલી આ્યા છે. EDએ સોમવારે મોડી રાત્રે અનિલ દેશમુખની ધરપકડ કરી હતી. ધરપકડ અગાઉ EDએ દેશમુખની 12 કલાક સુધી પૂછપરછ કરી. આ પૂછપરછમાં અનિલ દેશમુખ EDના કોઈપણ સવાલનો સંતોષકારક જવાબ ન આફી શક્યા.

આ અગાઉ ED અનિલ દેશમુખને અનેકવાર સમન્સ આપી ચૂકી છે પરંતુ તેઓ EDની સામે હાજર ન થયા. ગત સપ્તાહે દેશમુખની એ અરજીને બોમ્બે હાઈકોર્ટે ફગાવી હતી જેમાં તેમણે EDના સમન્સને રદ કરવાની માગણી કરી હતી.

સમજીએ, EDએ કયા કેસમા અનિલ દેશમુખની ધરપકડ કરી છે? તેમની વિરુદ્ધ કયા-કયા આરોપ છે? EDના આરોપો પર દેશમુખનું શું કહેવું છે? અને કયા-કયા કેસોમાં અનિલ દેશમુખની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે? અને આ કેસમાં સંકળાયેલા મોટા ચહેરાઓ વિશે...

શા માટે અનિલ દેશમુખની થઈ ધરપકડ?

  • આ કેસ મની લોન્ડ્રિંગ અને વસૂલાતના આરોપો સાથે સંકળાયેલો છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા એક પત્રમાં આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખે ગૃહમંત્રી તરીકે રહીને સચિન વઝે પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા આપવાની માગણી કરી હતી.
  • આ મામલે CBIએ અનિલ દેશમુખની વિરુદ્ધ FIR નોંધી હતી. EDએ સીબીઆઈની એફઆઈઆરના આધારે કાર્યવાહી કરી છે. આરોપ છે કે દેશમુખ જ્યારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી હતા ત્યારે તેમણે બાર અને રેસ્ટોરાં માલિકો પાસેથી 4.7 કરોડ વસૂલ કર્યા હતા. આ રકમ ડિસેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 દરમિયાન વસૂલ કરવામાં આવી હતી અને આ રકમને મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચિન વઝે દ્વારા વસૂલવામાં આવી હતી.
  • EDના અનુસાર, આ રકમમાંથી 4.18 કરોડ રૂપિયા દિલ્હીની 4 અલગ-અલગ શેલ કંપનીઓમાં જમા કરાવાયા. આ કંપનીઓએ આ રકમને શ્રી સાંઈ શિક્ષણ સંસ્થા નામના એક ટ્રસ્ટને ડોનેટ કરી દીધા. આ ટ્રસ્ટ અનિલ દેશમુખ અને તેમનો પરિવાર જ ચલાવે છે. એટલે કે વસૂલાતના પૈસા શેલ કંપનીઓ દ્વારા દેશમુખના ટ્રસ્ટમાં જ ઉપયોગમાં લેવાયા.
  • દેશમુખે પોતાના પત્ની આરતી દેશમુખના નામ પર મુંબઈના વર્લીમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. આ ફ્લેટ 2004માં રોકડા પૈસા આપીને ખરીદવામાં આવ્યો પરંતુ વેચાણખત ફેબ્રુઆરી 2020માં સાઈન કરવામાં આવ્યું. જ્યારે અનિલ દેશમુખ મહારાષ્ટ્રના ગૃહમંત્રી હતા. ED આ મામલે તપાસ કરી રહી છે.
  • દેશમુખ પરિવારની પ્રિમિયર પોર્ટ લિન્ક્સ નામની એક કંપનીમાં 50 ટકા હિસ્સેદારી છે. આ હિસ્સેદારી 17.95 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી જ્યારે કંપની અને તેની બાકીની એસેટની કિંમત 5.34 કરોડ રૂપિયાની છે. આ કેસમાં પણ ED તપાસ કરી રહી છે.

