ભાસ્કર એક્સપ્લેનર:54 વર્ષ પછી હરિયાણાના સરકારી કર્મચારી RSSની શાખાઓમાં સામેલ થઈ શકશે, જાણો કયા રાજ્યોમાં હજુ પણ જારી છે પ્રતિબંધ?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હરિયાણા સરકારે સરકારી કર્મચારીઓ પરનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ગતિવિધિઓમાં સામેલ થવા અંગેનો પ્રતિબંધ હટાવી લીધો છે. હરિયાણા સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક સર્ક્યુલર જારી કરીને તેની જાણકારી આપી છે.

સર્ક્યુલરમાં પ્રતિબંધ સાથે જોડાયેલા આદેશો પરત લઈ લીધા છે, જેના અંતર્ગત સરકારી કર્મચારીઓના RSSની ગતિવિધિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ લાગ્યો હતો. એટલે કે હવે હરિયાણા સરકારના કર્મચારી RSSની પ્રવૃતિઓમાં ખુલીને ભાગ લઈ શકશે.

આવો સમજીએ, હરિયાણા સરકારનો આ આદેશ શું છે? RSSની શાખાઓમાં જવા પરનો પ્રતિબંધ ક્યારે લગાવાયો હતો? પ્રતિબંધ લગાવવા પાછળનું કારણ શું હતું? અને અત્યારે કયા-કયા રાજ્યોમાં સરકારી કર્મચારીઓ પર આ પ્રકારનો પ્રતિબંધ છે?

સૌપ્રથમ હરિયાણા સરકારનો નિર્ણય સમજી લઈએ
હરિયાણાના સરકારી કર્મચારી હવે RSSની પ્રવૃતિઓમાં સામેલ થઈ શકશે. સરકારે 1967 અને 1980માં લગાવેલા પ્રતિબંધવાળા આદેશોને પરત લઈ લીધા છે. જો કે રાજનીતિમાં કર્મચારીઓના ભાગ લેવા પર, પ્રચાર કરવા અને વોટ માગવા પર હજુ પણ પ્રતિબંધ જારી રહેશે. 1967 અને 1980માં લગાવનારી સરકારોએ RSSને રાજકીય સંગઠન માન્યું હતું. જ્યારે RSS ખુદને સાંસ્કૃતિક સંગઠન કહે છે.

કેન્દ્રએ સરકારી કર્મચારીઓ પર આ પ્રકારનો પ્રતિબંધ ક્યારે લગાવ્યો હતો?

  • 30 નવેમ્બર 1966ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કર્યો હતો. તેના પ્રમાણે મંત્રાલયે કેન્દ્રીય સિવિલ સેવા (આચરણ) નિયમ, 1964નો હવાલો આપીને કહ્યું હતું કે કોઈપણ સરકારી કર્મચારી કોઈપણ રાજકીય પાર્ટી સાથે સભ્ય તરીકે કે અન્ય કોઈ રીતે જોડાયેલ નહીં હોય. આ નિયમમાં એ સંગઠનોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે રાજકીય નહોતા. પરંતુ કોઈને કોઈ રીતે રાજનીતિ સાથે જોડાયેલા હતા.
  • આ આદેશમાં RSS અને જમાત-એ-ઈસ્લામીનો પણ ઉલ્લેખ હતો. કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ બંને સંગઠનોની ગતિવિધિઓને એ રીતે માની છે કે તેમાં સરકારી કર્મચારીઓની ભાગીદારી કેન્દ્રીય સિવિલ સેવા (આચરણ) નિયમ 1964નું ઉલ્લંઘન કરશે. આથી કોઈપણ સરકારી કર્મચારી જે આ સંગઠનોનું સભ્ય છે કે તેની સાથે જોડાયેલ છે તે અનુશાસનાત્મક કાર્યવાહી માટે ઉત્તરદાયી રહેશે.
  • આ વિષય પર 1975માં ફરીવાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોટિફિકેશન જારી કર્યુ હતું. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે 1966ના આદેશોનું ઉલ્લંઘન કરવા પર 7 વર્ષની કેદ કે દંડ કે બંને થઈ શકે છે.

પ્રતિબંધ લગાવવાનું કારણ પણ જાણી લો
કેન્દ્ર સરકારે આદેશમાં સિવિલ સેવા (આચરણ) નિયમ, 1964નો હવાલો આપતા પ્રતિબંધ લગાવ્યો હતો. કહેવાયું હતું કે સરકારી કર્મચારીઓની ભાગીદારી આ નિયમોનું ઉલ્લંઘન કરે છે. જાણીએ સિવિલ સેવા (આચરણ) નિયમ, 1964 શું છે...

