• Gujarati News
  • Dvb original
  • Explainer
  • Allergy Sufferers Can Also Get Vaccinated, No Risk Of Blood Clotting, Just Don't Get Pregnant Women Vaccinated, Answer Every Question About Vaccine

ભાસ્કર એક્સપ્લેનર:એલર્જીવાળા પણ લગાવી શકે છે રસી, બ્લડ ક્લોટિંગની આશંકા નહિવત્, બસ ગર્ભવતી મહિલાઓ ન કરાવે રસીકરણ, વેક્સિન અંગેના દરેક સવાલનો જવાબ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એલર્જી હોય તેવા લોકો રસીકરણ કરાવી શકે? ગર્ભવતી મહિલાઓ કોવિડ-19ની રસી લઈ શકે? સ્તનપાન કરાવતી માતાઓએ શું કરવું જોઈએ?હું રસી લઈ લઉં એ પછી મારામાં પૂરતા પ્રમાણમાં એન્ટિબોડી આવી જશે?

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB)એ આ પ્રકારના અનેક સવાલોના જવાબ જારી કર્યા છે. આ સવાલોના જવાબ આપ્યા છે નીતિ આયોગના હેલ્થકેર મેમ્બર ડો. વી. કે. પૉલ અને એઈમ્સના ડો. રણદીપ ગુલેરિયાએ. આ સાથે જ આરોગ્ય મંત્રાલયે પણ અવારનવાર પુછાતા કેટલાક સવાલોના જવાબ જારી કર્યા છે. વાંચો કોરોના વેક્સિનેશનને લઈને તમારા મનમાં આવનારા દરેક સવાલનો જવાબ...

સવાલઃ શું એલર્જી હોય તેવા લોકો રસીકરણ કરાવી શકે?

ડૉ. પૉલ: જો કોઈ વ્યક્તિને કોઈ ચોક્કસ પ્રકારની એલર્જીની સમસ્યા હોય તો, તેમણે ડૉક્ટરની સલાહ લીધા પછી જ કોવિડની રસી લેવી જોઇએ. જોકે માત્ર સામાન્ય શરદી, ત્વચાની એલર્જી વગેરે જેવી કોઇ સામાન્ય એલર્જી થતી હોય તો તેવા દર્દીઓએ રસી લેવામાં જરાય અચકાવું જોઇએ નહીં.

ડૉ. ગુલેરિયા: જે લોકો પહેલાંથી જ એર્લજીને લગતી કોઈ દવાઓ લઈ રહ્યા હોય તો તેમણે દવાઓ લેવાનું બંધ કરવું જોઈએ નહીં, તેમણે રસી લેતી વખતે પણ પોતાની દવા નિયમિત ધોરણે લેવાવી ચાલુ જ રાખવી જોઈએ. એ પણ સમજી લેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે તમામ રસીકરણ સ્થળો પર લોકોને રસી આપ્યા પછી એને કારણે જો એલર્જીને લગતી કોઇ સમસ્યા થાય તો એના વ્યવસ્થાપન માટે વિશેષ વ્યવસ્થાઓ કરેલી હોય છે, આથી અમારી સલાહ છે કે જો તમને કોઇ ગંભીર એલર્જીની સમસ્યા હોય તોપણ તમારે નિયમિત દવાઓ લેવાની ચાલુ રાખવી જોઇએ અને સાથે સાથે તમે રસીકરણ માટે પણ જઇ શકો છો.

સવાલઃ ગર્ભવતી મહિલાઓ કોવિડ-19ની રસી લઈ શકે?

ડૉ. પૉલ: વર્તમાન માર્ગદર્શિકા અનુસાર, ગર્ભવતી મહિલાઓને રસી આપવી જોઈએ નહીં. આની પાછળનું કારણ એ છે કે રસીકરણનાં પરીક્ષણો પરથી પ્રાપ્ત થયેલા ડેટાના આધારે ડૉક્ટરો અને વૈજ્ઞાનિક સમુદાયે ગર્ભવતી મહિલાઓના રસીકરણ માટે ભલામણ કરવાનો નિર્ણય હજુ સુધી લીધો નથી. જોકે ભારત સરકાર નવાં વૈજ્ઞાનિક સૂચનોના આધારે થોડા દિવસોમાં જ આ બાબતે સ્પષ્ટતા કરશે.

