ભાસ્કર એક્સપ્લેનર:બાબરી મસ્જિદ ધ્વંસ કેસ વિશે એ બધું જ જે તમે જાણવા માગો છો, 40 હજાર સાક્ષીમાંથી 351 સાક્ષી જ કોર્ટ નિવેદન આપવા પહોંચ્યા હતા

એક વર્ષ પહેલા

અયોધ્યામાં બાબરી મસ્જિદનું વિવાદિત માળખું તોડે લગભગ 28 વર્ષ પૂરાં થઈ ગયાં છે. લખનઉની CBIની વિશેષ અદાલત દ્વારા આ બાંધકામ તોડવાના ક્રિમિનલ કેસની સુનાવણી ચાલી રહી છે, જેનો ચુકાદો 30 સપ્ટેમ્બરે આપશે.

આ સુનાવણીમાં 32 આરોપી હતા. તેમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, ભાજપના દિગ્ગજ નેતાઓ મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાક્ષી મહારાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અનેક નેતાઓ હતાં.

લખનઉ હાઈકોર્ટના જૂના બિલ્ડિંગમાં અયોધ્યા કેસ કોર્ટરૂમ નંબર 18માં આ કેસની સુનાવણી કાચબાની જેમ ધીમી ગતિએ છેલ્લાં 28 વર્ષથી ચાલી રહી હતી. સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલ 2017ના રોજ આદેશ આપ્યો હતો કે આ કેસની ડે-ટુ-ડે બેઝિક પર સુનાવણી કરવામાં આવશે અને કેસના ન્યાયાધીશની ટ્રાન્સફર નહીં થાય, ત્યારે હવે ચુકાદો આપવાનો સમય આવી ગયો છે.

સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો, હવે આ મામલો શું છે?
6 ડિસેમ્બર 1992ના રોજ રામ મંદિર આંદોલન માટે ભેગા થયેલા ટોળા દ્વારા બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આ વિવાદિત મસ્જિદ ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર બનાવવામાં આવી હતી. બાબરી મસ્જિદ ધરાશાયી થયા બાદ દેશભરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. સરકારી આંકડા મુજબ, આ તોફાનોમાં 1,800થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો જે જમીનની માલિકી અંગે હતો, એમાં કોર્ટે રામ જન્મભૂમિ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ ક્રિમિનલ કેસ એનાથી સંપૂર્ણપણે જુદો છે.

આ કેસ શું છે અને એમાં નોંધાયેલા FIR શું છે?
6 ડિસેમ્બર 1992ના રોજ પોલીસે બાબરી મસ્જિદ તોડી પાડ્યા બાદ બે FIR નોંધાયા હતા. પ્રથમ FIR-નંબર 197/92 હતો, જે લાખો અજાણ્યા કારસેવકો વિરુદ્ધ હતો. આ કારસેવકોએ વિવાદિત બંધારણને હથોડી અને કોદાળીથી તોડી પાડ્યું હતું.

બીજો FIR - નંબર 198/92 આઠ લોકોની વિરુદ્ધ હતો. એમાં અડવાણી, જોશી, ઉમા ભારતી અને વિનય કટિયાર ભાજપનાં હતાં તેમજ વિહિપના અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુ હરિ દાલમિયા અને સાધ્વી ઋતંભરા હતાં. તેમાંથી દાલમિયા, કિશોર અને સિંહલ મૃત્યુ પામ્યા છે. 47 વધુ FIR નોંધાયા હતા, જે બાબરી બંધારણના ધ્વંસ પછી પત્રકારો પરના હુમલા સાથે જોડાયેલા હતા.

આ કેસોની વહેંચણી પર વિવાદ હતો. કારસેવકો વિરુદ્ધ FIR 197/92ની તપાસ CBI પાસે ગઈ હતી, જ્યારે FIR 198/92ની તપાસ CIDને સોંપવામાં આવી હતી. 29 ઓગસ્ટ 1993ના રોજ યુપી સરકારે આ મામલાથી જોડાયેલા તમામ કેસ CBIને સોંપ્યા હતા.

