ભાસ્કર એક્સપ્લેનર:29 વર્ષ પછી પાકિસ્તાનને મળી કોઈ ICC ઇવેન્ટ, પરંતુ ભારત નહીં જાય તો કંગાળ PCB થઈ જશે બરબાદ

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ICCએ 2024થી 2031 દરમિયાન યોજાનારી ICC ઈવેન્ટની યાદી જારી કરી છે. આ દરમિયાન 14 દેશ ICCની વ્હાઈટ બોલ ઈવેન્ટ્સના યજમાન બનશે. એમાં પાકિસ્તાન પણ સામેલ છે. પાકિસ્તાન 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન બનશે. મંગળવારે થયેલા આ એલાન પછી એ વાતની ચર્ચા છે કે ભારતે એમાં ભાગ લેવો જોઈએ છે કે નહીં.

ભારત જો આ ઈવેન્ટમાં સામેલ ન થાય તો કંગાળ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સંપૂર્ણપણે બરબાદ થઈ શકે છે. આ ડરને કારણે જ PCB ચેરમેન રમીઝ રઝા કહી ચૂક્યા છે કે ભારત ઈચ્છે તો PCBને બરબાદ કરી શકે છે.

8 વર્ષમાં કેટલી ICC ઈવેન્ટ ક્યાં થશે? એમાંથી કેટલી ભારતમાં હશે? કેટલા દેશોમાં પ્રથમવાર કોઈ ICC ઈવેન્ટ હશે? પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શું ભારત સામેલ થશે? જો ભારત પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામેલ ન થાય તો શું થશે? પાકિસ્તાન ક્રિકેટ માટે આ કેટલી મોટી ઈવેન્ટ હોય શકે છે? આવો, જાણીએ...

8 વર્ષમાં કેટલી ICC ઈવેન્ટ ક્યાં હશે?
2024થી 2031 સુધી 8 ICC ઈવેન્ટ્સનું આયોજન થશે. એમાં 4 ટી-20 વર્લ્ડ કપ, 2 વનડે વર્લ્ડ કપ અને 2 ચેમ્પિયન્સ ટ્રોફી સામેલ છે. આ 8 ICC ઈવેન્ટ્સના યજમાન 14 દેશ બનશે. 2025 અને 2029માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન એક-એક દેશ કરશે. જ્યારે ટી-20 અને વનડે વર્લ્ડ કપમાં બે કે ત્રણ દેશ સહ-યજમાન હશે.

સૌપ્રથમ ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પાકિસ્તાન છે. જ્યારે 2029ની ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન ભારત છે. આ રીતે 2027ના વનડે વર્લ્ડ કપના યજમાન સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા છે. આફ્રિકન દેશોમાં 24 વર્ષ પછી કોઈ ICC ઈવેન્ટનું આયોજન થશે. આ અગાઉ 2003નો વનડે વર્લ્ડ કપ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને કેન્યામાં રમાયો હતો.

ટી-20 વર્લ્ડ કપનું આયોજન દર બે વર્ષે થવાનું છે. 2024માં આ વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં યોજાશે. 2026માં ભારત-શ્રીલંકા, 2028માં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ અને 2030ના ટી-20 વર્લ્ડ કપના યજમાન ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ કરશે.

પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શું ભારત ભાગ લેશે?
રમતગમતમંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે આ મામલે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું-જ્યારે કોઈ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપનું આયોજન થાય છે તો અનેક પાસાઓ પર વિચાર કરવામાં આવે છે. પાકિસ્તાનમાં સ્થિતિ સામાન્ય નથી. આ કારણથી અનેક દેશોએ પાકિસ્તાન પહોંચ્યા પછી પણ ત્યાં રમવાનો ઈનકાર કરી દીધો છે.