એવું જાણવા મળ્યું છે કે કોવિડ-19ની સંખ્યાબંધ રસીઓ ગર્ભવતી મહિલાઓ માટે પણ સલામત છે; અમને આશા છે કે આપણી બે રસી માટે પણ માર્ગ મોકળો થઇ જશે. અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે તેઓ હજુ પણ થોડી વધારે ધીરજ જાળવે, ખાસ કરીને આ રસી ખૂબ જ ટૂંકા સમયમાં તૈયાર કરવામાં આવી હોવાથી એ બાબતને ધ્યાનમાં રાખતા ધીરજ રાખવી જરૂરી છે અને ગર્ભવતી મહિલાઓને સામાન્યપણે સલામતીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને અજમાયશ (ટ્રાયલ)માં સામેલ કરવામાં આવતી નથી.

ડૉ. ગુલેરિયા: સંખ્યાબંધ દેશોએ ગર્ભવતી મહિલાઓનું રસીકરણ કરવાનો પ્રારંભ કરી દીધો છે. US FDA દ્વારા ફાઇઝર અને મોડર્નાની રસીને માન્યતા આપવામાં આવી છે. કોવેક્સિન અને કોવિશીલ્ડ સંબંધિત ડેટા પણ ટૂંક સમયમાં આવી જશે; કેટલાક ડેટા પહેલેથી જ ઉપલબ્ધ છે અને અમને આશા છે કે આગામી થોડા દિવસોમાં અમે જરૂરી હોય તેવા સંપૂર્ણ ડેટા મેળવી શકીશું અને ભારતમાં પણ ગર્ભવતી મહિલાઓ રસીકરણને માન્યતા આપી શકીશું.

સવાલઃ શું સ્તનપાન કરાવતી માતાઓ કોવિડ-19ની રસી લઈ શકે?
ડૉ. પૉલ: આ સંબંધે ખૂબ જ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે કે સ્તનપાન કરાવતી મહિલાઓ માટે આ રસી તદ્દન સલામત છે. કોઈપણ પ્રકારે ડરવાની જરૂર નથી. રસીકરણ પહેલાં અને પછી માતાઓએ સ્તનપાન કરાવવાનું બંધ કરવાની કે રોકવાની કોઇ જ જરૂર નથી.

સવાલઃ હું રસી લઈ લઉં એ પછી મારામાં પૂરતા પ્રમાણમાં એન્ટિબોડી આવી જશે?

ડૉ. ગુલેરિયા: એક વાત સમજી લેવી ખૂબ જ મહત્ત્વની છે કે કેટલા પ્રમાણમાં એન્ટિબોડી ઉત્પન્ન થાય છે એ ફક્ત એના આધારે રસીની અસરકારતા વિશે અનુમાન કરવું જોઇએ નહીં. રસી સંખ્યાબંધ પ્રકારે સુરક્ષા આપે છે - જેમ કે એન્ટિબોડી દ્વારા, કોષ-મધ્યસ્થી રોગ પ્રતિકારકતા અને મેમરી સેલ (જે આપણને જ્યારે સંક્રમણ થાય ત્યારે વધારે એન્ટિબોડી ઉત્પન્ન કરે છે). વાસ્તવમાં સંક્રમિત થવા પર મેમરી સેલથી વધું એન્ટિબોડી બને છે.

અત્યારસુધીના ઉપલબ્ધ ડેટા બતાવે છે કે તમામ રસીની અસરકારકતા - ભલે એ કોવેક્સિન, કોવિશીલ્ડ કે પછી સ્પુતનિક હોય – વત્તાઓછા પ્રમાણમાં લગભગ સમકક્ષ છે, આથી આપણે એમ ના કહી શકીએ કે આ રસી લેવી જોઇએ કે પછી પેલી રસી લેવી જોઇએ, તમારા વિસ્તારમાં જે પણ રસી ઉપલબ્ધ હોય.

ડૉ. પૉલ: કેટલાક લોકો રસી લીધા પછી એન્ટિબોડી પરીક્ષણો કરાવવાનું વિચારતા હોય તેવું લાગે છે, પરંતુ માત્ર એન્ટિબોડી જ વ્યક્તિની રોગપ્રતિકારકતા નથી સૂચવતા, આ વાતને ધ્યાનમાં રાખતાં આવું કોઇ પરીક્ષણ કરાવવાની જરૂર નથી. ટી-કોષો અથવા મેમરી સેલને કારણે આવું હોય છે; જ્યારે આપણે રસી લઇએ ત્યારે એમાં ચોક્કસ પ્રકારના ફેરફારો થાય છે, એ વધુ મજબૂત બને છે અને એમાં પ્રતિકારની શક્તિ વધે છે અને ટી-કોષો એન્ટિબોડી પરીક્ષણોમાં શોધી શકાતાં નથી, કારણ કે એ મજ્જાસ્થિઓ (બોનમેરો)માં મળી આવે છે, આથી સૌને અમારો અનુરોધ છે કે રસીકરણ કરાવ્યા પહેલાં અથવા પછી તેમણે એન્ટિબોડી પરીક્ષણો કરાવવાં જોઇએ નહીં, જે પણ રસી ઉપલબ્ધ હોય એ લઇ લો, યોગ્ય સમયે બંને ડોઝ લઇ લો અને કોવિડ માટે યોગ્ય આચરણોનું પાલન કરો તેમજ લોકોએ એવી ખોટી ભ્રમણાઓમાં પણ ના રહેવું જોઇએ કે કોવિડ-19 જેમને થઇ ગયો હોય તેમને રસી લેવાની જરૂર નથી.