ગુનાહિત ષડયંત્રનો આરોપ ક્યારે ઘડાયો?
CBIએ 5 ઓક્ટોબર 1993એ પહેલી ચાર્જશીટ દાખલ કરી. એમાં 40 લોકોને આરોપી બનાવાયા હતા. તેમાં ભાજપ-વિહિપના 8 નેતા સામેલ હતા. 2 વર્ષની તપાસ બાદ 10 જાન્યુઆરી 1996ના રોજ CBIએ સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી. આરોપ લગાવ્યો કે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા માટે સુનિયોજિત કાવતરું ઘડાયું હતું.

CBIએ FIRમાં 9 લોકોનાં નામ ઉમેર્યાં. તેમના વિરુદ્ધ ગુનાહિત ષડ્યંત્ર અર્થાત IPCની ધારા 120(બી) હેઠળ આરોપ લાગ્યા. તેમાં શિવસેનાના નેતા બાળ ઠાકરે અને મોરેશ્વર સાવે સામેલ હતા. 1997માં લખનઉ મેજિસ્ટ્રેટે પણ તમામ આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો, પરંતુ 34 આરોપીએ અલાહાબાદ હાઈકોર્ટે નક્કી આરોપ વિરુદ્ધ અરજી કરી અને પ્રક્રિયા પર રોક લગાવાઈ.

આ મામલે સુનાવણીમાં મોડું ક્યાં થયું?
આ મામલામાં 4 વર્ષ સુધી કશું થયું નહિ. હાઈકોર્ટના સ્ટે ઓર્ડરને કારણે કાગળ પણ હલ્યો નહિ. 12 ફેબ્રુઆરી 2001ના રોજ અલાહાબાદ હાઈકોર્ટે અડવાણી, જોશી, ઉમા, કલ્યાણ સિંહ અને અન્ય લોકો વિરુદ્ધ ગુનાહિત ષડ્યંત્રની ધારા હટાવવાનો આદેશ કર્યો, એનાથી કેસ નબળો પડ્યો.

3 મહિનાની અંદર 4 મે 2001ના રોજ લખનઉની સ્પેશિયલ કોર્ટે FIR 197/92 અને 198/92ને અલગ અલગ સુનાવણી માટે લીધા. એ પણ કહેવામાં આવ્યું કે 21 આરોપી વિરુદ્ધ રાયબરેલીની કોર્ટમાં સુનાવણી થશે. તો 27 આરોપીની સુનાવણી લખનઉમાં થશે.

CBIએ ત્યારે અલાહાબાદ હાઈકોર્ટમાં ગુનાહિત ષડયંત્રના આરોપ હટાવવાના આદેશના રિવ્યુ માટે અરજી થઈ, પરંતુ અરજી ફગાવાઈ હતી. 16 જૂને CBIએ યુપી સરકારને પત્ર લખી કહ્યું હતું કે ટ્રાયલ ફરી શરૂ કરવા માટે નોટિફિકેશન જાહેર કરે.

જુલાઈ 2003માં CBIએ અડવાણી વિરુદ્ધ આરોપ પરત ખેંચ્યો અને રાયબરેલી કોર્ટમાં નવેસરથી ચાર્જશીટ દાખલ થઈ, પરંતુ જુલાઈ 2005માં હાઈકોર્ટે અડવાણી વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ નક્કી કર્યો. 2010 સુધી બંને કેસ અલગ અલગ કોર્ટમાં ચાલતા રહ્યા.

2011માં CBI આખરે સુપ્રીમ કોર્ટ પહોંચી અને ત્યાં એ નક્કી થયું કે રાયબરેલીની સુનાવણી પણ લખનઉ ટ્રાન્સફર કરવામાં આવે. આગામી 7 વર્ષ સુધી અદાલતોમાં આરોપ નક્કી થવા માટે રિવ્યુની અરજી દાખલ થતી રહી. 19 એપ્રિલ 2017ના રોજ અડવાણી અને અન્ય આરોપીઓ પર ફરી ગુનાહિત ષડ્યંત્રનો આરોપ નક્કી થયો.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ખામીયુક્ત ગણાવતા CBIની પણ આ વાતને લઈને ઝાટકણી કરી હતી કે અ આદેશને પહેલાં કેમ પડકારવામાં ન આવ્યો? ટેક્નિકી રીતે 2010માં ટ્રાયલ શરૂ થયું. આરોપો નક્કી થવાના સ્ટેજ પર સુનાવણી અટકી ગઈ હતી કેમ કે મોટા ભાગના આરોપીઓ હાઈકોર્ટમાં હતા.

આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ પુરાવા શું છે?
બાબરી મસ્જિદને તોડી પાડવાના કેસમાં 30-40 હજાર સાક્ષી હતા. સુનાવણીમાં મૌખિક જુબાની મહત્ત્વપૂર્ણ હતી. મૌખિક પુરાવામાં પોલીસે બે સાક્ષીનાં નિવેદનો લીધાં હતાં. CBIએ તપાસ દરમિયાન 1,026 સાક્ષીની યાદી બનાવી હતી. એમાં મોટા ભાગના પોલીસકર્મી અને પત્રકારો હતા.

આઠ ભાજપ અને વિહિપ નેતાઓ સામે ગુનાહિત કાવતરું ઘડવાના આરોપો સાબિત કરવા માટે મૌખિક આરોપો છે. તેના કારણે CBIએ વધારે પ્રયાસો કર્યા જેથી વધુ સાક્ષીઓને ભેગા કરી શકાય. 2010થી CBIની ઘણી ટીમોએ દેશભરમાં મુલાકાત કરી અને લોકોને કોર્ટમાં હાજર રહેવા સમન્સ આપ્યું હતું. કેટલાક લોકોને ઇંગ્લેન્ડ અને મ્યાનમારમાં પણ ટ્રેસ કરવામાં આવ્યા છે. હજારોમાંથી માત્ર 351 સાક્ષી જ નિવેદન આપવા કોર્ટમાં પહોંચી શક્યા હતા.

મૌખિક પુરાવામાં આ નેતાઓ દ્વારા કરવામાં આવેલાં ભાષણો સામેલ છે. ખાસ કરીને 1990માં અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર માટે જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા શરૂ કરી હતી, એ દરમિયાન કરવામાં આવેલાં નિવેદનોને પુરાવા માનવામાં આવતા હતા. એ જણાવે છે કે મસ્જિદને તોડી પાડવાનો વિચાર 1990માં આવ્યો હતો, જે દર્શાવે છે કે આ એક કાવતરું હતું.

દસ્તાવેજી પુરાવા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એમાં ઘટનાના ન્યૂઝ રિપોર્ટ્સ સામેલ છે. એ ઉપરાંત 6 ડિસેમ્બર 1992ના રોજ લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ અને વિડિયો પણ છે. વિવિધ ચેનલોએ 100 યુ-મેટિક વિડિયો કેસેટ્સ સોંપી છે, જે 27 ઇંચના સોની ટીવી અને બે વીસીઆર પર ચલાવવામાં આવી હતી.

આ કેસમાં શું અપેક્ષા રાખી શકાય છે?
9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે હિન્દુઓના દાવાનો સ્વીકાર કરતા બાબરી મસ્જિદને તોડી પાડવી એ કાયદાના શાસનનું ઉલ્લંઘન હતું. જે કંઈ ખોટું થયું છે એને સુધારવાની જરૂર છે. બંધારણના આર્ટિકલ 142 અંતર્ગત કોર્ટે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અથવા ઉત્તરપ્રદેશ સરકારે મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને પાંચ એકર જમીન આપવી જોઈએ.

સુપ્રીમ કોર્ટના નિવેદનની આ નિર્ણય પર કોઈ અસર પડે છે કે કેમ એ જોવાનું રહ્યું. સરકારી પક્ષે તેની અંતિમ દલીલોમાં કહ્યું છે કે જે લોકોએ આ ષડ્યંત્ર રચ્યું હતું તેમને સજા થવી જોઈએ. ડિફેન્સનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના અંતિમ ચુકાદાથી હિન્દુઓના દાવાને યોગ્ય ઠેરવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...