સમગ્ર કેસની શરૂઆત ક્યાંથી થઈ?
આ જ વર્ષે 25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસે વિસ્ફોટકોથી ભરેલી એક SUV પ્રાપ્ત થઈ. પોલીસને SUVમાં જિલેટિન રૉડ અને વાહનોની નંબર પ્લેટ મળી હતી. આ SUV એ સમયે મનસુખ હિરેનની કસ્ટડીમાં હતી. જેમની લાશ થાણેના એક નાળામાંથી મળી હતી. આ કેસની તપાસ અગાઉ સચિન વઝે પાસે હતી પરંતુ તપાસની જવાબદારી NIAને સોંપવામાં આવી. NIAએ માર્ચમાં વઝેની ધરપકડ કરી લીધી. NIAએ ચાર્જશીટમાં સચિન વઝએ સહિત 10 લોકોને આરોપી બનાવ્યા હતા. વઝે પર આરોપ હતો કે તેમણે ખુદને સુપરકોપ સાબિત કરવા માટે વિસ્ફોટક ભરેલી SUV અંબાણીના ઘર પાસે પાર્ક કરી હતી.

તેના પછી મહારાષ્ટ્ર સરકારે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરીને તેમને હોમગાર્ડના ડીજી બનાવી દેવાયા. ટ્રાન્સફર પછી પરમબીર સિંહે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો જેમાં ગેરકાયદે વસૂલાતના આરોપ લગાવ્યા.

EDના આરોપો અંગે દેશમુખનું શું કહેવું છે?

દેશમુખ શરૂઆતથી જ ઈડી દ્વારા લગાવેલા આરોપોને ખોટા ગણાવી રહ્યા છે. દેશમુખે દાવો કર્યો છે કે તપાસ એજન્સીએ કેસની તપાસમાં “બિન-પારદર્શી’ અને ‘અયોગ્ય’ રીત અપનાવી છે.

હાલમાં જ જારી કરાયેલા એક વીડિયોમાં દેશમુખે કહ્યું છે કે તેમના પર EDની તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ ખોટો છે. જ્યારે પણ EDનું સમન્સ આવ્યું મેં તેમને લેખિતમાં જણાવ્યું કે હાઈકોર્ટના કેસનું પરિણામ આવ્યા પછી જ હું ખુદ EDની ઓફિસે આવીશ. મારી પર આરોપ લગાવનારા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ આજે ક્યાં છે?

દેશમુખની વિરુદ્ધ અન્ય કયા-કયા કેસ ચાલી રહ્યા છે?

ED ઉપરાંત દેશમુખની સીબીઆઈ અને ઈનકમ ટેક્સની પણ તપાસ ચાલી રહી છે. અનિલ દેશમુખ સાથે જોડાયેલા 2 કેસ પર CBI તપાસ કરી રહી છે.

પ્રથમ કેસ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપો સાથે સંકળાયેલ છે. સિંહે આરોપ લગાવ્યા હતા કે ગૃહમંત્રી તરીકે રહીને દેશમુખે પોલીસ અધિકારીઓનું પોસ્ટિંગ અને ટ્રાન્સફરમાં ગેરકાયદે વસૂલાત કરી. આ સાથે જ મુંબઈના બાર અને રેસ્ટોરાં સંચાલકો પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા માટે સચિન વઝેનો ઉપયોગ કર્યો. CBIએ આ કેસમાં એપ્રિલ 2021માં એફઆઈઆર નોંધી હતી.

આ ઉપરાંત સીબીઆઈ પોતાના જ સબ ઈન્સ્પેક્ટર અભિષેક તિવારી અને દેશમુખના વકીલ આનંદ ડાગાની પણ તપાસ કરી રહી છે. આ કેસ એક તપાસ રિપોર્ટ લીક થવા સાથે જોડાયેલો છે, જેમાં દેશમુખ પર વસૂલાત માટે પોલીસકર્મીઓ પર દબાણ લાવવાનો આરોપ લગાવાયો હતો.