સવાલઃ શું રસીના ડોઝ લીધા પછી લોહી ગંઠાઇ જવાની સમસ્યા સામાન્યપણે જોવા મળે છે?

ડૉ. પૉલ: આવી સમસ્યા થઇ હોય એવા ખૂબ જ ઓછા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ખાસ કરીને એસ્ટ્રા-ઝેનેકા રસી લીધી હોય તેમનામાં આવી સ્થિતિ જોવા મળી છે. આ સમસ્યા યુરોપમાં જોવા મળી હતી, જ્યાં તેમના યુવાનોમાં ખાસ કરીને તેમની જીવનશૈલી, શરીર અને જિનેટિક માળખાના કારણે અમુક અંશે આવી સમસ્યા થઇ હતી, પરંતુ હું તમને ખાતરી આપવા માગું છું કે અમે ભારતમાં પદ્ધતિસર ડેટાનું નિરીક્ષણ કર્યું છે અને જાણવા મળ્યું છે કે આવી લોહી ગંઠાઇ જવાની સમસ્યાઓ અહીં લગભગ અવગણી શકાય એવી સ્થિતિમાં છે - આથી એના વિશે ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી. યુરોપિયન દેશોમાં, આ સમસ્યા આપણા દેશમાં જોવા મળી એની સરખામણીએ લગભગ 30 ગણી વધારે છે.

ડૉ. ગુલેરિયા: અમેરિકા અને યુરોપયિન દેશોની વસતિની સરખામણીએ ભારતીય વસતિમાં સર્જરી પછી આવી લોહી ગંઠાઇ જવાની સમસ્યાઓ ઘણી ઓછી જોવા મળી હોવાનું અગાઉ પણ સામે આવ્યું છે. આ આડઅસરને રસીને કારણે થતી થ્રોમ્બોસિસ અથવા થ્રોમ્બોસાઇટોપેનિયાની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે અને યુરોપની સરખામણીએ ભારતમાં જોવા મળતા કિસ્સાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, આથી આ બાબતે સહેજ પણ ગભરાવાની જરૂર નથી. આના માટેની સારવારો પણ ઉપલબ્ધ છે, જેથી વહેલા નિદાન થાય તો આવી સારવારો અપનાવી શકાય છે.

સવાલઃ જો મને કોવિડ થયો હોય તો કેટલા દિવસ પછી હું કોવિડની રસી લઇ શકું?

ડૉ. ગુલેરિયા: તાજેતરમાં બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે જે વ્યક્તિ કોવિડ-19થી સંક્રમિત થઇ હોય તેઓ સાજા થયાની તારીખથી ત્રણ મહિના પછી રસી લઇ શકે છે. આમ કરવાથી તેમને રોગપ્રતિકારકતા વધારે મજબૂત કરવામાં મદદ મળશે અને રસીની અસર પણ વધુ બહેતર જોવા મળશે.

બંને નિષ્ણાતો - ડૉ. પૉલ અને ડૉ. ગુલેરિયાએ એવું પણ જણાવ્યું હતું અને ખાતરી આપી હતી કે આપણી રસીઓ આજ દિન સુધીમાં ભારતમાં મળી આવેલા મ્યૂટન્ટ પર અસરકારક છે. રસી લીધા પછી આપણું રોગપ્રતિકારક તંત્ર નબળું પડી જાય છે અથવા વ્યક્તિ રસી લીધા પછી મૃત્યુ પામે છે તેવા સોશિયલ મીડિયામાં ફરતા થયેલા અહેવાલોને તેમણે ખોટા ગણાવ્યા હતા અને એ અફવા હોવાનું કહ્યું હતું. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને કેટલાક અંતરિયા વિસ્તારોમાં લોકોમાં આવી અફવાઓ ફેલાતી હોવાનું તેમણે કહ્યું હતું.