ભાસ્કર એક્સપ્લેનર:પનામા પેપર્સના કારણે EDના રડારમાં ઐશ્વર્યા આવી, નવાઝ શરીફને છોડવી પડી હતી પીએમની ખુરશી; આખરે એ શું છે?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

20 ડિસેમ્બરને ઐશ્વર્યા રાય બચ્ચનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 7 કલાક પૂછપરછ કરી. ઐશ્વર્યાને તેની કંપનીઓ અને બેંક એકાઉન્ટ્સ અંગે સવાલ પૂછાયા. આ પૂછપરછ પનામા પેપર લીક કેસમાં થઈ હતી.

વર્ષ 2016માં પનામા પેપર લીક થયા હતા. આ મામલે નામ સામે આવ્યા પછી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને પદ છોડવું પડ્યું હતું. પનામા પેપર્સમાં લગભગ 500 ભારતીયોના નામ પણ સામેલ છે. અટકળો છે કે આ મામલે અમિતાભ સહિત અનેક અન્ય નામો પણ EDના નિશાન પર આવી શકે છે.

સમજીએ, આ પનામા પેપર્સ શું છે? તેમાં એવું શું છે કે દેશોના વડાપ્રધાને રાજીનામુ આપવું પડ્યું? દેશ-વિદેશના કયા મોટા લોકોનાં નામ તેમાં સામેલ છે? અમિતાભ અને ઐશ્વર્યા રાય બચ્ચન પર શું આરોપ છે? અને ભારતમાં આ કેસની તપાસ ક્યાં પહોંચી છે?

પનામા પેપર્સ શું છે?
Süddeutsche Zeitung નામનું એક જર્મન અખબાર છે. આ અખબારને મોસ્સૈક ફોંસેકા નામની એક કંપનીના 1.15 કરોડથી વધુ લીક્ડ ડોક્યુમેન્ટ પ્રાપ્ત થઈ ગયા.

આ અખબારે આ તમામ ડોક્યુમેન્ટ ઈન્ટરનેશનલ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICIC)ની સાથે શેર કર્યા. ICIJ દુનિયાભરના પત્રકારો અને મીડિયા હાઉસીઝની એક સંસ્થા છે. ICIJએ આ દસ્તાવેજ દુનિયાભરના મીડિયા સંસ્થાઓની સાથે શેર કર્યા જેમની લાંબી તપાસ કરવામાં આવી. મોસ્સૈક ફોંસેકા કંપની પનામામાં રજિસ્ટર્ડ હતી તેથી આ દસ્તાવેજોને પનામા પેપર્સ કહેવામાં આવે છે.

આ પેપર્સથી શું ખુલાસો થયો?
આ પેપર્સમાં સંબંધિત વ્યક્તિઓ સાથે સંકળાયેલી આર્થિક જાણકારીઓ અને ગેરકાયદે લેવડદેવડનો રેકોર્ડ છે. આ લોકોએ ટેક્સ ચોરી અને બાકી આર્થિક લેવડદેવડ સાથે સંકળાયેલા પ્રતિબંધોથી બચવા માટે ઓફશોર કંપનીઓમાં ગેરકાયદે રોકાણ કર્યુ. આ કંપનીઓ એવા દેશોમાં ખોલવામાં આવી, જેમને ટેક્સ હેવન્સ કહેવામાં આવે છે. એટલે કે કંપનીઓનાં માલિકી હક અને લેવડદેવડ પર ટેક્સની કોઈ માથાકૂટ જ નહીં.

મોસ્સૈક ફોંસેકા શું કરતી હતી?
મોસ્સૈક ફોંસેકા પનામાની એક લૉ કંપની હતી. આસાન ભાષામાં સમજીએ તો જો તમારી પાસે ખૂબ પૈસા છે તો આ કંપની તેને સુરક્ષિત રીતે ઠેકાણે પાડવામાં તમને મદદ કરે છે. આ તમારા નામે નકલી ઓફશોર કંપની ખોલે છે. ઓફશોર કંપનીઓ એ હોય છે, જેનું રજિસ્ટ્રેશન અન્ય કોઈ દેશમાં કરવામાં આવે છે અને એ કારોબાર કોઈ બીજા દેશમાં કરે છે. આ રીતે મોટાભાગની કંપનીઓ ગુમનામ હોય છે. તેના માલિક કોણ છે, કોના પૈસા લાગેલા છે, જેવી તમામ બાબતો ગુપ્ત રાખવામાં આવે છે. એટલે કે આપ મોસ્સૈક ફોંસેકને ફી આપો અને તે તમારા નામથી સિક્રેટ અને સરળ ટેક્સ સિસ્ટમવાળા દેશોમાં નકલી કંપનીઓ બનાવી દેશે.

તો શું ઓફશોર કંપનીઓ બનાવવી ગેરકાયદે છે?
બિઝનેસ માટે ઓફશોર કંપનીઓ બનાવવી ગેરકાયદે નથી પરંતુ ઘણીવાર આવી કંપનીઓનો ઉપયોગ ટેક્સની ચોરી અને મની લોન્ડરીંગ માટે કરવામાં આવે છે. આથી આશંકા વ્યક્ત થાય છે કે જે લોકોનાં નામ આ લિસ્ટમાં છે, તેમનો ઉદ્દેશ પણ આવો જ હોઈ શકે છે.