સિવિલ સેવા (આચરણ) નિયમ, 1964ના રૂલ-6 અનુસાર,

કોઈપણ સરકારી કર્મચારી કોઈ એવા સંગઠનમાં સામેલ નહીં થાય કે તેનો સભ્ય નહીં હોય, જેનો ઉદ્દેશ કે પ્રવૃતિઓ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા કે જાહેર વ્યવસ્થા કે નૈતિકતાની વિરુદ્ધ હોય.

કેન્દ્રની જનતા પાર્ટી સરકારે હટાવ્યો હતો પ્રતિબંધ
દેશમાં ઈમર્જન્સી હટ્યા પછી સામાન્ય ચૂંટણી થઈ. તેના પછી જનતા પાર્ટીની સરકાર બની. કેન્દ્રની નવી સરકારે સરકારી કર્મચારીઓ પર લાગેલા આ પ્રતિબંધને હટાવી દીધો પણ 1980માં કોંગ્રેસ સરકારે ફરીથી પ્રતિબંધ લાગુ કરી દીધો હતો.

હરિયાણા સરકારે કયા આધારે પ્રતિબંધ હટાવ્યો છે?
હરિયાણા સરકારના સામાન્ય વહીવટ વિભાગે પત્રમાં કહ્યું છે કે 1967, 1970 અને 1980માં પ્રથમ જારી કરેલા આદેશોને તત્કાળ અસરથી પરત લેવામાં આવે છે કેમકે તે હવે પ્રાસંગિક નથી.

  • જાન્યુઆરી 1967માં તત્કાલિન હરિયાણા સરકારે સરકારી કર્મચારીઓને RSSની પ્રવૃતિઓમાં સામેલ થવા માટે પ્રતિબંધિત કરી દીધા હતા. પંજાબ સરકારી કર્મચારી (આચાર) નિયમાવલી, 1966ના નિયમ 5(1) અંતર્ગત RSSને રાજકીય સંગઠન માનવામાં આવ્યું હતું. તેની ગતિવિધિઓમાં ભાગ લેવા પર સરકારી કર્મચારીઓ વિરુદ્ધ નિયમાનુસાર અનુશાસનાત્મક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. આ આદેશ હરિયાણાના મુખ્ય સચિવ તરફથી જારી કરાયો હતો.
  • એપ્રિલ 1980માં એક અન્ય સર્ક્યુલરમાં કહેવાયું હતું કે હરિયાણામાં RSSની પ્રવૃતિઓમાં ભાગ લેવા પર સરકારી કર્મચારીઓ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

કયા-કયા રાજ્યોમાં કર્મચારીઓ પર આ પ્રકારનો પ્રતિબંધ હજુ લાગુ છે?

  • રાજસ્થાન સરકારના કાર્મિક વિભાગે 1981માં એક સર્ક્યુલર જારી કરીને RSS સહિત 17થી વધુ સંગઠનોની યાદી જારી કરી હતી. સરકારી કર્મચારી એ યાદીમાં અપાયેલા કોઈપણ સંગઠન સાથે કોઈપણ પ્રકારનું જોડાણ ન રાખી શકે.
  • જમ્મુ-કાશ્મીરમાં જો કોઈ સરકારી કર્મચારી આવા સંગઠનો સાથે જોડાયેલ હોય તો તેને સેવામાંથી બરખાસ્ત પણ કરી શકાય છે. 2019માં ગૃહ મંત્રાલયના સર્ક્યુલર અનુસાર જમાત એ ઈસ્લામીને 5 વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવાયું છે.

કયા રાજ્ય આ પ્રતિબંધને હટાવી ચૂક્યા છે?

  • 2006માં મધ્યપ્રદેશની શિવરાજ સરકારે સરકારી કર્મચારીઓ પર લાગેલા આ પ્રતિબંધને હટાવી દીધો હતો. સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે મધ્યપ્રદેશ નાગરિક સેવા (આચરણ) નિયમ, 1965ના નિયમ 5(1) RSS પર લાગુ થતો નથી.
  • 2015માં છત્તીસગઢની ભાજપા સરકારે પણ એક સર્ક્યુલર જારી કરીને રાજ્ય સરકારના કર્મચારીઓ પરથી RSSની પ્રવૃતિઓમાં સામેલ થવા પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો.
  • હિમાચલ પ્રદેશમાં પણ 2008માં સરકારી કર્મચારીઓને RSSની પ્રવૃતિઓમાં સામેલ થવાની છૂટ આપવામાં આવી હતી.
  • વર્ષ 2000માં ગુજરાત સરકારે પણ રાજ્ય સરકારના કર્મચારીઓ પર RSSની પ્રવૃતિઓણાં સામેલ થવા પરનો પ્રતિબંધ હટાવ્યો હતો.

કોંગ્રેસે આ નિર્ણય પર શું કહ્યું છે?

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે હવે હરિયાણાના કર્મચારીઓને ‘સંઘ’ની શાખાઓમાં ભાગ લેવાની છૂટ. સરકાર ચલાવી રહ્યા છે કે ભાજપા-RSSની પાઠશાળા!