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ દેશમુખ પર ટેક્સ ચોરીની તપાસ કરી રહ્યું છે. ડિપાર્ટમેન્ટનો આરોપ છે કે દેશમુખ પરિવાર સાથે સંકળાયેલ 3 શૈક્ષણિક સંસ્થાઓએ ઈનકમ છૂપાવીને ટેક્સની ચોરી કરી છે. એવા પણ આરોપ છે કે ટ્રસ્ટને દિલ્હીની કંપનીઓ પાસેથી 4 કરોડનું બોગસ ડોનેશન પણ મળ્યું છે.

અનિલ દેશમુખ કેસમાં ક્યારે-શું થયું?
20 માર્ચઃ
દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે દેશમુખ પર દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાના આરોપ લગાવ્યા.
14 એપ્રિલઃ પરમબીર સિંહના આરોપો પર CBIએ અનિલ દેશમુખના નિવેદન નોંધ્યા.
24 એપ્રિલઃ સીબીઆઈએ દેશમુખની વિરુદ્ધ લાંચખોરી, ભ્રષ્ટાચાર અને ગુનાહિત ષડયંત્રના આરોપમાં એફઆઈઆર નોંધી.
11 મેઃ EDએ લાંચ લેવાના આરોપમાં દેશમુખ પર મની લોન્ડ્રીંગનો કેસ નોંધ્યો.
24 જૂનઃ EDએ દેશમુખના ઘરની તલાશી લીધી.
25 જૂનઃ દેશમુખના પર્સનલ આસિસ્ટન્ટ કુંદન શિંદે અને સેક્રેટરી સંજીવ પલાંડેની EDની ધરપકડ કરી.
26 જૂનઃ EDએ દેશમુખને સમન મોકલ્યું.
29 જૂનઃ દેશમુખને કોરોનાનો હવાલો આપીને ફિઝિકલી પ્રેઝન્ટ રહેવામાંથી છૂટ માગી.
3 જુલાઈઃ EDએ ફરીવાર દેશમુખને સમન જારી કર્યુ.
5 જુલાઈઃ દેશમુખે EDને લખ્યું કે મની લોન્ડરિંગના આરોપોની નિષ્પક્ષ તપાસ માટે તેમણે અદાલતમાં અરજી દાખલ કરી છે.
16 જુલાઈઃ EDએ દેશમુખની 4.20 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાઈ.
30 જુલાઈઃ EDએ દેશમુખને ત્રીજું સમન જારી કર્યુ. 17 ઓગસ્ટે ચોથું સમન જારી કરવામાં આવ્યું.
18 ઓગસ્ટઃ દેશમુખે સમનનો જવાબ આપતા કહ્યું કે તેમણે કોઈપણ દંડાત્મક કાર્યવાહીથી વચગાળાની રાહત માટે અદાલતમાં અરજી કરી છે.
5 સપ્ટેમ્બરઃ સમન જારી થયા પછી પણ હાજર ન થવા પર EDએ દેશમુખની વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી કર્યુ.
17 સપ્ટેમ્બરઃ ટેક્સ ચોરીના મામલે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પણ દેશમુખના ઘરની તલાશી લીધી.
29 ઓક્ટોબરઃ બોમ્બે હાઈકોર્ટે દેશમુખની EDનું સમન રદ કરવાની માગવાળી અરજીને ફગાવી દીધી.
31 ઓક્ટોબરઃ CBIએ સંતોષ શંકર જગતાપ નામના એક કથિત વચેટિયાની ધરપકડ કરી.
1 નવેમ્બરઃ દેશમુખ EDની સામે હાજર થયા.
2 નવેમ્બરઃ લગભગ 12 કલાક ચાલેલી પૂછપરછ પછી EDએ દેશમુખની ધરપકડ કરી લીધી.