ખુલાસામાં કયા ભારતીયોના નામ સામેલ છે?
ઈન્ડિયન એક્સપ્રેસના અનુસાર, આ લિસ્ટમાં 500 ભારતીયો, કંપનીઓ અને ટ્રસ્ટના નામ છે. મોટા નામોમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિનેતા અજય દેવગણ, મશહૂર વકીલ હરીશ સાલ્વે, પત્રકાર કરણ થાપર, છત્તીસગઢના પૂર્વ સીએમ રમણસિંહના પુત્ર અભિષેક સિંહ, ડીએલએફના પ્રમોટર કે પી સિંહ, ઈન્ડિયાબુલ્સના સમીર ગેહલોત, ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી, અંડરવર્લ્ડ ડોન ઈકબાલ મીર્ચી, જૂટ અને ચાનો કારોબાર કરનારા શિશિર કે બાજોરિયા, અપોલો ટાયર્સના ઓમકાર કંવર, રેડિમેડ વસ્ત્રોના વેપારી ગોવિંદ સમતાણી, વિશ્લવ બહાદુર અને હરીશ મોહનાની, બર્કલે ઓટોમોબાઈલ્સના રંજીત દહુજા, કપિલ સેન ગોયલ અને પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીના પુત્ર જહાંગીર એસ સોરાબજીના નામ સામેલ છે.

ખુલાસામાં સામેલ વિદેશી મોટા નામ પણ જાણી લો
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ગોલ્ફ પ્લેયર ટાઈગર વુડ્સ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને બેનઝીર ભુટ્ટો, સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સવૈદ, બ્રિટનના પૂર્વ પીએમ ડેવિડ કેમરોનના પિતા, મશહૂર ફૂટબોલર લિયોનલ મૈસી, હોલિવૂડ સ્ટાર જેકી ચેન, ઈજિપ્તના પૂર્વ સરમુખત્યાર, હોસ્ની મુબારક, લિબિયાના પૂર્વ સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફી, સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ, ફ્રાંસના મશહૂર ફૂટબોલર માઈકલ પ્લાટિનીના નામ લિસ્ટમાં સામેલ છે.

અમિતાભ અને ઐશ્વર્યા રાય બચ્ચન પર શું આરોપ છે?
અમિતાભ બચ્ચનને ટેક્સ હેવન દેશોમાં 1993માં બનેલી ચાર શેલ કંપનીઓનાં ડાયરેક્ટર બનાવાયા હતા. આ કંપનીઓની ઓથોરાઈઝ્ડ કેપિટલ 5થી 50 હજાર ડોલર વચ્ચે હતી પરંતુ આ કંપનીઓ એ શિપ્સનો કારોબાર કરી રહી હતી, જેની કિંમત કરોડોમાં હતી.

ઐશ્વર્યાને અમિક પાર્ટનર્સ પ્રાઈવેટ લિમિટેડના નામની એક કંપનીના ડાયરેક્ટર બનાવાયા હતા. ત્યારપછી તેમને કંપનીના શેર હોલ્ડર બનાવી દેવાયા હતા. તેનું હે઼ડક્વાર્ટર ટેક્સ હેવન દેશ વર્જિન આઈલેન્ડ્સમાં હતું. ઐશ્વર્યા ઉપરાંત પિતા કે. રાય, માતા વૃંદા રાય અને ભાઈ આદિત્ય રાય પણ કંપનીમાં તેમના પાર્ટનર હતા. 2005માં બનેલી આ કંપની 3 વર્ષ પછી 2008માં બંધ થઈ ગઈ હતી. આરોપ છે કે ટેક્સ બચાવવા માટે આ શેલ કંપની બનાવાઈ હતી.

ભારતમાં આ કેસની તપાસ ક્યાં સુધી પહોંચી?
પનામા પેપર્સમાં ભારતીયોનાં નામ સામે આવ્યા પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ તેની તપાસ શરૂ કરી હતી. CBDTએ અનેક લોકોને કાયદાકીય નોટિસ મોકલીને જવાબ માગ્યા હતા.

જૂન 2021 સુધી CBDTએ આ કેસમાં 20078 કરોડ રૂપિયાની કુલ અઘોષિત સંપત્તિની ઓળખ કરી. આ સાથે જ અલગ-અલગ અદાલતોમાં કાળા નાણાં અધિનિયમ અને આવકવેરા કાયદા અંતર્ગત 46 કેસ દાખલ કર્યા છે.

આ અગાઉ એપ્રિલ 2018માં CBDTએ 1088 કરોડ અને જૂન 2019 સુધી 1564 કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિની ઓળખ કરી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાને ગુમાવવી પડી હતી ખુરશી
પનામા પેપર્સમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું પણ નામ હતું. નવાઝ શરીફના પુત્રો હુસેન અને હસન અને પુત્રી મરિયમ નવાઝે વર્જિન આઈલેન્ડમાં ચાર કંપનીઓ શરૂ કરી હતી. આ કંપનીઓથી લંડનમાં છ મોટી પ્રોપર્ટીઝ ખરીદવામાં આવી. શરીફ પરિવારે આ પ્રોપર્ટીઝને ગિરવી મૂકીને ડૉઅચે બેંકમાંથઈ લગભગ 70 કરોડ રૂપિયાની લોન લીધી હતી.

પનામા પેપર્સમાં નામ આવ્યા પછી કેસની તપાસ માટે એક જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન ટીમ (JIT)ની રચના કરવામાં આવી હતી. જેઆઈટીએ તપાસ પછી 10 જુલાઈ, 2017ના રોજ સુપ્રીમ કોર્ટની સામે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. 28 જુલાઈ, 2017ના રોજ સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે શરીફ વિરુદ્ધ કેસ નોંધીને અને શરીફને પીએમ પદ માટે અયોગ્ય ઠેરવવાનો પણ આદેશ આપ્યો હતો. 6 જુલાઈ 2018ના રોજ શરીફને 10 વર્ષની સજા પણ થઈ.

પનામા કેસમાં નામ આવ્યા પછી આઈસલેન્ડના વડાપ્રધાન સિંગમંડર ગુનલૉગસને પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.