ઠાકુરે કહ્યું હતું કે જ્યાં સુધી ભારતની આ હરીફાઈમાં સામેલ થવાની વાત છે તો જ્યારે સમય આવશે તો નિર્ણય લેવામાં આવશે. ભારત સરકાર અને ગૃહ મંત્રાલય દરેક પાસા પર વિચાર કરીને નિર્ણય લેશે. ઠાકુરે કહ્યું હતું કે પાકિસ્તાનમાં ટીમો પર આતંકી હુમલા થઈ ચૂક્યા છે. આ મોટી ચિંતાનું કારણ છે.

જો ભારત પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામેલ ન થાય તો શું થશે?
BCCI ક્રિકેટની સૌથી તાકાતવર સંસ્થા છે. ICCમાં ભારતનું કદ એવું જ છે જેવું UNમાં અમેરિકાનું છે. હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેરમેન રમીઝ રઝા પણ આ વાત માની ચૂક્યા છે. રઝાએ એક નિવેદનમાં કહ્યું હતું કે જો ભારત ઈચ્છે તો તે PCBને બરબાદ પણ કરી શકે છે, કેમ કે, ICCની 90% ફંડિંગ ભારતથી આવે છે. જે એ દર્શાવે છે કે આ રમત ભારત અને અહીંનાં બિઝનેસ ગૃહો ચલાવી રહ્યાં છે.

PCB ચીફે કહ્યું હતું કે PCBના બજેટનું 50% ફંડ ICCમાંથી આવે છે. રઝાએ કહ્યું હતું કે સમય આવી ચૂક્યો છે કે આપણે ICC પર નિર્ભરતા ઓછી કરીએ અને લોકલ માર્કેટમાંથી ફંડ મેળવીએ. આનાથી અંદાજ લગાવી શકાય છે કે જો ભારત કોઈ ICC ઈવેન્ટમાંથી હાથ પાછા ખેંચી લે તો એ ઈવેન્ટનું શું થશે. પાકિસ્તાન જ નહીં, અનેક દેશોના ક્રિકેટની ભારત પર નિર્ભરતા છે.

અન્ય એક વાત 2007માં યોજાયેલા વનડે વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં જ ભારત બહાર નીકળી ગયું હતું. એના પછી ICCની આ ઈવેન્ટ ખરાબ રીતે ફ્લોપ રહી. વર્લ્ડ કપના આયોજક વેસ્ટ ઈન્ડીઝ બોર્ડને એનાથી મોટું નુકસાન થયું હતું. ભારત બહાર નીકળવાથી જો બોર્ડ ખોટમાં ચાલ્યા જાય છે તો જો ભારત સામેલ ન થાય તો તેના આયોજક પાકિસ્તાનને કેટલું નુકસાન થશે એનો અંદાજ મેળવી શકાય છે.

પાકિસ્તાન ક્રિકેટ માટે આ કેટલી મોટી ઈવેન્ટ હોય શકે છે?
1996 પછી પાકિસ્તાનમાં કોઈ ICC ઈવેન્ટ થઈ નથી. એ સમયે પાકિસ્તાન, ભારત અને શ્રીલંકા વનડે વર્લ્ડ કપના સહ-યજમાન હતા. 29 વર્ષ પછી 2025માં પાકિસ્તાનમાં કોઈ ICC ઈવેન્ટ થશે. 2009માં પાકિસ્તાનની મુલાકાતે ગયેલી શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકી હુમલા પછીથી પાકિસ્તાનમાં ક્રિકેટની ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.

હાલનાં વર્ષોમાં કેટલાક દેશોએ પાકિસ્તાનની મુલાકાત જરૂર કરી, પરંતુ આ વર્ષે પાકિસ્તાનના પ્રવાસે ગયેલી ન્યૂઝીલેન્ડ ટીમે સુરક્ષાનાં કારણોનો હવાલો આપીને સિરીઝની પ્રથમ મેચના અડધા કલાક અગાઉ પ્રવાસ રદ કરી દીધો હતો. ઈંગ્લેન્ડે પણ પાકિસ્તાનના પ્રવાસે આવવાનું હતું. તેણે પણ સુરક્ષા કારણોનો હવાલો આપીને પ્રવાસ કેન્સલ કરી નાખ્યો હતો.